TOP NEWS : ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, કયા વિસ્તારોમાં પડશે વરસાદ?

ભારે વરસાદ Image copyright Getty Images

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગત 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાનની સરહદ નજીક આવેલા વાવ અને થરાદમાં 230મીમી વરસાદ નોંધાયો હતો.

જ્યારે દિયોદરમાં 102મીમી વરસાદ નોંધાયો હતો. વાવ અને થરાદ તાલુકાના ગામોમાં પાણી ભરાયા હતા. એનડીઆરએફની ટીમોને થરાદમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

મંગળવારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

જ્યારે પાટણ, બનાસકાંઠા, વલસાડ, નવસારી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

કેટલાક જિલ્લાઓમાં બુધવારે પણ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે.


CCDના માલિક વી. જી. સિદ્ધાર્થ લાપતા

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે કૅફે કૉફી ડેની ચેઇનના માલિક વી. જી. સિદ્ધાર્થ લાપતા છે.

તેઓ પૂર્વ વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વમુખ્ય મંત્રી એસ. એમ. ક્રિશ્નાના જમાઈ છે. તેઓ મેંગ્લૂરુની નેત્રાવતી નદી પાસેથી લાપતા થયા હતા. નેત્રાવતી નદીમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે સિદ્ધાર્થના ડ્રાઇવરે પોલીસને જણાવ્યું છે કે મેંગ્લૂરુથી ઉલ્લાલ પુલ સુધી તેઓ કારમાં હતા.

ડ્રાઇવરે એવું પણ કહ્યું કે તેમણે પુલના છેડે ગાડી ઊભી રખાવી અને ગાડીમાંથી ઊતરીને ચાલવા લાગ્યા. થોડી વારમાં જ તેઓ ગાયબ થઈ ગયા હતા.


જો નર્મદાનું પાણી ગુજરાત આવી શકે તો સિંહ મધ્ય પ્રદેશ કેમ નહીં?

Image copyright Getty Images

ગુજરાત અને મધ્ય પ્રદેશ વચ્ચે ચાલી રહેલા નર્મદાના પાણી અંગેના વિવાદ વચ્ચે હવે સિંહો મામલે પણ વિવાદ સર્જાયો છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશના વનમંત્રી ઉમંગ સિંઘરના ટ્વીટ બાદ આ વિવાદ સર્જાયો છે.

મધ્ય પ્રદેશના વનમંત્રીએ તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે "ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરી રહી છે."

"મધ્ય પ્રદેશથી નર્મદાનું પાણી ગુજરાત જઈ શકે તો ગીરથી સિંહ કૂનોમાં કેમ ન આવી શકે?"

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું છે, "ક્યાંક એવું ન થાય કે તમારી જીદમાં એશિયાઈ સિંહની પ્રજાતિ જ લુપ્ત થઈ જાય."

જોકે, મધ્ય પ્રદેશના વનમંત્રીના આ ટ્વીટને ગુજરાત સરકારે બેજવાબદાર નિવેદન ગણાવ્યું હતું.

ગુજરાત રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, "કૉંગ્રેસ આ મામલાને રાજકીય રંગે રંગી રહી છે. સિંહોના સ્થળાંતરનો મામલો સર્વોચ્ચ કોર્ટમાં છે એટલે એ અંગે હું કોઈ ટિપ્પણી કરવા માગતો નથી."

"મધ્ય પ્રદેશના મંત્રીનું નિવેદન કોઈ પણ ભોગે સ્વીકાર્ય નથી."


બ્રાઝિલની જેલમાં ગૅંગવૉર : 52 કેદીઓ માર્યા ગયા

Image copyright Getty Images

બ્રાઝિલના પારા રાજ્યની એક જેલમાં બે જૂથો વચ્ચે થયેલા ઘર્ષણમાં 52 કેદીઓનાં મૃત્યુ થયાં છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અલ્ટામિરા જેલમાં પાંચ કલાક સુધી ગૅંગવૉર ચાલી હતી.

સ્થાનિક મીડિયામાં પ્રકાશિત અહેવાલો પ્રમાણે જેલના એક ભાગમાં કેદ લોકો જેલના બીજા ભાગમાં પહોંચી ગયા હતા અને એ પછી ઘર્ષણ થયું હતું.

અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા કેદીઓ પૈકી 16નાં માથાં ધળથી અલગ કરી દેવાયાં હતાં.

સ્થાનિક મીડિયાના અહેવાલોમાં એવું પણ જાણવા મળે છે કે કેદીઓએ જેલના અધિકારીઓને બંધી બનાવી લીધા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો