ઉન્નાવ રેપ અને અકસ્માત કેસ: યૂપી ભાજપે કહ્યું ધારાસભ્યને સસ્પેન્ડ કરેલા છે, પીડિતા અને વકીલની હાલત નાજુક

કુલદીપ સેંગર Image copyright Facebook Kuldeep Sengar

ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે અને આ કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેવું યૂપી ભાજપ અધ્યક્ષ સ્વતંત્રતા સિંહનું કહેવું છે.

સમાચાર સંસ્થા એએનઆઈને તેમણે કહ્યું કે ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપ સિંહ સેંગરને ક્યારના પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને તેઓ સસ્પેન્ડ જ રહેશે. આ મામલે સીબીઆઈ તપાસ કરાવવામાં આવશે.

બે દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ મૂકનાર પીડિતાનાં બે સંબંધીઓનાં પણ મોત થયાં છે. પીડિતા અને તેમના વકીલની હાલત ગંભીર જણાવાઈ રહી છે અને તેમનો ઇલાજ લખનૌની હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે.

આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે કલમ 302, 307, 506 અને 120-બી મુજબ ફરિયાદ નોંધી છે.

આ ફરિયાદમાં ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત 10 લોકોને આરોપી ઠેરવવામાં આવ્યા છે.

ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.

બળાત્કારના કેસમાં પીડિત અને તેમનાં વકીલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે.

ગઈકાલે પીડિતાનાં માતાએ બીબીસીના સહયોગી સમીરાત્મજ મિશ્રને કહ્યું કે "આ અકસ્માત નથી. આ બધું જાણીજોઈને કરાવવામાં આવ્યું છે. ધારાસભ્યના માણસો આ બધું કરી રહ્યા છે. અનેકવાર ધમકીઓ આપવામાં આવી છે. સમાધાન કરી લેવાનું દબાણ કરવામાં આવ્યું છે."

"ધારાસભ્ય આ બધુ જેલમાંથી કરાવી રહ્યા છે. ધારાસભ્ય પોતે ભલે જેલમાં હોય પણ એમના માણસો બહાર છે. અમને ન્યાય જોઈએ છે."

ઉન્નાવ રેપ કેસનાં પીડિતાનાં માતા લખનૌની કેજીએમયૂ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર હોંશ વગર ફરી રહ્યાં છે. તેઓ મીડિયાના સવાલોનો જવાબ એ રીતે આપે છે કે જાણે ઘડીકવારમાં ઘણું બધું કહી દેવા માગતાં હોય.


પ્રિયંકા ગાંધીની પીએમને અરજ

Image copyright AFP

આજે સવારે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને ટ્વીટ કર્યું હતું કે વડા પ્રધાન, ભગવાનને ખાતર ગુનેગાર અને તેમનાં ભાઈને પક્ષમાંથી હાંકી કાઢો. હજી પણ મોડું નથી થયું.

ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સામે બળાત્કારનો આરોપ કરનારા ઉન્નાવ રેપ કેસ પીડિતાને થયેલા અકસ્માત બાદ કુલદીપ સેંગરના રાજીનામાંની માગણી કરવામાં આવી રહી હતી.

અનેક લોકોએ કુલદીપ સેંગરને પક્ષમાંથી હાંકી કાઢવાની માગણી કરેલી હતી. અગાઉ પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે લખનૌમાં હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.

અગાઉ ગઈકાલે પીડિતાની સ્થિતિ જાણવા માટે લખનૌની કેજીએમસી હૉસ્પિટલ પહોંચેલાં દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે બીબીસી સંવાદદાતા અપૂર્વ કૃષ્ણને કહ્યું કે ''છોકરીની હાલત ખૂબ જ ગંભીર છે. એમને માથાને ભાગે ગંભીર ઈજા થઈ છે અને અનેક ફ્રૅકચર છે. તેઓ હજી હોશમાં નથી આવ્યાં અને ડૉક્ટરે મને કહ્યું કે એમની બચવાની સંભાવના ખૂબ જ ઓછી છે.''

સ્વાતિ માલીવાલે કહ્યું કે ''એમના વકીલની સ્થિતિ વધારે ગંભીર છે.''

સ્વાતિ માલીવાલે કહ્યું કે ''ડૉક્ટરો અને પરિવારજનોનું કહેવું છે કે ઘાયલોને વિમાનમાર્ગે દિલ્હી લઈ જવા જોઈએ, કેમ કે ત્યાં સારો ઇલાજ થઈ શકે છે. વળી, તેમનું એમ પણ કહેવું છે કે આરોપી કુલદીપ સેંગર હજી પણ ધારાસભ્ય છે અને પાર્ટીએ એમને સસ્પેન્ડ નથી કર્યા તો ઘાયલોના જીવને હજી પણ જોખમ છે. આને લીધે છોકરીને અને વકીલને દિલ્હી લાવવાની જરૂર છે.''

આ મામલે સ્વાતિ માલીવાલે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પર આરોપ મૂકયો છે.

ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.

ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."

"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."

Image copyright ANUBHAV SWARUP YADAV
ફોટો લાઈન આ ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો

તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."

"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."

પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.

જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.


ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ

Image copyright FACEBOOK/IKULDEEPSENGAR
ફોટો લાઈન ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર

ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.

કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.

સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.

જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.

મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."

"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."


શું છે મામલો?

Image copyright FACEBOOK/IKULDEEPSENGA

કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.

આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.

તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.

જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.

જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.

પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.

કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.

આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ