TOP NEWS: રાષ્ટ્રીય સુરક્ષા મામલે ભારત દબાણમાં નહીં આવે : નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

કારગિલ વિજયદિને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એવો પ્રસંગ છે કે જે દિવસે દેશનો નાગરિક શૌર્ય અને પ્રેરણાની ગૌરવમય ગાથાને યાદ કરે છે.

તેમણે કહ્યું, "આ પ્રસંગે હું એ દરેક શૂરવીરનો આભાર વ્યક્ત કરવા માગું છું જેણે કારગિલના પર્વતો પરથી તિરંગો ઉતારવાનું ષડ્યંત્ર નિષ્ફળ કર્યું હતું."

દિલ્હીના 'ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ' ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું કે સરકારો યુદ્ધ નથી લડતી, સમગ્ર દેશ લડે છે.

"સરકારો તો આવે અને જાય પણ દેશ માટે જીવન-મરણની પરવા નહીં કરનારા જ અમર થાય છે."

તેમણે કહ્યું, "સુરક્ષાદળોને આધુનિક કરવાની જરૂર છે, એ આપણી પ્રાથમિકતા છે. રાષ્ટ્રની સુરક્ષા માટે કોઈના દબાણમાં કામ થશે નહીં."

"ન કોઈના પ્રભાવમાં કે ન કોઈના અભાવમાં. ઊંડા સમુદ્રથી લઈને અનંત બ્રહ્માંડ સુધી ભારત પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરશે."


ભારતીય વાયુસેનાને 4 અપાચે ઍટેક હેલિકૉપ્ટર મળ્યાં

હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ યૂએસ સાથે ડીલ થયાનાં ચાર વર્ષ બાદ આખરે ભારતને પ્રથમ બૅચમાં 4 એએચ-64ઈ અપાચે હેલિકૉપ્ટર્સ મળ્યાં છે.

ડિજિટલ ટેક્નૉલૉજીથી સજ્જ અને કોઈ પણ વાતાવરણમાં ઉડવાની ક્ષમતા ધરવાતાં 22 ઍટેક હેલિકૉપ્ટર્સમાંથી 4 હેલિકૉપ્ટર્સ શનિવારે ભારતના હિંદોન એરબૅઝ પર પહોંચ્યાં.

યૂએસની બોઇંગ કંપનીના જણાવ્યા અનુસાર આવતા અઠવાડિયા સુધીમાં વધુ 4 હેલિકૉપ્ટર્સ ભારતને સોંપવામાં આવશે.

એએચ-64ઈ અપાચે હેલિકૉપ્ટર્સ વિશ્વનાં સૌથી આધુનિક હેલિકૉપ્ટર્સ છે, જેનો યૂએસની આર્મી ઉપયોગ કરે છે.

આઈએએફ દ્વારા યૂએસ સરકાર અને બોઇંગ લિમિટેડ સાથે સપ્ટેમ્બર 2015માં 22 અપાચેની ડીલ થઈ હતી.

બોઇંગના નિવેદનમાં જણાવ્યા અનુસાર, "વર્ષ 2020 સુધીમાં ભારત પાસે 22 અપાચે હશે."


જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય

Image copyright Getty Images

બહુચર્ચિત જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી છે.

ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ 59 બેઠકોમાંથી 54 બેઠકો પર ભાજપનો વિજય થયો, 4 બેઠક નેશનાલિસ્ટિક કૉંગ્રેસ પાર્ટીને મળી જ્યારે કૉંગ્રેસ માત્ર એક બેઠક પર જીત મેળવી શકી છે.

જૂનાગઢ નગરપાલિકામાં કૉંગ્રેસ અને ભાજપ બંને એક પછી એક સત્તા પર આવતા રહ્યા છે, તેથી આ વખતની ચૂંટણી પણ ચર્ચાનો વિષય બની હતી.


પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કૉંગ્રેસ નેતા જયપાલ રેડ્ડીનું અવસાન

પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયપાલ રેડ્ડીનું હૈદરાબાદ ખાતે શનિવારે નિધન થયું છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ છેલ્લા ઘણા દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી.

શનિવારે રાત્રે તબિયત વધુ લથડતાં તેમને એઆઈજી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધનું થયું હતું. તેઓ 77 વર્ષના હતા.

જયપાલ રેડ્ડી કૉંગ્રેસની યૂપીએ સરકારમાં વિજ્ઞાન અને ટેક્નૉલોજીના મંત્રી રહ્યા હતા.

1998માં આઈ. કે. ગુજરાલની સરકારની કૅબિનેટમાં તેમણે સૂચના અને પ્રસારણ મંત્રીનો હોદ્દો સંભાળ્યો હતો.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો