અનુચ્છેદ 370 : ભારત કે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે UNમાં ચર્ચા કોના માટે આંચકાજનક?

સૈયદ અકબરૂદ્દીન Image copyright DDNewslive / Instagram/maleehal

જમ્મુ-કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ છે. બન્ને દેશો તેના પર પોતાનો દાવો કરે છે. તેમાં ત્રીજો દેશ ચીન છે. જમ્મુ-કાશ્મીરના 45% ભાગ પર ભારતનું નિયંત્રણ છે, 35% પાકિસ્તાનનું અને 20% ચીનનું.

ચીનની પાસે અક્સાઈ ચિન અને ટ્રાન્સ કારાકોરમ (શક્સગામ ખીણ) છે.

અક્સાઈ ચિન પર ચીને 1962માં ભારત વિરુદ્ધ યુદ્ધ દરમિયાન કબજો મેળવ્યો હતો.

ટ્રાન્સ કારાકોરમ પાકિસ્તાને ચીનને આપ્યું હતું. કાશ્મીર મામલે ભારતે લીધેલા નિર્ણયથી ચીન પણ સહમત નથી.

આ મામલાને પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લઈ ગયું, ત્યારે તેના સ્થાયી સભ્ય ચીનનું સમર્થન મળ્યું.

ચીન અને પાકિસ્તાનની મિત્રતા જગજાહેર છે અને તેને ભારત માટે પડકાર તરીકે પણ ગણી શકાય.

16 ઑગસ્ટના રોજ સુરક્ષા પરિષદના સભ્યો વચ્ચે કાશ્મીર મામલે અનૌપચારિક બેઠક મળી હતી.

કાશ્મીર મામલે સુરક્ષા પરિષદમાં 90 મિનિટ સુધી બેઠક ચાલી. આ બેઠકને પાકિસ્તાન પોતાની જીત ગણાવી રહ્યું છે.

પાકિસ્તાનનું કહેવું છે કે કોઈ સ્થાયી સભ્યએ આ બેઠકનો વિરોધ કર્યો નથી, જે તેની મોટી જીત છે.

ન્યૂ યૉર્કમાં CNNથી એક રાજકીય વિશ્લેષકે કહ્યું કે આ સુરક્ષા પરિષદની સૌથી નીચલા સ્તરની બેઠક હતી, જેણે કોઈ નિવેદન જાહેર નથી કર્યું.

કેટલાક લોકોનું માનવું હતું કે કોઈ પણ પ્રકારના નિવેદનથી તણાવ વધશે.

પરંતુ ચીનના રાજદૂત ઝાંગ જુને એક નિવેદન જાહેર કરતા કહ્યું છે કે સભ્ય દેશ કાશ્મીરમાં માનવાધિકારોની સ્થિતિ મામલે ચિંતિત છે.

CNNના રિપોર્ટ પ્રમાણે, બેઠકમાં એ વાત ઉપર ભાર આપવામાં આવ્યો કે મામલા અંગે દ્વિપક્ષીય સંવાદના માધ્યમથી સમાધાન લાવવામાં આવે.

ભારત પણ તેમાં દ્વિપક્ષીય સંવાદની જ વાત કરે છે, પરંતુ પાકિસ્તાન કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાની માગ કરી રહ્યું છે.

કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા બાદ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પત્ર લખ્યો હતો, જ્યારબાદ આ બેઠક થઈ હતી.

અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા હુસૈન હક્કાનીએ ટ્વીટ કરીને લખ્યું:

"પાકિસ્તાનને માત્ર ચીને સમર્થન આપ્યું છે અને ચીન વર્ષોથી એમ કરી રહ્યું છે."

"સુરક્ષા પરિષદમાં કાશ્મીર પર પાકિસ્તાનના વલણને માત્ર ચીનનું સમર્થન મળી રહ્યું છે, અન્ય કોઈ સભ્યરાષ્ટ્ર ઔપચારિક બેઠક માટે તૈયાર ન થયું."

"તો પાકિસ્તાન કાશ્મીરને 'આંતરરાષ્ટ્રીય મુદ્દો' બનાવવામાં કેવી રીતે સફળ રહ્યું?"

Image copyright Reuters

આ બેઠક બંધ બારણે થઈ. બેઠકમાં ભારત અને પાકિસ્તાન સામેલ થયા ન હતા, કેમ કે બન્ને દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના (કાયમી કે હંગામી) સભ્ય નથી.

આ પહેલાં ડિસેમ્બર 1971માં ભારત- પાકિસ્તાનનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહોંચ્યો હતો, જ્યારે બન્ને દેશો વચ્ચે બાંગ્લાદેશના નિર્માણ મામલે યુદ્ધ છેડાયું હતું.

વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પણ બન્ને દેશોનો મામલો સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યો હતો.

પરંતુ આ વખતે વર્ષ 2019માં આ બેઠક પાકિસ્તાન દ્વારા લખાયેલા પત્ર બાદ થઈ છે.

જોકે, હજુ એ સ્પષ્ટપણે જાણવા મળ્યું નથી કે આખરે એ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યોએ ભારત-પાકિસ્તાનને શું કહ્યું?


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં શું કહેવામાં આવ્યું?

Image copyright Getty Images

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ તરફથી આ બેઠક સંદર્ભે કોઈ ઔપચારિક નિવેદન જાહેર કરાયું નથી.

આ બેઠક બાદ ભારત સતત એ વાત પર ભાર આપી રહ્યું છે કે કલમ 370 અને 35-A અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળેલો વિશિષ્ટ રાજ્યનો દરજ્જો અને તેની સાથે જોડાયેલા વિભિન્ન પાસાં ભારતનો આંતરિક મામલો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાન અને ચીન પર અપ્રત્યક્ષ આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ આ બેઠકને મોટાપાયે ઉઠાવવામાં લાગેલા છે.

કાશ્મીર ખીણની પરિસ્થિતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો પહેલી વખત 1 જાન્યુઆરી 1948ના રોજ આવ્યો હતો અને એ પણ ભારતના આગ્રહ બાદ.

વર્ષ 1947માં કબાયલી આક્રમણ બાદ જમ્મુ-કાશ્મીરના મહારાજ હરિ સિંહે ભારત સાથે સમ્મિલનની સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા.

ભારતીય સેના મદદ માટે પહોંચી અને ત્યાં તેનો પશ્તૂન કબીલદારો તેમજ પાકિસ્તાની સેના સામે સંઘર્ષ થયો.

આ સંઘર્ષ બાદ રાજ્યનો બે તૃતીયાંશ ભાગ ભારત પાસે રહ્યો, તેમાં જમ્મુ, લદ્દાખ અને કાશ્મીરનો ખીણપ્રદેશ સામેલ હતા.

એક તૃતીયાંશ ભાગ પાકિસ્તાન પાસે ગયો.

Image copyright GETTY IMAGES
ફોટો લાઈન સંયુક્ત રાષ્ટ્ર તરફથી કાશ્મીર મામલે ગઠિત આયોગની ફાઇલ તસવીર

ભારત આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લઈ ગયું, જ્યાં વર્ષ 1948માં આ મામલે પહેલો પ્રસ્તાવ આવ્યો.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની યાદીમાં આ પ્રસ્તાવ નંબર 38 હતો.

ત્યારબાદ એ જ વર્ષે પ્રસ્તાવ 39, પ્રસ્તાવ 47 અને પ્રસ્તાવ 51ના રૂપે વધુ ત્રણ પ્રસ્તાવ આવ્યા.

17 જાન્યુઆરી 1948ના રોજ પ્રસ્તાવ 38માં બન્ને પક્ષો સમક્ષ અપીલ કરવામાં આવી કે તેઓ પરિસ્થિતિ વધારે ખરાબ ન કરે.

તેના માટે બન્ને પક્ષ પોતાની શક્તિઓની અધીન દરેક પ્રયાસ કરે.

સાથે જ એમ પણ કહેવામાં આવ્યું કે સુરક્ષા પરિષદના અધ્યક્ષ ભારત અને પાકિસ્તાનના પ્રતિનિધિઓને બોલાવે અને પોતાના માર્ગદર્શનમાં બન્ને પક્ષો વચ્ચે સીધી વાતચીત કરાવે.

20 જાન્યુઆરી 1948ના રોજ પ્રસ્તાવ સંખ્યા 39માં સુરક્ષા પરિષદે એક ત્રણ સભ્યના આયોગને બનાવવાનો નિર્ણય લીધો.

ભારત અને પાકિસ્તાન તરફથી એક-એક સભ્ય અને બન્નેએ ચૂંટાયેલા વધુ એક સભ્ય આ આયોગનો ભાગ બન્યા.

આ આયોગને તરત ઘટનાસ્થળે પહોંચીને તથ્યોની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા.


જનમત સંગ્રહની યોજના કેમ લાગુ ન થઈ?

Image copyright Getty Images

1947-48માં ભારત-પાકિસ્તાન યુદ્ધ એક સંઘર્ષવિરામ સાથે પૂર્ણ થયું, પરંતુ કાશ્મીર સમસ્યાનું સમાધાન અટકેલું જ રહ્યું.

જાન્યુઆરી 1949માં UN મિલિટરી ઑબ્ઝર્વર ગ્રૂપને ભારત અને પાકિસ્તાન મોકલવામાં આવ્યું.

આ ગ્રૂપે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિની તપાસ કરવાની હતી.

ત્યારે યુદ્ધવિરામ ભંગની ફરિયાદો મળી રહી હતી અને તેના પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને રિપોર્ટ સોંપવાનો હતો.

યુદ્ધવિરામ અંતર્ગત બન્ને દેશોએ પોતાના સૈનિકોને પરત બોલાવવાના હતા અને જનમત સંગ્રહ કરાવવાની વાત હતી કે, જેથી જમ્મુ-કાશ્મીરના લોકો આત્મનિર્ણય કરી શકે.

ભારતનો તર્ક હતો કે આખું કાશ્મીર તેની પાસે નથી એટલે તે જનમત સંગ્રહ ન કરાવી શકે.

આ તરફ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનું પાલન ન કરતા પોતાના સૈનિકોને પરત ન બોલાવ્યા.

ભારતનો તર્ક હતો કે 1948-49ના યૂએનના પ્રસ્તાવની પ્રાસંગિકતા રહી નથી, કેમ કે જમ્મુ-કાશ્મીરની મૂળ ભૌગોલિક સ્થિતિ પર નિયંત્રણ બદલાઈ ગયું હતું.

પાકિસ્તાને કાશ્મીરના એક ભાગને ચીનને સોંપી દીધો હતો અને તેના નિયંત્રણમાં આવતા કાશ્મીરની ડેમોગ્રાફી પણ બદલાઈ ગઈ.


કાશ્મીરનો મુદ્દો અને શિમલા સમજૂતી

Image copyright Reuters

1971માં બન્ને દેશોની સેનાઓ વચ્ચે યુદ્ધ બાદ વર્ષ 1972માં શિમલા સમજૂતી અસ્તિત્વમાં આવી.

તેમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું કે કાશ્મીર સાથે જોડાયેલા વિવાદ પર વાતચીતમાં સંયુક્ત રાષ્ટ્ર સહિત કોઈ ત્રીજા પક્ષની દખલગીરી મંજૂરી લેવામાં આવશે નહીં.

બન્ને દેશ મળીને જ આ મુદ્દાનો પરસ્પર ચર્ચા દ્વારા ઉકેલ લાવશે.

તે સમયે ઇંદિરા ગાંધી ભારતનાં વડાં પ્રધાન હતાં અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝુલ્ફીકર અલી ભુટ્ટો હતા.

ભારત સરકારે કહ્યું કે કાશ્મીરની સ્થિતિ અને વિવાદ વિશે એ પહેલાં થયેલી તમામ સમજૂતીનો શિમલા સમજૂતી થયા બાદ કોઈ મતલબ ન રહ્યો.

એ પણ કહેવામાં આવ્યું કે કાશ્મીર મુદ્દો હવે સંયુક્ત રાષ્ટ્રના સ્તરથી હટીને દ્વિપક્ષીય મુદ્દાના સ્તરે આવી ગયો છે.

હાલ યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર પરિષદની બેઠકની વાત કરવામાં આવે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આ બેઠકમાં હાજર મોટાભાગના સભ્યોએ ભારત અને પાકિસ્તાન, બન્ને દેશોને આગ્રહ કર્યો છે કે તેઓ કાશ્મીરના મુદ્દાને દ્વિપક્ષીય વાર્તાથી ઉકેલી લે.

ભારત પણ શરૂઆતથી એમ જ કહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ