કાશ્મીર : ભારતીય સૈનિકની આ વાઇરલ તસવીરનું સત્ય શું છે?

સોશિયલ મીડિયા પર એક ભારતીય સૈનિકની આ તસવીર વાઇરલ થઈ રહી છે. Image copyright SM Viral Post
ફોટો લાઈન સોશિયલ મીડિયા પર એક ભારતીય સૈનિકની આ તસવીર વાઇરલ થઈ રહી છે.

દક્ષિણપંથી વલણ ધરાવતાં કેટલાંક ફેસબુક ગ્રૂપમાં આ તસવીરને જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા અટકાવાયા બાદ કથિત રીતે શરૂ થયેલી આક્રમક સૈન્ય-કાર્યવાહીના પ્રતીક તરીકે રજૂ કરાઈ રહી છે.

જ્યારે અન્ય કેટલાંક ગ્રૂપમાં આ તસવીરને કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોની ગણાવીને શૅર કરવામાં આવી રહી છે.

ટૂંકમાં આ તસવીર ફેસબુક પર 70 હજાર કરતાં વધુ વખત શૅર કરવામાં આવી છે. આ ઉપરાંત વૉટ્સઍપ અને ટ્વિટર પર પણ આ તસવીર શૅર કરાઈ રહી છે.

આ વાઇરલ તસવીર પાછળની કહાણી શું છે? એ જાણવા માટે બીબીસીએ આ તસવીર લેનારા 19 વર્ષના ફોટોગ્રાફર ફૈઝલ બશીર સાથે વાત કરી.


તસવીર ક્યારની અને ક્યાંની છે?

Image copyright Faisal bashir
ફોટો લાઈન ફૈઝલ બશીરે ખેંચેલી તસવીર

શ્રીનગરથી જોડાયેલા બડગામ જિલ્લામાં રહેતા ફૈઝલ બશીરના જણાવ્યા અનુસાર આ તસવીર તેમણે 2જી ઑગસ્ટ 2019ના રોજ ખેંચી હતી.

આ તસવીર એ સમયની છે જ્યારે દક્ષિણ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ભારતીય સૈન્ય અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી.

ફૈઝલ અનંતનાગ જિલ્લાની સરકારી ડિગ્રી કૉલેજમાં માસ કૉમના વિદ્યાર્થી છે.

50 કલાક કરતાં પણ વધુ સમય સુધી ચાલેલી એ અથડામણની તસવીરો ખેંચવા તેઓ શોપિયાં પહોંચ્યા હતા.

તેમણે જણાવ્યું, "લગભગ દોઢ કલાક થઈ હતી જ્યારે મેં તસવીરો ખેંચવાનું શરૂ કર્યું. એ સમયે અંદરની બાજુએ અથડામણ ચાલી રહી હતી. ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો. જેટલા પણ રસ્તા અને શેરીઓ અથડામણના સ્થળ તરફ જઈ રહ્યા હતા એ તમામ પર નાકાબંધી લગાવી દેવાઈ હતી."


સૈનિક અંગે જાણકારી

Image copyright faisal bashir
ફોટો લાઈન ફૈઝલ બશીર

ફૈઝલે જણાવ્યું કે તેઓ છેલ્લાં બે વર્ષથી કાશ્મીરની ખીણમાં ફોટોગ્રાફી કરી રહ્યા છે.

થોડો સમય પહેલાં તેઓ કાશ્મીરમાંથી પ્રકાશિત થતાં અખબાર માટે કામ કરતા હતા. હાલમાં તેઓ શ્રીનગરમાં સંચાલિત એક ન્યૂઝ વેબસાઇટ માટે કામ કરે છે.

તેમણે જણાવ્યું, "જે ભારતીય સૈનિકની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે તે અથડામણના સ્થળથી ઘણે દૂર લગાવાયેલી નાકાબંધીમાં સામેલ હતો. આ એ જગ્યા હતી કે જ્યાં કેટલાક સ્થાનિકો ભારતીય સરકારે કશ્મીર અંગે લીધેલા નિર્ણયો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા."

ફૈઝલે ઉમેર્યું, "જ્યારે મેં આ તસવીર ખેંચી ત્યારે સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપનો એક સૈનિક રસ્તા વચ્ચોવચ ખુરશી નાખીને બેઠો હતો. એના હાથમાં એક ઑટોમૅટિક બંદૂક હતી, જેને એ વારંવાર પ્રદર્શનકારીઓ તરફ તાકી રહ્યો હતો. પ્રદર્શનકારીઓને અથડામણના સ્થળ સુધી પહોંચતા અટકાવવાની ફરજ એને સોંપાઈ હતી."

ફૈઝલે સ્થાનિક પોલીસ પાસેથી મળેલી સૂચનાને ટાંકીને કહ્યું, "1-2 ઑગસ્ટ વચ્ચેની રાતે શરૂ થયેલી એ અથડામણમાં બે ઉગ્રવાદીઓ અને એક ભારતીય સૈનિક સહિત ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં."

"આ અથડામણમાં માર્યા ગયેલા સામાન્ય નાગરિકની ઓળખ બિહારના મુજિબ તરીકે કરાઈ હતી, જે શોપિયાં મજૂરી કરવા માટે આવ્યો હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો