નડિયાદમાં જૂનું ઍપાર્ટમૅન્ટ તૂટી પડતાં 3નાં મૃત્યુ, અન્ય રાજ્યોમાં ભારે તબાહી

નર્મદા ડૅમ Image copyright Gujarat Information Department

ગુજરાતમાં ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડા જિલ્લાના મહુધામાં 11 ઇંચ તેમજ ગલતેશ્વરમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નડિયાદમાં એક જૂનું ઍપાર્ટમૅન્ટ તૂટી પડતાં 3 લોકોના મૃત્યુ થયા છે અને હજી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

બીજી તરફ મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં પૂરને લીધે ભારે તબાહી થઈ છે. તામિલનાડુમાં પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાયું છે.

ગુજરાતમાં ભારે વરસાદની અસરને પગલે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરામાં ભારે વરસાદને પગલે નાગરિકોને સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે.

વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચતા ફરી પૂરનો ખતરો ઉભો થયો છે.

ગુજરાતમાં 48 તાલુકાઓમાંઓ એવા છે કે જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને 42 તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં 15 તાલુકાઓમાં ગઈ કાલ સુધી 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. 27 તાલુકાઓમાં 4 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે તો 23 તાલુકાઓમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

ખેડાના મહુધામાં સૌથી વધારે 11 ઇંચ અને ગલતેશ્વરમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને ગઈ કાલે પહેલી વખત ડૅમના 25 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

નર્મદા નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર 28 ફૂટ થઈ ગયું છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ નર્મદા નદીનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો હતો.

ખાસ કરીને વડોદરા, તાપી અને સુરત તેમજ ભરૂચ જિલ્લામાં હજી વરસાદ પડે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે.

ભારે વરસાદ અને નદીઓની ભયજનક સ્થિતિને પગલે તમામ જિલ્લાતંત્રોને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં નર્મદા, તાપી, વિશ્વામિત્રી અને ઓરસંગ નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

રાહત અને બચાવ માટે એનડીઆરએફ 18 ટીમો અને એસડીઆરએફની 11 ટીમો તહેનાત કરવામાં આવી છે.

આ સાથે વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે.


નડિયાદ : ભારે વરસાદમાં જૂનું ઍપાર્ટમૅન્ટ તૂટ્યું, કેટલાક દટાયા

Image copyright DAXESH SHAH

ભારે વરસાદને પગલે નડિયાદમાં ત્રણ માળની એક ઇમારતના જમીનદોસ્ત થવાની ઘટના ઘટી છે.

અખબારી અહેવાલો અનુસાર આ ઘટનામાં ત્રણનાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે કેટલાક લોકો હજુ પણ કાટમાળમાં દબાયા હોવાની આશંકા વ્યકત થઈ છે.

'નવગુજરાત સમય'ના અહેવાલ અનુસાર કપડવંજ રોડ પર આવેલા 'પ્રગતિ ઍપાર્ટમૅન્ટ'નો ત્રણ માળનો બ્લૉક એલ-26 શુક્રવાર રાતે તૂટી પડ્યો હતો.

ફાયર-બ્રિગેડે બે વ્યક્તિને કાટમાળમાંથી બચાવી હોવાનું તથા કેટલાક લોકો હજુ પણ દટાયેલા હોવાનું અખબાર લખે છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ચાલીસેક વર્ષ પહેલાં બંધાયેલા આ ઍપાર્ટમૅન્ટમાં આર્થિક રીતે નબળાં અને શ્રમિકવર્ગના પરિવારો રહે છે.


મહારાષ્ટ્રમાં 29 લોકોનાં મૃત્યુ, 2 લાખનું સ્થળાંતર

Image copyright EPA

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલીમાં પૂરની વિકટ સ્થિતિ ઊભી થઈ છે.

વીજ પૂરવઠો બંધ થઈ જતા હાલ બે લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

ન્યૂઝ 18ના અહેવાલ મુજબ મહારાષ્ટ્રના સાંગલીમાં લોકોને લઈને જતી બોટ ઊંઘી વળી જતાં 9 લોકોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કેટલીક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી છે.

કોલ્હાપુર અને સાંગલીમાં લોકોને બચાવવા માટે આર્મી, એનડીઆરએફ, નેવી તથા સ્થાનિક તંત્ર કામે લાગ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ પૂર પ્રભાવિત વિસ્તારનો ઍરિયલ સર્વે પણ કર્યો હતો.

મહારાષ્ટ્રમાં પણ પૂરને પગલે અત્યાર સુધી 29 લોકોનાં મૃત્યુ થયા છે.


કેરળ અને કર્ણાટકમાં ભારે તબાહી

Image copyright EPA

બીબીસી સંવાદદાતા ઇમરાન કુરેશીએ સ્થાનિકો સાથે કરેલી વાતચીત મુજબ કેરળ અને કર્ણાટકમાં સદીની સૌથી વિકટ પૂરની સ્થિતિ છે.

કેરળમાં સાત જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવેલી છે.

રાહત શિબિરોમાં આશ્રય લઈ રહેલાં કર્ણાટકના બેલગાવી જિલ્લાના 100 વર્ષીય ગંગાપ્પાએ કહ્યું કે 100 વર્ષમાં આપી પૂરની સ્થિતિ અને આટલું પાણી નથી જોયું.

કર્ણાટકમાં 467 રાહત છાવણીઓમાં 95,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કિશ્ના નદીમાં ભારે પૂરને અત્યાર સુધી 33 લોકોનાં મૃત્યુ થયાં છે જેમાં કેરળમાં અત્યાર સુધી 28 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેરળમાં 315 રાહત છાવણીઓમાં 22,165 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

કેરળમાં સદીનું સૌથી ભયાનક પૂર ગણાવાઈ રહ્યું છે.

ગયા વર્ષે કેરળમાં આવેલા ભારે પૂર બાદ આ વર્ષે પણ કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

Image copyright EPA

પહાડી વિસ્તારમાં કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે.

દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં પણ ભારેથી અતિભારે વરસાદને કારણે 15 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે.

ભારે પૂરના કારણે રાજ્યમાં લાખો લોકો પ્રભાવિત થયાં છે અને અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયું છે.

કર્ણાટક સરકારે આપેલી માહિતી પ્રમાણે રાજ્યને સંપત્તિનું ભારે નુકસાન થયું છે અને સરકારે લોકોને મદદની અપીલ કરી છે.

અનેક જિલ્લાઓમાં તંત્ર રાહત અને બચાવ કામગીરી માટે લાગ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ