જ્યાં ચાદર પર લોહીનો ડાઘ ન હોય તો નથી અપાતા લગ્નના આશીર્વાદ

લગ્નના દિવસે ઉદાસ દુલ્હન

"લગ્ન બાદ જ્યારે તેઓ મારી સામે કપડાં ઉતારવા લાગ્યા તો હું એકદમ ડરી ગઈ હતી."

આ વાત જણાવી રહ્યાં છે એલમીરા (બદલવામાં આવેલું નામ).

તેઓ કહે છે, "મેં મારી જાતને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો કે લગ્ન બાદ તો આ થવાનું જ છે. છતાં હું મારી જાતને શાંત કરી ન શકી. તે સમયે હું જે વિચારી રહી હતી એ હતું કે હવે મારે પણ મારે પણ કપડાં ઉતારવાં પડશે."

તેમની ઉંમર 27 વર્ષની છે અને હાલ જ યુનિવર્સિટીમાંથી તેમણે શિક્ષણ પૂર્ણ કર્યું છે. હાલ તેઓ દુભાષી તરીકે કામ કરે છે.

તેમનાં માતાપિતાએ તેમના માટે પતિની શોધ કરી હતી.

માતાને ખુશ જોવા માટે તેમણે લગ્ન માટે હા કરી દીધી હતી.

એલમીરા યાદ કરતાં જણાવે છે, "તેઓ અમારા પાડોશી હતા. અમે એકબીજાથી એકદમ અલગ હતાં. તેઓ શિક્ષિત પણ ન હતા."

એલમીરાએ પોતાનાં માતાને ઘણી વખત કહ્યું કે તેઓ હાલ લગ્ન કરવા માગતાં નથી.

આ વાત માતાએ સંબંધીઓને જણાવી અને તેમણે એલમીરાના કૌમાર્ય પર શંકા કરીને તેમનાં પર દબાણ શરૂ કરી દીધું.

જોકે, તેમણે લગ્નની રાત્રે જ પહેલી વખત સેક્સ કર્યું હતું.

જ્યારે પતિને તેમના આ વલણ વિશે જાણ થઈ તો તેમણે એલમીરાની ભાવનાઓ અને સ્વાભિમાનનો અનાદર કર્યો.

લગ્નની પહેલી રાત્રે જ તેઓ એલમીરા પર હાવી થઈ ગયા.

આ દરમિયાન એલમીરાએ બેડરૂમની બહાર કેટલાક અવાજ સાંભળ્યા. તે અવાજ તેમનાં માતા, બે કાકી, સાસુ અને અન્ય સંબંધીઓનો હતો.


'વર્જિનિટી'નો પુરાવો

ખરેખર અઝરબૈજાનમાં લગ્નની રાત્રે દુલ્હનની વર્જિનિટી (કૌમાર્ય) અંગે જાણકારી મેળવવાની જૂની પરંપરા છે.

એક પરિણીત મહિલા સંબંધી 'એંજી'ની ભૂમિકા નિભાવે છે. તે લગ્ન બાદ તુરંત દુલ્હનની સાથે જાય છે અને આખી રાત બેડરૂમની બહાર હાજર રહે છે.

એલમીરા કહે છે, "ધીમોધીમો અવાજ સંભળાતો હતો. હું તકલીફ અને શરમથી ધ્રૂજી રહી હતી અને પોતાની જાતને કહી રહી હતી શું આને જ લગ્ન કહેવાય?"

'એંજી'ની જવાબદારી હોય છે કે તે બિનઅનુભવી દુલ્હનને માનસિક રીતે તૈયાર કરે. આ સિવાય લગ્નની રાત પૂર્ણ થવા પર પથારી પરથી ચાદર હઠાવે છે.

કૉકેસસના સમગ્ર વિસ્તારમાં આ પરંપરા સામાન્ય છે કે લગ્નની રાત બાદ સવારે બેડશીટની તપાસ કરવામાં આવે છે.

ચાદર પર લોહીના ધબ્બા મળે છે તો લગ્નની પ્રક્રિયાને સંપન્ન માનવામાં આવે છે. ત્યારબાદ જ લોકો નવદંપતીને શુભકામનાઓ પાઠવે છે.

અઝરબૈજાનમાં મહિલા અધિકારો અંગે શિક્ષણ પ્રાપ્ત કરતાં શાખલા ઇસ્માઇલના જણાવ્યા અનુસાર, "આ જ કારણ છે કે લગ્નની રાત અંગે રહસ્ય રહે છે કે સવારે બેડશીટથી શું ખબર પડવાની છે."

જો ચાદર પર લોહીના ધબ્બા ન દેખાય તો કેટલીક મહિલાઓનો બહિષ્કાર કરાય છે અને પરિવાર પાસે તેમને પાછી મોકલી દેવામાં આવે છે.

બાદ એવું માની લેવામાં આવે છે કે તેમના છૂટાછેડા થઈ ગયા છે અને સામાન્યપણે એવી યુવતીને બીજી વખત લગ્ન કરવામાં ઘણી મુશ્કેલી પડે છે.


મુશ્કેલી અને દ્વંદ્વ

અઝરબૈજાનમાં કામ કરતા માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે દેશમાં ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ આ પરંપરા મોટા પાયે અમલી છે.

ક્યારેક ક્યારેક લગ્ન પહેલાં કેટલીક નિષ્ણાત મહિલાઓ દુલ્હનનાં કૌમાર્યની તપાસ કરે છે.

આ પ્રથા પર ઘણી અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ શંકા વ્યક્ત કરી છે.

ગત વર્ષે સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ પ્રથાને નાબૂદ કરવાની અપીલ કરી હતી.

તેમના પ્રમાણે, આ પ્રથા મહિલાઓ માટે અપમાનજનક અને આઘાતજનક છે.

આ પ્રથા હજુ પણ 20 દેશોમાં પ્રચલિત છે.

WHOએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મેડિકલ સાયન્સમાં કૌમાર્યની કોઈ માન્યતા નથી અને તે માત્ર સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિચારોમાં જ છે.

એલમીરા કહે છે, "હું ડરી ગઈ હતી અને આખી રાત ઊંઘી શકી ન હતી, પરંતુ તેમને કોઈ ફેર ન પડ્યો અને તેઓ આરામથી ઊંઘી ગયા."

સવારે મહિલાઓ બેડરૂમમાં ચાદર લેવા આવી.

એલમીરા કહે છે, "તે સમયે મેં તેમનાં પર જરાય ધ્યાન આપ્યું નહીં, કેમ કે હું જાણતી હતી કે આ કેટલું ઘૃણાસ્પદ હતું."

"હું જાણતી હતી કે દરેક વ્યક્તિ ચાદરની તપાસ કરશે. પરંતુ હું એટલા આઘાતમાં હતી કે મને એ પણ યાદ ન રહ્યું કે તેઓ ક્યારે ચાદર લઈ ગયાં."

મનોવૈજ્ઞાનિક એલાડા ગોરિનાના જણાવ્યા અનુસાર, "અત્યાર સુધી મોટા ભાગની મહિલાઓ સમજતી કે એંજીનું હોવું એક સામાન્ય બાબત છે. આજની પેઢી વધારે પ્રગતિશીલ બની છે એથી આઘાત અને મુશ્કેલીઓનો વધારે સામનો કરવાનો આવે છે."

નિગાર અઝરબૈઝાનના ગ્રામીણ વિસ્તારમાં રહે છે.

તેઓ જણાવે છે કે તેમને એવું લાગતું હતું કે લગ્નની રાત્રે એક અથવા તો બે એંજી હશે, પરંતુ જોયું તો આખું ગામ રૂમમાં આવી ગયું હતું.

તેઓ કહે છે, "મને અગાઉ આટલી શરમ ક્યારેય આવી નથી. પછી મને લાગ્યું કે ચાલો, વડીલો કદાચ વધારે જાણે છે."

નિગાર કહે છે કે તેમની અને તેમના પતિની તે સમયે સેક્સની ઇચ્છા ન હતી. કેમ કે તેઓ અલગઅલગ પ્રકારની કહાણીઓ સાંભળી ચૂક્યા હતા. છતાં તેમણે બેડશીટ બતાવવી પડી.

તે સમયે નિગારની ઉંમર 18 વર્ષ હતી. હાલ તેમની ઉંમર 30 કરતાં વધારે છે અને રાજધાની બાકૂમાં રહે છે. તેમનાં છૂટાછેડા થઈ ગયા છે.


લાલ સફરજન

પાડોશી દેશ આર્મેનિયામાં પણ આ પ્રકારની પ્રથા છે અને જ્યૉર્જિયા તેમજ ઉત્તરી કૉકેસસમાં ઘણાં રશિયન ગણરાજ્યોમાં પણ આ પ્રથા પ્રચલિત છે.

આર્મેનિયામાં આ પ્રથા થોડી અલગ છે.

અહીં દરવાજાની પાછળ કોઈ સાક્ષી નથી હોતા. અહીં આ પ્રથાને 'રેડ એપલ' કહેવામાં આવે છે. જેનો મતલબ છે ચાદર પર લોહીનો ધબ્બો હોવો.

માનવાધિકાર કાર્યકર્તા નીના કારાપેશિયન્સના જણાવ્યા અનુસાર, "રાજધાનીથી જેમજેમ દૂર જશો, આ પ્રથા વધારે ખરાબ સ્વરૂપ ધારણ કરી લે છે અને કેટલીક જગ્યાઓએ તો તે ભયાનક અંધશ્રદ્ધાનું રૂપ લઈ લે છે."

તેઓ કહે છે કે ક્યારેક તો સંબંધીઓ અને પાડોશીઓને બોલાવીને દેખાડવામાં આવે છે કે તેમની દીકરી પવિત્ર છે, "આ પ્રકારના અપમાનજનક રીતરિવાજમાં આખું ગામ ભાગ લે છે."

ગ્રામીણ વિસ્તારોમાં તો જ્યારે છોકરી 18 વર્ષની થાય, ત્યારે લગ્ન કરી દેવાય છે.

તેમાંથી મોટા ભાગની છોકરીઓ પાસે ન તો કોઈ નોકરી હોય છે અને ન કોઈ હુન્નર.

જો છોકરી 'રેડ એપલ' ટેસ્ટ પાસ કરી શકતી નથી તો તેમનાં માતાપિતા પણ તેમનો સ્વીકાર કરતાં નથી.

ગોરિનાના જણાવ્યા અનુસાર કેટલીક મહિલાઓ આ પ્રથા અનુસાર પોતાને ઢાળી લે છે. જ્યારે બાકીની મહિલાઓ વર્ષો સુધી આ આઘાતને સહન કરવા માટે મજબૂર હોય છે.

તેઓ જણાવે છે, "એક વખત તો એક નવદંપતીની ચાદર પર લોહીનો ધબ્બો ન મળ્યો. એટલે અડધી રાત્રે જ વરરાજાનો પરિવાર દુલ્હનને એ ચેક કરાવવા માટે એક ડૉક્ટર પાસે લઈ ગયો કે તે કુંવારી છે કે નહીં."

ગોરિના કહે છે કે આવા કેસમાં છોકરીઓ વર્ષો સુધી હિંસાનો શિકાર બની હોવાનું અનુભવે છે અને આઘાતમાં જીવે છે.

એલમીરાનાં મામલામાં લગ્નના છ મહિના બાદ તેમનાં પતિનું મૃત્યુ થયું હતું.

તેઓ કહે છે, "અડધા વર્ષ સુધી તો અમે પહેલી રાત અંગે વાત પણ ન કરી."

આ કારણસર એલમીરાએ બીજું લગ્ન ન કર્યું. કેમ કે તેઓ આ આઘાતમાંથી બહાર નીકળી શક્યાં ન હતાં.

એલમીરા કહે છે, "હું ફરી લગ્ન માટે તૈયાર હતી, પરંતુ અનુભવ મને રોકી રહ્યો હતો. જો આજે મારે એ સ્થિતિનો સામનો કરવો પડે તો હું મારા પતિ અને એ મહિલાઓ સાથે એકદમ અલગ વ્યવહાર કરીશ."

આર્મેનિયા અને અઝરબૈજાનના વિશેષજ્ઞો માને છે કે આ પ્રથા હવે ધીમેધીમે સમાપ્ત થઈ રહી છે.

તેઓ કહે છે, "નવી પેઢી પોતાના અધિકારો માટે હવે લડવા માટે તૈયાર થઈ રહી છે."

ષાથસા ઇસ્માઇલ કહે છે, "હું એવા પરિવારોને પણ ઓળખું છું જેમણે આ રીતરિવાજમાં સામેલ થવાની ના પાડી દીધી છે."

આરિફ અને માલેઇકા (નામ બદલેલ) અઝરબૈજાનું યુગલ છે, તેમનું લગ્ન તેમના પરિવારોએ જ કરાવ્યું હતું.

તેમને ત્યાં પરંપરા હતી કે વરવધૂને અલગઅલગ બેસાડવામાં આવે. તેમનું ટેબલ એવું હોય જેના પર દારૂ ન પીરસાય.

અહીં વરરાજા પોતાની દુલ્હનને ચુંબન કરતા નથી. સાર્વજનિક રૂપે તે સ્વીકાર્ય નથી.

પરંતુ માલેઇકાએ આ પરંપરાથી અલગ પોતાના લગ્નમાં નૃત્ય કર્યું. મહેમાનો વચ્ચે ચર્ચા થઈ. તેમણે માલેઇકાને બેશરમ ગણાવ્યાં.

એક મહિલાએ કહ્યું કે આ ડિસ્કો નથી.

અન્ય એક મહિલાએ કહ્યું, "તે એવું કેવી રીતે કરી શકે, તે પરંપરાઓનું અપમાન કરી રહી છે."

આમ છતાં માલેઇકા વર્જિનિટીની તપાસ થવાની પ્રથાથી બચી ન શક્યાં. જ્યારે સમારોહમાંથી નવદંપતીની કાર રવાના થઈ તો તેની પાછળ વધુ એક કાર ચાલી, જેમાં ચાર અનુભવી મહિલા સવાર હતાં.

આ આધુનિક જોડીને પણ ખબર હતી કે રાત્રે તેઓ ઘરમાં એકલાં નહીં હોય.

ચિત્રણ : મૈગરામ જેનાલોવ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો