TOP NEWS: ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 36 કલાકમાં ભારે વરસાદની આગાહી

વરસાદ Image copyright Getty Images

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાકમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં ગુજરાતના અન્ય વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો છે.

સ્કાયમૅટ વેધર પ્રમાણે આગામી 36 કલાકમાં ડીસા, પાટણ, સુરેન્દ્રનગર, નવસારી, ડાંગ, સુરત, ભુજ, નલિયા, વડોદરા સહિતના જિલ્લાઓમાં સારા વરસાદની શક્યતા છે.

જોકે, ગુજરાતમા 27 જુલાઈ સુધીમાં વરસાદની 29 ટકા જેટલી ઘટ નોંધાઈ છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની 55 ટકા ઘટ છે.

સ્કાયમૅટ વેધર દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના પૂર્વ ભાગમાં 30 જુલાઈ બાદ વરસાદમાં વધારો નોંધાઈ શકે છે.


કર્ણાટક : વિશ્વાસમત પહેલાં 14 ધારાસભ્યો અયોગ્ય જાહેર

Image copyright Getty Images

કર્ણાટકમાં વિધાનસભા અધ્યક્ષે કૉંગ્રેસ અને જેડીએસના 14 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે.

આજે સોમવારે કર્ણાટકના નવા મુખ્ય મંત્રી યેદિયુરપ્પા ગૃહમાં બહુમત સાબિત કરવાના છે એ પૂર્વે ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરાતા રાજકીય મોરચે વિવાદ સર્જાયો છે.

વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે કહ્યું કે કૉંગ્રેસના 11 અને જેડીએસના ત્રણ ધારાસભ્યોએ પક્ષપલટા અંગેના કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

આ અગાઉ 25 જુલાઈએ કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યોને અધ્યક્ષ રમેશ કુમારે અયોગ્ય જાહેર કર્યા હતા. જેથી અયોગ્ય જાહેર કરાયેલા ધારાસભ્યોની સંખ્યા હવે 17 થઈ ગઈ છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વમુખ્ય મંત્રી સિદ્ધરમૈયાએ ટ્વીટ કરીને સ્પીકરના નિર્ણયને આવકાર્યો હતો.

તેમણે ટ્વીટ કર્યું હતું, "સ્પીકરના આ ઈમાનદાર નિર્ણયથી દેશના તમામ પ્રતિનિધિઓને સંદેશ મળશે કે જેઓ ભાજપની જાળમાં ફસાઈ શકે છે."

મહારાષ્ટ્રના રિસોર્ટ ખાતેથી જેડીએસના બળવાખોર ધારાસભ્ય એ. એચ. વિશ્વનાથે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ આ નિર્ણયના વિરોધમાં સોમવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે.


હૉંગકૉંગ : પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ યથાવત્

Image copyright EPA

હૉંગકૉંગમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે બે દિવસ બાદ પણ સંઘર્ષ યથાવત્ છે.

સરકારના વિધેયકના વિરોધમાં આ પ્રદર્શન થઈ રહ્યાં છે, આ વિધેયકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હૉંગકૉંગના ગુનેગારોને કેસ ચલાવવા માટે ચીનને સોંપી શકાશે.

પોલીસની કાર્યવાહી સામે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી રહ્યા છે અને વિરોધના બીજે દિવસે પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કર્યો હતો.

રવિવારે પરવાનગી ન મળી હોવા છતાં હૉંગકૉંગના સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તારો સાઈ વાન અને કૉઝવે પાસે હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા હતા.

પ્રદર્શનકારીઓએ સરકાર કચેરીઓ પાસે જાહેર માર્ગ પર બૅરિકેડ ઊભા કરીને 'ફ્રી હૉંગકૉંગ'ના નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓ માસ્ક અને હૅલમેટ પહેરીને ઊતર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો