કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો ભાગ થવા હજુ 'પરિપક્વ' નથી?

કાશ્મીરના લોકો Image copyright Reuters

ઇતિહાસનો દોર જાતભાતના આટાપાટામાંથી આગળ વધતાં-વધતાં ક્યારેક એવી ગૂંચો ઊભો કરતો જાય છે, જેને વર્ષોનાં વર્ષો સુધી ઉકેલી શકાતી નથી.

કંઈ કેટલાંય પરિબળો એમાં ગૂંચવાતાં જાય છે અને વખત વીતતાં બીજાં પરિબળો ઉમેરાતાં જાય છે, સમસ્યા વધારે પેચીદી બનતી જાય છે.

આવી સમસ્યાઓનું સીધુંસાદું એકસૂત્રી સમાધાન હોતું નથી.

કાશ્મીરનો જ દાખલો લઈએ તો, બંધારણની કલમ 370 એ કાશ્મીરના અઘરા સમીકરણનાં ઘણાં પાસાંમાંનું એક છે - એકમાત્ર નથી.

બંધારણની 370મી કલમ રદ કરીને નરેન્દ્ર મોદી સરકાર ઇતિહાસ સર્જવા ઈચ્છે છે, પણ સમસ્યાના સમાધાનની આ એક શરૂઆત છે.

આ પ્રયત્ન સફળ થાય છે કે નહી, તે હવે પછીનાં પગલાં પર આધાર રાખશે.

ગૂંચની જ ઉપમા ચાલુ રાખીએ તો, ભારતના ભાગલાના વૈષમ્યના પરિણામે ઊભું થયેલું કાશ્મીરનું કોકડું આવું છે.

એક તો એના ભારતમાં જોડાવા સંબંધી સંધિના કાનૂની કાવાદાવા છે, બીજું અલગાવવાદી માનસિકતા અને હિંસા છે જેમાં ત્રાસવાદી સંગઠનો ભળ્યાં છે.

ત્રીજું પાડોશી દેશ પાકિસ્તાન પોતાનું વજૂદ પૂરવાર કરવા આમાં એક તક જુએ છે, અને બાકી રહ્યું તો રાજકારણ છે, રાજ્યનું અને કેન્દ્રનું.

આ બધા કર્તાહર્તાઓ અલગઅલગ દિશામાં દોરીઓ ખેંચ્યા કરે છે, અને પ્રજા - સ્થાનિક, હિજરતી અને બાકીના - તેમાં ભીંસાય છે.

Image copyright Getty Images

ભારતીય જનતા પક્ષ અને જમણેરી વિચારધારા માને છે કે, વિવાદનું મૂળ એ છે કે કાશ્મીર પોતાને કંઈક અલગ કે કંઈક વિશેષ માને છે, અને એ વિશેષતા કલમ 370થી આવે છે.

આઝાદી પછી કાશ્મીર રાજ્ય ભારત સંઘમાં જોડાયું ત્યારની શરતો પ્રમાણે બંધારણની કલમ 370 હેઠળ તેને ખાસ દરજ્જો આપવામાં આવ્યો. જેની હેઠળ રાજ્યને પોતાનું અલાયદું બંધારણ રાખવા મળ્યું.

સંરક્ષણ, નાણાં, વિદેશી સંબંધો અને સંદેશાવ્યવહાર - એ ચાર બાબતોમાં રાજ્ય કેન્દ્રને અધીન છે, બાકીના વિષયોમાં તે સ્વાયત્ત છે, એવી પણ સમજ હતી.

ઉપરાંત, કલમ '35એ' હેઠળ, બાકીના ભારતીયો આ રાજ્યમાં જમીન ખરીદી શકતાં નથી.

આ થઈ કાગળ પરની કાનૂની સમજ. વ્યવહારમાં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નામ પૂરતો રહ્યો છે.

ભારતીય સંસદે પસાર કરેલો દરેક કાયદો આ રાજ્યમાં લાગુ પડે જ છે (તેની વિધાનસભા દરેક કાનૂનને અલગથી પસાર કરે છે).

રાજ્યની વડી અદાલતે જ્યારે એમ કહ્યું કે, ચાર વિષયો બાદ કરતાં રાજ્ય સરકાર પાસે સંપૂર્ણ સત્તા છે, ત્યારે ડિસેમ્બર 2016માં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર ભારતના બંધારણથી ઉપર નથી.

જમીન ન ખરીદવાને લગતી જોગવાઈ બહારથી જોઈએ તો અયોગ્ય લાગે, પણ એનો હેતુ 'ડેમૉગ્રાફિક પ્રોફાઈલ' જાળવી રાખવાનો છે.

બીજા શબ્દોમાં, શહેરોમાંથી આવીને લોકો મૂળ નિવાસી કે આદિવાસીઓને જમીનવિહોણા ના કરે તે માટે કલમ 371 હેઠળ પણ અનેક રાજ્યો માટે એવી જ શરત મૂકવામાં આવી છે.

અલબત્ત, કાશ્મીરના કિસ્સામાં એનું પરિણામ એ છે કે તેમાં મુસ્લિમ બહુમતિ જળવાઈ રહે છે.

Image copyright Reuters

આમ, કલમ 370 કાગળ પર તો કાશ્મીરને અલગ સ્થાન આપે છે, પણ વાસ્તવમાં કેન્દ્રને રાજ્યમાં કોઈ પગલાં લેવા હોય તો તે ક્યારેય આડી આવી નથી. એનું કોઈ મહત્ત્વ હોય તો પ્રતીક તરીકે છે.

એના ઘડવૈયા, જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહના એક સમયના દિવાન અને પછીથી નહેરુના પ્રધાનમંડળના સભ્ય ગોપાલસ્વામી આયંગરે એના બચાવમાં એમ કહેલું કે બાકીનાં રજવાડાંની વાત જુદી હશે, પણ કાશ્મીર સંપૂર્ણપણે ભારતનો ભાગ થવા હજુ 'પરિપક્વ' નથી.

કલમ 370 દૂર કરવાનો મતલબ એ કે, ભલે બોંત્તેર વર્ષ પછી પણ, ભારત સરકાર એ માન્યતાને ફગાવી રહી છે.

જમ્મુ-કાશ્મીર ભારતના બાકીના કોઈ પણ રાજ્ય બરાબર છે, અને એના ભારતમાં જોડાણના વિશિષ્ટ સંજોગો હવે ભૂલીને આગળ વધીએ, એવો સરકારનો અભિગમ છે.

ટૂંકમાં, કલમ 370 અલગાવવાદને પોષે છે, માટે તેને નેસ્તનાબૂદ કરી નાંખી.

આ થઈ વાત દિલ્હીથી કાશ્મીર ભણી જોઈએ તો શું દેખાય તેની.

પણ શ્રીનગરથી જોઈએ તો કલમ 370ના કારણે અલગાવવાદ નથી આવ્યો, પોતે અલગ હોવાની એક લાગણી રહી છે તે રહી છે.

આ કલમે તેમાં કોઈ ખાસ ફાળો નથી આપ્યો, ફાળો આપ્યો છે ઇતિહાસનાં અને ધર્મના રાજકારણનાં કારણોએ.

એનો ઇલાજ માત્ર એક ખરડાથી અને સેના ઉતારવાથી આવે એવું ના માની લઈએ.

આવી સમસ્યાના ઇલાજ માટે ધીરજ જોઈએ, રાજકીય કુનેહ જોઈએ.

મુશ્કેલી એ છે કે પ્રજાનાં દિલ જીતવાના એવા ઇલાજો છેલ્લા બે-ત્રણ દાયકામાં વારંવાર થયા છે, અને નિષ્ફળ ગયા છે.

અટલ બિહારી વાજપેયીએ અલગ થવા માગતા ચોકાના નેતાઓ સાથે વાતચીત માટે માત્ર બંધારણના નહી, પણ 'ઇન્સાનિયતના દાયરા'માં વાતચીત કરવાનું એલાન કર્યું ત્યારે ઘણાં દિલ જીતાયેલાં પણ વારતા આગળ વધેલી નહી.

માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનું આજનું પગલું, ભારતની એક બહુમતિની દ્રષ્ટિએ, ધીરજનો અંત બતાવે છે.

આમ તો જે રીતે નિર્ણય લેવાયો છે - રાજ્ય વતી રાજ્યપાલનો અભિપ્રાય લેવો, વિપક્ષોને વિશ્વાસમાં ન લેવા - તેમાં સાંસદીય પ્રણાલિઓ કોરાણે મુકાઈ હોવાની ટિકાઓ પણ થઈ છે, પણ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પક્ષ જેવા વિપક્ષો પણ સરકારની હિમ્મતની દાદ આપીને ટેકામાં આગળ આવ્યા છે.

સરકારે સૈન્યની વધુ ટુકડીઓ ઉતારીને સંકેત આપ્યો છે કે કોઈ પણ પ્રતિક્રિયાને પહોંચી વળવા તે તત્પર છે.

અહીંથી કાશ્મીર સમસ્યાનો રસ્તો કળના બદલે પૂરેપૂરો બળ પર આધારિત થાય એવું લાગે છે.

સરકાર સમક્ષ હજુ એક વાર, દંડ પછી પણ, સામ અને દામ અજમાવવાનો વિકલ્પ છે, પણ તે બાકીના ખેલાડીઓના પ્રતિભાવ પર પણ આધાર રાખે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ