Top News: રાજ ઠાકરેને કોહિનૂર સીટીએનએલ લૉન કેસમાં ઈડીએ નોટિસ મોકલી

રાજ ઠાકરે Image copyright Getty Images

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને પ્રવર્તન-નિદેશાયલ (ઈડી)એ 'કોહિનૂર સીટીએનએલ લૉન' મામલે સંકળાયેલી પૂછપરછમાં રજૂ થવા માટે નોટિસ ફટાકરી છે.

'એનડીટીવી' વેબસાઇટના અહેવાલ અનુસાર ઈડીએ રાજ ઠાકરેને 22 ઑગસ્ટે રજૂ થવા માટે કહ્યું છે. તો બીજી બાજુ ઈડીએ આ મામલે રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને શિવસેનાના નેતા મનોહર જોશીના પુત્ર ઉન્મેષ જોશીને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે.

ઉન્મેષ જોશીની કંપની કોહિનૂર સીટીએનએલ પર આરોપ છે કે તેમણે કોહિનૂર મિલની જમીન ખરીદી લીધી હતી અને તેના પર 'કોહિનૂર સ્ક્વૅર' નામની બહુમાળી ઇમારત બનાવી હતી.

ઉલ્લેખનીય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ ઍન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીઝ (IL&FS) થકી રોકાણ કરવામાં આવ્યું હતું. ઈડી IL&FS દ્વારા કોહિનૂર સીટીએનએલ કંપનીને આપેલા ઋણ અને રોકાણની પણ તપાસ કરાઈ રહી છે

આ મામલે ઈડીએ હજુ સુધી કેટલાંયનાં નિવેદનો નોંધ્યાં છે.


કાશ્મીર : 5 ઑગસ્ટથી અત્યાર સુધીમાં 4000 લોકોની ધરપકડ

Image copyright Getty Images

કાશ્મીરમાં 5 ઑગસ્ટ એટલે કે જ્યારથી કાશ્મીરનો વિશેષાધિકાર રદ કરાયો છે ત્યારથી અત્યાર સુધી લગભગ ચાર હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ન્યૂઝ એજન્સી 'એએફપી'ના હવાલાથી 'ધ હિંદુ' અખબાર લખે છે કે અગાઉ જમ્મુ-કાશ્મીર સરકારના પ્રવક્તા રોહિત કંસલે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોના આંકડા અંગે કોઈ રૅકર્ડ નથી.

પરંતુ એક મૅજિસ્ટ્રેટે 'એએફપી' સાથેની વાતચીતમાં જણાવ્યું, "પબ્લિક સેફ્ટી ઍક્ટ અંતર્ગત લગભગ ચાર હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે."

તેમણે એવું પણ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરની જેલોમાં જગ્યા ન હોવાને કારણે તેમને કાશ્મીર બહાર લઈ જવામાં આવ્યા છે.


ગુજરાતમાં મોસમનો 88 ટકા વરસાદ

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાતમાં મોસમનો કુલ વરસાદ 88 ટકાને પાર પહોંચી ગયો છે. ગત વર્ષે ઑગસ્ટ માસ દરમિયાન 66 ટકા વરસાદ નોંધાયો હતો.

છેલ્લાં પાચ વર્ષમાં આ વર્ષે ઑગસ્ટ માસમાં સરેરાશ 390 મીમી સાથે સૌથી વધુ વરસાદ પડ્યો છે.

હવામાન-વિભાગના પ્રાદેશિક નિદેશક જયંતા સરકાર અનુસાર ગત વર્ષની તુલનામાં આ વર્ષે ઑગસ્ટ માસમાં ચોમાસુ સારું રહ્યું છે.

હવામાન વિભાગ અનુસાર અમદાવાદ, દાહોદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, દમણ, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.


હિમા દાસે છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો

Image copyright Getty Images

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ભારતીય સ્પ્રિન્ટર હિમા દાસે ચેક રિપબ્લિક ખાતે ચાલી રહેલી 'ઍથ્લેટિકી મિટિન્ક રીટર' સ્પર્ધામાં ગોલ્ડ-મેડલ જીત્યો છે.

ઉલ્લેખનીય છે કે આ હિમા દાસનો સતત છઠ્ઠો ગોલ્ડ-મેડલ છે. અગાઉ હિમાએ 20 જુલાઈના રોજ 400 મિટર દોડમાં ગોલ્ડ-મેડલ જીત્યો હતો.

આ સાથે જ ભારતીય સ્પ્રિન્ટર મોહમ્મદ અનાસે પણ 300 મિટરની દોડમાં ગોલ્ડ-મેડલ જીત્યો છે.


હિમાચલમાં ભારે વરસાદને કારણે 21નાં મૃત્યુ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહવાલ અનુસાર ઉત્તર ભારતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે 21 લોકોનાં મૃત્યુ થયાં છે.

શિમલા અનો સોલન ખાતે જમીન ધસી પડવાને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે.

છેલ્લા 36 કલાકથી વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઇમારતોને ભારે નુકસાન થયું છે.

બીજી તરફ દીવાલ ધરાશાયી થવાને કારણે એક વ્યક્તિનું દટાઈ જતાં મૃત્યુ થયું છે.

ભારે વરસાદ અને આફત વચ્ચે કુલ્લુમાંથી 25 પર્યટકોને બચાવવામાં આવ્યા છે..

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો