Man Vs Wild: બૅયર ગ્રીલ્સ અને નરેન્દ્ર મોદીના શૂટિંગથી જિમ કૉર્બેટને શું ફાયદો થશે?

Man Vs Wild Image copyright DISCOVERY

ડિસ્કવરી ચેનલ પર લોકપ્રિય કાર્યક્રમ 'Man Vs Wild'ના જાણીતા ચહેરા બૅયર ગ્રીલ્સે ઉત્તરાખંડના જિમ કૉર્બેટ ટાઇગર રિઝર્વના પ્રસિદ્ધ ઢિકાલા ઝોનમાં કોઈ સામાન્ય પર્યટકની જ જેમ કેટલાક દિવસો સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આવવાની રાહ જોઈ.

બૅયર ગ્રીલ્સને કદાચ એવો અનુભવ થયો હશે કે તેમની સાથે ઠગાઈ થઈ. એવો અનુભવ થઈ શકે છે કેમ કે તેઓ આખરે ટીવીની દુનિયાનાં એક એવા એવા જાણીતા માણસ છે જેમણે જંગલોની કપરી પરિસ્થિતિમાં કેવી ટકી શકાય છે એ બતાવી લાખો દર્શકોમાં પોતાનું સ્થાન ઉભું કર્યું છે.

જંગલમાં કંઈ ખાવાનું ન હોય તો સાપની ડોક મરડીને તેને કેવી રીતેખાઈને જીવી શકાય છે એ એમણે બતાવ્યું છે.

Image copyright ANI

પરંતુ જિમ કૉર્બેટમાં તેમણે ઢિકાલા ઝોનની અંદર રહેવું પડ્યું.

અહીં પર્યટકો માટે 33 રૂમ છે અને જંગલી પ્રાણીઓ અંદર ઘુસી ન શકે તે માટે આ ઝોનને વીજળીના તારથી ઘેરીને રાખવામાં આવ્યો છે.

અહીંના કાચા રસ્તે નદી કિનારા નજીક તમે દિવસ દરમિયાન તમે અધિકૃત ખુલા વાહનોમાં હરી-ફરી શકો છો. જોકે, એ વાહનોમાંથી એક સેકંડ માટે પણ ઉતરવું તમને ભારે પડી શકે છે અને દંડ ભરવો પડી શકે છે.

આ સ્થિતિમાં તમે બૅયર ગ્રીલ્સની લાચારીને સમજી શકો છો.

આ એપિસોડના શૂટિંગ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચ્યા તો પણ બૅયર ગ્રીલ્સની મુશ્કેલીઓ ખતમ નહોતી થઈ.

ચોમાસાની ઋતુ ન હોવા છતાં સવારથી જ ઢિકાલા અને તેની આસપાસ ભારે વરસાદ પડી રહ્યો હતો. પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં આવું ગમે ત્યારે બની શકે છે.

Image copyright DISCOVERY

મોદી કાલાગઢથી એક સ્પીડબોટની મદદથી ઢિકાલા પહોંચ્યા અને જંગલના જૂના રેસ્ટ હાઉસમાં વરસાદ રોકાવાની રાહ જોઈ.

જૂનું રેસ્ટ હાઉસ ઢિકાલાની સૌથી ઉત્તમ જગ્યા છે. તમે ગૂગલમાં શોધી શકો છો, ત્યાં તમને જિમ કૉર્બેટની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો મળશે.


કેવી રીતે પડ્યું જિમ કૉર્બેટ ટાઇગર રિઝર્વનું નામ?

Image copyright Ajay Suri

જિમ કૉર્બેટ ભારતનું પહેલું ટાઇગર રિઝર્વ છે.

ઉત્તરાખંડમાં કૉર્બેટ ગઢવા અને કુમાઉં બન્ને એ બેઉ વિસ્તારમાં પડે છે. આ વિસ્તાર શાલનું જંગલ, ઘાસના મેદાન અને પહાડોનું રમણીય મિશ્રણ છે અને અહીં રામગંગા નદી વહે છે.

રણથંભોરમાં વાઘને જોવા સહેલું હોઈ શકે છે, પરંતુ અસલી સોંદર્યમાં કૉર્બેટ જેવું કદાચ જ દુનિયામાં બીજું કોઈ સ્થળ હોય.

વર્ષ 1936માં તે સમયના યૂનાઇટેડ પ્રૉવિન્સના તત્કાલીન ગવર્નર મૈલ્કૉમ હેલીના નામે તેને હેલી નેશનલ પાર્ક ઘોષિત કરવામાં આવ્યું હતું.

પરંતુ ત્યારબાદ આ પાર્કને જિમ કૉર્બેટનું નામ આપવામાં આવ્યું જેમને આજે પણ ઉત્તરાખંડમાં યાદ કરવામાં આવે છે.

તેમણે અહીંના પહાડોની વસતીને ઘણા ઘાતકી વાઘ અને ચિત્તા જેવા પ્રાણીઓથી છૂટકારો અપાવ્યો હતો.

પ્રસિદ્ધ શિકારી જિમ કૉર્બેટે વન્ય જીવોના સંરક્ષણ માટે કામ કર્યું હતું.

Image copyright Getty Images

જિમ કૉર્બેટે ન માત્ર પોતાના 16-mm કૅમેરાથી વન્યજીવન અંગે ફિલ્મો બનાવી, પરંતુ જંગલ પર પુસ્તકો પણ લખ્યાં છે જેમને આજે ક્લાસિક માનવામાં આવે છે.

તેમના પુસ્તકોમાં સૌથી ઉપર 'મૅન ઇટર્સ ઑફ કુમાઉં'નું નામ આવે છે, ત્યારબાદ 'ધ ટેંપલ ટાઇગર', 'મોર મૅન ઇટર્સ ઑફ કુમાઉં', 'ધ મૅન ઇટિંગ લેપર્ડ ઑફ રુદ્રપ્રયાગ', 'માઇ ઇન્ડિયા' અને 'જંગલ લોર'નું નામ આવે છે.

વર્ષ 1955માં જિમ કૉર્બેટના મૃત્યુ બાદ રિઝર્વનું નામ જિમ કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કરી દેવામાં આવ્યું.

ટેકનિકલ રૂપે અને સૌંદર્યની દૃષ્ટિએ જિમ કૉર્બેટ ભારતના પહેલા અને ઉત્તમ પ્રકૃતિ સંરક્ષણવાદી હતા.

અહીંથી જ એપ્રિલ 1973માં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ વાઘોને લુપ્ત થવાથી બચાવવા માટે પ્રોજેક્ટ ટાઇગરનો પ્રારંભ કર્યો.


જિમ કૉર્બેટનો 'ઢિકાલા ઝોન'

Image copyright Getty Images

ત્યારે ચાલો ફરી મૅન વર્સેઝ વાઇલ્ડની તરફ વળીએ.

થોડા સમય બાદ વરસાદ ધીમો પડ્યો જેનાથી બૅયર ગ્રીલ્સ અને નરેન્દ્ર મોદીને એ જગ્યાઓ પર શૂટિંગ કરવાની તક મળી ગઈ જેને બૅયર ગ્રીલ્સની ટીમે પહેલેથી નક્કી કરી રાખી હતી.

વડા પ્રધાન સાથે બે જગ્યાએ શૂટિંગ થયું. રામગંગા નદીના કિનારે, જેને ગેથિયા રોના નામે લોકો ઓળખે છે. શૂટિંગની બીજી જગ્યા એ ઘાસનું મેદાન હતું ત્રણ તરફથી ઢિકાલા પરિસરથી ઘેરાયેલું છે.

Image copyright DISCOVERY

ઉત્તરાખંડ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે વડા પ્રધાન પહોંચ્યા તે અગાઉ અથવા તો તેમની અહીં ઉપસ્થિતિ પહેલા બૅયર ગ્રીલ્સને સુરક્ષા વગર ઢિકાલા પરિસરની બહાર એકલા જવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આ ખૂબ જોખમી હોતું.

એક દાયકા પહેલા ઢિકાલામાં જ્યારે એક વાઘણે પરિસરમાં ઘુસીને રેસ્ટોરાં પ્રબંધકને મારી નાખ્યા, ત્યારે ઢિકાલાને વીજળીના તારથી ઘેરવું જરૂરી બની ગયું હતું.

પરિસરની અંદર જંગલી હાથીઓની અવરજવર પણ કેટલીક ઘટનાઓ ઘટી છે.

શૂટિંગ માટે વન વિભાગે બે સ્થાન નિર્ધારિત કર્યા હતા કે જેથી કોઈ વન્યજીવને કોઈ નુકસાન ન પહોંચે.

કૅમેરાથી થોડે દૂર એસપીજીના અધિકારી અને વન્ય અધિકારી વડા પ્રધાનની સુરક્ષામાં તહેનાત હતા.

Image copyright Ajay Suri

ગેથિયા રો વિસ્તાર કૉર્બેટ ટાઇગર રિઝર્વની સૌથી વિખ્યાત એ વાઘણ અને તેના ત્રણ બાળકોનું ઘર છે કે જે 'પાડવાલી'ના નામે પ્રસિદ્ધ છે.

પરંતુ તે દિવસે વાઘણનો એ પરિવાર બહાર ન નીકળ્યો.

કૉર્બેટના આ વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં હાથી જોવા મળતા નથી.

સામાન્યપણે મધ્ય માર્ચ બાદ હાથી ઘાસના આ મેદાનો અને ઝાડીઓમાં મોટા ટોળામાં પહોંચે છે.

એટલે કે શૂટિંગ દરમિયાન તેમને હાથીઓથી રાહત હતી.

Image copyright corbettnationalpark

તેમાં કોઈ શંકા નથી કે આ કાર્યક્રમથી એ જ રીતે જિમ કૉર્બેટને ફાયદો થશે જેમ આમિર ખાનની ફિલ્મ થ્રી ઇડિયડ્સથી લદ્દાખના પેંગૉન્ગ તળાવને મળ્યો હતો.

પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે શું આવી જગ્યાઓને ખરેખર વધારે પ્રચારની જરૂર છે?

લદ્દાખ પ્રશાસને પર્યટકોના દબાણના ખતરાને અનુભવતા પહેલેથી જ પેંગૉન્ગ નજીક કૅમ્પ લગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Image copyright Ajay Suri

બૅયર ગ્રીલ્સના અહીં આવતા પહેલા પણ જિમ કૉર્બેટ એક વિશ્વ પ્રસિદ્ધ ટાઇગર રિઝર્વ હતું.

જેમ કે એક અન્ય વન્ય અધિકારી વ્યંગ સાથે કહે છે, "તમે તાજમહેલને વધારે લોકપ્રિય બનાવી શકતા નથી. શું તમે એવું કરી શકો છો?"

"મને લાગે છે કે બૅયર ગ્રીલ્સ થોડી નિરાશા સાથે પરત ફર્યા હશે. તેમને એ જંગલ ન મળ્યું જેની તેમને શોધ હતી."

Image copyright ANI

પછી વિશુદ્ધ નિરાધાર વિચાર આવ્યો કે ભારતમાં આ શૂટિંગ માટે આદર્શ સ્થાન કયું હોત?

કદાચ ચંબલના કોતરો. પરંતુ આ કોતરો બૅયર ગ્રીલ્સ જેવી વ્યક્તિ માટે પણ અઘરા સાબિત થઈ શકત.

ખૂબ જ અઘરા ચંબલના કોતરોમાં ગયા બાદ ઘણા લોકો તેનાં ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શક્યા નથી.

તેને મનુષ્યોના ભક્ષક તરીકે જોવામાં આવે છે. એ વાત પણ ખરી છે કે આખરે ક્યાં સુધી એક વ્યક્તિ સાપ ખાઈને જીવતી રહી શકે છે?

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલી હકીકતોઅને વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નથી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો