વિપક્ષના નેતાઓ સાથે શ્રીનગર પહોંચેલા રાહુલ ગાંધીને પરત મોકલાયા

રાહુલ ગાંધી Image copyright ANI

રાહુલ ગાંધી વિપક્ષી નેતાઓના એક પ્રતિનિધિમંડળ સાથે કાશ્મીર પહોંચ્યા છે. તેઓ ઑલ પાર્ટી ડેલિગેશન સાથે શનિવારની બપોરે કાશ્મીર પહોંચ્યા હતા પણ તેમને ત્યાંથી પરત મોકલવામાં આવ્યા.

આ તરફ જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્રએ ટ્વીટ કરી કહ્યું હતું કે નેતાઓના આવવાથી અસુવિધા થશે.

ન્યૂઝ એજન્સી ANIના પ્રમાણે વિપક્ષ નેતા ઍર વિસ્તારાની ફ્લાઇટમાં સવારે 11.50 કલાકે શ્રીનગર રવાના થયા હતા.

રાહુલ ગાંધી સાથે વિપક્ષના આ પ્રતિનિધિમંડળના શ્રીનગર જતા પહેલા જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર તરફથી નિવેદન આવ્યું હતું કે આ નેતા કાશ્મીર ન આવે અને સહયોગ આપે.

જ્યારે વિપક્ષના નેતાઓનું કહેવું હતું કે તેમને આવી કોઈ સલાહ અંગે જાણકારી મળી નથી.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ રાહુલ ગાંધીની આ યાત્રાને 'રાજકીય પર્યટન' ગણાવી છે.

ડેલિગેશનમાં વરિષ્ઠ કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કે. સી. વેણુગોપાલ, સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી, ડીએમકે નેતા તિરુતી શિવા, શરદ યાદવ, ટીએમસીના નેતા દિનેશ ત્રિવેદી, એનસીપી નેતા માજીદ મેમણ અને સીપીઆઈ મહાસચિવ ડી. રાજા વગેરેનો સમાવેશ થયો છે.

ગુલામ નબી આઝાદે રવાના થતા પહેલાં પત્રકારોને કહ્યું હતું કે જો પરિસ્થિતિ સામાન્ય છે તો વિપક્ષના નેતાઓને ત્યાં જવાથી કેમ રોકવામાં આવી રહ્યા છે? કેમ બે પૂર્વમુખ્ય મંત્રીઓને ઘરોમાં નજરકેદ કરીને રાખવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે 'ત્યાં મારું ઘર છે અને હું મારા જ ઘરે જઈ શકતો નથી.'


સત્યપાલ મલિકે કર્યા હતા આમંત્રિત

Image copyright Getty Images

જ્યારથી ભારતીય બંધારણની કલમ 370 અંતર્ગત ભારત પ્રશાસિત કાશ્મીર પાસેથી વિશેષ દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે, ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીર પહોંચવાના પ્રયાસ કરી ચૂક્યા છે પરંતુ તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા.

શરદ યાદવે કહ્યું કે, "અમે શું કોઈ કાયદો ભંગ કરી રહ્યા છીએ? તેઓ આપણા દેશના નાગરિક છે, ત્યાં અમારી પાર્ટીના લોકો છે અને તેમને ઘણી વખત તેઓ મળવા ગયા છે."

હાલ થોડા દિવસ પહેલાં સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરી અને સીપીઆઈ મહાસચિવ ડી. રાજા શ્રીનગર પહોંચ્યા હતા.

જોકે, તેમને ઍરપૉર્ટની બહાર નીકળવા દેવામાં આવ્યા ન હતા.

રાહુલ ગાંધીએ ભારત સરકારના નિર્ણય પર ઘણા સવાલ ઉઠાવ્યા હતા, જ્યારબાદ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે દાવો કર્યો કે ખીણમાં પરિસ્થિતિ સામાન્ય છે.

તેમણે કહ્યું, "હું રાહુલ ગાંધીને કાશ્મીર આવવા નિમંત્રણ આપું છું. હું તેમની યાત્રાની પણ વ્યવસ્થા કરીશ જેથી તેઓ અહીં પહોંચીને વાસ્તવિક પરિસ્થિતિને જોઈ શકે."

રાહુલ ગાંધીએ પણ તુરંત તેમનું નિમંત્રણ સ્વીકારવા અને એક ઑલ પાર્ટી ડેલિગેશન સાથે ખીણનો પ્રવાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો