સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, આજે ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ?

વરસાદ Image copyright Getty Images

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, હજી આજે બુધવારે પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

મંગળવારે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેના પગલે અનેક ગામોમાં પાણી ભરાયાં હતાં.

સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સાપુતારા, સુરત, તાપી અને નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો.

વલસાડના ધરમપુર તાલુકામાં 13.14 ઇંચ, જ્યાર ડાંગના સાપુતારામાં 12.28 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજકોટ અને જામનગરમાં આઠ-આઠ ઇંચ વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠા, પાટણ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હળવો વરસાદ રહેવાની આગાહી છે.


ઉન્નાવ પીડિતાનો CJIને પત્ર : 'મારા જીવને જોખમ છે'

Image copyright Getty Images

'એનડીટીવી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઉન્નાવ રેપ કેસની પીડિતાના બે પરિવારજનોએ પંદર દિવસ પહેલાં ભારતના ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો.

આ પત્રમાં તેમણે જીવને જોખમ હોવાનું નોંધ્યું હતું.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ પત્ર અંગે રિપોર્ટ માંગ્યો છે.

ચીફ જસ્ટિસે પૂછ્યું છે કે આ પત્ર સુપ્રીમ કોર્ટમાં ક્યારે આવ્યો, કઈ રીતે આવ્યો અને એમાં શું માગ કરવામાં આવી હતી.

અહેવાલમાં નોંધ્યું છે કે પીડિતાના પરિવારજનોએ 12 જુલાઈએ આ પત્ર લખ્યો હતો.

જેમાં ભાજપના આરોપી ધારાસભ્યના સાથીઓ દ્વારા ધમકી અપાતી હોવાનો ઉલ્લેખ છે અને આ અંગેનો વીડિયો પણ તેઓ આપવા માગતા હતા.

આ પત્ર પીડિતાનાં માતા, બહેન અને કાકીએ લખ્યો હતો. જે પૈકી કાકીનું રાયબરેલીની ઘટનામાં મૃત્યુ થયું છે.


અયોધ્યા વિવાદ : મધ્યસ્થી પૅનલ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપશે

Image copyright Getty Images

અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મુદ્દે મધ્યસ્થી માટે બનેલી પૅનલની આજે 31 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપવાની છેલ્લી તારીખ છે.

આ રિપોર્ટ આવ્યા બાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની જ્યુડિશિયલ બૅન્ચ આ મામલે નિર્ણય લેશે.

સુપ્રીમ કોર્ટે આ કેસ અંગે સુનાવણીની તારીખ 2 ઑગસ્ટ નક્કી કરી છે. તે દિવસે સુપ્રીમ કોર્ટ આ પ્રશ્નનો હલ મધ્યસ્થીથી આવશે કે અદાલતી કાર્યવાહીથી એ નક્કી કરશે.


બુધવારે ડૉક્ટરની હડતાલ

Image copyright Getty Images

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને નેશનલ મેડિકલ કાઉન્સિલ બિલ 2019ના વિરોધમાં બુધવારે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે.

એટલે કે બુધવારે દેશભરમાં હૉસ્પિટલના ઓપીડીમાં 3 લાખ ડૉક્ટર સેવાઓ બંધ રાખશે.

ડૉક્ટર્સનું કહેવું છે કે આ બિલ મેડિકલ ક્ષેત્ર માટે યોગ્ય નથી અને તેનાથી પડકારો વધી જશે.


સામાન્ય વર્ગની દસ ટકા અનામત પર સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વનો નિર્ણય

સામાન્ય વર્ગને 10 ટકા અનામતના નિર્ણયને જ્યુડિશિયલ બૅન્ચ પર છોડવા અંગે વિચાર કરવામાં આવશે.

નરેન્દ્ર મોદીની સરકારના સામાન્ય વર્ગને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

અદાલત સૌથી પહેલાં એ મુદ્દે સુનાવણી કરશે કે જ્યુડિશિયલ બૅન્ચને મોકલવું કે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો