આઝમ ખાને એવી શું ટિપ્પણી કરી કે લોકસભામાં હંગામો થઈ ગયો?

આઝમ ખાન Image copyright Getty Images
ફોટો લાઈન સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના નિવેદન પર હંગામો

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના એક નિવેદનના કારણે લોકસભામાં જોરદાર હંગામો થયો હતો.

લોકસભામાં ટ્રિપલ તલાકની ચર્ચા ચાલી રહી હતી.

આઝમ ખાન પોતાની વાત રાખવા માટે ઊભા થયા તો સ્પીકરની ખુરસી પર ભાજપનાં સાંસદ રમા દેવી બેઠાં હતાં.

રમા દેવીએ આઝામ ખાનને આસનને સંબોધિત કરવાનું કહ્યું.

જે બાદ આઝમ ખાને એ ટિપ્પણી કરી જેને લઈને વિવાદ શરૂ થઈ ગયો.

રમા દેવીએ આઝમ ખાનના નિવેદન પર આપત્તિ દર્શાવતાં તેમને માફી માગવાનું કહ્યું.

રમા દેવીએ કહ્યું, "આ બોલવાની રીત નથી. કૃપા કરીને આ ટિપ્પણીને રેકૉર્ડમાંથી હટાવી દેવામાં આવે."

જે બાદ આઝમ ખાને સફાઈ આપી અને કહ્યું, "તમે ખૂબ જ સન્માનિત છો. તે મારાં બહેનની જેમ છો."


ભાજપે નિવેદન મામલે વાંધો ઉઠાવ્યો

Image copyright Getty Images
ફોટો લાઈન કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ

જોકે, લોકસભામાં ત્યારબાદ પણ હંગામો થંભ્યો નહીં. ભાજપના સાંસદો આઝમ ખાનની માફી માગવાની વાતને દોહરાવતા રહ્યા.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ નિવેદન પર વાંધો લેતા તેમને માફી માગવાનું કહ્યું.

જ્યારે અર્જુન રામ મેઘવાલે કહ્યું, "આઝમ ખાનની વાતોમાં દુષ્ટતા છલકાય છે."

જોકે, હંગામાની વચ્ચે આઝમ ખાને દાવો કર્યો કે તેમણે કંઈ ખોટું કહ્યું નથી.

આઝમ ખાને કહ્યું, "મેં અસંસદીય શબ્દો કહ્યા હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું."


અખિલેશ યાદવે શું કહ્યું?

ફોટો લાઈન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ

સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવે આઝમ ખાનનો બચાવ કરતાં કહ્યું કે તેમનો આશય ખોટો ન હતો.

અખિલેશ યાદવે કહ્યું, "જે મેં સાંભળ્યું અને જોયું, તેમની ભાષા અને ભાવનામાં કંઈ ખોટું ન હતું. જો તે અંસસદીય હતું તો તેને રેકૉર્ડમાંથી કાઢી નાખો."

અખિલેશ યાદવે ભાજપના સાંસદોની બોલવાની રીત પર પણ સવાલો ઉઠાવ્યા.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તમામ સભ્યોને સલાહ આપી કે સદનમાં મર્યાદા જાળવતાં પોતાની વાત રાખે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો