એ પાંચ સંકેત જે દર્શાવે છે ભારતીય અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2024-25 સુધીમાં ભારતને પાંચ ખર્વ અમેરિકન ડૉલરવાળું અર્થતંત્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં ભારતનું અર્થતંત્ર 2.7 ખર્વ અમેરિકન ડૉલરનું છે.

વડા પ્રધાન મોદીએ આપેલા લક્ષ્ય સુધી પહોંચવા માટે ભારતના જીડીપીમાં દર વર્ષે આઠ ટકાનો વધારો થવો જરૂરી છે એવો અંદાજ આર્થિક સર્વેમાં અપાયો હતો.

જોકે, જીડીપીનો વિકાસદર ઓછો થઈ રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષથી જીડીપી વધવાની ગતિ ઘટી છે. ઘણાં ક્ષેત્રોમાં વિકાસનો દર છેલ્લાં કેટલાંક વર્ષોમાં સૌથી નીચે પહોંચ્યો છે.

ત્યારે દેશની આર્થિક હાલત કેવી છે તેનો અણસાર પાંચ સંકેતો પરથી મળી શકે છે.


1. જીડીપી વિકાસદર

Image copyright Getty Images

દેશનું કુલ રાષ્ટ્રીય ઉત્પાદન એટલે કે જીડીપી છેલ્લાં ત્રણ વર્ષથી સતત ઘટી રહ્યું છે.

વર્ષ 2016-17માં જીડીપીનો વિકાસદર 8.2 ટકા હતો, જે વર્ષ 2017-18માં ઘટીને 7.2 ટકા રહી ગયો હતો.

2018-19ના વર્ષમાં જીડીપીનો દર વધુ ઘટીને 6.8 ટકા જેટલો નીચે આવ્યો છે.

વર્તમાન સ્થિતિની વાત કરીએ તો વર્ષ 2019ના પ્રથમ ત્રિમાસિક (જાન્યુઆરીથી માર્ચ)માં જીડીપી વૃદ્ધિ ફક્ત 5.8 ટકાની થઈ, જે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછી છે.

માત્ર ત્રણ વર્ષમાં જ વિકાસની ગતિમાં 1.5 ટકા (8.2 ટકાથી ઘટીને 6.8 ટકા)નો ઘટાડો નોંધાયો છે, જે બહુ મોટો ઘટાડો છે.

જીડીપી ઘટવાથી લોકોની આવક, બચત અને રોકાણ પર અસર થઈ રહી છે. મંદીથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં લોકોને નોકરીમાંથી છુટ્ટા કરાઈ રહ્યા છે.

અત્યાર સુધી સરકારે ન તો એવાં કોઈ પગલાં લીધાં છે કે ન તો એવી કોઈ જાહેરાત કરી છે કે જેથી ઘટી રહેલો દર અટકાવી શકાય.


2. વેચાણમાં ઘટાડો

Image copyright Getty Images

વિકાસદર ઘટવાથી લોકોની આવક પર માર પડ્યો છે અને તેના કારણે લોકોને ખર્ચમાં કાપ મૂકવો પડ્યો છે.

બજાર વિશેની સૌથી મોટી રિસર્ચ કંપની નીલ્સનના અહેવાલ અનુસાર રોજબરોજના વપરાશની વસ્તુઓ (એફએમસીજી)ના વેચાણનો વૃદ્ધિદર જાન્યુઆરીથી માર્ચના ત્રણ માસમાં 9.9 ટકાનો હતો. એપ્રિલથી જૂનના એ પછીના ગાળામાં એ ઘટીને 6.2 ટકાનો રહી ગયો છે.

ખર્ચમાં કાપની સૌથી વધારે અસર વાહનઉદ્યોગ પર થઈ છે. વાહનોનું વેચાણ સતત ઘટી રહ્યું છે. તેના કારણે કંપનીઓ માણસોને છુટ્ટા કરી રહી છે. સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચર્સ (SIAM)ના આંકડા અનુસાર તમામ પ્રકારનાં વાહનોનું વેચાણ ઘટ્યું છે.

જાન્યુઆરીથી માર્ચમાં ઑટોસૅક્ટરના વિકાસનો દર 12.35 ટકા હતો. ત્રિમાસિક ગાળામાં 69, 42,742 વાહનો વેચાયાં હતાં.

તેની સામે એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં 60,85,406 વાહનો જ વેચાયાં છે. બસ જેવાં પેસેન્જર-વાહનોનું વેચાણ પણ ઘટ્યું છે. છેલ્લા એક વર્ષથી સતત વાહનક્ષેત્રમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભારતની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીનું જુલાઈ મહિનાનું વેચાણ ગયા વર્ષના જુલાઈ મહિના કરતાં 36 ટકા ઓછું નોંધાયું. હ્યુન્ડાઈની કારોના વેચાણમાં પણ ગયા વર્ષ કરતાં 10 ટકા ઘટાડો નોંધાયો છે.

વાહનોનું વેચાણ ઘટવા લાગ્યું તેના કારણે ઑટોડીલર પોતાને ત્યાંથી માણસોને નોકરીમાંથી હટાવી રહ્યા છે.

દેશભરના ઑટોડીલરોએ છેલ્લા ત્રણ મહિનામાં 2 લાખ લોકોને નોકરીમાંથી છુટ્ટા કર્યા છે. આ આંકડા ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ ઍસોસિએશન(FADA)ના છે.

ઑટોસેક્ટરમાં નોકરીઓ ઘટી તે પાછું પડ્યા માથે પાટુ જેવું છે. એપ્રિલ 2019 પહેલાંના 18 મહિનામાં દેશનાં 271 શહેરોમાં 286 શોરૂમ બંધ થઈ ગયા હતા. આટલા શોરૂમ બંધ થઈ જવાના કારણે 32,000 લોકો બેકાર બન્યા હતા.

દેશમાં કારના 26,000 શોરૂમ છે, તેમાંથી 15,000 જેટલા ડીલરસંચાલિત છે. આ શોરૂમમાં લગભગ 25 લાખ લોકોને રોજગારી મળતી હતી. આડકતરી રીતે બીજા 25 લાખ લોકોને પણ કામ મળતું હતું.

વેચાણ ઘટવા લાગ્યું તે પછી તાતા મોટર્સ જેવી કંપનીઓએ કારનિર્માણમાં કાપ મૂક્યો છે. તેના કારણે સ્પૅરપાર્ટ્સ સહિતના આનુષંગિકઉદ્યોગો પર પણ અસર થવા લાગી છે.

દાખલા તરીકે જમદેશપુર અને તેની આસપાસના વિસ્તારોમાં 30 સ્ટિલ કંપનીઓ બંધ થવાની અણી પર છે. એક ડઝન જેટલી કંપનીઓ અત્યાર સુધીમાં બંધ થઈ ચૂકી છે.

આવી સ્થિતિ એટલા માટે આવી કે તાતા મોટર્સના જમદેશપુર ખાતેના પ્લાન્ટમાં મહિને માત્ર 15 દિવસ જ કામ ચાલે છે. અડધો મહિનો પ્લાન્ટ બંધ રાખવામાં આવે છે.


3. બચત અને રોકાણ

Image copyright Getty Images

અર્થતંત્રમાં મંદીના કારણે રિયલ-એસ્ટેટ સૅક્ટરને પણ નુકસાન થઈ રહ્યું છે.

બિલ્ડરોના અનુમાન અનુસાર હાલમાં દેશનાં 30 મોટાં શહેરોમાં 12.76 લાખ મકાનો વેચાયાં વિનાનાં ખાલી પડ્યાં છે.

કોચીમાં છેલ્લા 80 મહિનામાં સૌથી વધારે ખાલી મકાનો પડેલાં છે. જયપુરમાં આ પ્રમાણ 59 મહિનાનું, લખનૌમાં 55 મહિનાનું અને ચેન્નઇમાં 75 મહિનાનું છે.

તેનો અર્થ એ થયો કે આ શહેરોમાં તૈયાર મકાનને વેચતા પાંચથી સાત વર્ષનો સમય લાગી શકે છે.

આવક વધી રહી નથી. બચતની રકમ વેચાયા વિનાનાં મકાનોમાં ફસાયેલી છે. આર્થિક મુશ્કેલીઓને કારણે ઘરેલુ બચત પણ ઓછી થઈ રહી છે.

વર્ષ 2011-12માં ઘરેલુ બચત જીડીપીના 34.6 ટકા જેટલી હતી. 2018-19માં તે ઘટીને 30 ટકા થઈ ગઈ છે.

ઘરેલુ બચતની રકમ બેન્કોમાં જમા થાય, તેમાંથી જ બૅન્કો વેપાર માટે લૉન આપતી હોય છે. બચતમાં ઘટાડો થવાના કારણે બૅન્કો તરફથી થતાં ધિરાણમાં પણ ઘટાડો થયો છે. કંપનીઓના વિકાસ માટે અને નવી રોજગારી માટે ધિરાણ અગત્યની ભૂમિકા ભજવતું હોય છે.

બૅન્કોના ધિરાણનો વૃદ્ધિદર પણ ઘટી ગયો છે. સપ્ટેમ્બર 2018 પછી તે દર અત્યારે સૌથી નીચલા સ્તરે છે. આ વર્ષના એપ્રિલમાં ધિરાણનો વૃદ્ધિદર 13 ટકા હતો, જે મે મહિનામાં ઘટીને 12.5 ટકાનો થયો હતો.

કૃષિ સિવાયનાં ક્ષેત્રોમાં એપ્રિલમાં ધિરાણનો વૃદ્ધિદર 11.9 ટકા જેટલો હતો. મે મહિનામાં તે ઘટીને 11.4 ટકા રહી ગયો હતો.

છેલ્લા આઠ મહિનામાં નોંધાયેલો આ સૌથી ઓછો વૃદ્ધિદર છે. સર્વિસસૅક્ટર અને ઉદ્યોગોને અપાતી લૉનમાં મોટા પ્રમાણમાં કાપ મૂકાયો છે.

મે મહિનામાં સર્વિસસેક્ટરમાં ધિરાણનો વૃદ્ધિદર 14.8 ટકાનો હતો, જે છેલ્લા 14 મહિનાનો સૌથી નીચો દર છે. એપ્રિલ મહિનામાં સર્વિસસૅક્ટરમાં લૉનનો વિકાસ દર 16.8 ટકા હતો.


4. નિકાસ

Image copyright Getty Images

સ્થાનિક બજારમાં માગ ઘટે ત્યારે ભારતીય ઉદ્યોગપતિઓ પોતાનાં ઉત્પાદનોની નિકાસ માટે વિદેશમાં બજારો શોધતા હોય છે.

પરંતુ અત્યાર સ્થિતિ એવી છે કે ભારતીય ઉત્પાદનો માટે વિદેશમાં પણ મર્યાદિત વિકલ્પો જ ઉપલબ્ધ છે.

છેલ્લા બે વર્ષથી જીડીપીમાં નિકાસનો હિસ્સો પણ ઘટી રહ્યો છે. મે મહિનામાં નિકાસનો વિકાસદર 3.9 ટકા હતો, પણ જૂનમાં તે માઇનસમાં (-)9.7 ટકામાં જતો રહ્યો છે.

41 મહિનાનો આ સૌથી ઓછો વૃદ્ધિદર છે. નિકાસમાં વધારો થાય તેવા કોઈ સંકેતો મળી રહ્યા નથી. તેનું કારણ એ છે કે અમેરિકા સાથે પણ વેપારયુદ્ધમાં ભારતે ઊતરવું પડે તેવા સંજોગો ઊભા થઈ રહ્યા છે.


5. વિદેશી રોકાણ

Image copyright Getty Images

અર્થતંત્ર મંદીમા હોય ત્યારે વિદેશી મૂડીરોકાણ મળવું મુશ્કેલ બની જતું હોય છે. એપ્રિલ 2019માં ભારતમાં સીધું વિદેશી મૂડીરોકાણ 7.3 અબજ ડૉલરનું થયું હતું પરંતુ મે મહિનામાં તે ઘટીને માત્ર 5.1 અબજ ડૉલરનું થઈ ગયું.

રિઝર્વ બૅન્કે જાહેર કરેલા વચગાળાના આંકડાં અનુસાર દેશમાં કુલ વિદેશી રોકાણ, શૅરબજાર અને બૉન્ડમાં થતું રોકાણ એપ્રિલમાં 3 અબજ ડૉલરનું હતું, તે મે મહિનામાં ઘટીને 2.8 અબજ ડૉલરનું થઈ ગયું.

ત્યારે નરેન્દ્ર મોદી સરકારની બીજી મુદ્દતમાં કેવી મુશ્કેલીઓ આવી છે?


સવાલ એ છે કે મોદી 2.0ના શાસનકાળમાં સ્થિતિ શું છે?

Image copyright Getty Images

આ બધી વાતોનો નિષ્કર્ષ એ છે કે દેશનું અર્થતંત્ર મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. ઉત્પાદન ઘટી રહ્યું છે, કૃષિમાં મુશ્કેલીઓ યથાવત છે.

ખેડૂતોની આવકમાં કોઈ વધારો થઈ રહ્યો નથી. નિકાસ અટકી ગઈ છે. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓની હાલત નાજુક છે. રોજગારીના મામલે પણ મોટી મુશ્કેલી આવીને ઊભી છે.

એફએમસીજી સૅક્ટરમાં વેચાણ ઘટી રહ્યું છે. કારકંપનીઓ ઉત્પાદન ઓછું કરવા લાગી છે. આ બધી બાબતો પરથી એ સંકેત મળે છે કે લોકોએ ખર્ચમાં કાપ મૂકી દીધો છે.

બજારમાં માગ ઘટી રહી છે, તેના કારણે માત્ર વેપારીઓ જ નહી, ગ્રાહકોનો ભરોસો પણ ઓછો થવા લાગ્યો છે.

અર્થતંત્રની આ સ્થિતિ આવી તેનું કારણ એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પુરોગામી મનમોહન સિંહે પણ આર્થિક સુધારાઓની અવગણના કરી હતી.

2008ની વૈશ્વિક મંદીની અસર હેઠળ જીડીપીનો દર ઘટેલો હતો, તે ધીમે ધીમે સુધરી રહ્યો હતો ત્યારે 2014માં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા હતા.

જોકે સુધારાની તે સ્થિતિ લાંબો સમય ટકી નહી અને જીડીપી વિકાસદર ફરીથી નીચે જવા લાગ્યો.

આ વખતે અર્થતંત્રમાં જે મંદી આવી રહી છે, તે કોઈ મોટા ફટકાને કારણે નથી. વર્ષ 2008 અને 2011માં ક્રૂડઑઇલના ભાવો ભડકે બળ્યા હતા અને જીડીપીને ફટકો પડ્યો હતો. હાલમાં એવી કોઈ સ્થિતિ નથી.

આ સ્થિતિ સરકારી નીતિઓની નિષ્ફળતાને કારણે સર્જાઈ છે. કૃષિઉત્પાદનો માટેની નીતિ, આયાત-નિકાસની નીતિ, કરવેરાની નીતિ, શ્રમ-કાયદો અને જમીનના ઉપયોગ અંગેના કાયદામાં સુધારાનો અભાવ વગેરે કારણોએ મંદીમાં મોટું યોગદાન આપ્યું છે.

બૅન્કિંગ ક્ષેત્રમાં પણ આજે મોટા પાયે સુધારાની જરૂર છે કે જેથી નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સરળતાથી ધિરાણ મળી રહે.

મોદી સરકારનો પ્રથમ કાર્યકાળ શાનદાર રીતે શરૂ થયો હતો. પરંતુ થોડા વખતમાં જ તે દિશાહીન જણાવા લાગ્યો હતો.

આર્થિક બાબતોમાં સુધારા માટેની જે બ્લ્યૂપ્રિન્ટ જાહેર કરવામાં આવી હતી તેને વર્ષ 2015ના અંત સુધીમાં પડતી મૂકી દેવામાં આવી હતી.

શ્રમ અને જમીનને લગતા કાયદામાં ફેરફારો બાકી જ રહી ગયા છે. ઉત્પાદન વધારવા માટે જરૂરી પગલાં લેવાયાં નથી. કૃષિક્ષેત્રમાં વિકાસના અભાવને દૂર કરવા માટે મેક ઇન ઇન્ડિયાનો પ્રારંભ કરાયો હતો, પણ તેની સ્થિતિ ખરાબ છે.

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અર્થતંત્ર માટે જે પ્રારંભિક જોશ અને ઊર્જા દેખાતાં હતાં, તેની જગ્યાએ નોટબંધી જેવા ખોટા પગલાં લેવાયાં હતાં.

કરવેરાની સ્થિતિ સુધારવા માટે પૂરતી તૈયારી કર્યા વિના જ જીએસટીને લાગુ કરી દેવામાં આવ્યો. સારા ઇરાદા સાથે લાવવામાં આવેલા ઇન્સૉલવન્સી અને બૅન્કરપ્સી કૉડ સિવાય પ્રથમ કાર્યકાળમાં ભાગ્યે જ આર્થિક સુધારાનું કોઈ મોટું પગલું લેવાયું હતું.

નાણામંત્રાલયના અધિકારીઓએ વારંવાર ચેતવણી આપી હતી તેમ છતાં મનમોહન સરકાર તરફથી વારસમાં મળેલી બૅન્કો અને નાણાસંસ્થાઓની કંગાળ હાલતને સુધારવા માટે કોઈ નીતિ નક્કી કરવા પર ધ્યાન અપાયું નહોતું.

આપણા દેશના અર્થતંત્રમાં હજીય કેટલીક પાયાની ખામીઓ રહી ગઈ છે. તેને સારા ઇરાદા સાથેની આર્થિક નીતિઓથી દૂર કરવી જરૂરી છે. બીજી બાજુ કમનસીબી એ છે કે સારા અર્થશાસ્ત્રીઓ મોદી સરકારથી દૂર થઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં આર્થિક પડકારનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવાશે તેની આશા બંધાતી નથી.

મોદી સરકારના કાર્યકાળમાં જ ઇલા પટનાયક, રઘુરામ રાજન, ઉર્જિત પટેલ, અરવિંદ પનગઢીયા, અરવિંદ સુબ્રમણ્યમ અને વિરલ આચાર્ય જેવાં હોશિયાર અર્થશાસ્ત્રીઓ કામકાજ પડતું મૂકીને જતાં રહ્યાં છે.

છેલ્લા કેટલાક દાયકામાં પહેલી વાર એવું જોવા મળ્યું છે કે નાણામંત્રાલયમાં એવા કોઈ આઈએએસ અધિકારી નથી, જેમની પાસે અર્થતંત્રમાં પીએચડીની ડિગ્રી હોય અને તેઓ અર્થતંત્રના પડકારોને પહોંચી વળવા માટેની નીતિઓ ઘડવામાં સરકારને મદદ કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો