શું અણુશસ્ત્રના ઉપયોગ કરવા અંગેની ભારતની નીતિ બદલાઈ રહી છે?

રાજનાથ સિંહ Image copyright Getty Images

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે 'અણુશસ્ત્રોનો પહેલો ઉપયોગ ન કરવાની પોતાની નીતિને ભારત વળગી રહ્યું છે પણ ભવિષ્યમાં શું થશે એ એવખતની પરિસ્થિતિ પર આધાર રાખે છે.'

અનુચ્છેદ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.

ત્યારે અણુશસ્ત્રોના ઉપયોગ અંગે સંરક્ષણમંત્રીએ આપેલું તાજેતરનું નિવેદન એક મહત્ત્વપૂર્ણ બાબત છે.

બે પરમાણુશસ્ત્રોથી સજ્જ ભારત અને પાકિસ્તાનના સંબંધો અને તેમની નીતિઓ પર આંતરરાષ્ટ્રીય વિશ્વ સતત નજર રાખે છે.

તેવામં ભારત જો કોઈ નીતિગત નિર્ણય લે તો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રત્યાઘાત પડવા સ્વાભાવિક છે.

સંરક્ષણ સંબંધિત બાબતોના જાણકાર રાહુલ બેદીનું માનવું છે કે આવા નિર્ણયો બહુ સમજી-વિચારીને લેવાય છે કારણ કે તેનાં પરિણામો લાંબા ગાળાનાં હોય છે. જાણો, રાહુલ બેદીનો દૃષ્ટિકોણ.


પાર્રિકર પણ કહી ચૂક્યા છે

Image copyright Getty Images

એનડીએ સરકારમાં સંરક્ષણમંત્રી દ્વારા પ્રથમ વખત આવી કોઈ વાત કરવામાં હોય એવું નથી.

આ પહેલાં જ્યારે મનોહન પાર્રિકર સંરક્ષણમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ 'પહેલા ઉપયોગ નહીં કરવાની' નીતિ સાથે સહમત નથી અને તેઓ તેને બદલવા માગે છે.

જોકે, તેમણે આને પોતાનો અંગત મત ગણાવ્યો હતો.

રાજનાથ સિંહ દેશ આવા બીજા સંરક્ષણમંત્રી છે જેમણે 'પહેલા ઉપયોગ નહીં કરવાની' નીતિ અંગે કહ્યું છે.

આ વાત ભારતના સંરક્ષણમંત્રી દ્વારા કહેવાઈ છે અને જો તેને ગંભીરતાથી લેવામાં આવે તો કહી શકાય છે કે ભારત સરકારમાં આ આમલે વિચાર-વિમર્ષ ચાલી રહ્યાં છે.

જ્યારે 1998માં ભારતે પોખરણમાં પરમાણુપરિક્ષણ કર્યું ત્યારે એ વખતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ક્લિન્ટનને પત્ર લખીને કહ્યું હતું કે તે ચીન વિરુદ્ધ પ્રતિકારની નીતિ સંદર્ભે કરવામાં આવ્યું હતું.

આ પત્ર લીક થઈ ગયો હતો અને 'ન્યૂયૉર્ક ટાઇમ્સ'માં છપાયો હતો. જેને પગલે ભારે હોબાળો પણ થયો હતો.


ચીનનું શું વલણ રહેશે?

જો ભારત પોતાની નીતિ બદલે છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેના પ્રત્યાઘાતો પડી શકે છે.

સૌથી પહેલાં ચીન અને પાકિસ્તાન જ પ્રતિક્રિયા આપશે, આ ત્રણે દેશોની સરહદ એકબીજા સાથે જોડાયેલી છે. ત્રણે દેશો પરમાણુશસ્ત્રોથી પણ સજ્જ છે.

પાકિસ્તાન સાથે ભારતનો સરહદ મુદ્દે વિવાદ છે અને ચીન સાથે પણ એવું જ છે. હાલ ભારત 'પહેલા ઉપયોગ નહીં કરવાની' રિટૅલિએટરી ડૉક્ટ્રિન તરીકે ઓળખતાતી નીતિ અનુસરી રહ્યું છે.

એનો અર્થ એવો થાય કે ભારત પર હુમલો થાય એ બાદ જ તે પરમાણુશસ્ત્રનો ઉપયોગ કરી શકે.

આવા ગંભીર મુદ્દા પર બહુ વિચાર-વિમર્ષ કરાયા બાદ નિર્ણયો લેવાતા હોય છે અને એવું પણ શક્ય છે કે અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ પાઠવતાં રાજનાથ સિંહે ભાવનાત્મક રીતે આવી વાત કરી હોય.

(બીબીસી હિંદી રેડિયો એડિટર રાજેશ જોશી સાથે વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો