હાર્દિક પટેલના સાથી અલ્પેશ કથીરિયાને રાજદ્રોહ કેસમા જામીન

અલ્પેશ કથીરિયા Image copyright ALPESH KATHIRIA FACEBOOK

પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે.

ગુજરાત હાઈકોર્ટે તેમને છ મહિના માટે સુરતની હદમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા છે.

અગાઉ સાડા ત્રણ માસ સુધી જેલની સજા ભોગવ્યા બાદ ગત 10 ડિસેમ્બરે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કેદમાંથી બહાર આવ્યા હતા.

જોકે, એ પછી સુરત પોલીસ સાથે ઘર્ષણ થતાં સુરતની પોલીસે તેમના જામીન રદ કરવાની અરજી કરી હતી. જેને પગલે સુરતની અદાલતે જામીન રદ કરી દીધા હતા.

ગત ડિસેમ્બરમાં અલ્પેશ કથીરિયાના નેતૃત્વ હેઠળ સુરતમાં સંકલ્પ યાત્રા યોજાઈ હતી અને તેમને પાટીદાર અનામત આંદોલનના નવા કૅપ્ટન જાહેર કરવામાં આવ્યા હતા.

એ વખતે કથીરિયાની જામીન મુક્તિ બાદ હાર્દિક પટેલે એમને આંદોલનના નવા નેતા ગણાવ્યા હતા.

એ વખતે હાર્દિકે પટેલે કહ્યું હતું, "અનામત માટેની લડાઈ હવે મજબૂત બનશે, પાટીદાર સમાજના મુખ્ય પ્રશ્નોનું નિરાકરણ આવે એ જરૂરી છે. આ આંદોલનનો નવો ચહેરો હવે અલ્પેશ હશે."


કોણ છે અલ્પેશ કથીરિયા?

Image copyright Hardik Patel FB

ગુજરાત સરકારે અનેક પાટીદાર નેતાઓ પર 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા.

2015ના આવા જ એક કેસમાં અલ્પેશ કથીરિયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી.

વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા.

ડિસેમ્બરમાં હાર્દિક પટેલે પાસનું સુકાન અલ્પેશના હાથમાં જશે એમ કહ્યું હતું. જોકે, એ પછી એમના જામીન રદ થઈ ગયા હતા.

આ અગાઉ અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા ત્યારે સુરત પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું હતું. જામીન બાદ પણ અલ્પેશ સામે કેસ નોંધવામાં આવેલા છે.

સુરતની પોલીસે અગાઉ એમના ગેરવર્તનનો હવાલો પણ મીડિયાને આપ્યો હતો અને તેઓ હાઈકોર્ટમાં જામીનનો વિરોધ કરશે એમ કહ્યું હતું.

એ વખતે પાસના નેતા નિખિલ સવાણીએ કહ્યું હતું કે એકતરફ પોલીસ અલ્પેશ કથીરિયાની સામે ફરિયાદને લઈને જામીન રદ કરાવે છે પણ એ જ પોલીસની સામે અલ્પેશ કથીરિયાએ કેસ કરેલો છે એમાં કોઈ કાર્યવાહી નથી કરતી. આમ, આ આંદોલનને તોડી પાડવાની કોશિશ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો