અટલ બિહારી વાજપેયીએ આ રીતે જીત્યું હતું કાશ્મીરીઓનું દિલ

છેલ્લા કેટલાક દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં ઊથલપાથલ વધી તો એવી આશંકા વ્યક્ત કરાઈ હતી કે મોદી સરકાર રાજ્યને વિશેષાધિકાર આપતી કલમ 35Aને હટાવી શકે છે.

પરંતુ કેન્દ્રે તેનાથી પણ આગળ વધીને મોટું પગલું ભર્યું અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને નાબૂદ કરી નાખી.

આ સાથે જ જમ્મુ-કાશ્મીર બે ભાગમાં વહેંચાઈ ગયું અને તેના બે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા.

ભાજપ સરકારે બીજી વખત સત્તા સંભાળ્યા બાદ 17મી લોકસભાના પહેલા જ સત્રમાં કાશ્મીર મામલે નિર્ણય લઈ લીધો.

આ નિર્ણય બાદ કેટલાક ભારતીય મીડિયામાં રિપોર્ટ આવ્યા કે કાશ્મીરની ખીણમાં કોઈ મોટું પ્રદર્શન થયું નથી. અને તેનો મતલબ છે કે લોકોએ સરકારના નિર્ણયને સ્વીકારી લીધો છે.

પરંતુ જ્યારે બીબીસી સંવાદદાતા ગીતા પાંડેએ કાશ્મીરની મુલાકાત લીધી હતી તો ત્યાં પરિસ્થિતિ કંઈક અલગ જ હતી.

કાશ્મીરી લોકોમાં ગુસ્સો અને અસંતોષ જોવા મળી રહ્યો હતો.

મોટા ભાગના લોકોનું કહેવું હતું કે સરકારી નિર્ણયને રદ્દ કરવો જોઈએ.

કલમ 370ની નાબૂદી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નિર્ણયનો બચાવ કરતા અંગ્રેજી સમાચારપત્ર ધ ઇકૉનૉમિક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "હું તમને જણાવવા માગું છું કે મેં આ નિર્ણય સમજીવિચારીને લીધો છે."

"હું આ નિર્ણય મામલે સંપૂર્ણપણે નિશ્ચિંત છું. આગામી દિવસોમાં તેનાથી લોકોનું ભલું જ થશે."

વડા પ્રધાને આ નિર્ણયને નવા યુગની શરૂઆત ગણાવ્યો છે.


'વાજપેયીની નીતિને મળતું યોગ્ય સમાધાન'

Image copyright Getty Images

આ તરફ કલમ 370 મામલે કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે નવભારત ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે જો નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની નીતિ અપનાવી હોત તો યોગ્ય સમાધાન મેળવી શકાયું હોત, પરંતુ એ બાબતોને નરેન્દ્ર મોદીએ ઠુકરાવી દીધી છે.

દિગ્વિજય સિંહે કહ્યું કે, "અટલ બિહારી વાજપેયીનું માનવું હતું કે જમ્હુરિયત, કાશ્મીરિયત અને માનવતાના રસ્તે કાશ્મીરનું સમાધાન શોધી શકાય છે."

એક સમયની વાત કરીએ તો કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું હતું કે કાશ્મીરને લઈને અટલ બિહારી વાજપેયી પાસે જે દૃષ્ટિ હતી તે નરેન્દ્ર મોદી પાસે નથી.

કાશ્મીરના મોટા ભાગના નેતાઓ દ્વારા પણ વાજપેયીની કાશ્મીર નીતિ અંગે ચર્ચા કરવામાં આવે છે અને તેના પર ભાર અપાય છે.

પરંતુ મહત્ત્વનો સવાલ એ છે કે એવો તો કયો જાદુ હતો કે જે અટલ બિહારી વાજપેયી બાદ બીજા કોઈ વડા પ્રધાન ન કરી શક્યા.


'કાશ્મીરીઓને વાજપેયીની નીતિ યોગ્ય લાગતી'

Image copyright Getty Images

આ મામલે વરિષ્ઠ પત્રકાર બશીર મંઝરનું માનવું છે, વાસ્તવિકતા એ છે કે વાજપેયીએ કાશ્મીરની સમસ્યાના સમાધાન માટે કંઈ ખાસ કર્યું ન હતું.

પરંતુ તેમની છબી એવી હતી કે જેનાથી કાશ્મીરીઓને વાજપેયીની દરેક નીતિ યોગ્ય લાગતી.

વાજપેયી કાશ્મીરને શાંત રાખવાની રીત જાણતા હતા અને એ રીત હતી પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખવી.

તેમણે વડા પ્રધાન તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન સાથે સતત વાતચીત ચાલુ રાખી હતી.

બશીર મંજર માને છે, "વાજપેયી સમજતા હતા કે કાશ્મીરમાં શાંતિ જાળવી રાખવા માટે પાકિસ્તાન સાથે કંઈક ને કંઈક વાતચીત ચાલુ રાખવી જરૂરી છે."

"એ જ કારણ છે કે કારગિલ યુદ્ધ અને સંસદ પર હુમલા બાદ પણ તેમણે પાકિસ્તાન સાથે વાતચીતના રસ્તા ખુલ્લા રાખ્યા હતા."

વાજપેયી એ પણ જાણતા હતા કે કાશ્મીર મામલે કેન્દ્ર સરકારના ઘણા નિર્ણય ખોટા સાબિત થયા છે અને કોઈ પણ રાષ્ટ્રીય સ્તરના નેતા કાશ્મીરીઓના દુઃખને સમજી શક્યા નથી.


'મનના દરવાજા ખુલ્લા છે'

Image copyright Getty Images

અટલ બિહારી વાજપેયીએ 18 એપ્રિલ, 2003ના રોજ કાશ્મીરમાં એક સાર્વજનિક સભાને સંબોધિત કરતા કહ્યું હતું, "અમે લોકો અહીં તમારું દુઃખ અને તકલીફ વહેંચવાં આવ્યા છીએ."

"તમારી જે પણ ફરિયાદો છે તેનો આપણે મળીને સમાધાન લાવીશું. તમે દિલ્હીનો દરવાજો ખટખટાવો."

"દિલ્હીની કેન્દ્ર સરકારના દરવાજા તમારા માટે ક્યારેય બંધ નહીં થાય. અમારા મનના દરવાજા હંમેશાં તમારા માટે ખુલ્લા રહેશે."

અટલ બિહારી વાજપેયીના આ નિવેદને જાદુનું કામ કર્યું. કાશ્મીરીઓને પહેલી વખત લાગ્યું કે કોઈ ભારતીય વડા પ્રધાન તેમનાં દુઃખોની વાત કરી રહ્યા છે, તેમની વાતને માની રહ્યા છે.

પોતાની આ જ સભામાં વાજપેયીએ પાકિસ્તાન સાથે ઉતાર-ચઢાવ ધરાવતા સંબંધો અને સંસદ પર હુમલા બાદ પણ પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ આગળ વધાર્યો હતો.

તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને ભરોસો અપાવ્યો હતો કે તેઓ દરેક સમસ્યાનું સમાધાન વાતચીતથી કરવા માગે છે.

આ જ યાત્રા દરમિયાન તેમણે ભાગલાવાદીઓ સહિત દરેક કાશ્મીરીઓ સમક્ષ માનવતા, જમ્હુરિયત અને કાશ્મીરિયતની હદમાં રહીને વાતચીતની રજૂઆત કરી હતી.


શબ્દોની જાદુગરી

Image copyright Getty Images

આ પહેલા જેટલી વખત કેન્દ્ર સરકારે ભાગલાવાદીઓ સાથે વાતચીતની રજૂઆત કરી હતી, તેમાં ભારતીય બંધારણની હદની વાત કરવામાં આવી હતી. આ મામલે ભાગવાદીઓ ક્યારેય સહમત થયા ન હતા.

પરંતુ શબ્દોની જાદુગરી સાથે વાજપેયી ભાગલાવાદીઓને પણ વાતચીત કરવા માટે તૈયાર કરવામાં સફળ રહ્યા હતા.

તેમણે બંધારણની હદમાં રહીને વાતચીતની રજૂઆત કરી ન હતી. આ રીતે તેમણે ભાગલાવાદીઓ સાથે વાતચીતનો રસ્તો ખોલ્યો અને પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ આગળ વધાર્યો.

આ રીતે તેમણે એ સુનિશ્ચિત કરી લીધું કે પાકિસ્તાન ભાગલાવાદીઓને વાતચીત કરવાથી રોકશે નહીં.

તેમની આ રજૂઆત બાદ ભાગલાવાદી નેતાઓએ તત્કાલીન નાયબ વડા પ્રધાન અને ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી હતી અને કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો