રામજન્મભૂમિ વિવાદ ના ઉકેલી શકી મધ્યસ્થતા સમિતિ

શ્રી શ્રી રવિ શંકર Image copyright Getty Images

અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલામાં મધ્યસ્થી કરનારી સમિતિએ સુપ્રીમ કોર્ટને બંધ પરબીડિયામાં પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે સમિતિ વિવાદને ઉકેલવામાં અસમર્થ રહી છે.

સમિતિએ પોતાના રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે પેનલના તમામ સભ્યો વિવાદના ઉકેલ માટે સર્વસંમતિ પર પહોંચી શક્યા નથી.

અખબાર પોતાના રિપોર્ટમાં લખે છે કે આ રીતે મધ્યસ્થા માટે આપવામાં આવેલા 155 દિવસો બેકાર જતા રહ્યા.

સુપ્રીમ કોર્ટ દ્વારા આ સમિતિ 8 માર્ચના રોજ રચવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ ખલીફુલ્લા, વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ હતા.


ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગિર-સોમનાથ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે એમ છે.

આ દરમિયાન વરસાદને કારણે વડોદરાનું જનજીવન ખોરવાઈ ગયું છે. 'હિદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર અત્યાર સુધી જિલ્લામાં ચારનાં મૃત્યુ થયાં છે, જ્યારે 5 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા છે.

રાહત અને બચાવની કામગીરી માટે શહેરમાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફૉર્સ(એનડીઆરએફ)ની ચાર ટીમો તહેનાત કરાઈ છે. જ્યારે વધુ પાંચ ટીમોને ઍરલિફ્ટ કરવામાં આવી છે.

આ પહેલાં ગુરુવારે સવાર સુધી 24 કલાકમાં શહેરમાં 499 મિલિમિટર વરસાદ પડ્યો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું હતું, "આજવા ઓવરફ્લૉ થવાને કારણે વિશ્વામિત્રીનાં પાણીમાં વધારો થયો હતો અને તેને કારણે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું."


યમન : સૈન્યપરેડ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો, 32નાં મૃત્યુ

Image copyright Reuters

યમનમાં એક સૈન્યપરેડ દરમિયાન કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 32 લોકો માર્યા ગયા છે.

હુતી વિદ્રોહીઓએ સૈન્યપરેડને મિસાઇલ અને ડ્રોનથી નિશાન બનાવી હતી.

હુતી વિદ્રોહીઓ દ્વારા ચલાવાઈ રહેલી એક ટીવી ચેનલના મતે આ પરેડ દક્ષિણમાં દરિયાકિનારે વસેલા શહેર ઍડનમાં યોજાઈ રહી હતી.

ઍડન યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતી સરકારનું શક્તિકેન્દ્ર છે.

આ પહેલાં ઍડનમાં જ એક પોલીસસ્ટેશન પર આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ કરાયો હતો. જેમાં 10 લોકો માર્યા ગયા હતા.


અયોધ્યા ભૂમિવિવાદ : મધ્યસ્થતા પૅનલે SCને સોંપ્યો સ્ટેટ રિપોર્ટ

Image copyright Getty Images

અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના વિવાદ મામલે રચાયેલી મધસ્યથતા પ‌ૅનલે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો છે.

હવે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય પીઠ શુક્રવારે આ મામલે સુનાવણી હાથ ધરશે.

ફાઇનલ રિપોર્ટના આધારે સુપ્રીમ કોર્ટ એ નક્કી કરશે કે આ મામલે હાલમાં મધ્યસ્થતા કરાશે કે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો