એવું શું થયું કે ભારતમાં ઑટો ઇન્ડસ્ટ્રીનાં પૈડાં થંભી ગયાં?

કાર બજાર Image copyright PTI

વાહન ઉદ્યોગમાં સતત નવમાં મહિને મંદી નોંધાઈ. વેચાણની દૃષ્ટિએ જુલાઈ છેલ્લા 18 વર્ષનો સૌથી નિરાશાજનક મહિનો રહ્યો. એક જ મહિનામાં વેચાણમાં 31%નો ઘટાડો થયો.

સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સ (SIAM)ના જણાવ્યા અનુસાર છેલ્લા નવ મહિનાની સરખામણીએ ગત મહિને સૌથી ઓછા એટલે કે 2,00,790 વાહનોનું વેચાણ થયું.

એસયુવીના વેચાણમાં 15%નો, જ્યારે કારના વેચાણમાં 36%નો ઘટાડો થયો.

SIAMના મૅનૅજિંગ ડિરેક્ટર વિષ્ણુ માથુરના જણાવ્યા અનુસાર, વાહન ઉદ્યોગને તાત્કાલિક રાહત પૅકેજ આપવું પડે તેમ છે.

તેમના જણાવ્યા પ્રમાણે જીએસટીના દરોમાં કામચલાઉ ઘટાડો કરવાથી પણ ઉદ્યોગને રાહત મળે તેમ નથી.

માથુર કહે છે, "ઑટો ઇન્ડસ્ટ્રીની સ્થિતિ વધારે બગડતી અટકાવવા માટે ઉદ્યોગના પ્રતિનિધિઓએ સરકાર સાથે હાલમાં જ વાતચીત કરી છે."

"અમે રાહત પૅકેજની માગણી કરી છે. કાર પર જીએસટી દર ઘટાડવાની, કારને સ્ક્રૅપ માટેની નીતિ લાવવાની, નાણાકીય સ્થિતિને, ખાસ કરીને નૉનબૅન્કિંગ ફાઇનાન્સને મજબૂત કરવાની માગણી કરી છે."

બીજી બાજુ, ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ ઍસોસિયેશન (FADA)નું માનવું છે કે, છેલ્લા ત્રણ મહિનામાં બે લાખ લોકોની નોકરી જતી રહેવાથી આ મંદી બેઠી છે.


દેશની સૌથી મોટી કંપનીઓના ઉત્પાદનમાં કાપ કેમ?

Image copyright PTI

એશિયામાં ત્રીજા ક્રમનું અર્થતંત્ર ધરાવતા ભારતમાં છેલ્લા એક વર્ષમાં વાહનોની ખરીદીમાં ભારે કાપ મૂકાયો છે.

તેના માટે એક કારણ નૉનબૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ તરફથી અપાતું ધિરાણ બંધ થયું છે, તેને પણ જવાબદાર માનવામાં આવે છે.

આવી સ્થિતિને કારણે દેશની સૌથી મોટી કાર કંપનીઓમાંથી મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ જેવી કંપનીઓએ ઉત્પાદનમાં કાપ મૂક્યો છે.

તેના કારણે હજારો કામદારોને નોકરીમાંથી છુટ્ટા કરવામાં આવ્યા છે.

સમગ્ર રીતે વાહન ઉદ્યોગ આજ સુધીના સૌથી નીચેના તળિયે પહોંચી ગયો છે.

સ્થાનિક બજારમાં 51 ટકા હિસ્સો ધરાવતી મારુતિ સુઝુકીએ જાન્યુઆરીમાં 1.42 લાખ કાર વેચી હતી.

પરંતુ છ મહિનામાં તેમાં 31%નો ઘટાડો થયો અને જુલાઈમાં માત્ર 98,210 કારનું વેચાણ થયું.

બીજા નંબરની સૌથી મોટી કંપની હ્યુન્ડાઈના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

જાન્યુઆરીમાં હ્યુન્ડાઈની લગભગ 45,000 કાર વેચાઈ હતી.

તેની સામે જુલાઈમાં માત્ર 39,000 કાર વેચાઈ અને આ રીતે વેચાણમાં 15% ઘટાડો થઈ ગયો હતો.


જીએસટીના દરમાં ઘટાડાની માગ

Image copyright @tatamotors

શૅરબજારમાં આ કંપનીના શૅરોના ભાવ ઝડપથી ઘટી રહ્યા છે.

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મારુતિના શૅરના ભાવમાં 22% ઘટાડો નોંધાયો છે.

ટાટા મોટર્સના શૅર પણ આ સમયગાળામાં 29% તૂટી ગયા છે.

તેની સરખામણીએ આ જ સમયગાળામાં મુંબઈ શૅરબજારના સેન્સેક્સમાં 2.4%નો વધારો નોંધાયો છે.

મંદીના કારણે ઘણા ડિલરોએ શૉ-રૂમ બંધ કરી દીધા છે. તેના કારણે હવે જીએસટીના દરોમાં ઘટાડા સહિતના પગલાની માગણી થઈ રહી છે.

વાહન ઉદ્યોગના લોકોની માગણી છે કે સરકારે ઑટો સૅક્ટરમાં લાગુ પડેલા જીએસટીના 28% દરને ઘટાડીને 18% કરી દેવો જોઈએ.

Image copyright @MSArenaOfficial

ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં રિઝર્વ બૅન્કે રેપો રેટમાં સતત ચાર વાર ઘટાડો કર્યો છે.

જોકે, ઉદ્યોગના જાણકારો કહે છે કે બજારમાં રોકડની ઉપલબ્ધિ વધારવા માટે હજી બીજાં ઘણાં પગલાં લેવા પડે તેમ છે.

તાજેતરમાં વાહન ઉદ્યોગના પ્રતિનિધિઓ નાણામંત્રી નિર્મલા સિતારમણને મળ્યા હતા અને તેમને સ્થિતિથી વાકેફ કર્યા હતા.

સરકારે પણ વાહન ઉદ્યોગમાં આવેલી મંદીને દૂર કરવા માટે વિચારવાનું શરૂ કર્યું છે.

જોકે, હજી સુધી ઉદ્યોગ તરફથી થયેલી માગણીઓનો કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

SIAMના મૅનૅજિંગ ડિરેક્ટર વિષ્ણુ માથુર કહે છે આ મહિનેથી તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે, પરંતુ તેમાં પણ કોઈ છૂટ મળી રહી નથી.

તેઓ કહે છે, "એપ્રિલમાં નાણાકીય વર્ષ શરૂ થયું ત્યારે SIAM તરફથી વાહનોના વેચાણમાં 3%થી 5% સુધીનો વાર્ષિક વૃદ્ધિ દર રહેશે તેવું અનુમાન મુકાયું હતું, પરંતુ હવે મંદીના કારણે આ અનુમાન બદલવું પડે તેમ છે."


કામચલાઉ કામદારોને છુટ્ટા કરવાનું શરૂ

Image copyright @MSArenaOfficial

જુલાઈમાં મારુતિનાં વાહનોના વેચાણમાં 34% ઘટાડો થયો, તે છેલ્લાં સાત વર્ષમાં થયેલો સૌથી મોટો માસિક ઘટાડો છે.

ગયા વર્ષે કંપનીના વેચાણમાં માત્ર 4.7%નો વધારો થયો હતો.

હાલમાં જ રોઇટર્સે આપેલા એક અહેવાલ અનુસાર કંપનીએ કામચલાઉ કામદારોને છુટ્ટા કરવાનું શરૂ કરી દીધું છે.

જૂનના અંત સુધીમાં આવા કર્મચારીઓની સંખ્યા 6% જેટલી ઓછી કરાઈ હતી.

સાથે જ મારુતિએ કાર ઉત્પાદનમાં પણ કાપ મૂક્યો છે.

આ વર્ષના પ્રથમ છ મહિનામાં ઉત્પાદનમાં 10%થી પણ વધુનો કાપ મૂકાયો છે.

ટાટા મોટર્સે પણ પોતાનાં વાહનોના વેચાણમાં 34% જેટલો ઘટાડો થયા પછી મહારાષ્ટ્રમાં આવેલા પોતાના એકમોમાંથી કેટલાકને બંધ કરી દીધા છે.

જુલાઈમાં મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રાના વેચાણમાં 15% જેટલો ઘટાડો આવ્યો તે પછી કંપનીએ જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં 14 દિવસ સુધી ઉત્પાદન બંધ રખાશે.

Image copyright PTI

SIAMના તાજા આંકડા અનુસાર, જુલાઈમાં બધા જ પ્રકારનાં વાહનોના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.

ટ્રકના વેચાણમાં 26% જેટલા ઘટાડા સાથે માત્ર 56,866 ટ્રક વેચાયા હતા.

ટૂ વ્હિલરનું વેચાણ 15 લાખ જેટલું થતું હતું, તેમાં પણ 17% જેટલો ઘટાડો થઈ ગયો છે.

મંદીની અસર વાહનોના સ્પેરપાર્ટ્સ બનાવતી કંપનીઓને પણ થઈ છે.

ટાટા મોટર્સ અને અશોક લેલેન્ડ માટે સસ્પેન્શન બનાવવાનું કામ કરતી કંપની જમના ઑટો ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે કે મંદીના કારણે તેઓ ઑગસ્ટ આખો મહિનો ઉત્પાદન બંધ રાખશે.

Image copyright Getty Images

આ ઉદ્યોગને જૂનના બજેટમાં બેવડો માર પડ્યો, કેમ કે ઑટો પાર્ટ્સ પરની ડ્યૂટી પણ વધારી દેવાઈ હતી.

પેટ્રોલ, ડીઝલ પર પણ વધારાનો સેસ આવ્યો હતો.

SIAMના મૅનૅજિંગ ડિરેક્ટર વિષ્ણુ માથુરે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે વાહન ઉદ્યોગમાં 3.7 કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે.

મંદીનો ઉપાય કરવામાં નહીં આવે તો અનેક લોકોએ નોકરી ગુમાવવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ