ઉન્નાવ રેપ કેસ: ''આ અકસ્માત નથી, આ બધું જાણીજોઈને કરાવવામાં આવ્યું છે''

આરોપી કુલદીપ સેંગર Image copyright FACEBOOK/IKULDEEPSENGAR

"આ અકસ્માત નથી. આ બધું જાણીજોઈને કરાવવામાં આવ્યું છે. ધારાસભ્યના માણસો આ બધું કરી રહ્યા છે. અનેકવાર ધમકીઓ આપવામાં આવી છે. સમાધાન કરી લેવાનું દબાણ કરવામાં આવ્યું છે."

"ધારાસભ્ય આ બધું જેલમાંથી કરાવી રહ્યા છે. ધારાસભ્ય પોતે ભલે જેલમાં હોય પણ એમના માણસો બહાર છે. અમને ન્યાય જોઈએ છે."

ઉન્નાવ રેપ કેસનાં પીડિતાનાં માતા લખનૌની કેજીએમયૂ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર હોંશ વગર ફરી રહ્યાં છે. તેઓ મીડિયાના સવાલોનો જવાબ એ રીતે આપે છે કે જાણે ઘડીકવારમાં ઘણું બધું કહી દેવા માગતાં હોય.

એમનું કહેવું હતું કે એકાંતરે એમના ઘરના લોકોને જેલમાં નાખી દેવાની કે મારી નાખવાની ધમકી આપવામાં આવે છે.

બળાત્કાર પીડિતાના પરિવાર પર ફરી એકવાર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

જ્યારે તેઓ જેલમાં બંધ કાકાને મળવા ઉન્નાવથી રાયબરેલી જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં એક ટ્રક સાથે ટક્કર થતા એમનાં કાકી અને માસીનું મૃત્યુ થયું.

આ લોકો બળાત્કાર પીડિતા અને એમના વકીલ સાથે એક જ ગાડીમાં સવાર હતાં.

આ દુર્ઘટનામાં પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયાં છે અને એમનો ઇલાજ લખનૌમાં ચાલી રહ્યો છે.

આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે કલમ 302, 307, 506 અને 120-બી મુજબ ફરિયાદ નોંધી છે.

આ ફરિયાદમાં ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત 10 લોકોને આરોપી ઠેરવવામાં આવ્યા છે.


પોલીસના મતે અકસ્માત

Image copyright UP Police

બળાત્કાર પીડિતાનાં માતા જે વખતે મીડિયા સાથે વાત કરી રહ્યાં હતાં તે વખતે યૂપી પોલીસ મહાનિદેશક ઓપી સિંહનું નિવેદન આવ્યું કે 'પ્રથમ દ્ષ્ટિએ આ અકસ્માત લાગે છે અને આમાં કોઈ કાવતરું દેખાતું નથી.'

આ નિવેદન રાયબરેલી પોલીસ અધિક્ષક સુનીલ કુમાર સિંહના નિવેદન જેવું જ છે જે એમણે ઘટના બન્યાને દિવસે પ્રથમ જાણકારી તરીકે આપ્યું હતું.

સોમવારે આ મામલો સોશિયલ મીડિયાથી લઈને રાજકારણમાં ગરમાવા લાગ્યો ત્યારે લખનૌ ઝોનના એડિશનલ ડીજી રાજીવ કૃષ્ણે પત્રકારપરિષદ કરીને કેટલીક જાણકારી આપી.

એમણે કહ્યું કે 'ઘટનાસ્થળ પરથી તમામ નમૂના એકત્ર કરીને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.'

'તપાસનો અહેવાલ આવે તે પછી ઘટનાની સીબીઆઈ તપાસ કરાવવામાં આવશે. જે ટ્રક સાથે અકસ્માત થયો છે તેના ડ્રાઇવર, માલિક અને ક્લિનરની ધરપકડ થઈ ગઈ છે.'

જે ટ્રક સાથે અકસ્માત થયો છે તેની નંબર પ્લેટ પર મેશ ચોપડવામાં આવી હતી.

એડીજી રાજીવ કૃષ્ણે કહ્યું કે 'ટ્રક માલિકના જણાવ્યા અનુસાર તે સમયસર હપતા ચૂકવી નહોતો શક્યો અને ફાઇનાન્સર વારંવાર હેરાન કરી રહ્યા હતા. આને લીધે તેણે ટ્રકની નંબરપ્લેટ પર ગ્રીસ ચોપડી દીધું હતું.'


રાજનેતાઓ નથી માનતા અકસ્માત

Image copyright Twitter

આ કેસમાં તપાસ થશે. તપાસ એ વાતની પણ થશે કે સરકાર તરફથી છ સુરક્ષાકર્મીઓ આપવામાં આવ્યા હોવા છતાં પીડિતાની સાથે એ સમયે એક પણ સુરક્ષાકર્મી કેમ નહોતો?

જોકે, આ મામલે પીડિતાનાં માતા મીડિયાને કહે છે કે 'એ લોકોનો કોઈ દોષ નથી. એક સિપાહીના ઘરે કોઈ બીમાર હતું એટલે એ જતો રહ્યો અને ગાડીમાં જગ્યા પણ નહોતી.'

આ ઘટના પર ચારેતરફથી સવાલ ઉભા થઈ રહ્યાં છે.

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આને સીધી રીતે કાવતરું ગણાવે છે.

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આને અકસ્માત માનવા તૈયાર નથી અને યોગી સરકારની કાનૂન વ્યવસ્થાને મૃત ગણાવે છે.

દિલ્હી મહિલા પંચનાં અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પીડિતા અને પરિવારની મુલાકાત પછી કહ્યું છે કે 'આ મામલાની સુનાવણી ઉત્તર પ્રદેશની બહાર નહીં થાય તો પીડિતા કે તેના પરિવારને ન્યાય નહીં મળે.'


થ્રિલર ફિલ્મ જેવી કહાણી

Image copyright Anubhav Swaraup Yadav

28 જુલાઈએ થયેલા કથિત અકસ્માતની દુર્ઘટનામાં જે બે મહિલાઓનું મૃત્યુ થયું તે પૈકી એક પીડિતાના કેસમાં સાક્ષી પણ હતાં. એક અન્ય સાક્ષીનું મૃત્યુ થોડા દિવસ અગાઉ જ થયું છે.

બળાત્કાર પીડિતાના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને એમના કાકાને કેટલાક અન્ય કેસોમાં ધપકડ કરીને જેલમાં રાખવામાં આવ્યા છે.

પીડિતા અને અન્ય લોકો એમને મળવા જ જઈ રહ્યાં હતાં.

આ આખો કેસ થ્રિલર ફિલ્મની કહાણી જેવો છે.

કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.

પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.

આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.

તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.

જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મૃત્યુ થયું હતું. સગીરાના પિતાનાં મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.

જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.

પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજા દિવસે જ પીડિતના પિતાનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું અને સમગ્ર મામલો બહાર આવ્યો.

કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.

આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ