શું 370 હઠાવાયા બાદ લાલ ચોક હવે સામાન્ય ચાર રસ્તા સમાન બની ગયો છે?

લાલ ચોક Image copyright AFP/Getty Images
ફોટો લાઈન જમ્મુ-કાશ્મીરનો લાલ ચોક

જવાહરલાલ નહેરુ અને શેખ અબ્દુલ્લાહ વચ્ચે કાશ્મીર મામલે સમજૂતી થઈ હતી. જવાહરલાલ નહેરુએ કાશ્મીરીઓ સામે સંકલ્પ લીધો હતો કે કાશ્મીરી જ કાશ્મીરનું ભવિષ્ય નક્કી કરશે.

જનમતના એ ઉલ્લેખને ઘણા રાજકીય વિશ્લેષકો અને પક્ષો કૂટનીતિની રીતે ભારતની એક ભૂલ ગણે છે.

શેખ અબ્દુલ્લાએ ખુશીના અવસર પર ફારસી ભાષામાં એક કવિતા વાંચી હતી જેનો અર્થ હતો,

"હું તમારા જેવો બની ગયો અને તમે મારા જેવા. હું તમારું શરીર બની ગયો અને તમે મારી આત્મા બની ગયા. હવે કોઈ કહી શકતું નથી કે આપણે અલગ-અલગ છીએ."

વર્ષ 1947 બાદ કાશ્મીરમાં સ્થિતિ સતત બગડતી ગઈ. ઉગ્રવાદ અને સામ્યવાદનો અડ્ડો બનતા કાશ્મીરના લાલ ચોકને રશિયાના 'રેડ સ્ક્વૅર'ની જેમ જોવામાં આવ્યો.

લાલ ચોક ધીમે-ધીમે ભારત વિરુદ્ધ થતી દરેક હલચલનું કેન્દ્ર બની ગયો. લાલ ચોક પર લોહીથી ઘણી ઇબારતો પણ લખવામાં આવી.

ભારત સામે વિદ્રોહ અને પાકિસ્તાનનું સમર્થન, આ બન્નેની કવાયત કરતા નેતાઓએ લાલ ચોક પર ખૂબ ઝંડા ફરકાવ્યા.

આજે આપણે એ વિચારવાનું છે કે કાશ્મીરનું લાલ ચોક શું ખરેખર કોઈ પ્રતીકાત્મક વિજયઘોષનું કેન્દ્ર છે?


લાલ ચોક હવે એક સામાન્ય ચોક?

Image copyright Getty Images

અનુચ્છેદ 370ના નિષ્પ્રભાવી થવા પર લાલ ચોકનું સામ્યવાદી મિથક હવે રહ્યું નથી.

એક સુદૂર, અપ્રાપ્ય અને બૌદ્ધિક રોમાંચના દીવાસ્વપ્નનું પ્રતીક એવો લાલ ચોક શું આજે ભારત અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરે છે?

1990માં કાશ્મીરિયતને મળેલી સાંપ્રદાયિક દગાખોરી અને પંડિતોના બળજબરી પલાયનો મૂકદર્શક લાલ ચોક નહેરુ અને શેખ અબ્દુલ્લાના મૌખિક સંકલ્પ પર ક્યારેય ખૂલે નહીં તેવી સાંકળ સમાન છે.

કાશ્મીરિયતના નામે થતા રાજકારણનું કેન્દ્ર બનેલો લાલ ચોક આજના સંદર્ભે નકારાત્મકતાનું કેન્દ્ર છે.

પછી તે 2008, 2009 કે 2010નો ભારતવિરોધી પ્રચાર હોય કે પછી કર્ફ્યુ લાગેલા કાશ્મીરમાં પૈસા લઈને પથ્થર ફેંકતા યુવાનોનો જથ્થો હોય, લાલ ચોક કાશ્મીરની બરબાદીનું પ્રતીક છે.

છેલ્લા ઘણા દાયકાઓની ભારતવિરોધી અને કાશ્મીરીવિરોધી રાજકીય સ્ટ્રેટેજી અને તેના પ્રયોગોનું કેન્દ્ર છે લાલ ચોક.

પરંતુ અનુચ્છેદ 370ના નિષ્પ્રભાવી થયા બાદ કાશ્મીર સાથે ભારતના બંધારણીય એકીકરણ બાદ લાલ ચોક આ દેશના અન્ય કોઈ ચોક સમાન બની ગયો છે.

જોકે, એક સમયે કાશ્મીરમાં થયેલા સાંપ્રદાયિક ઇસ્લામિક ઉગ્રવાદે નહેરુના સંકલ્પની અવગણના કરતાં લાલ ચોકની સ્મૃતિઓને દૂષિત કરી હતી.

પરંતુ કલમ 370નું નિષ્પ્રભાવી થવું, લાલ ચોકના પ્રતીકાત્મક રાજકારણને સંપૂર્ણપણે ધ્વસ્ત કરે છે.

જેમ કે ત્રિપુરામાં લેનિનની મૂર્તિને તોડી પાડી ત્રિપુરાવાસીઓએ જર્જરીત થઈ ચૂકેલી એક વૈચારિક પરંપરાનો બહિષ્કાર કર્યો, એ જ રીતે કાશ્મીરમાં લાલ ચોકને કોઈ ઐતિહાસિકતાથી વંચિત કરી દેવો એક વૈચારિક પગલું ગણાશે.

Image copyright Getty Images

લાલ ચોકને તેના વિવાદિત ઐતિહાસિક સ્વરૂપે સ્વતંત્ર કરવાની જરૂર છે.

370ના નિષ્પ્રભાવી થવા પર અને તમામ વિપક્ષની આ મુદ્દે ચર્ચાના અભાવે, કાશ્મીરને દેશના કોઈ પણ રાજ્ય કે વિસ્તાર સમાન જોવું લાલ ચોકના ઐતિહાસિક મહત્ત્વ પર એક ટિપ્પણી છે.

ટિપ્પણી એ છે કે બૌદ્ધિક ભ્રમ અને છાયાવાદી રોમાંચથી અલગ લાલ ચોકનું કોઈ મહત્ત્વ આજના ભારત અને એ ભારતના એક ભાગ કાશ્મીરમાં બચ્યું નથી.

આજે કાશ્મીરિયત પોતાના નામ પર રમાતાં રાજકારણથી મુક્તિ માગે છે.

ભારતમાં એકીકૃત થયા બાદ અન્ય પ્રદેશોની જેમ કાશ્મીરની જનતા એ મુદ્દે એ જ બંધારણ પાસે ન્યાય માગી શકે છે જે બંધારણની શરણમાં દેશના બધા પ્રદેશોની સરકારે પોતાની નીતિઓથી વૈશ્વિક સ્તરે એક ઉદાહરણ રજૂ કર્યું છે.

સવાલ એ છે કે શું આપણે - કાશ્મીર અને દેશની નવી પેઢી - આ નવા પ્રારંભને સદીઓથી સડી રહેલા ભયાનક અને વાસી થઈ ચૂકેલા રાજકીય અવાજોથી ઉપર એક નવી ધૂન આપી શકવા સક્ષમ છીએ?


કોણે વધાર્યો ઉગ્રવાદ?

Image copyright Getty Images

આંકડા આપણી સામે છે. કોણ છે જેમણે કાશ્મીરના રાજકારણને કેટલાંક ઘરોમાં નજરકેદ કરીને રાખ્યું?

કોણ છે જેમણે કાશ્મીરની ઓછામાં ઓછી ત્રણ પેઢીઓનાં બાળકોની સરખામણીએ પોતાનાં બાળકો સાથે ભેદભાવ કર્યો?

કોણ લોકો છે કે જેમણે કાશ્મીરને ધાર્મિક ઉગ્રવાદ તરફ પ્રેરિત કર્યું?

કોણ લોકો છે કે જેમણે સ્વર્ગને નર્ક બનાવી દીધું અને કોણ લોકો છે કે જેમણે કાશ્મીર પર લુટાવવામાં આવતાં ભારતીયોનાં ટૅક્સ અને પ્રેમને પણ વેપારી સમજૂતી સુધી સમેટીને મૂકી દીધાં?

આ દરેકનું વિવરણ આજે કાશ્મીરની જનતા અને ભારતની જનતા સામે સ્પષ્ટ છે. કાશ્મીરનું ભારત સાથે આ રીતે એકીકરણ થવું એક યુગાંતકારી ઘટના છે.

આ માત્ર એક રાજકીય જીતનું બિંદુ નથી, એક વૈચારિક વિજય પણ છે.

એટલે 'લાલ ચોક' જેવા સામ્યવાદી અને ભારતીય સંદર્ભમાં અતાર્કિક શબ્દાવલિને તેના ભૌતિક સ્વરૂપની સાથે-સાથે નકારવી જરૂરી છે.

Image copyright AFP

નવા કાશ્મીરમાં નવા વિચારની સાથે એક નવી શૈલી ઊભી કરવામાં આવે. નવા કાશ્મીરમાં ઇતિહાસની રાજકીય માથાકૂટોથી હટીને સૌહાર્દના ઇતિહાસને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવે.

નવા કાશ્મીરમાં કવિતાઓના પાઠ પણ હોય. નવા કાશ્મીરમાં પીરોની મજારોનાં દર્શન સિવાય શિવ-પાર્વતીના વિવાહનો વાર્ષિક ઉલ્લાસ પણ સૌ કોઈ મળીને મનાવે.

નવા કાશ્મીરમાં જે લોકોને ભગાડવામાં આવ્યા છે તેમને ગળે મળવાનો પ્રયાસ કરવામાં આવે.

નવા કાશ્મીરમાં આ બધું માત્ર રાજકારણ કે રાજનેતાઓના માધ્યમથી નહીં, પણ કાશ્મીરી સમાજમાંથી સ્વયંભૂ ચેતના સ્વરૂપે આપમેળે સામે આવે.

નવું કાશ્મીર નવા ભારત માટે પ્રેરણા પણ હોય અને નવા ભારતના તેજસ્વી મસ્તકના રૂપમાં ઝગમગે- એવી શુભકામના.

(આ લેખિકાનાં અંગત વિચાર છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો