વડોદરામાં વરસાદને લીધે પૂર આવ્યું કે વિશ્વામિત્રી નદીને કારણે?

વડોદરા શહેરમાં બુધવારે એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દિવાલ ધસી પડવાને કારણે 4 લોકોનાં મૃત્યુ થયા છે.

હજી વરસાદી પાણી ઓસર્યા નથી અને આવતીકાલે પણ શાળા-કૉલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આવતીકાલે 13 ટીમો નુકસાનનું આકલન કરશે. વિશ્વામિત્રી નદી હજી ભયજનક સ્થતિમાં છે. શહેરના 3 પુલ પર લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સત્તાધિકારીઓ સાથે બચાવ અને રાહતની કામગીરી અંગે મિટિંગ યોજી હતી.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ માહિતી આપી હતી કે જંગલખાતાએ પૂરને લીધે રહેણાંક વિસ્તારમાં આવી ચડેલા 3 મગરોને પકડી લીધા હતા.

તેમણે કહ્યું કે પુણેથી એનડીઆરએફની 3 ટીમોને ઍરલિફ્ટ કરવામાં આવી છે.

અતિભારે વરસાદને કારણે વાહનવ્યવહારને ભારે અસર થઈ છે. શહેરનું ઍરપોર્ટ બંધ કરવું પડ્યું છે. તો કેટલીક ટ્રેનો રદ કરવી પડી છે કાં તો એનાં રૂટ બદલવાની ફરજ પડી છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8ને બંધ કરી દેવો પડ્યો છે.

શહેરના તમામ માર્ગો પર પાણી ફરી વળ્યાં છે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ, વડોદરા મહાનગરપાલિકા તેમજ પોલીસદળ બચાવકાર્યમાં જોતરાઈ ગયાં છે.

અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં વડોદરા શહેરમાંથી 4500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

જોકે, પ્રથમ નજરે કુદરતી હોનારત ભાસી રહેલી વડોદરાની આ સ્થિતિ પાછળ માનવવાંક જવાબદાર હોવાનો દાવો કરાઈ રહ્યો છે.


વડોદરાની આફત માનવનિર્મિત?

Image copyright daxesh shah

વડોદરાના વરિષ્ઠ પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિનું માનવું છે કે વડોદરામાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ પાછળ સંપૂર્ણ રીતે મહાનગરપાલિકા જવાબદાર છે.

પ્રજાપતિનું માનવું છે કે વડોદરા શહેરમાંથી થઈને વહેતી વિશ્વામિત્રી નદીના કિનારાની ખરાબ હાલત અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલાં વિકાસનાં કામોએ વડોદરાની આવી હાલત કરી નાખી છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પ્રજાપતિ જણાવે છે, "કોતરોને એ કુદરતી પૂરનિયંત્રણની વ્યવસ્થા ગણવામાં આવે છે."

"નદીમાં આવતું પૂરનું પાણી કોતરોમાં સમાઈ જતું હોય છે અને આ જ કોતરો પૂરનાં પાણીની ઝડપ પણ ઘટાડતાં હોય છે."

"જોકે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વમિત્રી નદીનાં કોતરો બૂરીને આમંત્રણ આપીને આ પૂર બોલાવાયું છે."

પ્રજાપતિનું એવું પણ માનવું છે કે વિશ્વામિત્રી નદીઓ કે અન્ય જળાશયોમાં વહી જતું પાણી અણઘડ શહેરઆયોજને કારણે શહેરમાં જ ભરાવા લાગ્યું છે.


પરિસ્થિતિ ટાળી શકાઈ હોત?

Image copyright Daxesh shah

તેઓ જણાવે છે, "કોતરો બૂરીને શહેરમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવતાં પાણીનાં કુદરતી વહેણ બંધ થઈ ગયાં અને પાણી શહેરમાં જ ભરાવા લાગ્યું."

તેઓ એવો આવો પણ કરે છે, "તમામ કોતરો ખુલ્લાં હોત તો શહેરની સ્થિતિ હાલ કરતાં 90 ટકા સારી હોત."

કેન્દ્ર અને રાજ્યનાં પર્યાવરણમંત્રાલય, ગુજરાત સરકારના મુખ્ય સચિવ, વન અને પર્યાવરણવિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ અને શહેરી રહેણાંક ઑથોરિટીને પત્ર લખ્યો હતો.

Image copyright Rohit prajapati
ફોટો લાઈન રોહિત પ્રજાપતિના પત્રના આધારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આપેલો નિર્દેશ

જે બાદ ભારત સરકારના પર્યાવરણમંત્રાલય દ્વારા આ મામલે ગુજરાત સરકારના વન અને પર્યાવરણમંત્રાલયને પગલાં લેવા નિર્દેશ કરાયો હતો.

એ નિર્દેશને પગલે વડોદરા મહાનગરપાલિકાએ સંબંધિત વિભાગના ઇજનેરોને 'સંલગ્ન કામગીરી કરવા' વિનંતી કરી હતી.

આ મામલે કેટલી કામગીરી થઈ શકી એ જાણવા બીબીસી ગુજરાતીએ ફોન પર વડોદરા શહેરતંત્રનો સંપર્ક સાધ્યો હતો.

જોકે, વડોદરા મહાનગરપાલિકાનાં કમિશનર શાલિની અગ્રવાલે 'હું આ મામલે જોવડાવી લઈશ.' કહીને ન ફોન કાપી નાખ્યો હતો.


હાલની પરિસ્થિતિ

Image copyright Rohit prajapati
ફોટો લાઈન વડોદરામાં બૂરી દેવાયેલું વિશ્વામિત્રી નદીનું કોતર

વડોદરા વરસાદને કારણે બેહાલ બન્યું છે, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

બુધવારે 7 કલાકમાં પડેલા 20 ઇંચ જેટલા વરસાદે શહેરના રહેવાસીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી હાલ બે કાંઠે વહે છે અને કેટલાક વિસ્તારોમાં નદીનું પાણી ઘૂસી ગયું છે.

નદીના પાણીની સાથેસાથે શહેરવાસીઓ પર હાલ મગરોનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. અમુક વિસ્તારોમાં મગર ઘૂસે તેવી ભીતિ સેવાઈ રહી છે.

સ્થાનિક તંત્ર સાથે એનડીઆરએફની ટીમો પણ વડોદરામાં રાહત અને બચાવ કામગીરીમાં લાગી છે.

સ્કૂલો અને કૉલેજો 1 ઑગસ્ટના રોજ બંધ રહી અને અન્ય સંસ્થાઓ પણ બંધ રહી છે.

અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે તથા કેટલાક વિસ્તારોમાં હાલ વીજળી પણ નથી.

અતિભારે વરસાદને કારણે ઍરપૉર્ટ બંધ કરવાની ફરજ પડી હતી. કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી તથા કેટલીક ટ્રેનોના રૂટ બદલવાની ફરજ પડી હતી.

વિજય રૂપાણીની સરકારે સ્થાનિક તંત્રને આદેશ આપ્યા છે કે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર પડે તો સલામત સ્થળે ખસેડવામાં આવે.

ઍરપૉર્ટ ઑથૉરિટીના જણાવ્યા પ્રમાણે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં ઍરપૉર્ટ બંધ કરવાની ફરજ પડી હતી અને બે ફ્લાઇટ્સ કૅન્સલ કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ