TOP NEWS : આપઘાત કરનાર ડૉ. પાયલ તડવી પર થતી જાતિવાદી ટિપ્પણી

પાયલની તસવીર Image copyright FACEBOOK/PAYAL TADVI

મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરનાર દલિત ડૉક્ટર પાયલ તડવી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેના પર જાતીય ટિપ્પણી કરવામાં આવતી હતી.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ગાયનેકૉલૉજી વિભાગના એક હેલ્પરે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ડિસેમ્બર 2018માં ડૉક્ટર હેમા આહુજા, અંકિતા ખંડેલવાલ અને ભક્તિ મેહારેએ તડવીને કહ્યું હતું, "આ કામ કોણ કરશે, આ તારું કામ નહીં તો કોનું કામ છે? તું નીચી જાતિની હોવા છતાં અમારી બરાબરી કરીશ?"

અન્ય એક નિવેદનમાં પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે આરોપી ડૉક્ટરોએ પાયલને કહ્યું હતું, "ઓ આદિવાસી, તું અહીં કેમ આવી છે? તું ડિલિવરી કરવા લાયક નથી. તું અમારી બરાબરી કરે છે..."

પાયલ તડવીએ 22 મેના દિવસે ટીએન ટોપીવાલા નેશનલ મેડિકલ કૉલેજની હૉસ્ટેલના પોતાના રૂમમાં ગળેફાંસો ખાધો હતો.

પોલીસે આ કેસમાં ત્રણ મહિલા ડૉક્ટરોની આત્મહત્યા માટે ઉશ્કેરણી અને જાતિવાદી ભેદભાવના આરોપમાં ધરપકડ કરી છે.


પાંચ વર્ષમાં 1,127 અધિકારીઓ લાંચ લેતા પકડાયા

Image copyright Getty Images

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 1,127 સરકારી અધિકારી અને કર્મચારીઓ લાંચ લેતા પકડાયા હોવાનું જાણવા મળ્યું છે.

'ઇન્ડિન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી રજૂ કરાઈ હતી.

અહેવાલમાં જણાવ્યા અનુસાર સૌથી વધુ ધરપકડ અમદાવાદમાં થઈ છે. વર્ષ 2015માં અમદાવાદમાં આવા સૌથી વધુ 49 કેસો નોંધાયા હતા.

માહિતી અનુસાર અમદાવાદ બાદ વડોદરા અને સુરતમાં સૌથી વધુ આવા કેસો નોંધાયા છે.

સરકારી આંકડા પરથી ખ્યાલ આવે છે કે 934 કેસમાં 1127 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી ઓછી 1300 રૂપિયાની લાંચ લીધી હોવાની વિગત સામે આવી છે. જેમાં બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી.

એ જ વર્ષે મહીસાગર જિલ્લામાં એક અધિકારીને રૂપિયા 2000ની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા હતા.


આરટીઆઈ બિલ ધ્વનિમતથી પાસ

Image copyright Getty Images

રાજ્યસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે આરટીઆઈ બિલ ધ્વનિમતથી પાસ થઈ ગયું.

આરટીઆઈ બિલને સિલેક્ટ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો અને પ્રસ્તાવની વિરુદ્ધ 117 અને વિપક્ષમાં 75 મત પડ્યા.

જોકે, વોટિંગ પહેલાં કૉંગ્રેસના સભ્યોએ સદનમાંથી વૉકઆઉટ કર્યું હતું.

સરકારે આ બિલ માટે અગાઉથી જરૂરી સંખ્યા નક્કી કરી રાખી હતી. એનડીએની બહારની પાર્ટીઓએ પણ તેમને સમર્થન આપ્યું હતું.

ટીઆરએસ, બીજેડી અને પીડીપી આ બિલ મુદ્દે સરકારને સમર્થન આપ્યું હતું.

તો વાયએસઆર કૉંગ્રેસે પણ આરટીઆઈ સંશોધન બિલને લઈને સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો.

સરકારની દલીલ છે કે આરટીઆઈ બિલમાં બંધારણીય ઢાંચાથી કોઈ ચેડાં કરવામાં આવ્યાં નથી. તેમજ તેનાથી રાજ્યના અધિકારો પર કોઈ હસ્તક્ષેપ નહીં થાય.


કેસ લિસ્ટિંગ પર સીજેઆઈ નારાજ

Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કોર્ટમાં કેસની સુનાવણી માટે વકીલોની લાગતી લાઇનો પર નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે કેસના લિસ્ટિંગ માટે વકીલોએ લાઇનમાં ન રહેવું પડે એ માટે ઘણી કોશિશ કરી છે. જોકે તેનો કોઈ ફાયદો થયો નથી.

તેમણે કહ્યું, ''દરરોજ હું જોઉ છું કે વકીલોની ભીડ હોય છે. મૂળ રીતે આ કંઈક ખોટું છે. ઘણા પ્રયત્નો છતાં હું સિસ્ટમમાં કોઈ ફેરફાર લાવી શક્યો નથી.''

તેમણે કહ્યું કે પંજાબ અને હરિયાણા કોર્ટમાં દરરોજ 600 નવા કેસ ફાઇલ થાય છે અને તે એ જ દિવસે સુનાવણી માટે લિસ્ટમાં આવી જાય છે.

તો સુપ્રીમ કોર્ટમાં 1000 નવા કેસ આવે છે અને તે એક અઠવાડિયા સુધી પણ લિસ્ટમાં આવતા નથી.


ઈરાન સાથે વાતચીત માટે અમેરિકા તૈયાર

Image copyright EPA

અમેરિકાના વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ છતાં તેઓ ઈરાનમાં જઈને ત્યાં લોકો સાથે સીધી વાત કરવા માટે ઇચ્છુક છે.

એક ટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે તેઓ ખુશી ખુશી ત્યાં જશે. પ્રૉપગ્રેન્ડા માટે નહીં પણ ઈરાનના લોકોને એ સત્ય જણાવવા માટે કે તેમના નેતાઓએ દેશને કેટલું નુકસાન પહોંચાડ્યું છે.

આ પહેલાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ કહી ચૂક્યા છે કે તેઓ ઈરાન સાથે વાર્તા માટે તૈયાર છે.

તો બીજી તરફ ઉત્તર કોરિયા અંગે ટિપ્પણી કરતાં પૉમ્પિયોએ કહ્યું કે ઉત્તર કોરિયાએ મિસાઇલ લૉન્ચ કરી હોવા છતાં પણ અમેરિકા તેની સાથે વાતચીત માટે તૈયાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો