વડોદરામાં 20 ઇંચ વરસાદ, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

વડોદરામાં ધીમી શરૂઆત સાથે શરૂ થયેલો વરસાદ 20 ઇંચ વરસી ગયો છે. બપોર પછી ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ પરિસ્થિને જોતા શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

20 ઇંચ વરસાદ વરસતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર આવી ગઈ છે.

હવામાન વિશે માહિતી આપનાર વેબસાઈટ સ્કાઈમેટ વેધર પ્રમાણે વડોદરામાં સવારે 8.30 થી સાંજે 8.30 કલાક સુધી એટલે કે માત્ર 12 કલાકમાં 554 એમએમ વરસાદ પડ્યો છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ છે.

ભારે વરસાદને પગલે અમુક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આ અંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્થિતિની સમીક્ષા માટે બેઠક યોજી હતી.

તેમણે નીચાણવાળા વિસ્તારના લોકોને સમગ્ર રાત્રી દરમિયાન પોલીસ અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમોની મદદથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવા સૂચના આપી છે.

તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસવા તથા અનિવાર્ય સંજોગો સિવાય ઘર બહાર ના નીકળવાની સૂચના આપવામાં આવી છે.

વડોદરા ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

પશ્ચિમ રેલવેએ જણાવ્યું છે કે વડોદરામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.

રમિત મનોહર કૌલ નામના ટ્વિટર યુઝરે લખ્યું છે કે વડોદરામાં રસ્તાઓ અને રન-વે પર પાણી ભરાતા અમે ઍરપોર્ટ પર ફસાયા છીએ.

રામ વાધે લખ્યું છે કે વીએમસી આ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર નહોતું. વીજળી ક્યારે આવશે?

એક ટ્વિટર યૂઝર મિત્ર ગઢવીએ લખ્યું છે કે બહુ જરૂરી ના હોય તો બહાર ના નીકળશો. એકબીજાની મદદ કરજો અને જાનવરોની પણ મદદ કરજો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો