સરકારી કંપનીઓમાં વિનિવેશથી દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધશે?

લોકોની લાઇન Image copyright Getty Images

એક લાખ પાંચ હજાર કરોડ રૂપિયાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ભારતમાં 24 સરકારી કંપનીઓનાં વિનિવેશ અને ખાનગીકરણની પ્રક્રિયા મોટા પાયે શરૂ થઈ રહી છે.

તેનાથી સરકારી કંપનીઓના સ્ટાફ અને કર્મચારીઓનાં હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે.

તેમને ડર છે કે સરકારી કંપનીઓની માલિકી ખાનગી કંપનીઓના હાથમાં આવ્યા બાદ તેમની નોકરીઓ પર ગંભીર જોખમ તોળાશે.

એટલે સરકારી કર્મચારીઓ અને મજૂરસંઘોએ ખાનગીકરણનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

સત્તાપક્ષ ભાજપના વૈચારિક સહયોગી ભારતીય મજૂરસંઘના મહાસચિવ બ્રજેશ ઉપાધ્યાય કહે છે, "અમે બે કારણસર વિનિવેશનો વિરોધ કરીએ છીએ. એક તો કંપનીના માલિક બદલાઈ જાય છે. સરકાર પાસેથી માલિકી ખાનગી હાથોમાં જતી રહે છે જેના કારણે કર્મચારીઓની નોકરીઓ ખતરામાં પડી જાય છે."

"વિરોધનું બીજું કારણ એ છે કે અમારો એવો અનુભવ છે કે ખાનગી કંપનીઓના ટેકઓવર બાદ તેમનો રસ કર્મચારીઓમાં હોતો નથી. મોટા ભાગે તેમનો રસ પૈસા આમ-તેમ કરવામાં હોય છે."


વિનિવેશથી જશે નોકરીઓ?

Image copyright Getty Images

યોજનાઓ બનાવતી સરકારી થિંકટૅન્ક 'નીતિ આયોગ'ના ઉપાધ્યક્ષ રાજીવ કુમારના જણાવ્યા પ્રમાણે વિનિવેશ કાયદાની અંતર્ગત કરવામાં આવે છે.

તેઓ કહે છે, "જ્યાં સુધી મજૂરસંઘો સાથે મારી વાત થઈ છે ત્યાં સુધી તેઓ ઇચ્છતા નથી કે તે એવી કંપનીમાં કામ કરે કે જે દર વર્ષે નુકસાન કરી રહી હોય. તેમનું પણ મન હોય છે કે તેઓ નફો રળતી કંપનીઓમાં કામ કરે. ખાનગી ક્ષેત્ર આવી કંપનીઓને ફાયદાકારક બનાવવાનો પ્રયાસ કરતું હોય છે."

વિનિવેશની પ્રક્રિયામાં સરકારી કંપનીનો અમુક હિસ્સો એક ખાનગી કંપનીને વેચી દેવામાં આવે છે, પણ કંપનીની માલિકી અને સંચાલન સરકાર પાસે જ રહે છે.

તેનો અર્થ એવો કરી શકાય કે વિનિવેશ બાદ કંપનીના સ્ટાફ અને કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા કે પછી વર્કફૉર્સ ઓછો કરવાની જરૂર પડતી નથી.

પરંતુ જો કોઈ સરકારી કંપનીને ખાનગીકરણ અંતર્ગત ખાનગી ક્ષેત્રને (51 ટકા કરતાં વધારે ભાગ) વેચી દેવામાં આવે છે તો સરકાર તેની માલિકી અને સંચાલન બન્ને ગુમાવી દે છે.

તેવામાં ખાનગી કંપની પોતાની જરૂરિયાત પ્રમાણે વર્કફૉર્સ પર કામ કરી શકે છે અથવા કર્મચારીઓને નોકરી પરથી હટાવી પણ શકે છે.


મજૂરસંઘો મોદી સરકારથી નારાજ

Image copyright BSNL

ખાનગી ક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા લોકોનું કહેવું છે કે સરકારી કર્મચારીઓની દક્ષતા અને ક્ષમતામાં ખામી હોય છે અને સરકારી કંપનીઓમાં જરૂર કરતાં વધારે કર્મચારી કામ કરતા હોય છે.

સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ના કર્મચારી યુનિયનના મહાસચિવ પી. અભિમન્યુ એ વાત સાથે અસહમત છે કે સરકારી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ કથા ઓછા વ્યવસાયી હોય છે.

તેઓ કહે છે, "અમારા પર લાગેલા આરોપ સાચા નથી કે અમે કામચોર છીએ અથવા તો અમને કામ કરતા આવડતું નથી. અમે કર્મચારીઓને 'કસ્ટમર-ફ્રેન્ડલી' બનાવવા માટે ઘણાં અભિયાન ચલાવ્યાં છીએ. અમારી અંદર એ બધા ગુણ છે કે જે એક ખાનગી કંપનીના કર્મચારીમાં હોય."

અર્થશાસ્ત્રી વિવેક કૌલ કહે છે કે નોકરીમાંથી કાઢવાનો મતલબ નથી એ કે કર્મચારીઓ રસ્તા પર આવી જશે.

તેમના પ્રમાણે સ્ટાફને નાણાકીય પૅકેજ આપી શકાય છે.

તેઓ આગળ કહે છે, "તેમને વીઆરએસ આપવું પડશે, પ્રૉવિડન્ટ ફંડ આપવું પડે છે અને ગ્રૅચ્યુઇટી આપવી પડે છે."

Image copyright BSNL FACEBOOK

બીએસએનએલના કર્મચારીઓની સંખ્યા પોણા બે લાખ છે અને તેની પહોંચ દેશભરમાં છે.

પરંતુ તેને મૂડી અને આધુનિક ટેકનિકની ખૂબ જરૂર છે. સરકારે તેમને 4G રોલઆઉટથી બહાર રાખ્યા છે.

અભિમન્યુ સરકારથી નારાજ છે. તેઓ કહે છે, "સરકારની વ્યૂહરચના એવી હશે કે આને મરવા દો, તેનું આધુનિકરણ ન કરો અને તેમાં મૂડીનું રોકાણ ન કરો."

તેમના પ્રમાણે સરકાર, "જિયોને બચાવવા માટે BSNLની અવગણના કરી રહી છે."


BSNL અને ઍર-ઇન્ડિયાનું વિનિવેશ

Image copyright RAHUL KOTYAL/BBC

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારને જ્યારે મેં આ આરોપ અંગે પૂછ્યું તો તેમણે તેના પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી.

સામાન્યપણે સરકાર એ વાત સ્વીકારે છે કે ટેલિફોન-કંપનીમાં જરૂર કરતાં વધારે વર્કફૉર્સ છે અને તેને આધુનિકરણની જરૂર છે.

તેવામાં સરકારે તેના કર્મચારીઓને વીઆરએસ સ્કીમની ઑફર આપી છે.

અત્યાર સુધી એ જણાવવામાં આવ્યું નથી કે BSNLમાં વિનિવેશ ક્યારે કરાશે પરંતુ સંકેત એવા મળ્યા છે કે સરકાર તે અંગે વિચાર કરી રહી છે.

સરકાર BSNLને 4G સ્પૅક્ટ્રમ આપવા અંગે ગંભીરતાથી વિચારી રહી છે અને ઇચ્છુક કર્મચારીઓને એક આકર્ષક વીઆરએસની રજૂઆત કરવામાં આવી રહી છે.

ઍર ઇન્ડિયા પણ એ મોટી સરકારી કંપનીઓમાંથી એક છે જેને ટૂંક સમયમાં ખાનગીકરણનો સામનો કરવો પડશે.

ઍર ઇન્ડિયાના કર્મચારી પણ પોતાનાં ભવિષ્યને લઈને ચિંતામાં છે પરંતુ સરકારે ઍર ઇન્ડિયાના કર્મચારીઓનાં હિતની અવગણના નથી કરી.

ગત વર્ષે વિનિવેશમાં એવી શરત રાખવામાં આવી હતી કે આ કંપનીના ખરીદદાર કર્મચારીઓને પાંચ વર્ષ સુધી નોકરીમાંથી કાઢી નહીં શકે.

આ વખતે પણ સરકારે એવી શરત મૂકી છે પરંતુ તેની મર્યાદા બે વર્ષની કરી દેવામાં આવી છે.


ઝડપથી વધતી બેરોજગારી

Image copyright MYGOV.IN

ખાનગીકરણ અને વિનિવેશ એક એવા માહોલમાં થઈ રહ્યાં છે કે જ્યારે દેશમાં બેરોજગારી એક મોટા સંકટના રૂપમાં હાજર છે.

આ વર્ષે સરકારી એજન્સી 'પીરિઑડિક લેબર ફૉર્સ સર્વે'ના એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં વર્ષ 2017-18માં બેરોજગાર યુવા પુરુષોની સંખ્યા 1.82 કરોડ હતી જ્યારે બેરોજગાર મહિલાઓની સંખ્યા 2.72 કરોડ હતી.

2011ની વસતીગણતરી પ્રમાણે, ભારતમાં 33.3 કરોડ યુવાનોની વસતી હતી જેમની સંખ્યા વર્ષ 2021માં 36.7 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.

PLFSને શહેરી ક્ષેત્રોમાં દર ત્રણ મહિને રોજગારીના આંકડા કાઢવા અને ગ્રામીણ તથા શહેરી ક્ષેત્રોમાં વર્ષમાં એક વખત તેને માપવાના ઉદ્દેશથી શરૂ કરાઈ હતી.

વર્ષ 2018ની ઑક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિક અહેવાલ પ્રમાણે દેશમાં આશરે એક તૃતીયાંશ રોજગાર-યોગ્ય યુવાનોની વસતી બેરોજગાર છે.

અહેવાલ પ્રમાણે 15-29 વર્ષની ઉંમર ધરાવતા શહેરી યુવાનો કે નોકરીની શોધમાં છે, તેમાં બેરોજગારી સતત વધી રહી છે. ગત વર્ષે ડિસેમ્બર સુધી બેરોજગારી 23.7% પર હતી.

Image copyright Getty Images

2018ની ડિસેમ્બર ત્રિમાસીમાં યુવા બેરોજગારી બિહાર (40.9%)માં સૌથી વધારે હતી.

ત્યારબાદ કેરળ (37%) અને ઓડિશા (35.7%), જ્યારે ગુજરાતમાં આ સંખ્યા સૌથી ઓછી (9.6%) હતી.

સામાન્ય ચૂંટણી પહેલાં બેરોજગારીના સરકારી આંકડા લીક થઈ જવા પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આ આંકડા ફાઇનલ રિપોર્ટનો ભાગ નથી.

આ વર્ષની પહેલી ત્રિમાસીમાં ઘટતા આર્થિત વિકાસદરને ધ્યાનમાં રાખતા અર્થશાસ્ત્રીઓએ બેરોજગારીની સંખ્યા ગંભીર રૂપે વધવાની આશંકા વ્યક્ત કરી છે.

પરંતુ સરકારના મતે બેરોજગારીના સંકટને લોકો ખોટી રીતે રજૂ કરી રહ્યા છે.

રાજીવ કુમાર કહે છે કે 'સામાન્ય ભારતીય આજે વધારે ખુશહાલ છે. ગરીબી રેખા નીચે રહેતા લોકોની સંખ્યા ઘણી ઘટી છે. લોકોને ગૅસ તેમજ વીજળી મળી છે. ખેડૂતોને રોકડ રકમ મળી છે.'

તેમના અનુસાર "સરકારે ઘણી સ્કીમ લાગુ કરી છે જેનાથી લોકોનાં જીવનમાં ખુશહાલી આવી છે. તેમનું જીવનધોરણ વધુ સારું બન્યું છે અને દેશના સામાન્ય નાગરિકો પાસે પહેલાં કરતાં વધારે પૈસા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ