ચિદમ્બરમના પક્ષમાં કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં શું દલીલ રજૂ કરી?

પી. ચિદમ્બરમ Image copyright Getty Images

સીબીઆઈએ ભ્રષ્ટાચારના મામલે ધરપકડ કરેલા પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને કોર્ટમાં રજૂ કર્યા.

ચિદમ્બરમ તરફથી પૂર્વ કાયદામંત્રી કપિલ સિબ્બલ સીબીઆઈની વિશેષ કોર્ટમાં ચર્ચા કરી રહ્યા છે. સિબ્બલે કોર્ટમાં કહ્યું કે આ મામલે અન્ય આરોપીને જામીન મળ્યા છે, એટલે ચિદમ્બરમને પણ જામીન મળવા જોઈએ. પીટર અને ઇંદ્રાણી મુખરજી જામીન પર છે.

સિબ્બલે કહ્યું, "આ મામલે તપાસ પૂરી થઈ ગઈ છે અને મારા અસીલે તપાસમાં હંમેશાં સહયોગ કર્યો છે."

કોર્ટમાં સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ચિદમ્બરમ તપાસ સાથે સંકળાયેલા તમામ દસ્તાવેજો રજૂ નથી રહી રહ્યા.

તેમણે એવું પણ કહ્યું કે કસ્ટડી વગરની પૂછપરછના આ મામલે તપાસ શક્ય નથી.

જોકે, સિબ્બલે મહેતાની દલીલને ફગાવતા કહ્યું કે આ મામલે તમામ આરોપી જામીન પર છે એટલે ચિદમ્બરમને જામીન મળવા જોઈએ. સિબ્બલે કહ્યું કે તેમના અસીલ સાથે યોગ્ય વર્તન થઈ રહ્યું નથી.

ચિદમ્બરમને વિદેશમાં બ‌ૅન્ક-ખાતાં વિશે પૂછવામાં આવ્યું જોકે, તેમણે કહ્યું કે તેઓ કોઈ બૅન્કખાતું ધરાવતા નથી.

ચિદમ્બરમના પુત્ર કાર્તિ ખાતું ધરાવે છે. સિબ્બલે કહ્યું કે કાર્તિનું ખાતું આરબીઆઈના નિયમો અનુસાર છે.

ચિદમ્બરમના પક્ષમાં દલીલ કરતાં કૉંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, "તમે મારા અસીલની ધરપકડ કરી છે તો એ પણ જણાવો કે આટલી ઉતાવળ શા માટે હતી?"

ચિદમ્બરમને સીબીઆઈના વિશેષ જજ અજય કુમાર કુહારની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

સીબીઆઈ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સીબીઆઈ ચિદમ્બરમના પાંચ દિવસના રિમાન્ડ માગી રહી છે.

સીબીઆઈએ કોર્ટમાં એવું પણ કહ્યું કે તે ચિદમ્બરમની પૂછપરછ કરવા માગે છે.

સીબીઆઈ તરફથી કોર્ટમાં એવું પણ કહેવાયું કે ચિદમ્બરમ બચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પૂછપરછમાં સહયોગ નથી કરી રહ્યા.

સોલિસિટર જનરલે કહ્યું, 'મૌન રહેવું બંધારણીય અધિકાર છે પણ તેઓ સહયોગ નથી કરી રહ્યા.'

સીબીઆઈ તરફથી કોર્ટમાં એવું પણ કહેવાયું કે આ મની લૉન્ડરિંગનો ક્લાસિક કેસ છે.

આ પહેલાં ચિદમ્બરમની બુધવાર સાંજે દિલ્હી ખાતેમના તેમના નિવાસમાંથી અટકાયત કરવામાં આવી હતી.

સીબીઆઈ ચિદમ્બરમ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે, જેને તેઓ ફગાવતા રહ્યા છે.


નાટકીય અંદાજમાં ધરપકડ

Image copyright Getty Images

ગઈ કાલે ચિદમ્બરમે કૉંગ્રેસના કાર્યાલયમાં પત્રકારોને સંબોધ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે તેઓ કાયદાથી ભાગી નથી રહ્યા પણ કાયદાની શરણે ગયા છે.

ધરપકડથી રાહત મેળવવા માટે તેઓ સુપ્રીમ કોર્ટની શરણે ગયા હતા. જ્યાં તેમની અરજી પર શુક્રવારે સુનાવણી હાથ ધરાશે.

નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકારપરિષદમાં ચિદમ્બરમે કહ્યું કે "INX મામલે મારા વિરુદ્ધ કોઈ આરોપ નથી. શુક્રવાર સુધી એજન્સીઓએ થોભવું જોઈએ."

પત્રકારપરિષદને પગલે સીબીઆઈની ટીમ પણ કૉંગ્રેસના કાર્યાલયે પહોંચી હતી તો ઈડીએ પણ પોતાની ટીમ મોકલી હતી.

પત્રકારપરિષદ પૂર્ણ થયા બાદ ચિદમ્બરમ દિલ્હીના જોરબાગ ખાતેના તેમના આવાસ ખાતે જવા માટે નીકળ્યા હતા. જે બાદ સીબીઆઈ અને ઈડીની ટીમ તેમની પાછળ તેમના આવાસે પહોંચી હતી.

ટીવી અહેવાલો અનુસાર એજન્સીની ટીમોએ દીવાલ ઠેકીને ચિદમ્બરમના આવાસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના ઘરના દરવાજા બંધ છે. ટીવી પર પ્રસારિત રિપોર્ટોમાં સીબીઆઈ કર્મચારીઓ દીવાલ કૂદીને તેમના ઘરમાં પ્રવેશતા દેખાયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ