ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પાસ, નરેન્દ્ર મોદીએ કહ્યું ઐતિહાસિક દિવસ

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પસાર થયા બાદ મંગળવારે રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા થઈ હતી અને મતદાન થયું હતું. મતદાનને અંતે બિલને પાસ કરી દેવામાં આવ્યું છે. હવે બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

મતદાનમાં બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાનો પ્રસ્તાવ નકારી કાઢવામાં આવ્યો હતો.

વિરોધપક્ષના આ પ્રસ્તાવના સમર્થનમાં ફક્ત 84 મત પડ્યા હતા, તો તેની સામે 100 મત પડ્યા હતા.

ભાજપના સહયોગી પક્ષ એઆઈડીએમકે, જનતાદળ યુનાઇટેડ સહિતના પક્ષોએ વૉકઆઉટ કરતાં વિપક્ષ નબળો પડ્યો હતો.

આ બિલને સત્તાપક્ષ ભાજપ ઉપરાંત શિવસેના, બીજેડી, એજીપી, આરપીઆઈ, એસએડી, ટીઆરએસ, એસકેએમ પક્ષોએ સમર્થન આપ્યું હતું.

કૉંગ્રેસ ઉપરાંત ટીએમસી, એઆઈડીએમકે, ડીએમકે, સીપીઆઈ(એમ), બીએસપી, સપાએ બિલનો વિરોધ કર્યો હતો.

આમ, રાજ્યસભામાં મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારોનું સંરક્ષણ) બિલ 2019 બહુમત સાથે પસાર કરવામાં આવ્યું હતું. બિલના સમર્થનમાં 99 જ્યારે વિરોધમાં 84 મત પડ્યા હતા.

બિલ પસાર થવા અંગે કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ''આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે રાજ્યસભાએ ટ્રિપલ તલાક બિલ પાસ કર્યું છે. બેઉ ગૃહોએ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો છે. આ ભારતના પરિવર્તનની શરૂઆત છે.''

કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારોનું સંરક્ષણ) બિલ 2019 રાજ્યસભામાં રજૂ કર્યું હતું. જે ટ્રિપલ તલાક બિલ તરીકે ઓળખાય છે.

એનડીએ ગઠબંધનમાં સામેલ ભાજપ અને તેમના સાથી પક્ષો આ બિલ પાસ કરાવવા માટે ઉતાવળ કરી રહ્યા હતા.

અગાઉ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા અંગે ભાજપ અને કૉંગ્રેસ બંનેએ તેમના સભ્યોને વ્હીપ જારી કર્યો હતો.


ટ્રિપલ તલાક બિલ પાસ થતાં કેવા છે લોકોના રિએક્શન?

Image copyright Getty Images

રાજ્યસભામાં મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારોનું સંરક્ષણ) બિલ 2019 બહુમત સાથે પસાર કરવામાં આવ્યું હતું. બિલના સમર્થનમાં 99 જ્યારે વિરોધમાં 84 મત પડ્યા હતા.

આ બિલ પાસ થતાં રાષ્ટ્રપતિ કોવિંદે પણ અભિનંદન આપતું ટ્વીટ કર્યું હતું. એમણે કહ્યું કે ''રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થતાં ત્રણ તલાકની અન્યાયપૂર્ણ પરંપરા પર પ્રતિબંધ લાદવા માટે સંસદીય અનુમોદનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ મહિલા-પુરૂષ સમાનતા માટે ઐતિહાસિક વાત છે. સમગ્ર દેશ માટે સંતોષની ક્ષણ છે.''

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ''સમગ્ર દેશ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે કરોડો મુસ્લિમ માતાઓ-બહેનોની જીત થઈ છે અને તેમને સન્માનથી જીવવાનો હક મળ્યો છે. સદીઓથી ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ મહિલાઓને આજે ન્યાય મળ્યો છે. આજના ઐતિહાસિક દિવસે હું તમામ સાંસદોનો આભાર માનું છું.''

એમણે કહ્યું કે ''આજને દિવસે આ કુપ્રથાને નાથવા માટે મથનાર અને તેને લીધે પીડા વેઠનાર મુસ્લિમ મહિલાઓને વંદન કરું છું.''

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ''ભારતની લોકશાહીમાં આજનો દિવસ મહાન છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટ્રિપલ તલાકને પ્રતિબંધિત કરવાનું વચન પાળવા બદલ અભિનંદન આપું છું. આને લીધે મુસ્લિમ મહિલાઓને પરંપરામાંથી મુક્તિ મળશે. ઐતિહાસિક બિલ બદલ હું દરેક પક્ષોનો આભાર માનું છું.''

બિલ પસાર થવા અંગે કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ''આ એક ઐતિહાસિક દિવસ છે જ્યારે રાજ્યસભાએ ટ્રિપલ તલાક બિલ પાસ કર્યું છે. બેઉ ગૃહોએ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપ્યો છે. આ ભારતના પરિવર્તનની શરૂઆત છે.''

કૉંગ્રેસ નેતા રાજ બબ્બરે કહ્યું કે ''હું માનું છું કે આ કોઈ પણ ફેમિલી લૉને લઈને બહુ મોટો ઝટકો છે. સિવિલ કાનૂનને ક્રિમિનલ બનાવી દેવામાં આવ્યો છે અને આ ઐતિહાસિક ભૂલ છે.''

ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે બિલ પાસ થયા અંગે ટ્વીટ કરીને કહ્યું કે ''આ સેંકડો મહિલાઓ માટે મોટી રાહત છે. મહિલાઓના સન્માનનું રક્ષણ કરવાના સરકારના પ્રયાસની આડેનો વિપક્ષોનો અવરોધ પૂરો થયો છે.''

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ''જે લોકો મહિલાઓના ઉત્થાનની વાતો કરતા હતા તે તેમણે તેને લોકસભા અને રાજ્યસભામાં સમર્થન ન આપ્યું. કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો સપા-બસપા ખુલ્લા પડી ગયા છે.''


આ કાયદો મુસ્લિમ પરિવારને પીંખી નાખશે

Image copyright Getty Images

રાજ્યસભામાં બોલતા કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે સરકાર પર પક્ષપાતનો આરોપ મૂકતા કહ્યું કે ''ગુજરાતનાં રમખાણો અને મૉબ લિન્ચિંગ વખતે મુસ્લિમ મહિલાઓનો માટેનો તમારો પ્રેમ ક્યાં હતો?''

કાયદામંત્રી રવિશંકર પ્રસાદે આ બિલમાં સજાની 3 વર્ષની જોગવાઈને દહેજવિરોધી કાનૂન સાથે સરખાવી હતી.

કૉંગ્રેસના નેતા અમી યાજ્ઞિકે રાજ્યસભામાં કહ્યું કે ''સરકાર દરેક મહિલાની વાત કેમ નથી કરતી?''

એમણે ફૅક એનઆરઆઈ લગ્નનો હવાલો આપીને કહ્યું કે ''સુપ્રીમ કોર્ટે પ્રથાને અયોગ્ય ઠેરવી છે પણ આ બિલમાં યોગ્ય રીતે વિચારણા કરવામાં નથી આવી. ફૅમિલી કોર્ટને બદલે ક્રિમિનલ કોર્ટ શા માટે'' એવો સવાલ પણ તેમણે કર્યો હતો.

જનતા દળ યુનાઇટેડ પાર્ટીએ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરી વૉકઆઉટ કર્યું હતું.

વાયએસઆર પાર્ટીએ પણ આ બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે તેઓ વિરોધમાં મત આપશે.

કૉંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે ''આ બિલ એક છે પરંતુ આની પાછળ રહસ્ય અલગ છે. બિલ મુસ્લિમ મહિલાઓના અધિકારોની વાત કરે છે, પરંતુ તેનો હેતુ મુસ્લિમ પરિવારને ખતમ કરવાનો છે.''

એમણે સરકાર જ્યાં તેને ફાવટ છે અને લાભ છે ત્યાં કાયદો ઘડવાની વાત કરે છે અને જ્યાં ફાયદો નથી ત્યાં કંઈ નથી કરતી એવો આરોપ મૂક્યો. એમણે કહ્યું કે ''ઇસ્લામમાં લગ્ન એક કરાર છે અને સિવિલ કરાર છે ત્યારે એને ક્રિમિનલાઇઝ કેમ કરવામાં આવી રહ્યો છે.''

એમણે કહ્યું કે ''ત્રણ તલાકની પ્રથાને સુપ્રીમ કોર્ટે રદ કરેલી છે અને આ કાયદાને આધારે પત્ની સાચી કે ખોટી વાતને આધારે પતિને 3 વર્ષ માટે જેલમાં ધકેલી દેવાશે પછી પત્ની અને પતિ વચ્ચે કેવો સંબંધ રહી શકશે.''

એમણે એવો પણ આરોપ મૂક્યો કે ''આ બિલ મુસ્લિમ પરિવારને ખતમ કરી દેશે. પત્ની, બાળકો અને પતિ પણ રસ્તે રઝળી પડશે.''

એમણે કહ્યું કે ''આમાં મુસ્લિમ મહિલાઓનાં પોષણ કે એમનાં બાળકો વિશે કોઈ જોગવાઈ નથી, તે ફક્ત મુસ્લિમ પુરુષોને જેલમાં ધકેલવા માટે છે.''

શિવસેનાએ રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલને સમર્થન કર્યું છે.


બિલમાં સામે વિપક્ષોનો શું વિરોધ કેમ?

Image copyright Getty Images

લોકસભામાં બિલ પસાર થયા બાદ હવે તેના પર રાજ્યસભામાં ચર્ચા થઈ હતી.

વિરોધ પક્ષોનું કહેવું છે કે સરકાર આ બિલને પાસ કરાવવામાં ઉતાવળ કરી રહી છે. વિપક્ષના મત પ્રમાણે આ બિલને ફરીથી તપાસ અર્થે મોકલવું જોઈએ.

વિરોધ પક્ષોએ એવો આરોપ લગાવી રહ્યા છે કે આ બિલથી લગ્ન સંસ્થા ભાંગી પડશે.

તેમના આરોપ મુજબ સરકાર આ બિલ દ્વારા 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી રહી છે.

કૉંગ્રેસ, ટીએમસી, ડીએમકે અને અન્ય પક્ષોનું કહેવું છે કે આ બિલને ફરીથી સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવું જોઈએ.

જ્યારે સરકારનું કહેવું છે કે આ એક અરાજકીય બિલ છે, જે મુસ્લિમ મહિલાઓને 70 વર્ષથી થતા આવતા અન્યાયથી બચાવશે.


એવું શું છે ટ્રિપલ તલાક બિલમાં કે વિરોધ થયો?

Image copyright Reuters

આ બિલમાં એવી જોગવાઈ છે કે જો કોઈ મુસ્લિમ પુરુષ બોલીને, લખીને, મૅસેજ, વૉટ્સઍપ કોઈ અન્ય ઇલેક્ટ્રોનિક ચૅટ ઍપ્સથી ટ્રિપલ તલાક આપે તો તે ગેરકાયદે ગણાશે.

ટ્રિપલ તલાક એટલે મુસ્લિમ પુરુષ એકસાથે જ ત્રણ વખત તલાક, તલાક, તલાક બોલીને તલાક આપી દે.

આ રીતે તાત્કાલિક છૂટાછેડા આપી દેવામાં આવે છે અને આ સંજોગોમાં છૂટાછેડાના નિર્ણયને ફરીથી બદલી શકાતો નથી.

આ બિલમાં ટ્રિપલ તલાકને કૉગ્નિસેબલ ગુનો ગણે છે, જે પોલીસ અધિકારીને વૉરંટ વિના આરોપીની ધરપકડ કરવાનો પાવર આપે છે.

ટ્રિપલ તલાક થયા હોય એવા કિસ્સામાં જો અન્યાય થયો હોય તે મહિલા કે તેમના કોઈ સંબંધી ફરિયાદ નોંધાવે તો જ આ બિલ અંતર્ગત તે ગુનો લેખાશે.

Image copyright AFP

એવી દલીલ છે કે આ મામલે કૉગ્નિસેબલ ગુનાનો દુરુપયોગ અટકાવવા માટે આ જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલમાં એવી જોગવાઈ છે કે ટ્રિપલ તલાક આપનાર મુસ્લિમ પુરુષને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે.

આવા કિસ્સામાં મૅજિસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે, પરંતુ જામીન આપતા પહેલાં મૅજિસ્ટ્રેટે જે મહિલાને અન્યાય થયો હોય તેને સાંભળવા જરૂરી છે.

આ બિલમાં સમાધાન અંગેની જોગવાઈ પણ કરવામાં આવી છે. જે અંતર્ગત બંને પક્ષો ઇચ્છે તો નિકાહ હલાલાની પ્રક્રિયામાં ગયા વિના કાયદાકીય કાર્યવાહી રોકીને સમાધાન કરી શકે છે.

ઉપરાંત આ બિલમાં જેમને તલાક આપવામાં આવ્યા હોય તે મહિલા પોતાના માટે અને તેના બાળક માટે ભરણપોષણ માગી શકે છે.

ભરણપોષણ કેટલું આપવામાં આવશે તે નક્કી કરવાના પાવર મૅજિસ્ટ્રેટને આપવામાં આવ્યા છે.

ટ્રિપલ તલાક બિલ અંતર્ગત છૂટાછેટા થયા હોય તે મહિલા તેના બાળકની કસ્ટડી મેળવવાનો અધિકાર ધરાવે છે. જે મામલે મૅજિસ્ટ્રેટ નિર્ણય લેશે.


અગાઉ રાજ્યસભામાં બિલ પસાર થયું નહોતું

Image copyright AFP

ટ્રિપલ તલાક બિલને ફરી વાર રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે, આ પહેલાં જ્યારે આ બિલ રાજ્યસભામાં રજૂ થયું હતું ત્યારે તે પાસ થયું નહોતું.

વિપક્ષો આ બિલની કેટલીક જોગવાઈઓને લઈને વિરોધ કરી રહ્યા છે અને તેમાં સુધારા કરવાનું જરૂરી હોવાનું કહી રહ્યા છે.

વિરોધ પક્ષોનો દાવો છે કે જો પતિ જેલમાં જશે તો અન્યાય થયો હોય તે મહિલાના ભરણપોષણનું શું થશે.

જેની સામે સરકાર કહી રહી છે કે ભરણપોષણ મૅજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે.

વિપક્ષોની એક એવી પણ માગ છે કે બિલમાં જામીન અંગે એવી જોગવાઈ હોવી જોઈએ કે પત્નીની સંમતિ લીધા બાદ જ આરોપી પતિને જામીન આપવામાં આવે.

જેની સામે સરકારનો દાવો છે કે આવી જોગવાઈનો દુરુપયોગ થવાની શક્યતા છે.

આ મામલે એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઔવેસીએ પણ જોરશોરથી વિરોધ કર્યો છે.

તેમનું કહેવું છે કે આ બિલ લાવવાથી સમાજમાં રહેલા દૂષણને નાબૂદ કરી શકાશે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ