કારગિલ યુદ્ધમાં પરમવીર ચક્ર વિજેતા કૅપ્ટન બત્રાએ જ્યારે કહ્યું 'યે દિલ માંગે મોર'

વિક્રમ બત્રા Image copyright VIKRAM BATRA'S FAMILY

કારગિલ યુદ્ધના થોડા મહિના પહેલાં કૅપ્ટન વિક્રમ બત્રા વતન પાલમપુર આવેલા ત્યારે મિત્રોને પાર્ટી આપવા ન્યૂગલ કાફે લઈ ગયા હતા.

તે વખતે એક મિત્રે કહેલું કે, "હવે તું સેનામાં છે. પોતાનું ધ્યાન રાખજે..."

વિક્રમ બત્રાએ જવાબમાં કહેલું, "ચિંતા ના કરો. હું જીતીને તિરંગો લહેરાવીને આવીશ અને નહીં તો જાતે તિરંગામાં લપેટાઈને આવીશ. પણ પાછો આવીશ ખરો."

પરમવીર ચક્ર વિજેતાઓ વિશેના પુસ્તક 'ધી બ્રેવ'ના લેખિકા રચના બિષ્ટ રાવત કહે છે, "વિક્રમ બત્રા કારગિલ યુદ્ધનો સૌથી જાણીતો ચહેરો બની ગયા હતા."

"તેમનું કરિશ્માઈ વ્યક્તિત્વ એવું હતું કે તેમના સંપર્કમાં આવનાર માણસ ક્યારેય તેમને ભૂલે નહીં."

"તેમણે 5140 શિખર પર કબજો કરીને પછી કહેલું કે, 'યે દિલ માંગે મોર' અને તે રીતે સમગ્ર દેશવાસીઓની લાગણી જીતી લીધી હતી."

"માતૃભૂમિની રક્ષા માટે સરહદે ગયેલા અને શહીદ થઈ ગયેલા સૈનિકનું પ્રતીક તેઓ બની ગયા હતા."


બસમાંથી પડી ગયેલી છોકરીને બચાવી

Image copyright VIKRAM BATRA'S FAMILY

વિક્રમ બત્રા નાનપણથી જ સાહસી અને નીડર હતા.

એકવાર શાળાની બસમાંથી છોકરી પડી ગઈ ત્યારે તેમણે તેનો જીવ બચાવી લીધો હતો.

વિક્રમ બત્રાના પિતા ગિરધારીલાલ યાદ કરતા કહે છે, "તે છોકરી બસના દરવાજા પાસે ઊભી હતી. દરવાજો બરાબર બંધ થયો નહોતો."

"એક વળાંક પર દરવાજો ખૂલી ગયો અને તે રસ્તા પર પડી ગઈ. વિક્રમ તરત જ તેની પાછળ ચાલતી બસે કૂદી પડ્યો અને છોકરીને ગંભીર ઈજા થાય તે પહેલાં સડક પરથી ઊંચકી લીધી."

"તે તરત જ તેને નજીકની હૉસ્પિટલે લઈ ગયો. મારા એક પડોશીએ મને પૂછેલું કે તમારો છોકરો આજે શાળાએ નથી ગયો?"

"મેં કહ્યું શાળાએ જ ગયો છે. ત્યારે તેમણે જવાબ આપ્યો કે મેં તો તેને હૉસ્પિટલમાં જોયો હતો. અમે દોડીને હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે આખી વાતની ખબર પડી હતી."


સિરિયલને કારણે જ સેનામાં જોડાવાની પ્રેરણા

Image copyright VIKRAM BATRA'S FAMILY

1985માં દૂરદર્શન પર 'પરમવીર ચક્ર' સિરિયલ પ્રસારિત થઈ હતી.

તે સિરિયલ જોઈને જ વિક્રમ બત્રામાં સેનામાં જોડાવાનો જોશ જાગ્યો હતો.

વિક્રમના જોડકા ભાઈ વિશાલ કહે છે, "તે વખતે અમારી પાસે ટીવી નહોતું, એટલે પડોશીના ઘરે જોવા જતા. મને ત્યારે કલ્પના પણ નહોતી કે સિરિયલમાં દર્શાવાયેલી કહાનીઓ જેવી કહાની એક દિવસ અમારા જીવનનો પણ હિસ્સો બનશે."

"કારગિલના યુદ્ધ બાદ મારો ભાઈ વિક્રમ ભારતીય લોકોના દિલ-દિમાગમાં છવાઈ ગયો હતો."

"એકવાર લંડનમાં મેં હોટેલ રજિસ્ટરમાં મારું નામ લખ્યું ત્યારે બાજુમાં ઊભેલા એક ભારતીયે મને તરત પૂછેલું કે, 'તમે વિક્રમ બત્રાને ઓળખો છો ખરા?' મારા માટે આ બહુ મોટી વાત હતી કે સાત સમુદ્ર પાર લંડનમાં પણ લોકો મારા ભાઈને ઓળખતા હોય."


મર્ચન્ટ નેવીમાં પસંદગી છતાં સેનામાં જોડાયા

Image copyright VIKRAM BATRA'S FAMILY

મજાની વાત એ છે કે વિક્રમનું સિલેક્શન હૉંગકૉંગની એક શિપિંગ કંપનીમાં મર્ચન્ટ નેવીમાં થઈ ગયું હતું. આમ છતાં તેમણે સેનામાં જ જોડાવાનું થવાનું પસંદ કર્યું હતું.

ગિરધારીલાલ બત્રા કહે છે, "1994માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધા પછી વિક્રમે સેનામાં જોડાવા માટે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરી દીધું હતું."

"મર્ચન્ટ નેવીમાં તેનું સિલેક્શન થઈ ગયું હતું. ટ્રેનિંગ માટે ચેન્નઈ જવાનું હતું. તેના માટેની ટ્રેનની ટિકિટ પણ બુક થઈ ગઈ હતી."

"જોકે, રવાના થવાના ત્રણ દિવસ પહેલાં તેણે પોતાનો વિચાર બદલ્યો. તેની માંએ પૂછ્યું પણ ખરું કે આવું કેમ કરી રહ્યો છે. ત્યારે તેણે કહેલું કે જિંદગીમાં પૈસા જ સર્વસ્વ નથી."

"હું જિંદગીમાં કશુંક કરવા માગું છું. આશ્ચર્યચકિત થઈ જાય એવું કંઈક કે જેનાથી મારા દેશનું નામ ઊંચું થાય. 1995માં તેણે આઈએમએની પરીક્ષા પણ પાસ કરી લીધી."


માતાપિતા સાથે આખરી મુલાકાત

Image copyright VIKRAM BATRA'S FAMILY
ફોટો લાઈન વિક્રમ બત્રાનાં માતા અને પિતા

1999ની હોળીની રજાઓમાં વિક્રમ બત્રા છેલ્લે પાલમપુર આવ્યા હતા.

તે વખતે માતાપિતા તેમને વળાવવા માટે બસ સ્ટેશન સુધી પણ ગયા હતા.

તેમને ત્યારે ખબર નહોતી કે તેઓ પોતાના પુત્રને છેલ્લીવાર માટે જોઈ રહ્યા છે.

ગિરધારીલાલને તે દિવસ આજે પણ યાદ છે, "તેણે વધારે સમય પોતાના મિત્રો સાથે વીતાવ્યો હતો. અમે ક્યારેય થોડા પરેશાન પણ થઈ જતા હતા."

"તે આવે ત્યારે ઘરમાં મિત્રોનો મેળાવડો જ જામેલો રહે. તે દિવસે તેની માંએ તેને ભાવતા રાજમા ચાવલ, કોબીજના પરાઠા બનાવ્યા હતા અને ઘરે જ બનાવેલી ચીપ્સ પણ હતી."

"ઘરનું કેરીનું અથાણું પણ તેણે સાથે લીધું હતું. અમે બધા તેને મૂકવા માટે બસ સ્ટેશને ગયા હતા."

"બસ ચાલતી થઈ ત્યારે બારીમાંથી તેણે હાથ હલાવ્યો હતો. મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી."

"મને શું ખબર હતી કે હું મારા પ્રિય વિક્રમને છેલ્લીવાર જોઈ રહ્યો છું અને તે ક્યારેય પાછો આવવાનો નથી."


સવારે 4.35 વાગ્યે વાયરલેસ પર અવાજ આવ્યો 'યે દિલ માંગે મોર'

કારગિલમાં તેમના કમાન્ડિંગ ઑફિસર કર્નલ યોગેશ જોશીએ તેમને અને લેફ્ટનન્ટ સંજીવ જામવાલને 5,140 નંબરની ચોકી કબજે કરવાની જવાબદારી સોંપી હતી.

રચના બિષ્ટ રાવત કહે છે, "વિક્રમ બત્રા જેમાં હતા તે 13 જેક અલાઈ યુનિટને જવાબદારી સોંપાઈ હતી કે 5,140 પર જ્યાં પાકિસ્તાને અડ્ડો જમાવ્યો છે."

"ત્યાંથી તેમને હઠાવીને ફરીથી ભારતનો કબજો કરવો. કર્નલ યોગેશ જોશી પાસે બે યુવા અફસર હતા, એક હતા લેફ્ટનન્ટ જામવાલ અને બીજા હતા કૅપ્ટન વિક્રમ બત્રા."

"બંનેને બોલાવ્યા અને એક ખડકની પાછળથી તેમણે દેખાડ્યું કે કઈ જગ્યાએ આક્રમણ કરવાનું છે. રાત્રે ઑપરેશન શરૂ કરીને સવાર સુધીમાં ત્યાં પહોંચવાનું હતું."

"મિશનની સફળતા પછી તમારો કોડ શું હશે તેવું બંનેને પૂછ્યું હતું? બંને અલગ અલગ જગ્યાએથી ઉપર ચઢવાના હતા."

"લેફ્ટનન્ટ જામવાલે કહ્યું કે સર મારો કોડ હશે 'ઓ યે યે યે'. વિક્રમ બત્રાએ કહ્યું કે તેમનો કોડ હશે 'યે દિલ માંગે મોર."


કારગિલનો 'શેરશાહ'

Image copyright VIKRAM BATRA'S FAMILY
ફોટો લાઈન પૉઇન્ટ 5140 પર વિજય મેળવ્યા બાદ મીડિયા બ્રીફિંગ દરમિયાન ઍન્ટિ એરક્રાફ્ટ ગન સાથે કૅપ્ટન વિક્રમ બત્રા

રચના બિષ્ટ રાવત આગળ જણાવે છે, "લડાઈ વચ્ચે કર્નલ જોશીના વૉકી-ટૉકી પર એક ઇન્ટરસેપ્ટમાં સંદેશ સંભળાયો હતો. તે લડાઈમાં વિક્રમનું કોડ નેમ 'શેરશાહ' હતું."

"પાકિસ્તાની સૈનિકો તેમને કહી રહ્યા હતા, શેરશાહ પાછા જતા રહો, નહીં તો તમારી લાશ જ પાછી જશે."

"મેં વિક્રમનો વધારે તીખો થઈ ગયેલો અવાજ સાંભળ્યો. તેમણે જવાબમાં કહેલું, એક કલાક ખમી જાવ, પછી ખબર પડશે કે કોની લાશો પાછી જવાની છે."

"સાડા ત્રણ વાગ્યે લેફ્ટનન્ટ જામવાલનો કોડ મેસેજ સંભળાયો 'ઓ યે યે યે', એટલે ખ્યાલ આવ્યો કે તેઓ ઉપર પહોંચી ગયા છે. થોડી વાર પછી 4 વાગ્યાને 35 મિનિટે વિક્રમનો પણ સફળતાનો કોડ મૅસેજ આવી ગયો, યે દિલ માંગે મોર."


4875 માટેનું બીજું મિશન

Image copyright VIKRAM BATRA'S FAMILY

વિક્રમને મળેલી સફળતા બદલ તે વખતના સેનાના વડા વેદપ્રકાશ મલિકે જાતે ફોન કરીને અભિનંદન આપ્યાં હતાં.

કૅપ્ટન બત્રાએ સેટેલાઇટ ફોનથી પોતાના પિતાને પણ 5140 પર કબજો કરી લીધાનો સંદેશ આપ્યો હતો, પણ ત્યારે તેઓ અવાજ બરાબર સાંભળી શક્યા નહોતા.

લાઈન બરાબર ના હોવાથી તેઓ 'કૅપ્ચર' એટલું જ સાંભળી શક્યા. તેમને લાગ્યું કે પાકિસ્તાનીઓએ તેમને 'કૅપ્ચર' કરી લીધા કે શું? જોકે વિક્રમે તેમને વાતની સ્પષ્ટતા કરી.

હવે વિક્રમ બત્રાને 4875 નંબરનું શિખર સર કરવાનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. તે વખતે તેમની તબિયત ખરાબ હતી.

માથું દુખતું હતું અને આંખો લાલ થઈ ગઈ હતી. કર્નલ યોગેશ જોશી તેમને ઉપર મોકલતા અચકાતા હતા.

જોકે બત્રાએ જીદ કરીને કહ્યું કે પોતે મિશન પર જશે.


સાથીને સુરક્ષિત સ્થાને લાવવાના પ્રયાસમાં વાગી ગોળી

Image copyright VIKRAM BATRA'S FAMILY
ફોટો લાઈન નિધન બાદ પાલમપુર ગ્રાઉન્ડ પર વિક્રમના પાર્થિવ શરીર પર લઈ જવામાં આવ્યું, હવે આ ગ્રાઉન્ડનું નામ કૅપ્ટન વિક્રમ બત્રા સ્ટેડિયમ છે

રચના બિષ્ટ રાવત કહે છે, "4875 મુશ્કો વેલી પાસે આવેલું છે. પ્રથમ ઑપરેશન દ્રાસમાં થયું હતું. તેઓ ખડકની પાછળ છુપાઈને દુશ્મનો પર ગોળીબાર કરી રહ્યા હતા."

"તે વખતે એક સાથીને ગોળી વાગી અને તેમની સામે જ તે પડી ગયા. સૈનિક ખુલ્લામાં પડી ગયો હતો, જ્યારે વિક્રમ અને રઘુનાથ ખડકની પાછળ છુપાયેલા હતા."

"વિક્રમે રઘુનાથને કહ્યું કે આપણે ઘાયલ સાથીને સલામત સ્થળે લઈ જવો પડશે. રઘુનાથે કહ્યું કે મને લાગતું નથી કે તે બચી શકશે. તમે બહાર નીકળશો તો તમારા પર ફાયરિંગ થશે."

"એ સાંભળીને વિક્રમ બહુ નારાજ થઈ ગયા હતા. શું તમે ડરો છો? રઘુનાથે કહ્યું કે હું ડરતો નથી, પણ માત્ર તમને સાવધ કરું છું. તમે હુકમ કરો તો અમે બહાર નીકળશું."

વિક્રમે કહ્યું કે "આપણા સૈનિકને એવી રીતે એકલો છોડી દેવાય નહીં."

"રઘુનાથ ખડકની પાછળથી બહાર નીકળવા ગયા કે તરત વિક્રમે તેમને કૉલરથી પકડી લીધા અને કહ્યું, "સાહેબ તમારા પરિવાર અને બાળકો છે. મારા હજી લગ્ન પણ થયા નથી."

"હું માથા તરફથી તેમને ઉઠાવીશ, જ્યારે તમે પગેથી પકડજો."

એમ કહીને વિક્રમ આગળ વધ્યા. તેમણે સૈનિકને ઉઠાવ્યો કે તરત તેમને પણ ગોળી વાગી અને તેઓ પણ ત્યાં પડી ગયા."


સાથીઓને આઘાત

Image copyright VIKRAM BATRA'S FAMILY

વિક્રમના મોતનો સૌથી વધુ આઘાત તેમના સાથીઓ અને કમાન્ડિંગ ઑફિસર કર્નલ જોશીને લાગ્યો હતો. મેજર જનરલ મોહિન્દર પુરીને પણ આ સાંભળીને બહુ દુખ થયું હતું.

જનરલ પુરી યાદ કરતા કહે છે, "વિક્રમ ડૅશિંગ યંગ ઑફિસર હતા. અમારા લોકો માટે આ બહુ દુખની વાત હોય છે."

"સવારે તમે યુનિટમાં ગયા હો, તે સાંજે અટૅક કરવા નીકળવાનું હોય, સવારે તમે તેની સાથે હાથ મેળવ્યો હોય અને રાત્રે તમને સંદેશ મળે કે તેઓ લડાઈમાં શહીદ થઈ ગયા."


માતા-પિતાને મળ્યા શોકના સમાચાર

Image copyright VIKRAM BATRA'S FAMILY

કૅપ્ટન વિક્રમ બત્રાના બલિદાનની ખબર ઘરે પહોંચી ત્યારે તેમના પિતા ગિરધારીલાલ ઘરે હાજર નહોતા.

તેઓ કહે છે, "અમને વિક્રમની શહીદીની ખબર 8 જુલાઈએ મળી હતી. મારી પત્ની કમલકાંતા સ્કૂલથી હજી આવી જ હતી."

"પડોશીઓએ જણાવ્યું કે સેનાના બે ઑફિસર ઘરે આવ્યા હતા, પણ તમે કોઈ ઘરે નહોતા."

"આ સાંભળીને મારી પત્ની રડવા લાગી હતી. તેમને ખબર હતી કે ખરાબ સમાચાર આપવા માટે આ રીતે ઑફિસરો આવતા હોય છે."

"તેમણે ભગવાનનું નામ લીધું અને મને ફોન કરીને કહ્યું કે જલ્દી ઘરે આવો."

"હું ઘરે પહોંચ્યો ત્યારે મેં ઑફિસરોને જોયા ત્યારે જ સમજી ગયો કે વિક્રમ હવે આ દુનિયામાંથી જતો રહ્યો છે."

"અફસરો મને ખબર આપે તે પહેલાં મેં કહ્યું કે થોડી રાહ જુઓ. હું પૂજાના કમરામાં ગયો અને ભગવાન સામે માથું ટેકવી દીધું."

"પછી બહાર આવ્યો ત્યારે ઑફિસરોએ મારો હાથ પકડીને મને એક તરફ આવવા કહ્યું."

"તે પછી મને કહ્યું કે,'બત્રા સાહેબ વિક્રમ હવે આ દુનિયામાં નથી.' એ સાંભળીને હું બેહોશ થઈને પડી ગયો હતો."


દેશ માટે બીજો દીકરો...

Image copyright VIKRAM BATRA'S FAMILY
ફોટો લાઈન વિક્રમ (ચૅક શર્ટમાં) તેમના જોડિયા ભાઈ વિશાલ સાથે

વિક્રમના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે નગરના લગભગ બધા જ ત્યાં હાજર હતા.

રચના બિષ્ટ રાવત કહે છે, "સેનાના વડા જનરલ વેદપ્રકાશ મલિક શોક વ્યક્ત કરવા માટે બત્રા પરિવારના ઘરે ગયા હતા."

"તેમણે કહેલું કે વિક્રમ એટલા પ્રતિભાશાળી હતા કે જો તેઓ શહીદ ના થયા હોત તો એક દિવસ મારું સ્થાન તેમણે લીધું હોત."

"વિક્રમની માતાએ મારી સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમને બે દીકરીઓ હતી. તે પછી દીકરો થાય તેમ ઇચ્છતી હતી."

"તેના બદલે તેમને જોડકા દીકરા થયા હતા. હું હંમેશા ભગવાનને પૂછતી કે મેં એક જ પુત્ર માગ્યો હતો, બે કેમ આપી દીધા?"

"વિક્રમ કારગિલની લડાઈમાં જતો રહ્યો તે પછી મને સમજાયું કે મારો એક પુત્ર દેશ માટે હતો, એક મારા માટે હતો."


વિક્રમ બત્રાની લવ સ્ટોરી

Image copyright VIKRAM BATRA'S FAMILY

કૅપ્ટન વિક્રમ બત્રાની એક ગર્લફ્રેન્ડ હતાં ડિમ્પલ ચીમા, જેઓ ચંદીગઢમાં રહેતા હતા.

હવે તેમની ઉંમર 46 છે. તેઓ પંજાબની એક શાળામાં 6થી 10 ધોરણના બાળકોને સમાજવિજ્ઞાન અને અંગ્રેજી ભણાવે છે.

રચના બિષ્ટ રાવત કહે છે, "તેમણે મારી સામે સ્વીકાર કર્યો હતો કે છેલ્લા 20 વર્ષમાં એક પણ દિવસ એવો નહીં ગયો હોય જ્યારે તેણે વિક્રમને યાદ ના કર્યો હોય."

"એકવાર નાદાસાહેબ ગુરુદ્વારામાં પરિક્રમા વખતે વિક્રમે મને કહ્યું હતું, 'અભિનંદન શ્રીમતી બત્રા. આપણે ચાર ફેરા ફરી લીધા છે અને તમારા શીખ ધર્મ પ્રમાણે આપણે હવે પતિ-પત્ની છીએ.'"

ડિમ્પલ અને વિક્રમ કૉલેજમાં સાથે ભણતા હતા. વિક્રમ કારગિલથી સલામત પરત ફર્યા હોત તો બંનેના લગ્ન થઈ જવાના હતા.

"વિક્રમની શહીદી પછી તેમને વિક્રમના એક દોસ્તે ફોન કર્યો હતો."

"દોસ્તે કહેલું કે વિક્રમ ખરાબ રીતે ઘાયલ થયા છે. તમારે તેમના માતાપિતાને ફોન કરવો જોઈએ."

"જોકે તેઓ પાલમપુર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમનો નશ્વર દેહ આવી પહોંચ્યો હતો."

"તેઓ ઇરાદાપૂર્વક તેમની નજીક ગયા નહોતા, કેમ કે ત્યાં મીડિયાના લોકો મોટી સંખ્યામાં હાજર હતા."

"બાદમાં તેઓ ચંદીગઢ પરત આવ્યા અને નક્કી કર્યું કે ક્યારેય લગ્ન નહીં કરે. તેના બદલે સમગ્ર જિંદગી વિક્રમની યાદમાં વીતાવી દેશે."

"ડિમ્પલે મને જણાવ્યું હતું કે કારગિલ જતા પહેલાં વિક્રમ રોજ સાંજે સાડા સાત વાગ્યે તેમને ફોન કરતા હતા."

"દેશના કોઈ પણ ખૂણે હોય તેઓ અચૂક ફોન કરતા હતા."

"આજે પણ મારી નજર ઘડિયાળ પર પડી જાય અને તેમાં સાડા સાત વાગ્યા હોય તો મારું હૃદય એક ધબકારો ચૂકી જાય છે."


હજારો લોકોની હાજરીમાં રાષ્ટ્રપતિના હસ્તે પરમવીર ચક્ર

Image copyright VIKRAM BATRA'S FAMILY
ફોટો લાઈન તત્કાલીન રાષ્ટ્રપતિ કે આર નારાયણન પાસેથી પરમવીર ચક્રનું સન્માન ગ્રહણ કરતા વિક્રમ બત્રાના પિતા ગિરધારી લાલ બત્રા

કૅપ્ટન વિક્રમ બત્રાને મરણોપરાંત ભારતનું સર્વોચ્ચ વીરતાપદક પરમવીર ચક્ર આપવામાં આવ્યું હતું.

26 જાન્યુઆરી 2000ના રોજ તેમના પિતા ગિરધારીલાલ બત્રાએ હજારો લોકોની હાજરીમાં રાષ્ટ્રપતિ કે. આર. નારાયણનના હસ્તે પદક સ્વીકાર્યું હતું.

ગિરધારીલાલ યાદ કરતા કહે છે, "અમારા પુત્રની બહાદુરી બદલ રાષ્ટ્રપતિના હસ્તે પરમવીર ચક્ર મેળવવું એ અમારા માટે બહુ ગૌરવની ક્ષણ હતી."

"બાદમાં અમે કારમાં ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે મારી બાજુમાં મારો બીજો પુત્ર વિશાલ પણ બેઠો હતો."

"રસ્તામાં મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા."

"વિશાલે પૂછ્યું હતું કે કેમ ડૅડી, રડો છો? મેં કહેલું કે બેટા મારા મનમાં એવું થયું કે જો વિક્રમે સ્વંય આ ઍવૉર્ડ સ્વીકાર્યો હોત તો આપણા માટે બહુ મોટી ખુશીની વાત હોત."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ