કાશ્મીરમાં પ્રતિબંધો વચ્ચે આજે શાળાઓ શરૂ કરવાની તૈયારી

કાશ્મીર Image copyright AFP

જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓનું કહેવું છે કે સોમવારે પ્રાથમિક શાળાઓ અને સરકારી કાર્યાલયોમાં રાબેતા મુજબ કામ શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીરની સરકારના પ્રવક્તા અને રાજ્યના મુખ્ય સચિવ રોહિત કંસલે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું, "શ્રીનગર એકલામાં 190 જેટલી પ્રાથમિક શાળાઓને રાબેતા મુજબ ખોલવાની અમારી યોજના છે. અમને આશા છે કે સરકારી કાર્યાલયો પણ પૂર્ણ રીતે કામ કરવા લાગશે અને આગળ અમે બીજા ક્ષેત્રોમાં પણ કામ કરીશું."

જોકે, શ્રીનગર ખાતેના બીબીસીના સંવાદદાતા આમીર પીરઝાદાએ જણાવ્યું છે કે હકીકતમાં સ્થિતિ એટલી સામાન્ય નથી કે લોકો પોતાનાં બાળકોને શાળાએ મોકલે.

આમીરે જણાવ્યું, "શાળાઓ પણ એ જ વિસ્તારોમાં ખોલવાની વાત કરવામાં આવી છે કે જે શાંત વિસ્તાર માનવામાં આવે છે. સરકાર તરફથી શાળાઓ શરૂ કરવાના અને શિક્ષકોને શાળાએ જવાના આદેશ આવી ગયા છે. જોકે, સોમવારે એ જોવાનું રહેશે કે આ આદેશ છતાં શાળાએ કેટલા પહોંચે છે."

ભારત પ્રશાસિત કાશ્મીરમાં છેલ્લા બે સપ્તાહથી લાગુ પ્રતિબંધોમાં છૂટ આપવાનો સિલસિલો શરૂ કરાયો છે. જોકે, ખીણવિસ્તારના કેટલાય ભાગોમાં હજુ પણ અવરજવર અને ફોન-ઇન્ટરનેટની સ્થિતિ સામાન્ય થઈ શકી નથી.

પ્રવક્તાએ એવું પણ જણાવ્યું છે કે પ્રદેશમાં લૅન્ડલાઇન-ફોનની સુવિધા ટૂંક સમયમાં જ ચાલુ કરી દેવાશે.

જોકે, શનિવારે જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર અને રિયાસી એમ પાંચ જિલ્લાનાં વડામથકમાં મોબાઇલની 2જી સેવા ચાલુ કરાઈ કરાઈ હતી, જેને ફરીથી બંધ કરી દેવામાં આવી છે.

અધિકારીઓનું કહેવું છે કે ટેકનિકલ ખામીને કારણે આવું કરવું પડ્યું હતું.


મોબાઇલ-ઇન્ટરનેટ પર કેમ નિયંત્રણ?

Image copyright AFP/GETTY IMAGES

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર કે. વિજય કુમારે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થાના અમલ માટે પ્રદેશમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સુવિધાઓ પર નિયંત્રણ લદાયું છે.

કે. વિજય કુમારે કહ્યું, "જમ્મુ અને કાશ્મીરમાં અમારા ભૂતકાળના અનુભવ અને આ નિયંત્રણ રેખાનું અહીંથી નજીકનું અંતર ધ્યાને લઈને અમે આવું આવું કર્યું છે. સરહદપારથી થઈ રહેલી હલચલથી અમે સતર્ક છીએ અને એટલે જ અમે સંપર્કના તમામ સ્રોત એક સાથે ખોલવા માગતા નથી."

જમ્મુના સ્થાનિક પત્રકાર મોહિત કંધારીએ જણાવ્યું, "રવિવારે 10 વાગ્યાથી ફરીથી આ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કોઈ પણ અધિકારીએ આ અંગે કોઈ વિસ્તૃત નિવેદન જાહેર નથી કર્યું. આ ઉપરાંત રાજૌરી, કિશ્તવાડ, પુંછ, ડોડા અને રામબન જિલ્લાઓમાં પહેલાંથી જ સેવાઓ બંધ છે. ત્યાં કેટલીક જગ્યાએ લૅન્ડલાઇન ચાલુ છે પણ મોબાઇલ સેવા અને ઇન્ટનેટ બંધ છે."

મોહિત કંધારીના મતે જમ્મુના ડિવિઝનલ કમિશનર સંજીવ વર્માએ તેમને માત્ર એટલું જ જણાવ્યું છે કે ટેલિકૉમ કંપનીઓએ ટેકનિકલ ખામીને પગલે આ સેવાઓ અટકાવી દીધી છે.

જમ્મુના કેટલાય વિસ્તારોમાં અફવા પણ પ્રસરી છે, જેને લીધે પેટ્રોલપંપ પર લાંબી કતારો જોવા મળી છે. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા માટે જમ્મુના આઈજી મુકેશ સિંહે નિવેદન જાહેર કર્યું છે.

આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિદેશક દિલબાગ સિંહે રવિવારે જમ્મુ વિસ્તારની મુલાકાત લઈને સુરક્ષા અને વ્યવસ્થાની સ્થિતિ ચકાસી.

રાજૌરી અને ઉધમપુરની મુલાકાત લીધા બાદ તેમણે વરિષ્ઠ પોલીસઅધિકારીઓ સાથે બેઠક પણ કરી.

નોંધનીય છે કે ભારત પ્રશાસિત કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં કર્ફ્યુમાં છૂટ અપાયા બાદ તેને ફરીથી કડક કરી દેવાયો છે.


ક્યાં થઈ રહ્યાં છે પ્રદર્શન?

Image copyright EPA

સમાચાર સંસ્થા પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે સાઉદી અરેબિયામાંથી હજયાત્રીઓનો પ્રથમ જથ્થો પરત ફર્યા બાદ રવિવારે કેટલાય વિસ્તારોમાં હિંસક ઘટનાઓ ઘટી. જે બાદ શ્રીનગરના કેટલાય વિસ્તારોમાં આકરાં નિયંત્રણો લાદી દેવાયાં છે.

અધિકારીઓને ટાંકીને પીટીઆઈએ જણાવ્યું છે કે શ્રીનગરના કેટલાય વિસ્તારોમાં શનિવારે મોકળાશ અપાઈ હતી. જે બાદ કેટલીય જગ્યાએ પ્રદર્શનો થયાં હતાં. એ પ્રદર્શનો દરમિયાન કેટલાયને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જે જિલ્લામાં છૂટછાટ અપાઈ હતી, ત્યાંથી કોઈ અણછાજતી ઘટના ઘટી હોવાના સમાચાર નથી પણ જે જગ્યાએ નિયંત્રણ લદાયેલાં છે ત્યાં હિંસાની અમુક મામૂલી ઘટનાઓ ઘટી છે.

તેમણે એવું પણ જણાવ્યું છે કે કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ દુકાનો બંધ કરાવી છે, જેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કાશ્મીરની વાસ્તવિક સ્થિતિ

આમિર પીરઝાદાના જણાવ્યા અનુસાર વિસ્તારમાં શાંતિ હોવા છતાં જૂના શ્રીનગરમાં નિયંત્રણો વધારી દેવાયાં છે.

તેમણે કહ્યું, "ડાઉનટાઉન શ્રીનગરમાં કર્ફ્યુ એ જ રીતે લદાયેલો છે, જે રીતે પાંચ ઑગસ્ટે લાદવામાં આવ્યો હતો. એ જ રીતે સીઆરપીએફ અને અન્ય સુરક્ષાદળો પણ તહેનાત છે. ચોતરફ બૅરિકેડ અને તાર લગાવાયેલાં છે અને મંજૂરી વગર અવરજવર પર પ્રતિબંધ છે. સુરક્ષાદળોએ અમને અટકાવીને મંજૂરીના કાગળ બતાવવા કહ્યું જ્યારે સરકાર કહી રહી છે કે કર્ફ્યુ નથી લદાયો."

"તેમણે કહ્યું કે મીડિયાને આગળ જવાની મંજૂરી નથી. અમે સૌરા તરફ ગયા તો ત્યાં અમને રસ્તા પર પ્રદર્શનકારીઓ મળ્યા કે જેમણે રસ્તા બંધ કરી રાખ્યા છે. તેમણે અમને બળજબરીપૂર્વક ગાડીમાંથી ઉતાર્યા અને વીડિયો બનાવવા કહ્યું."

આમીરના જણાવ્યા અનુસાર મધ્ય કાશ્મીરના સિવિલ લાઇન્સ અને રાજબાગમાં લદાયેલા પ્રતિબંધોમાં છૂટછાટ અપાઈ છે. ત્યાં રસ્તા પર ગાડીઓ જોવા મળી રહી છે પણ પગપાળા ચાલતા લોકો નથી જોવા મળી રહ્યા. દુકાનો બંધ છે."

આમીર પીરઝાદાના જણાવ્યા અનુસાર જૂના કાશ્મીરમાં કર્ફ્યુનો કડક રીતે અમલ કરાવાઈ રહ્યો છે અને કેટલીય જગ્યાએ પથ્થરમારાની ઘટનાઓ પણ ઘટી છે. જ્યારે ઉત્તર અને દક્ષિણ કાશ્મીર અંગે હાલ કોઈ જાણકારી નથી મળી શકી.

"અમારી પાસે કાશ્મીરના બીજા ભાગના કોઈ સમાચાર નથી. કારણ કે સંચારના સાધનો ઠપ પડ્યાં છે. લૅન્ડલાઇન ફોન માત્ર સિવિલ લાઇન્સ જેવી જગ્યાએ જ ચાલુ કરાયા છે. જ્યારે કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં લૅન્ડલાઇન ફોન બંધ છે."


કેટલા ફોન ચાલી રહ્યા છે?

Image copyright EPA

તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં માત્ર લૅન્ડલાઇનની સેવા શરૂ કરવામાં આવી છે. ખીણમાં આ સેવા માત્ર 17 ટેલિફોન પૂરતી શરૂ કરવામાં આવી હતી. જોકે, ટેલિફોન સેવા કોઈ પણ મુશ્કેલી વિના શરૂ હોય તેવી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

બીબીસી સંવાદદાતા શુભજ્યોતિ ઘોષે દિલ્હીમાં રહેતાં કાશ્મીરી યુવતી સફદ વાની સાથે વાતચીત કરી હતી. સફદે જણાવ્યું હતું કે પરિવાર સાથે સંપર્ક સાધવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

સફદે કહ્યું, "મને નથી લાગતું કાશ્મીરમાં ટેલિફોન સેવા રાબેતા મુજબ શરૂ કરાઈ છે. કારણ કે મારા પરિવારે પોલીસસ્ટેશનના ફોન મારફતે મારી સાથે વાત કરી હતી. તેમણે આજે પણ ફોન કર્યો હતો પરંતુ માત્ર બે મિનિટ માટે. ત્યારબાદ ફોન કપાઈ ગયો હતો."

"મારા પરિવારે જણાવ્યું કે પોલીસસ્ટેશનમાં અન્ય લોકો પણ ફોન માટે લાઇનમાં ઊભા હતા. તમામને માત્ર એક મિનિટ વાત કરવા દેવામાં આવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ