SACRED GAMES 2 : સિરીઝની બીભત્સ દુનિયાથી બચવું જોઈએ કે નહીં?

નેટફ્લિક્સ Image copyright NETFLIX

'અહમ બ્રહ્માસ્મિ. મેં બ્રહ્મ કી ધૂલ હૂં.' હું બધાને પ્રેમ કરું છું. હું કોઈને પ્રેમ કરતો નથી. હું અઘોરી છું. હું મડદા ખાઈને જીવી શકુ છું. મેં વારંવાર મારાં પિતા, પુત્ર, પત્ની અને માતાનો વધ કર્યો છે. હું કલયુગનો પુત્ર કલી છું. દાનવનો પુત્ર, અધર્મનો પિતા. હું કલ્કિ છું. હું પરમ છું. હું અણુ છું. હું બિભત્સ છું. હું ભીષણ છું. મેં બ્રહ્મ હૂં. સિર્ફ મેં હી બ્રહ્મ હૂં.

યાદ કરો કે છેલ્લા થોડા દિવસોમાં તમે સૌથી બિભત્સ શું જોયું છે?

મૉબ લિન્ચિંગનો વાઇરલ વિડિયો, ખુલ્લી પીઠ પર પટ્ટાથી થતી પીટાઈ, ગટરમાં ઉતરેલો કોઈ માણસ, ત્રણ વર્ષની બાળકીનો 'ધર્મ ખાતર બળાત્કાર', પૅલેટ ગનથી ઘાયલ થયેલી નીલી આંખો કે પછી સૈનિક પિતાની ચિતા સામે રડતી દીકરી.

આવી કે આનાથી પણ વધુ હચમચાવી દે તેવું દૃશ્ય જોયા પછી શું તમે ખુદને સવાલ પૂછ્યો- દુનિયાને આ થયું છે શું?

શું એવું વિચાર્યું કે 'આ દુનિયા કાલે ખતમ થતી હોય તો આજે થાય?'

ઑનલાઇન સ્ટ્રિમિંગ વેબસાઇટ નેટફ્લિક્સની સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'ની બીજી સિઝન આવા જ સવાલ સાથે આગળ વધે છે.

જવાબ કોણ આપશે? કેમ કે જવાબ 'તમારાથી, મારાથી...બધાથી મોટો છે.'


દાર્શનિકતાનું દૂરદર્શન

Image copyright NETFLIX

ભૂખ્યા લોકો સામે અચાનક 56 ભોગ રાખી દેવામાં આવે તો તેનું અંદર ઉતરી ગયેલું પેટ, બહાર દેખાતી હાંસડીઓ દેખાતા બંધ થઈ જવાના નથી.

ભૂખ્યા સામે પકવાન રાખી દેશો તો તે ઊલટી કરી નાખશે કે મૂંઝવણમાં મૂકાઈ જશે.

ખાસ કરીને એ સ્થિતિમાં જ્યારે પકવાન પિરસનારાએ જ ભૂખ પેદા કરી હોય.

'સેક્રેડ ગેમ્સ-2'ની કથા કંઈક આવી જ છે. શાળાએ જતાં બાળકોનાં દફ્તરમાં વિજ્ઞાન, નૈતિક શિક્ષણ, પુરાણ, મનુસ્મૃતિ, જેનોસાઇડ, વર્મહૉલ, ઇશ્વર મરી ગયો છે કહેનારા નીત્શે અને 'સંભોગથી સમાધિ'ની વાત કરનારા ઓશોનાં પુસ્તકો ભરી દેવામાં આવ્યાં છે.

આ સ્કૂલે જતાં બાળકોને ગણેશ ગાયતોંડે (નવાઝુદ્દીન સિદ્દીકી)ની બકવાસ વાતો પસંદ પડે છે.

પરંતુ ગુરુજી (પંકજ ત્રિપાઠી) નિહિલિઝમ, અમીબા, અણુ, અણુ ઉર્જા અને સમયચક્ર સમજાવાની કોશિશ કરે છે, ત્યારે તે દાર્શનિકતાનું 'દૂરદર્શન' લાગે છે.

આ બધા વચ્ચે ટકી જવા માટે વિદ્યાર્થી સરતાજ (સૈફ અલી ખાન) તરફ ભાગે છે.

એવી આશા રાખવામાં આવી છે કે આ બધું એ જનતા સમજી લેશે, જે જનતા વાસ્તવિક જીવનમાં પણ ડિસ્ક્લેમર વિનાની રીલ જોવા ટેવાયેલી છે.

ઉન્નાવ કેસ, મૉબ લિન્ચિંગ, ગૌરક્ષા, બળાત્કાર, લવ જેહાદ, નો વન કિલ્ડ પહલુ ખાન, દેશભક્તિ, સેક્યુલર - એક ગાળ?

'સૌ પોતાની કથા લઈને આવે છે. આપણું કામ તેને જોડવાનું છે.' પ્રથમ સિઝન માટેનો આ જાનદાર ડાયલૉગ બીજી સિઝન માટે ખામી બની ગયો છે. શું ખરેખર આ એક ખામી છે?

સેક્રેડ ગેમ્સ-2 કદાચ અપેક્ષાઓનો ભોગ બની છે. આ અપેક્ષા બંને તરફે હતી. સેક્રેટ ગેમ્સના સર્જકોની અને દર્શકોની બંનેની.

સર્જકોને હશે કે પ્રથમ સિઝનમાં 'અતાપિ-વતાપિ'નો કૉન્સેપ્ટ સમજી ચૂકેલા દર્શકો નેક્સ્ટ લેવલ માટે તૈયાર છે.

દર્શકોને લાગ્યું કે બધા કૉન્સેપ્ટ જાદુની છડી નથી કે બધા પર ચાલી જાય.

આ જાદુની છડી ચલાવવામાં આવે તો શું રીલ અને રિયલ વચ્ચેનું જે સત્ય છે તેને સમજી શકાય ખરું? ચાલો, તમે અને હું પ્રયત્ન કરીએ.


1. 'ન્યૂક્લિયરથી આવ્યા હતા... ન્યૂક્લિયરથી જઈશું'

Image copyright NETFLIX

'સર્વશક્તિમાન એકમેવ ભગવાન' ગણેશ ગાયતોંડેનાં તૂટતાં મંદિરો. સ્થિર થવા માટે ભાગી રહેલો સરતાજ.

બલિદાન લેવા માટે આગળ વધી રહેલા ચતુર્વેદી વંશના 'અવતાર' ગુરુજી. નિર્ણય લેવાની તાકાત ધરાવતી સ્ત્રીઓ જોજો, યાદવજી, બત્યા.

'સમજાતું નથીને, કથા ક્યાં જશે?' તો કથા એકદમ તાજેતરની ઘટનાઓથી શરૂ કરો.

પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાનનું નિવેદન, "નરેન્દ્ર મોદી તમે આ કોમને ગુલામ નહીં બનાવી શકો."

"તમારી ઈંટનો જવાબ પથ્થરથી આપશે. સમય આવી ગયો છે કે અમે તમને પાઠ ભણાવીએ."

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું નિવેદન, "ભારત અણુશસ્ત્રોના ઉપયોગની 'પહેલ નહીં કરે' તે નીતિ હાલ યથાવત્ છે, પણ ભવિષ્યમાં શું થશે તેનો આધાર પરિસ્થિતિ પર નિર્ભર હશે."

'સેક્રેડ ગેમ્સ'ના ગુરુજીનું નિવેદન, "ભારત અને પાકિસ્તાન. દુનિયાની સૌથી જૂની લડાઈ."

"આ દેશ કે ધર્મની નહીં, સંસ્કૃતિની લડાઈ છે. ન્યુક્લિયરથી આવ્યા હતા...ન્યુક્લિયરથી જઈશું."

અણુશસ્ત્રો વિશેના આ રીલ અને રિયલ બંને પ્રકારનાં નિવેદનો વિશે ધ્યાનથી વિચાર કરો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદના મૂળમાં રહેલા કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી દેવાઈ છે.

બલિદાન આપવા માટેની વાતો દેશના નેતાઓ રોજબરોજ કરતા રહે છે.

તે વખતે ગુરુજી એવું કહેતા હોય કે 'બલિદાન આપવું પડશે...' ત્યારે તે સત્યની ઘણું નજીક લાગે છે.

'એક ટ્રિગર હોવું જોઈએ અને તેનાથી નવી દુનિયા બની જાય છે. ગ્લોબલ વૉર્મિંગના નામે ફર્સ્ટ વર્લ્ડનાં દેશોમાં ઝઘડા છે.'

'હજારો ફટાકડા પર લાકડીઓ બિછાવેલી છે. ગમે ત્યારે સળગાવી દો એટલે ધુમાડો જ ધુમાડો.'

સંસદની સ્ટાઇલમાં તેનું સત્ય જાણવું હોય તો આ રીતે જાણી શકાય છે.

જે તરફેણમાં હોય તેઓ બોલે - AYES. જે વિરોધમાં છે તેઓ બોલે - NO.

અફઘાનિસ્તાન, ઇરાક, પેલેસ્ટાઇન, સીરિયા, મ્યાનમાર: AYES.

અમેરિકા, સાઉદી અરેબિયા, રશિયા, ચીન: NO.


2. ગણેશ ગાયતોંડેથી દુનિયાને બચાવી લો રે...

Image copyright NETFLIX

અસલ દુનિયામાં ભલે ઇશ્વરના નામે માગવામાં આવતા બલિદાન શક્તિશાળી બન્યા હોય, પરંતુ રીલમાં ખુદ ભગવાન પોતાને ભગવાન ગણાવી રહેલા ગણેશ ગાયતોંડે બીજી સિઝનમાં નબળા અને બેવકૂફ બનતા દેખાઈ રહ્યા છે.

તેને સમજવા માટે તમે આસપાસના બાવાઓ પર નજર નાખો. કૃપા કરવાના નામે લાખોની ભીડને પોતાની સાથે લઈને ચાલતા બાબાઓને જુઓ.

દરેક ચૂંટણી પહેલાં આ બાપુઓના પગમાં નેતાઓ માથું નમાવે છે. તે પછી મંચ પરથી માઇકથી એલાન થાય છે કે 'અબકી બાર, આમ આદમી કા હાથ...'

મંચ પરથી વહેતી આ કૃપાને ભીડ પોતાના ચહેરા પર ચોપડી લે છે અને જાણ્યે અજાણ્યે મિશનમાં લાગી જાય છે.

"ગ્લોબલ વૉર્મિંગથી માંડીને ઇન્ટરનેટ ધાર્મિક પ્રૉપેગૅન્ડા બધા જ દુનિયાને ખતમ કરવામાં લાગ્યા છે."

"બધા જ પાગલ શ્વાનની જેમ એકબીજાને કરડી રહ્યા છે. એટલો ધુમાડો થશે કે પશુ, પક્ષી બધું સમાપ્ત થઈ જશે."

"ધરતીનું તાપમાન ઓછું થઈ જશે અને તમે સૌ ન્યુક્લિયર વિન્ટર જોશો."

ધાર્મિક પ્રચારમાં ફસાયેલા લોકો ક્યાં નથી હોતા? પહેલા ગાયને ધર્મ સાથે જોડવામાં આવી. પછી ગૌરક્ષાના નિયમોને મરોડવામાં આવ્યા.

ક્રિયા: ગૌરક્ષા નામે લોકોની ટોળા દ્વારા હત્યા.

પ્રતિક્રિયા: પહલુ ખાન લિન્ચિંગ કેસમાં બધા આરોપી નિર્દોષ છૂટ્યા.

"મારા અબ્બા પહલુ ખાનને વીડિયોમાં દેખાઈ રહેલા લોકોએ નથી માર્યા તો કોણે માર્યા છે?"

મારનારા લોકોની લાંબી યાદીમાં એક નામ શંભુલાલ રેગરો જેવાનું પણ છે. એવી વ્યક્તિ જેના ઉપર ધર્મના નામે વ્યક્તિને કુહાડીથી મારી નાખવાનો આરોપ છે.

થોડા દિવસ બાદ એક શોભાયાત્રામાં સન્માન થાય છે.

તો પછી કોઈ એ વાત ધ્યાનમાં શા માટે લે કે આ યાત્રામાં સામેલ થયેલા લોકોમાંથી મોટા ભાગના બેરોજગાર છે.

આ યુવાનોની નસોમાં દેશ અને ધર્મને ઇન્જેક્ટ કરી દેવાયા છે.

જેમના માટે રોજગાર હજી પણ મુદ્દો છે, તેમની વાત 'નેશન ડૉન્ટ વૉન્ટ ટુ નો.'

''દુનિયાની દરેક નબળાઈનો ફાયદો ઉઠાવવો જોઈએ.''

ગણેશ ગાયતોંડે જેવા લોકોની નબળાઈનો ફાયદો આ દુનિયાના દરેક પ્રકારના ખેલમાં ઉઠાવવામાં આવે છે. તેને પવિત્ર ગણાવવામાં આવે છે.

વાર લાગશે, પણ તૈયાર થઈ રહેલી ભીડને એક દિવસ સમજાશે કે તેમનો માત્ર ટૅક્સ નહોતો કપાયો.


3. આ દેશ કોનો છે?

Image copyright NETFLIX

''યાદવજીને દેશ પર બહુ પ્રેમ છે. મને પણ દેશ પર પ્રેમ છે, પરંતુ તેમના માટે દેશ એટલે આજે જે છે અને આગળ જે હશે.''

''અમારા માટે દેશ જે પહેલાં હતો, જે બની શક્યો હોત અને જે હોવો જોઈએ. સતયુગ...''

પાંચમાં એપિસોડમાં 'ત્રિવેદી' જ્યારે આવું કહે છે, ત્યારે તે સેક્રેડ ગેમ્સમાં 'દાર્શનિક સ્પૉઇલર' આપી દે છે.

આ દેશ કેવો થવો જોઈતો હતો, પણ થઈ શક્યો નહીં તે સેક્રેડ ગેમ્સની કહાની છે. જોકે, કથા તો પરદાની બહાર પણ છે.

જો સરદાર પટેલ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત તો દેશ એવો હોત, દેશ તેવો હોત.

વૉટ્સઍપથી દેશની સંસદ સુધી તમે આવી કલ્પનાઓ ઘણીવાર સાંભળી હશે.

તિરંગા, રાષ્ટ્રગાન અને ધર્મનું ઢાલ બનવું. વંદે માતરમ્ બોલે એ જ સાચો દેશભક્ત? શ્રીરામ બોલે એ જ સાચો હિન્દુસ્તાની?

સેક્રેડ ગેમ્સનો માજિદ જ્યારે પોતાના નામને કારણે ઘરની બહાર ના નીકળી શકવાની વાત કરે છે.

ચોપાનિયું છાપવાવાળો કહે છે કે 'મુસલમાનને ઉઠાવી લેવા માટે તમારે કોઈ કારણની જરૂર છે?' કે પછી એક ઉગતો ક્રિકેટર નાનપણની લડાઈને કારણે પોતાને ધર્મની કડાઈમાં ઉકળતો અને ખતમ થઈ જતો જુએ છે.

'એક સમુદાય શહેરમાં એટલી હદે ફેલાઈ ગયો છે કે... શું સેક્યુલર સેક્યુલર કરતા રહો છો.'

બરાબર તે જ વખતે અંકિત સક્સેના, જુનૈદ, મુંબઈની મોંઘી સોસાયટીના નિયમો કે 14 વર્ષ જેલમાં વીતાવ્યા પછી નિર્દોષ સાબિત થયેલા મોહમ્મદ આમિર સામે આવીને ઊભા રહી જાય છે.

'ત્રિવેદીના ભાઈઓએ બાબરી મસ્જિદ તોડી પાડી. તેના બદલામાં આઈએસઆઈના પંટર દાનિશ ખાન સાથે મળીને ઈસાએ મુંબઈમાં બૉમ્બ ફોડ્યા. ઝેરથી જ ઝેરનું મારણ થશે.'

જોકે, વેરથી વેર જ પ્રગટ્યું. શ્રીદેવીને જોઈને માત્ર મોગેમ્બો ખુશ ના થયા.

રામજી વર્મા જેવા લોકો પણ ખુશ થયા, કેમ કે... પિક્ચર, બોલે તો સિરીઝ અભી બાકી હૈ મેરે દોસ્ત.


4. નિર્ણયો લેતી શક્તિશાળી નારીઓ

Image copyright FACEBOOK

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવવા કોશિશ કરી રહેલી જોજો, મારિયા, જમીલા અને ન જાણે કેટલીય યુવતીઓ.

આવી યુવતીઓની આપવીતિથી આખો સમાજ અને ગૂગલ ભરેલું પડ્યું છે.

અસલી જિંદગીમાં આ યુવતીઓ ભલે મજબૂરીથી પોતાના માટે નિર્ણયો ના લઈ શકતી હોય, પણ સેક્રેડ ગેમ્સમાં આ યુવતીઓ દમદાર અવાજ વડે નિર્ણયો લે છે.

મોટા ભાગની ફિલ્મોમાં નમુના તરીકે જ રખાતાં મહિલા પાત્રો વચ્ચે સેક્રેટ ગેમ્સ અલગ દેખાઈ આવે છે.

પ્રથમ સિઝનમાં કુકુ, સુભદ્રા, કાંતાબાઈ, અંજલિ માથુર. બીજી સિઝનમાં જોજો, કુસુમદેવી યાદવ, બત્યા અને પૈસા લેવાનો ઇનકાર કરતી કૉન્સ્ટેબલ કાટકરની પત્ની શાલિની અને મેઘા.

સેક્રેડ ગેમ્સનાં સ્ત્રીપાત્રો સ્ટિરિયોટાઇપ તોડી નાખતા જણાય છે. પોતાના પર જ ગૌરવ.

એવું જ ગૌરવ અને ઇચ્છા કે જે કેન્યામાં પુરુષોત્તમ બરિયાની પત્ની હર્ષામાં હતાં.

હર્ષા કે જેમણે ગુરુજીના શબ્દોને સાંભળ્યાં વિના જ અક્ષરસઃ માની લીધાં.

'સેક્સને શ્વાસની જેમ સહજ...' અને દેવીની જેમ પોતાને પૂજવા સામે બહુ જ નારાજી.

ઓશો (રજનીશ)ની નિકટનાં શિષ્યા આનંદ શીલા સાથે મળતું આવતું બત્યાનું પાત્ર બરાબર ઉપસી આવે છે.


5. બલિદાન કઈ દુનિયા ખાતર?

Image copyright NETFLIX

'કલયુગ ધીમું મોત છે. તેને ઝડપી કરવું પડશે. બલિદાન આપવું પડશે.'

પણ મોતને ઝડપી બનાવી રહ્યું છે કોણ?

જવાબ છે અપાસમાર દૈત્ય, જેની પાસે 'સુપરપાવર હતો કે કોઈની પણ યાદશક્તિને નિયંત્રિત કરી શકે. તેની એક નબળાઈ પણ હતી. તેને સૌના ઍટેન્શનની ભૂખ હતી.'

સેક્રેડ ગેમ્સ અને તેની બહાર તમારે, અને અમારે આ અપાસમારની તલાશી લેવી જોઈએ કે ના લેવી જોઈએ?

કેમ કે સમય, 'રેડિયોએક્ટિવ છે. તે ઘટતો જાય છે અને હંમેશાં રહે છે. આ એક ચક્ર છે.'

આ ચક્રને સમજાવનારા પોતે જ ઘણીવાર તેમાં ફસાય છે અને સમજનારા પણ.

જોકે, એક જરૂરી સવાલ આ ચક્રમાંથી બહાર આવે છે. આ દુનિયાને બીભત્સ કોણ કરી રહ્યું છે અને શું તેને ખરેખર બચાવવાની જરૂર છે?

આમ તો એક જવાબ હવામાં જ ગુંજી રહ્યો છે. પરંતુ એક સાંકેતિક જવાબ પહેલા સાહિર લુધિયાણવી અને પછી પીયૂષ મિશ્રા લખી ચૂક્યા છે.

'જેવી બચી છે, બચાવી લો રે દુનિયા, પોતાની સમજીને ઉઠાવી લો રે દુનિયા. જેવીતેવી વાતોમાં સળગવા લાગશે સંભાળો રે દુનિયા...'

કેમ કે આપણે સૌ આપણી અંદર પોતપોતાનું બ્રહ્માંડ લઈને ચાલી રહ્યા છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો