પારલે-જી આર્થિક ભીંસમાં, 10 હજાર લોકોની નોકરી પર ખતરો

પ્રતીકાત્મક તસવીર Image copyright Parle-G

પારલે-જીના અધિકારીએ જણાવ્યું કે ધંધાની આર્થિંક વૃદ્ધિ મંદ પડતા અને ગ્રામીણ વિસ્તારમાં બિસ્કિટની માગ ઘટતા કંપનીમાંથી 10 હજાર કર્મચારીઓને છૂટા કરી શકે છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પારલેના કૅટેગરી હેડ મયંક શાહે મુંબઈ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બિસ્કિટના વેચાણમાં ઘટાડો થવાને કારણે આવા પગલાં લેવાની ફરજ પડે છે.

શાહે કહ્યું, "હાલની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. જો સરકાર તાત્કાલિક કોઈ પગલાં નહીં લે તો અમારે આ નિર્ણય લેવો પડશે."

ભારતમાં આર્થિક કારણસર ઑટો સેક્ટર, ટેક્સ્ટાઇલ સેક્ટર સહિત અન્ય ઘણાં ક્ષેત્રોમાં મંદીનો માહોલ છે. જેને કારણે કંપનીઓને કર્મચારીઓ છૂટા કરવાનો વારો આવે છે.


રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ

Image copyright Getty Images

'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર ભારતીય રેલવેએ નિર્ણય કર્યો છે કે રેલવે સ્ટેશન અને ટ્રેનમાં 2જી ઑક્ટોબરથી એક વખત ઉપયોગ કરી શકાય તેવા પ્લાસ્ટિક પર સદંતર પ્રતિબંધ લાદી દેવામાં આવશે.

આ અનુસંધાને સરકાર દેશનાં 360 મોટાં સ્ટેશન પર બૉટલ ક્રશિંગ મશીન મૂકાશે.

આ સાથે જ જનરલ મૅનેજર ઑફ ઝોનલ રેલવે ઍન્ડ પ્રોડક્શન યુનિટ દ્વારા સ્ટેશન પર વેપાર કરતા વેપારીઓને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ટાળવા માટે પ્રોત્સાહિત કરવાનું કહેવામાં આવ્યું છે.


ભારતે અફઘાનિસ્તાનમાં IS સામે લડવું જોઈએ : ટ્રમ્પ

Image copyright Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અફઘાનિસ્તાનમાં ભારતની હાજરી છે પરંતુ તે IS સામે નથી લડી રહ્યું. તેણે પણ ત્યાં લડવું જોઈએ.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું, "ભારત, રશિયા, તુર્કી, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક અને પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં આઈએસ સામે લડવાની જરૂર છે."

તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાન ત્યાંથી ખૂબ જ નજીક છે અને તે પણ આઈએસ સામે લડી રહ્યું છે. જોકે, તે ખૂબ ઓછા પ્રમાણમાં લડી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.