MBBSના વિદ્યાર્થીઓ NRI ક્વૉટાને સરકારી મેડિકલ કૉલેજોની પૈસા કમાવવાની સ્કીમ કેમ ગણાવે છે?

કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓ એ વાતથી ખૂબ નારાજ છે કે ઓબીસી અને એસસી/એસટી ક્વૉટાના કટ-ઑફથી પણ ઓછા ગુણ મેળવનારા કેટલાક વિદ્યાર્થીઓને આ વર્ષે રાજ્યની સરકારી મેડિકલ કૉલેજોમાં ઍડમિશન આપવામાં આવ્યું છે.

રાજસ્થાનના વિદ્યાર્થીઓનો આરોપ છે કે "આ ઍડમિશન NEETના સ્કોરને જોઈને નહીં, પરંતુ ફી ભરવાની ક્ષમતાના આધારે થયા છે."

આ વિદ્યાર્થીઓ પુરાવા તરીકે રાજસ્થાન મેડિકલ ઍજ્યુકેશન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી MBBS વિદ્યાર્થીઓની એક યાદી બતાવે છે.

તેમાં ઘણાં એવા વિદ્યાર્થીઓના નામ છે કે જેમનો NEETનો સ્કોર 50-55 પર્સેન્ટાઇલ કરતા પણ ઓછો છે.

આ એ વિદ્યાર્થીઓ છે જેમને આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા લાગૂ NRI ક્વૉટા અંતર્ગત ઍડમિશન મળ્યું છે.

રાજસ્થાનમાં NRI ક્વૉટાની 200 કરતાં વધારે સરકારી સીટ નિર્ધારિત કરવામાં આવી છે જેની વિરુદ્ધ 'મેડિકલ સ્ટૂડન્ટ્સ કૉર્ડિનેશન કમિટી' છેલ્લાં 3 મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહી છે.

રાજસ્થાનના અજમેર, કોટા, ઉદયપુર, જયપુર, બીકાનેર મેડિકલ કૉલેજ સહિત પ્રદેશની દરેક 14 મેડિકલ કૉલેજના કૅમ્પસ ગત દિવસો દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચારથી ગુંજતા જોવા મળ્યા હતા.

કેટલાક વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર પણ બેઠા હતા.

પરંતુ રાજ્ય સરકારે NRI ક્વૉટા સાથે જોડાયેલી મેડિકલ વિદ્યાર્થીઓની માગ પર કોઈ વિચાર કર્યો નથી.

એટલે આ વિદ્યાર્થી હવે આ ક્વૉટાને 'સરકાર દ્વારા પૈસા કમાવવાની સ્કીમ' ગણાવી રહ્યા છે.


NRI ક્વૉટા શું છે?

education.rajasthan.gov.in Image copyright education.rajasthan.gov.in

રાજસ્થાન સરકારે જૂન 2019માં શૈક્ષણિક સત્ર 2014-15 બાદ વધારવામાં આવેલી મેડિકલ સીટોમાંથી 15% સીટ NRI ક્વૉટાથી ભરવાનો નિર્ણય લીધો છે.

રાજસ્થાન સરકારની આ નવી વ્યવસ્થા અનુસાર રાજ્યની સરકારી મેડિકલ કૉલેજોમાં કુલ 212 સીટ NRI ક્વૉટા માટે અનામત રાખવામાં આવી છે.

રાજસ્થાન મેડિકલ ઍજ્યુકેશન વિભાગના એડિશનલ ડિરેક્ટર સુરેશ ચંદે બીબીસીને જણાવ્યું કે, "રાજસ્થાનમાં 14 સરકારી મેડિકલ કૉલેજ છે. તેમાંથી 6 કૉલેજ સરકાર અંતર્ગત આવે છે."

"બાકી 8 કૉલેજ સરકારી સમિતિઓ દ્વારા સંચાલિત છે. રાજ્યની 212 NRI સીટોને આ બધી જ 14 સરકારી કૉલેજો વચ્ચે વહેંચવામાં આવી છે. આ પહેલા NRI ક્વૉટા માત્ર રાજ્યની પ્રાઇવેટ કૉલેજોમાં જ ઑફર કરાતો હતો."

વિરોધ કરતા ડૉક્ટર્સ

મેડિકલ ઍજ્યુકેશન વિભાગ પ્રમાણે આ ક્વૉટા MBBS અને ડેન્ટલ કૉર્સ સિવાય આગળના શિક્ષણ, એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કૉર્સના ઍડમિશન પર પણ લાગુ થશે.

સુરેશ ચંદે કહ્યું છે કે રાજ્ય સરકાર આ ક્વૉટાની મદદથી વિદેશી વિદ્યાર્થીઓને અહીં ભણવા માટે આમંત્રિત કરવા માગે છે. સાથે જ એક લક્ષ્ય એ પણ છે કે સરકારી મેડિકલ કૉલેજો માટે થોડા પૈસા ભેગા કરી શકાય.

આ જ કારણ છે કે NRI ક્વૉટા અંતર્ગત અરજી કરતા વિદ્યાર્થીઓ પાસેથી સામાન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ વધારે ફી લેવામાં આવી રહી છે.

પરંતુ મેડિકલ વિદ્યાર્થીઓ કૉર્ડિનેશન કમિટીમાં સામેલ બધી સરકારી કૉલેજોના પ્રતિનિધિ સરકારના આ વિચારથી અસહમત છે.

તેઓ સવાલ ઉઠાવે છે કે કોઈ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી વધારે પૈસા લઈને, રાજ્યની એક કરતાં વધારે મેરિટ ધરાવતા વિદ્યાર્થીની સીટ તેની પાસેથી છીનવી લેવી કેટલું યોગ્ય છે?


ફી અને વિવાદ

વિરોધ કરતા ડૉક્ટર્સ
ફોટો લાઈન ડૉક્ટરોએ મોઢા પર તાળું લગાવીને પણ પ્રદર્શન કર્યું

NRI ક્વૉટા વાળી સીટ પર વાર્ષિક ફી કેટલી છે? એ વાંચતા પહેલા તમે એ જાણી લો કે ફી મામલે રાજસ્થાનની મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ છેલ્લા એક વર્ષથી સરકારની ટીકા કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે વર્ષ 2017માં હૉસ્ટેલ, ટ્યૂશન, ઍકેડમિક અને સ્પૉર્ટ્સ ફી મિલાવીને એક વિદ્યાર્થીએ પ્રતિવર્ષ 6 હજાર રૂપિયા જમા કરાવવા પડતા હતા.

વર્ષ 2018માં તે વધીને આશરે 50 હજાર રૂપિયા પ્રતિવર્ષ કરી દેવામાં આવી.

સાથે જ સરકારે એ નિયમ પણ બનાવી દીધો કે મેડિકલ વિદ્યાર્થીઓની ફી દર વર્ષે દસ ટકા વધારવામાં આવશે.

હવે વાત NRI ક્વૉટાવાળી સીટોની. એડિશનલ ડિરેક્ટર સુરેશ ચંદ પ્રમાણે આ સીટો પર ઍડમિશન લેનારા વિદ્યાર્થીઓએ દર વર્ષે આશરે 14થી 15 લાખ રૂપિયા ફી જમા કરવી પડશે.

પત્ર Image copyright education.rajasthan.gov.in
ફોટો લાઈન રાજસ્થાન મેડિકલ ઍજ્યુકેશ વિભાગનો 26 જૂન 2019નો આદેશ

પરંતુ ફીની આ રકમ રાજ્યની પ્રાઇવેટ કૉલેજોની NRI સીટોની ફીની સરખામણીએ ઘણી ઓછી છે.

મેડિકલ વિદ્યાર્થીઓ એ વાત પર ભાર આપતા કહે છે કે આ ખરેખર એક સારો સોદો છે કેમ કે પ્રાઇવેટ કૉલેજની સરખામણીએ કોઈ NRI ક્વૉટા ધરાવતા વિદ્યાર્થીઓને હવે ઓછા ખર્ચે સરકારી કૉલેજની ડિગ્રી મળી શકશે.

પરંતુ ડૉક્ટર નિતેશ ભાસ્કર આ સ્થિતિ પર અલગ રીતે સવાલ કરે છે.

તેઓ કહે છે, "વધારે ફીના નામે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની 15% સીટ સરકાર કેવી રીતે છીનવી શકે છે?"

ડૉક્ટર નિતેશ રાજ્યસ્તરની 'મેડિકલ સ્ટૂડન્ટ્સ કૉર્ડિનેશન કમિટી'માં અજમેર મેડિકલ કૉલેજના પ્રતિનિધિ છે.

તેમના જણાવ્યા પ્રમાણે, "સરકારે પહેલા બધા વિદ્યાર્થીઓની ફી વધારી. પછી ફીના નામે તૈયાર કરવામાં આવેલા NRI ક્વૉટા અંતર્ગત 15 સીટ ઝડપી લીધી."

"આ એ સરકારી સીટો છે જે NEETની પરીક્ષામાં બેસ્ટ રૅન્ક પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી."

"કોણ જાણતું નથી કે દેશમાં મેડિકલ કૉર્સની સરકારી સીટો માત્ર 30 હજાર છે અને દેશમાં મેડિકલની સૌથી મોટી પરીક્ષા NEET-2019માં પાસ થયેલા બધા 8 લાખ વિદ્યાર્થી આ સીટોને પ્રાપ્ત કરવાનું સપનું ધરાવે છે."

"પરંતુ સરકારી સીટો પર માત્ર એ લોકો જઈ શકતા હતા જેમનો સ્કોર સારો હોય. તેમના માતાપિતા પાસે પૈસા હોય કે ન હોય. પરંતુ સરકારે હવે તેને બદલી નાખ્યું છે."

ડૉક્ટર નિતેશે કહ્યું, "રાજ્યમાં કોઈ પણ સાધારણ કોચિંગ સેન્ટરમાં મેડિકલની તૈયારી કરવાની ફી દોઢ લાખ રૂપિયા છે."

"ગરીબ પરિવાર પણ એ વિચારીને પોતાના બાળકના કોચિંગ પર પૈસા ખર્ચ કરી દેતા હતા કે એક વખત સરકારી કૉલેજમાં ઍડમિશન થઈ જશે તો ડૉક્ટરી પાસ કરી લેશે."

"પરંતુ 15% સીટ NRI માટે બ્લૉક થવાથી પ્રતિસ્પર્ધા ઝડપથી વધશે અથવા તો ગરીબ પરિવાર આ સપનું જોવાનું જ છોડી દેશે."


કેટલી સીટો ભરાઈ?

વિરોધ કરતા ડૉક્ટર્સ

મેડિકલ વિદ્યાર્થીઓની આ જ સ્ટેટ કમિટીમાં ડૉક્ટર ધર્મેન્દ્ર કુમાર ભાંભૂ બીકાનેર મેડિકલ કૉલેજના પ્રતિનિધિ છે.

ધર્મેન્દ્ર બીકાનેરની સરદાર પટેલ મેડિકલ કૉલેજની સ્ટૂડન્ટ યૂનિયનના નિર્વાચિત અધ્યક્ષ પણ છે.

તેમનું કહેવું છે કે NRI ક્વૉટાના કારણે ઘણાં વિદ્યાર્થીઓ માટે NEET રૅન્કનો કોઈ મતલબ રહ્યો નથી.

ધર્મેન્દ્રએ કહ્યું, "અમે બે મહિનાથી તેની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છીએ. કૉલેજનું વહીવટીતંત્ર કહે છે કે આ સરકાર સ્તરનો મુદ્દો છે. તેમના હાથમાં કંઈ નથી."

"મંત્રી આ અંગે વાત કરતા નથી. જે માતાપિતા પાસે 70-80 લાખ રૂપિયા નથી, તેમનાં બાળકોની સીટ માત્ર થોડા જ નંબરોથી છૂટી રહી છે. ભલે NEETમાં તેમને 95 પર્સેન્ટાઇલ મળ્યા હોય."

વિદ્યાર્થીઓ Image copyright Getty Images

તેઓ કહે છે, "સુવિધાઓ વચ્ચે જીવતા એ લોકો માટે જેમની પાસે ઘણાં પૈસા છે, ક્વૉટા નિર્ધારિત કરવાનો શું મતલબ છે? ઘણાં બાળકોની NEET રૅન્ક ખૂબ ખરાબ છે."

"પરંતુ વધારે ફી લઈને તેમને સરકારી સીટ પર દાખલો અપાઈ રહ્યો છે કેમ કે NRI ક્વૉટાની વ્યવસ્થા છે."

"શું તેનો મતલબ એવો થયો કે જો તમે NRI ક્વૉટાનું સર્ટિફિકેટ બનાવવામાં સફળ થઈ જાઓ છો, તો NEETમાં ઓછી રૅન્ક હોવા છતાં તમે સરકારી સીટ વિશે વિચારી શકો છો?"

રાજસ્થાનના મેડિકલ ઍજ્યુકેશન વિભાગે બીબીસી સમક્ષ એ વાતની પુષ્ટિ કરી છે કે વિસ્તારની 212 NRI સીટોમાંથી મોટાભાગની સીટો (200 કરતાં વધારે) વહેંચી દેવામાં આવી છે.

વિભાગ પ્રમાણે તેમાં એ વિદ્યાર્થીઓ પણ છે કે જેમનો NEET સ્કોર 50 પર્સેન્ટાઇલ કરતા પણ ઓછો છે. એટલે કે ઓબીસી અને એસસી- એસટી શ્રેણીના કટ-ઑફ સ્કોર કરતાં પણ ઓછો.

મેડિકલ એજ્યુકેશન વિભાગના એડિશનલ ડાયરેક્ટર સુરેશ ચંદે જણાવ્યું કે સરકાર દ્વારા જે વ્યવસ્થા બનાવવામાં આવી છે, તેના પ્રમાણે NRI ક્વૉટાની બધી 212 સીટ જો ભરાતી નથી, તો તેમને કૉલેજ મૅનેજમૅન્ટની સીટમાં પરિવર્તિત કરી દેવાશે.

આ સ્થિતિમાં સોસાયટી દ્વારા સંચાલિત સરકારી મેડિકલ કૉલેજ એ નક્કી કરી શકશે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી કેટલી ફી લેશે.


ખરાબ પૉલિસી?

http://education.rajasthan.gov.in Image copyright education.rajasthan.gov.in

કમિટીમાં સામેલ ઉદયપુર, જયપુર, બીકાનેર, ઝાલાવાડ અને જોધપુરના જે મેડિકલ વિદ્યાર્થીઓ સાથે અમારી વાત થઈ, તેમનું માનવું છે કે NRI ક્વૉટાની શરતો એટલી ઢીલી છે કે તેના કારણે સિસ્ટમમાં ધાંધલી થઈ શકે છે.

મેડિકલ વિદ્યાર્થીઓના આ દાવાને સમજવા માટે અમે રાજસ્થાન ઍજ્યુકેશન વિભાગની વેબસાઇટ પર સરકારી આદેશને વાંચ્યા જેમાં લખવામાં આવ્યું છે કે NRI ક્વૉટા અંતર્ગત કોને NRI માનવામાં આવશે :

  • એવા વિદ્યાર્થીઓ જેમના માતા કે પિતામાંથી કોઈ એક અથવા તો બન્ને NRI હોય અને વિદેશમાં રહેતા હોય.
  • એવા વિદ્યાર્થી જેમના ભાઈ કે બહેન વિદેશમાં રહેતા હોય અને તેમને સ્પૉન્સર કરવા તૈયાર હોય.
  • જો કાકા-કાકી, મામા-મામી, દાદા-દાદી, નાના-નાની કે પછી અરજદારના માતાપિતાના કોઈ પણ ફર્સ્ટ ડિગ્રી સંબંધી વિદ્યાર્થીને સ્પૉન્સર કરવા માટે તૈયાર થાય, તો તેને પણ NRI ક્વૉટા અંતર્ગત દાખલો મળશે.
  • પર્સન્સ ઑફ ઇન્ડિયન ઑરિજન (PIOs) અને ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયા (OCIs) પણ NRI ક્વૉટા અંતર્ગત ઍડમિશન લેવા યોગ્ય છે.

NRI ક્વૉટા અંતર્ગત સરકારી મેડિકલ સીટ પ્રાપ્ત કરવાની પાત્રતાની હદ ખરેખર ખૂબ વધારે નથી?

એ સવાલનો જ્યારે અમે રાજસ્થાન મેડિકલ ઍજ્યુકેશન મંત્રી રઘુ શર્માને મોકલ્યો તો તેમણે દસ દિવસ સુધી સતત અમને સમય આપ્યો અને પછી આ વિષય પર વાત ન કરી.


અન્ય રાજ્યોની સ્થિતિ કેવી?

ક્વૉટાનો આંકડો

અમારી તપાસમાં જાણવા મળ્યું કે રાજસ્થાન એકમાત્ર એવું રાજ્ય નથી કે જ્યાં સરકારી મેડિકલ કૉલેજોમાં NRI ક્વૉટાનું પ્રબંધ કરવામાં આવ્યું છે.

રાજ્યોના મેડિકલ ઍજ્યુકેશન વિભાગ પ્રમાણે ગુજરાતની સરકારી મેડિકલ કૉલેજોમાં 181, હિમાચલ પ્રદેશમાં 22, હરિયાણામાં 20 અને પંજાબમાં 45 સીટો NRI ક્વૉટા માટે નિર્ધારિત કરવામાં આવી છે.

આ રાજ્યોમાં પણ NRI ક્વૉટાથી MBBS કરવાની વાર્ષિક ફી 13 લાખથી 19 લાખ રૂપિયાની વચ્ચે છે.

ગુજરાત મેડિકલ ઍજ્યુકેશન વિભાગે દાવો કર્યો છે કે ત્યાં NRI ક્વૉટા અંતર્ગત માત્ર એ વિદ્યાર્થીઓને ઍડમિશન આપવામાં આવે છે જેમનાં માતાપિતા અથવા તો પોતે NRI હોય.

આ પાંચ રાજ્યો સિવાય બીબીસીએ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં મેડિકલ ઍજ્યુકેશન વિભાગ સાથે વાત કરી.

તેમણે દાવો કર્યો કે તેમના રાજ્યમાં હાલ માત્ર પ્રાઇવેટ મેડિકલ કૉલેજોમાં જ NRI ક્વૉટાની વ્યવસ્થા છે.

પરંતુ સરકારી મેડિકલ કૉલેજોમાં NRI ક્વૉટા અંતર્ગત વિદ્યાર્થીઓના ઍડમિશનથી શું પ્રભાવ પડી શકે છે?

તેના પર ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ડૉક્ટર કે. કે. અગ્રવાલે બીબીસી સાથે વાતચીતમાં વધુ એક દૃષ્ટિકોણ રજૂ કર્યો.

ડૉક્ટર કે. કે. અગ્રવાલ Image copyright kkaggarwal.com
ફોટો લાઈન ડૉક્ટર કે. કે. અગ્રવાલ

ડૉક્ટર અગ્રવાલે કહ્યું, "જો એ માની લેવામાં આવે કે આ ક્વૉટા અંતર્ગત NRI વિદ્યાર્થી મેડિકલનું શિક્ષણ મેળવવા ભારત આવશે તો તેની શું ગૅરન્ટી કે ભણતર પૂર્ણ કર્યા બાદ તેઓ ભારતમાં જ પોતાની સેવાઓ આપશે."

"એ વાત સાચી છે કે તેઓ વધારે ફી આપી રહ્યા છે પરંતુ MBBSની ડિગ્રી માટે જે કિંમત વિદેશી તરીકે તેઓ આપવાના છે, તે તેમની મુદ્રામાં ખૂબ ઓછી હશે. એટલે સસ્તામાં સરકારી ડિગ્રી."

"અને જો શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ પરત ફરી ગયા, તો ભારતમાં ડૉક્ટરોની જે ખામી છે, તે તો જેમની તેમ જ રહેશે. આવી સ્થિતિમાં વધેલી સરકારી મેડિકલ સીટો પર NRI ક્વૉટા લાગૂ કરવાનો શું ફાયદો?"

ડૉક્ટર કે. કે. અગ્રવાલે એ વાત પર ભાર આપ્યું કે સરકાર જો પૈસા કમાવવા માટે આ બધું કરી રહી છે તો તે ખોટું છે.

તેમણે કહ્યું, "યોગ્ય સ્થિતિ ત્યારે ઊભી થતી જ્યારે સરકાર વધારવામાં આવેલી બેઠકોને ભારતના જ વિદ્યાર્થીઓ માટે રાખતી. હાલની સ્થિતિમાં હું રાજસ્થાનના પ્રદર્શનકારી ડૉક્ટરોની સાથે છું."

(આ સ્ટોરી સંબંધિત ડેટાનું રિસર્ચ બીબીસીના સહયોગી પ્રશાંત શર્માએ કર્યું છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો