હાર્દિક પટેલે કહ્યું સહકારી ક્ષેત્રમાં મહિલાઓને અનામત મળવી જોઈએ

ભારતીય મહિલાઓ Image copyright Getty Images

"આપણા દેશમાં ખેતી સાથે સંકળાયેલા લોકોમાં પુરુષ કરતાં બહેનોની સંખ્યા વધારે છે. છતાં મહિલા ખેડૂતની કોઈ ઓળખ જ નથી. દેશમાં મોટી સંખ્યામાં કૃષિ સહકારી મંડળીઓ છે, પણ ક્યાંય બહેનો દેખાતી નથી."

મીરાઈબહેન ચેટરજીએ આ વાત અમદાવાદમાં યોજાયેલી મહિલાઓની સહકારી મંડળીઓના સશક્તિકરણ અંગેના વર્કશોપમાં કહી હતી.

મીરાઈબહેને ઉમેર્યું, "જ્યાં બહેનોનો અવાજ અને પ્રતિનિધિત્વ હોવું જોઈએ ત્યાં નથી. ત્યાં ભાઈઓ બેસી જાય છે અને બહેનોને આગેવાનીની ખૂબ ઓછી તક મળે છે."

"આવું ચિત્ર માત્ર સહકારી મંડળી ક્ષેત્રે જ નહીં મોટાં ભાગનાં ક્ષેત્રોમાં છે."

"બહેનો સમાજનો પચાસ ટકા હિસ્સો છે, પણ અવાજ કે આગેવાનીમાં બહેનો જોવાં મળતી નથી."

ગુજરાતમાં બહેનોની 106 સહકારી મંડળીઓ ધરાવતા 'સેવા કો-ઑપરેટિવ ફેડરેશન'નાં પ્રમુખ મીરાઈ બહેને મહિલાઓની સહકારી મંડળીઓના સશક્તિકરણ અંગેના વર્કશોપમાં કહી હતી.

મહિલા સહકારી મંડળીને નાણાકીય સેવા ઉપલબ્ધ કરવી, મંડળીઓને ડિજિટાઇઝેશન દ્વારા મજબૂત કરવી, બજાર સાથેનું જોડાણ મજબૂત કરવું, સહકારી ક્ષેત્રમાં મહિલાઓના સશક્તિકરણ માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું અને વહીવટી ક્ષમતા જેવા મુદ્દા ચર્ચાયા હતા.

બીજી બાજુ, કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે માગ કરી છે કે સહકારી ક્ષેત્રમાં મહિલાઓને અનામત મળવી જોઈએ અને સહકારીક્ષેત્રની અગ્રણી મહિલાઓ જ રાજકારણમાં આગળ આવશે.


GSTની ઝંઝટ

Image copyright Getty Images

ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ એટલે કે જીએસટીને લીધે સહકારી મંડળીઓને ખાસ્સી અસર થઈ છે એ મુદ્દો પણ ચર્ચાયો હતો.

ગુજરાત સેવા કો-ઑપરેટિવ ફેડરેશનના મૅનેજિંગ ડિરેક્ટર મિતલબહેન શાહે કહ્યું :

"મહિલાઓની સહકારી મંડળીઓ નાનીનાની હોય છે. તેમને જીએસટીના નિયમોને અનુસરવામાં તકલીફ પડે છે."

"તેઓ જીએસટી નંબર મેળવવા માટે ફાઇનાન્સથી લઈને હ્યુમન રિસોર્સના તબક્કે સક્ષમ નથી."

"જીએસટીને લીધે અમારે કેટલાક મહત્ત્વપૂર્ણ કૉન્ટ્રેક્ટ ગુમાવવા પડ્યા છે. અમને એક મોટી કંપનીનો ઑર્ડર હતો."

"એ ઑર્ડર અમારા ટોટલ બિઝનેસનો 25 ટકા ભાગ હતો. તેમનો કૉન્ટ્રાક્ટ મળે એ માટે અમને જીએસટી નંબર જોઈએ."

"હવે જો બધા માટે જીએસટી નંબર લઈએ તો અમારા બાકીના જે 75 ટકા નાનામોટા ક્લાયન્ટ્સ છે તેમને અમારી સર્વિસ મોંઘી પડે."

"તેને કારણ અમારે એ ઑર્ડર જતો કરવો પડ્યો. હેલ્થ કો-ઑપરેટિવ્સને બાદ કરીએ તો જીએસટીની અસર મોટા ભાગની સહકારી મંડળીઓને થઈ છે."

મીરાઈબહેને કહ્યું હતું, "બહેનોની મંડળી નાનીનાની હોય છે. તેમને આ જીએસટી માટેની પ્રક્રિયામાં તકલીફ પડે છે."

"નંબર લેવો, ફોર્મ ભરવું વગેરે પ્રક્રિયા ખૂબ જહેમત માગી લે છે."

"અમારી એવી ભલામણ છે કે અમુક ટર્નઓવર સુધી જીએસટી અને ઇન્કમટૅક્સની પ્રક્રિયામાંથી બહેનોને મુક્તિ આપવામાં આવે."

ગુજરાત રાજ્ય મહિલા સેવા સહકારી સંઘ લિમિટેડના ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર જયાબહેન વાઘેલાએ જણાવ્યું :

"જીએસટીને લીધે અમારા ટર્નઓવરને 20 ટકાનો ફટકો પડ્યો છે. સફાઈ અને ચણતરકામ કરતી બહેનોની સહકારી મંડળીને જીએસટીને લીધે અસર પડે છે.

બીજી એક તકલીફ અમને ટૅન્ડર માટે પણ પડે છે. સફાઈ કે ચણતર માટે જો કોઈ કામ મેળવવું હોય તો ટૅન્ડર ભરવાં પડે છે. ટૅન્ડરપ્રક્રિયા ઑનલાઇન થઈ ગઈ છે.

બહેનો એટલાં સાક્ષર નથી હોતાં કે તેમને આ બધી પ્રક્રિયાની ફાવટ હોય.

ઉપરાંત, ટૅન્ડરમાં ડિપોઝિટ આપવી પડે છે તો નાનીનાની મહિલા મંડળીઓ માટે ત્યાં બજેટની મર્યાદા પણ આવી જતી હોય છે.

આને લીધે મંડળીઓ કામ વધારવા માગતી હોય તો પણ એ શક્ય નથી બનતું."

સહકારી મંડળીનો ઉદ્દેશ મહિલા માત્ર પૈસા કમાય એટલો નથી, એવાં કેટલાંય ક્ષેત્રો છે જેમાં મહિલા કામ કરે છે, પણ તેમની સહકારી મંડળીઓ નથી


સહકારી મંડળીમાંથી આગળ આવેલી બહેનો જ વિધાનસભા લડશે : હાર્દિક પટેલ

Image copyright Getty Images

ખેડૂત આંદોલનમાં આગળ આવેલા કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે કહ્યું :

"જે પ્રમાણે 33 ટકા મહિલા અનામતની વાત છે એ રીતે સહકારી ક્ષેત્રે બહેનોને અનામત દ્વારા ભાગીદારી આપવી જોઈએ."

"ગામ કે શહેરમાં જ્યાં ક્યાંય પણ ખેતમંડળી કે અન્ય કોઈ પણ સહકારી મંડળી હોય ત્યાં બહેનોની નિશ્ચિત સંખ્યા અનામત હોવી જોઈએ."

"જે રીતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં અનામત ક્વૉટા જાહેર કર્યા છે, એ જ રીતે એનાં મુખ્ય પદો પર પણ બહેનો માટે અનામત ક્વૉટા સરકારે જાહેર કરવો જોઈએ."

"માત્ર મહિલાઓની અલગ મંડળી બનાવીએ એના કરતાં દરેક પ્રકારની મંડળીમાં મહિલાઓને સ્થાન આપવામાં આવે તો સમાજમાં ઘણો ફરક પડી શકે."

"દરેક સહકારી મંડળી જ્યારે રચાય અને સરકારી દસ્તાવેજીકરણ થાય ત્યારે એમાં એ જોગવાઈ હોવી જોઈએ કે મંડળીને ત્યારે જ મંજૂરી મળે જ્યારે એમાં 33 ટકા મહિલા હોય."

"જો સંસદમાં મહિલા અનામતની વાત હોય તો પ્રાઇવેટ અને સહકારી ક્ષેત્રો પણ એમાંથી બાકાત ન રહેવાં જોઈએ."

"જો બહેનોને અનિવાર્યપણે સહકારી મંડળીમાં સ્થાન આપવામાં આવે તો બહેનો ધીમેધીમે એમાંથી જ આગળ આવશે અને વિધાનસભામાં ચૂંટણી લડતી થશે."

પાટીદાર સમુદાયમાં મોટી સંખ્યામાં બહેનો ખેતી સાથે સંકળાયેલાં છે. તમે ભવિષ્યમાં ખેતી અંગે કોઈ પહેલ કે પગલાં લેશો તો એમાં બહેનોને કેટલું સ્થાન મળશે?

હાર્દિક પટેલે કહ્યું હતું કે 'મેં જ્યારે લગ્ન કર્યાં ત્યારે જ નિવેદન કર્યું હતું કે મારા તમામ નિર્ણયમાં બહેનોની ભાગીદારી રહેશે. પછી તે રાજકીય બાબત હોય કે ખેતીની બાબત હોય.'


Amulનું અમુલ્ય મૉડલ

ગુજરાતમાં અમૂલ દૂધનું મહિલા સહકારી મંડળીનું સફળ અને વખણાયેલું મૉડલ છે, જેને લીધે ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં બહેનોની સહકારિતાનું ચિત્ર સારું છે.

મિતલબહેન કહે છે, "આ ચિત્ર સારું હોવા છતાં પણ ગુજરાતમાં બહેનોની સહકારી મંડળી પુરુષોની તુલનામાં બે ટકાથી વધુ નહીં હોય."

"ગામડાંઓમાં તેમજ શહેરોમાં એવાં અનેક ક્ષેત્રો છે જ્યાં બહેનોની સહકારી મંડળી શરૂ થવી જોઈએ."

"સર્વિસ સૅક્ટરની વાત કરીએ તો શહેરોમાં અનેક બહેનો છૂટીછવાઈ રીતે અનેક પ્રકારની સર્વિસિસ સાથે જોડાયેલી છે."

"જેમ કે, વયોવૃદ્ધ વડીલોની સેવાચાકરીનું કામ કરતી ઓલ્ડેજ કૅરમાં ઘણી બહેનો સર્વિસ આપે છે."

"બાળકોના ઉછેર અને દેખરેખ સાથે અનેક મહિલાઓ સંકળાયેલી છે. આરોગ્યના ક્ષેત્રે અનેક રીતે બહેનો કામ કરે છે."

"તો આ એવાં ક્ષેત્રો છે જ્યાં બહેનોની સહકારી મંડળીની જરૂર છે. ઘણી બહેનો બ્યુટી-પાર્લર ચલાવે છે."

"તેઓની સહકારી મંડળી રચાવી જોઈએ. આમ આવાં અનેક ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરે જ છે, ત્યારે જો સંગઠિત થઈને તેમની સહકારી મંડળી રચાય તો તેમને ન્યાય મળી શકે."

ફોટો લાઈન મિત્તલ શાહ

શહેરો તો ગામની તુલનામાં સાક્ષર હોય છે. ગામડામાં બહેનોની મંડળી ન બને, પરંતુ શહેરોમાં શા માટે ઘરગથ્થુ કામ કરતી બહેનોની સહકારી મંડળી નથી બની શકી?

તેના જવાબમાં સલોની કહે છે, "ઘરગથ્થુ એટલે કે ડૉમેસ્ટિક સર્વિસ આપતી બહેનોની કાર્યપ્રણાલિ અલગ હોય છે."

"તેઓ લોકોના ઘરે જઈને કામ કરે છે. સામાન્ય રીતે લોકો ઑફિસ કે ક્યાંક બહાર જઈને કામ કરતા હોય છે."

"જોકે, કપડાં કે વાસણ ધોતી બહેનોએ તો લોકોના ઘરે જઈને કામ કરવું પડે છે. તેથી તેમની ઓળખ કરીને તારવીને એકઠી કરવી અઘરું છે."

"બીજું કે આ ક્ષેત્રમાં લેબર સપ્લાય ઘણો છે. એક બહેન કામ છોડશે તો પાંચ બહેનો આવશે."

"તેથી ડૉમેસ્ટિક વર્કર્સની કાર્યપ્રણાલિ અને કામનો નેચર એવો છે કે એમાં ઊંડા ઊતરવું પડે એમ છે. એમાં કામ કરવાની ખૂબ જરૂર છે."

ખેતીમાં બહેનોનો અવાજ ત્યારે જ સંભળાશે જ્યારે તેમની સહકારી મંડળીઓ હશે.

સેવાનાં સ્થાપક ઈલાબહેન ભટ્ટે કહ્યું હતું, "જ્યારે ગામની એક મહિલા પોતાના ગામમાં ગાય દોહે ત્યારે તેને કામદાર ગણવામાં આવતી નથી."

"પરંતુ જ્યારે તે દૂધમંડળીમાં હોય છે ત્યારે તેને ઓળખ અને માન્યતા મળે છે."

"તેનું કામ દેખાય છે અને નોંધ લેવાય છે. સર્વસમાવેશી અર્થતંત્ર ઊભું કરવા માટે સંઘર્ષ અને વિકાસની આ સહિયારી રણનીતિ છે."


બહેનો જ બૉસ

Image copyright Getty Images

કોઈ મહિલા સહકારી મંડળી સાથે જોડાયા વગર ખેતમજૂરી કરતાં હોય અને મંડળી સાથે જોડાયેલાં હોય તો એ બંને મહિલામાં શું તફાવત હોય છે?

આ સવાલના જવાબમાં લતાબહેન કહે છે : "અમારી શ્રી તાપી જિલ્લા મહિલા ખેતઉત્પાદક સહકારી મંડળી પાંચ તાલુકામાં કામ કરે છે.

"એક હજાર બહેનો સભ્યો છે. કોઈ ખેતમજૂર મહિલા છૂટક કામ કરતી હોય અને કોઈ ખેતમજૂર મહિલા મંડળી સાથે સંકળાયેલી હોય તો એમાં ફેર એ હોય છે કે મંડળીની બહેનોને તાલીમ મળેલી હોય છે.

"મંડળીની મહિલાનું સ્વતંત્ર બૅન્ક ખાતું હોય છે, પૈસા તેના વરના ખાતામાં નથી જતા."

"સામાન્ય રીતે ખેતીમાં ભાઈઓ બધા નિર્ણય લે છે અને કામ બહેનો કરતાં હોય છે."

"મંડળીમાં જોડાયેલી બહેનો સરકારી બીજ નિગમમાંથી સર્ટિફાઇડ બિયારણ ખરીદે છે અને પોતાનાં ખેતરમાં નાખે છે."

"આમ મહિલા માત્ર ખેતમજૂરી જ નથી કરતી, પણ ખેતી માટે પોતે નિર્ણયો પણ લે છે જે સહકારી મંડળીને કારણે શક્ય બન્યું છે."

લતાબહેન ગામિત આદિવાસી છે અને વ્યારા તાલુકાના રામપુરામાં રહે છે. તેઓ તાપી જિલ્લામાં થતી ખેતી સાથે સંકળાયેલાં આદિવાસી મહિલાઓની સહકારી મંડળીનાં પ્રમુખ છે.

આ જ વાતને થોડી આગળ લઈ જતાં સલોની કહે છે:

"દેશનું સૌથી મોટું ક્ષેત્ર ખેતી છે, જેમાં મહિલાઓની સંખ્યા ખૂબ મોટી છે. જેમાં મોટા ભાગની મહિલાઓ ખેતમજૂર તરીકે કામ કરે છે."

"આ મહિલાઓ જો સંગઠિત થાય અને તેમની સહકારી મંડળી બને તો બહેનોને સારી આમદની મળી શકે અને તેમને એક માન્યતા પણ મળે."

"આપણે ત્યાં ચિત્ર એવું છે કે જ્યારે ખેતીની વાત આવે ત્યારે માત્ર પુરુષો જ નજરે ચઢે છે, પરંતુ ખેતીમાં બહેનોનું કામ ખૂબ મોટા પાયે છે."

"તેમનો અવાજ અને ચહેરો ત્યારે જ આ ક્ષેત્રમાં નજરે ચઢશે, જ્યારે તેમની સહકારી મંડળીઓ રચાશે."

ગુજરાત રાજ્ય મહિલા સેવા સહકારી સંઘ લિમિટેડનાં સિનિયર ઍસોસિએટ છે.


થોડું થયું, ઘણું બાકી

Image copyright Getty Images
ફોટો લાઈન વર્ગિસ કુરિયને ગુજરાતમાં સહકારક્ષેત્રનો પાયો નાખ્યો

અમદાવાદમાં યોજાયેલા વર્કશોપના મુખ્ય વક્તા તરીકે 'આઈએલઓ (ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન) કો-ઑપરેટિવ્ઝ યુનિટ'નાં હેડ સિમેલ એસીમ હતાં, જેઓ તુર્કીથી આવ્યાં હતાં.

સિમેલે કહ્યું, "કો-ઑપરેટિવ મંડળીનો હેતુ બહેનો નાણાં મેળવે એટલો જ નથી હોતો."

"આપણે બહેનો સમૂહમાં છીએ, ભેગાં છીએ એની ભાવના મહત્ત્વની છે."

"બહેનો સાથે હોય તો એકબીજાનો સથવારો રહે અને સારી રીતે લડી શકે."

બહેનોએ સહકારી મંડળી રચવી હોય તો ગુજરાત કેટલું અનુકૂળ રાજ્ય છે?

આના જવાબમાં મીરાઈ ચેટરજીએ કહ્યું હતું, "સહકારી મંડળીની બાબતમાં અન્ય રાજ્યો કરતાં ગુજરાતનું ચિત્ર પ્રમાણમાં ઊજળું છે."

"સહકારી મંડળીના નિયમો અલગઅલગ રાજ્યોમાં અલગઅલગ છે. આપણે ત્યાં એ નિયમો પ્રમાણમાં સરળ છે."

"બિહાર અને ઓડિશામાં સહકારી મંડળીની નોંધણી કરવી હોય તો ખૂબ જહેમત ઉઠાવવી પડે છે."

"ગુજરાતમાં પણ પચીસેક વર્ષ અગાઉ મંડળી નોંધણી કરાવવી હોય તો બબ્બે વર્ષ લાગતાં હતાં, પરંતુ હવે ખૂબ ઝડપી નોંધણી થાય છે."

"અમે 1986માં સેવા માટેની સહકારી મંડળીની નોંધણી કરાવવા ગયાં ત્યારે તો મજાક ઉડાવાતી હતી."

"હવે સહકારી મંડળી શરૂ કરવી હોય તો ગુજરાત રાજ્યના કો-ઑપરેટિવ વિભાગ તરફથી ખૂબ સહયોગ મળે છે."

બહેનોએ રાજ્યમાં સહકારી મંડળી રચવી હોય તો એ તો સરળ બન્યું છે, પરંતુ સરકારે માત્ર આટલું કર્યાનો સંતોષ માનીને બેસવું જોઈએ નહીં.

Image copyright Getty Images
ફોટો લાઈન મહિલાઓએ અન્ય ક્ષેત્રમાં સહકારી મંડળી રચવી જોઈએ

સલોનીએ કહ્યું હતું, "બહેનોની મંડળીઓ ઓછી છે એના માટે ઘણી બાબતો જવાબદાર છે."

"બહેનો સંગઠનાત્મક રીતે આગળ વધે એ માટે સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ. એનાથી ઘણો ફરક પડી શકે."

"ચણતરમાં કેટલીય પ્રવાસી કામદાર બહેનો કામ કરે છે, તેમને કોઈ સુરક્ષા નથી મળતી."

"અમે આ બહેનો માટે સહકારી મંડળી બનાવી છે, પરંતુ વધુ મંડળીઓ બને તે જરૂરી છે."

"એને મહત્ત્વ અને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. અમે મહિલા વીડિયો ફિલ્મમેકર્સને સાંકળીને પણ એક સહકારી મંડળી બનાવી છે."

"અમે કેટરિંગ કો-ઑપરેટિવ્સ બનાવી છે. જે મહિલાઓ રસોઈ વગેરે કરવા જાય છે એમની મંડળી રચી છે."


સહકારી મંડળી અને જીડીપી

ફોટો લાઈન લતા ગામિત

સલોની કહે છે, "મંડળી રચવા માટે સૌથી પહેલો પડકાર એ હોય છે કે બહેનોને એકઠી કેવી રીતે કરવી, કારણ કે બહેનોએ બહાર ન નીકળવું જોઈએ એવી આપણા સમાજની જે પરંપરાગત વિચારસરણી છે એને લીધે બહેનો બહાર આવતી નથી, આવી શકતી નથી."

"સંગઠન ભલે કોઈ પણ પ્રકારનું હોય, પરંતુ બહેનો જ્યારે એકસાથે સંગઠનમાં આવે છે, ત્યારે તેમને એક ઓળખ મળે છે."

"તેમના કામનું મૂલ્ય વધે છે. તેથી બહેનોનું સંગઠન રચાય તો તેમના કામને મહત્ત્વ મળે છે, કામ બહેતર બને છે."

"આને સર્વાંગી રીતે જોઈએ તો દેશનો વિકાસ થાય છે અને જીડીપી વધે છે."

"માત્ર આર્થિક કારણસર જ નહીં સામાજિક કારણસર પણ આ આવકાર્ય છે."

"ખેતીવાડીમાં બહેનો માટે અમારી બે સહકારી મંડળી છે, એક તાપી જિલ્લામાં છે."

"જ્યાં માત્ર ને માત્ર આદિવાસી બહેનો છે. એમાં એક હજાર શૅરહોલ્ડર બહેનો છે."

"તેઓ મુખ્યત્વે ચોખાનો પાક લે છે. ઉપરાંત, ખેડામાં અમારી બીજી મંડળી છે."


સંગઠનની શક્તિ

Image copyright Getty Images

સલોની જણાવે છે, "સંગઠનનો પાવર જ અલગ જ હોય છે. બહેનો એકલપંડે કામ કરતી હશે એના કરતાં સંગઠનમાં હશે તો સમાજમાં આપોઆપ તેમની નોંધ લેવાશે."

"સાદો દાખલો આપું. કોઈ એક બહેન બૅન્કમાં જઈને લૉન માગે તો કદાચ તેને ન મળે, પરંતુ સો બહેનો જઈને બૅન્કમાં લૉન માટે રજૂઆત કરશે તો એનાથી ફેર પડશે."

"આ અંગે મિતલબહેન શાહ કહે છે, "તમે એકલા અવાજ ઉઠાવો તો તમને કઈ સાંભળે નહીં. તમે ભેગા થયા હો તો તમને ઓળખ અને માન્યતા મળે છે."

"એક બ્યુટિશિયન તરીકે હું એકલી સર્વિસ આપવા જતી હોઉં અને એ જ સર્વિસ હું સહકારી મંડળી વતી આપવા જતી હોઉં તો લોકો વિશ્વાસ કરે."

"ઑલ્ડ ઍજ કૅરમાં કે ડૉમેસ્ટિક સર્વિસમાં ઘરે જઈને બહેનો કામ કરે છે, તો એમાં વિશ્વાસુ વ્યક્તિની હંમેશાં માગ રહે છે."

"બીજી બાબત એ છે કે સહકારી મંડળીમાં તેમને તાલીમ મળે છે. નવાં સાધનો આવે છે તો એની તાલીમ મળે છે. તેમની માટે નોકરીની તક વધી જાય છે."

"ત્રીજી વાત એ કે તેમને સર્વિસની કોઈ પણ રકમ નથી મળતી, બલકે લઘુતમ દર તો મળે જ છે. ચોથી બાબત એ કે વર્ક વિથ ડિગ્નિટી. તેમના કામને આદર મળે છે."

"એ તમારી સાથે કામ કરે છે એનો મતલબ એ નહીં કે તમે એની સાથે અલગથી વર્તાવ કરો. એને પણ સ્વમાન છે અને ડિગ્નિટીથી કામ થવું જોઈએ."


સહકારી મંડળી કેવી રીતે શરૂ કરી શકાય?

Image copyright Getty Images

મિતલબહેન કહે છે, "એક જ ઉદ્દેશ સાથેનું મહિલાઓનું સંગઠન હોવું જોઈએ."

"મંડળીની રચના માટે જે દસ્તાવેજ જોઈએ, તેમાં સરનામાની પાક્કી વિગતો એટલે કે ઍડ્રેસપ્રૂફથી માંડીને પેટાકાયદા મંડળીએ બનાવવા પડે."

"પેટાકાયદા એટલે મંડળીનો મુખ્ય ઉદ્દેશ શું છે અને કયા કયા કાયદાને અનુસરશે. એ પછી નોંધણી થાય છે."

"નોંધણી પછી જરૂરી છે કે એના સભ્યોની તાલીમ અને માર્ગદર્શન થાય, જેમાં તમે મંડળીમાં જોડાયા છો તો તમારી ફરજ શું છે અને એના દ્વારા તમને શું મળી શકે વગેરેની જાણકારી આપવામાં આવે છે."

"મંડળીના બોર્ડ મેમ્બર્સની પણ તાલીમ જરૂરી છે. આ વ્યક્તિગત વ્યવસાય નથી, સામૂહિક વ્યવસાય છે."

"તેથી સામૂહિક વ્યવસાયમાં તમારે શું શું ધ્યાનમાં રાખવું પડે અને તેનાં શું શું મૂલ્યો છે એનાથી વાકેફ કરાવવા પડે."

અલગઅલગ રાજ્યોમાં મંડળીની રચનાના અલગ નિયમો છે. ગુજરાતમાં ઓછામાં ઓછાં 51 બહેનો હોય તો સહકારી મંડળીની નોંધણી થાય છે, એવું મિતલબહેન શાહ જણાવે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન પાર્લરની તસવીર

મિતલબહેન ઉમેરે છે, "તેમને એકાઉન્ટિંગની પણ તાલીમ જરૂરી છે, કારણ કે મંડળીનું ઑડિટ પણ આવે છે."

"પછી જેમજેમ વ્યવસાય વિસ્તરે તેમ તેમ માર્કેટિંગ વગેરેની પણ જરૂર પડે છે."

"નાની સહકારી મંડળી હોય એ કોઈ ઑનલાઇન માર્કેટિંગ નિષ્ણાતને ન રોકી શકે તેથી સેવા ફેડરેશને એવા નિષ્ણાતોનું ગ્રૂપ તૈયાર કર્યું છે."

"મહિલાઓની વધારે મંડળીઓ રચાય એ માટે સરકારે કેટલાક નિયમો હળવા કરવા જોઈએ. જેમ કે, જે તે ક્ષેત્રમાં સરકારને સહકારી મંડળીના સહકારની જરૂર હોય તો બહેનોની મંડળીને પ્રાથમિકતા મળવી જોઈએ. અગાઉ એવું હતું."

"અમે અગાઉ જેલ વગેરેમાં શાકભાજી પહોંચાડતા હતા. એ સરકારી ઠરાવ (જનરલ રિઝૉલ્યુશન-જીઆર) હતો. હવે એ જીઆર નથી."

"હવે એવું છે કે લધુતમ દસ લાખ ડિપૉઝિટ જમા કરાવવાની. આટલી મોટી રકમ મહિલાઓની નાની સહકારી મંડળી જમા ન કરાવી શકે."

"તેથી મોટી મોટી કંપનીઓને જ કૉન્ટ્રેક્ટ મળે છે."

"અમારે સફાઈનો કૉન્ટ્રેક્ટ લેવો હોય તો એની શરત છે કે એના મોટા મશીન હોવા જરૂરી છે અને ડિપૉઝિટ દસ લાખ કે વધારે હોઈ શકે છે. સહકારી મંડળીને આ બધું ન પરવડી શકે."

"મહિલાઓની સહકારી મંડળીનો ઉદ્દેશ જ ગ્રાસરૂટ કે લોકલ સોશિયલ ઍન્ટરપ્રાઇઝિસનો છે."

"સરકાર જો મહિલા સહકારી મંડળીના જે તૈયાર મૉડલ છે એને માત્ર સહકાર આપે તો એ મૉડલ પણ આગળ આવી શકે અને સરકારનું કામ પણ હળવું થાય."

"આ દિશામાં સરકાર પ્રયાસ પણ કરે છે, પરંતુ વધારે પ્રયાસની જરૂર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ