અનુચ્છેદ 370 : 70થી વધુ ગુજરાતી પાકિસ્તાનમાં ફસાયા, કરાચીથી 'ઑલ ઇઝ વેલ'નો સંદેશ

હારુન શૌકત ગોળા તથા હુસૈન રાશિદભાઈ ઠાઠા (જમણે) Image copyright Daxesh Shah
ફોટો લાઈન હારુન શૌકત ગોળા તથા હુસૈન રાશિદભાઈ ઠાઠા (જમણે)

ભારત અને પાકિસ્તાન વચ્ચે નાગરિક અવરજવરના રેલવે તથા બસમાર્ગ બંધ થઈ ગયા છે, જેના કારણે ગોધરાના 70થી વધુ લોકો પાકિસ્તાનમાં અટવાઈ ગયા છે.

બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બન્યા તે પહેલાં આ લોકો કરાચી ખાતે તેમના પરિવારજનો તથા મિત્રોને મળવા માટે પાકિસ્તાન ગયા હતા.

જેના કારણે વતનમાં પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા છે. વહીવટીતંત્રે આ મુદ્દે રજૂઆત કરવામાં આવે તો ઘટતું કરવાની ખાતરી આપી છે.

ભારતે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370માં ફેરફાર કર્યા હતા, જ્યારે 35-Aને નાબૂદ કર્યો હતો, જેના કારણે પાકિસ્તાને ભારત સાથે તમામ સ્તરે સંબંધ તોડી નાખવાની જાહેરાત કરી હતી.


બે પરિવાર, એક ચિંતા

ગોધરામાં રહેતા જાફર ઉંમરજીનાં પિતા અને બહેન ચોથી જુલાઈએ પાકિસ્તાન ગયાં હતાં, પરંતુ બંને દેશો વચ્ચેના પરિવહન માર્ગો બંધ થઈ જતા તેઓ પરત ફરી શક્યાં નથી.

જાફરભાઈ કહે છે, "અમારી માગ છે કે પાકિસ્તાન ગયેલાં મારાં પિતા અને બહેન સહિતના ગોધરાવાસીઓને પરત લાવવામાં સરકાર મદદ કરે."

"મારાં માતા બીમાર છે અને પતિ તથા પુત્રીની ચિંતામાં તેમની તબિયત કથળી રહી છે."

ગોધરાના જ અન્ય એક વ્યક્તિ સુલેમાનભાઈ ઉંમરજીની ચિંતા પણ જાફરભાઈ જેવી જ છે.

Image copyright Daxesh Shah
ફોટો લાઈન ગોધરાના રાણી મસ્જિદ, પોલાન બજાર તથા હાજીવાડા વિસ્તારના 70 વધુ નાગરિકો પાકિસ્તાનમાં અટવાયા

આ તરફ વધુ એક વ્યક્તિ સુલેમાન ઉંમરજી છે કે જેમના ભાઈ પરિવારને મળવા પાકિસ્તાન ગયા હતા તેઓ હજુ પરત ફર્યા નથી.

સુલેમાન ઉંમરજી કહેવું છે, "રસ્તો બંધ થઈ જવાના કારણે મારા ભાઈ પરત ફરી શક્યા નથી."

"અમારો પરિવાર ચિંતામાં છે અને ખાવાપીવાનું પણ છોડી દીધું છે."

"સરકાર પાસે અમારી આજીજી છે કે તેઓ જલદી અમારા ભાઈને પરત ભારત લાવે."

ગોધરાના કાજીવાડા, પોલાન બજાર રોડ તથા રાણી મસ્જિદ વિસ્તારના લગભગ 70થી વધુ લોકો હાલ પાકિસ્તાનમાં છે.

તેઓ વિભાજન વખતે પાકિસ્તાન જઈને વસેલા પરિવારજનો તથા મિત્રવર્તુળને મળવા પાકિસ્તાન ગયા હતા.


પાકિસ્તાનમાં પણ ગોધરા

Image copyright Daxesh Shah
ફોટો લાઈન વતનની યાદો સાથે જોડાયેલાં રહેવા ત્યાં પણ એક 'ગોધરા' વસાવ્યું

વિભાજન સમયે ગોધરાવાસીઓ મોટીસંખ્યામાં પાકિસ્તાનના કરાચીમાં જઈને વસ્યા હતા.

પોતાના વતન સાથેનાં સંસ્મરણોને તાજાં રાખવા માટે તેમણે ત્યાં પણ 'ગોધરા'ના નામે કૉલોની વસાવી હતી.

કરાચીના ગોધરા વિસ્તારમાં રહેતા અનવર હુસૈન કહે છે, "ગોધરાથી આવેલા તમામ મિત્રો અહીં સુરક્ષિત છે."

"જલદી રસ્તો ચાલુ થઈ જશે એટલે તેઓ ભારત પરત ફરશે. પાકિસ્તાનની સરકાર પણ આ લોકોને મદદ કરી રહી છે."

અન્ય એક કરાચીવાસી અસલમભાઈ પછાડી કહે છે કે 'હાલ 80 જેટલા લોકો છે, પણ જો અહીં 800 લોકો આવશે તો પણ અમે તેમની આ જ રીતે સેવા કરીશું.'

કરાચીના ગોધરા વિસ્તારમાં મૂળ ગુજરાતના મુસ્લિમ તથા વ્હોરા સમુદાયના લોકો બહોળી સંખ્યામાં રહે છે અને તેઓ ઉર્દૂ ઉપરાંત ગુજરાતી ભાષામાં સહજ રીતે વાતચીત કરે છે.

સલીમ હાજી કહે છે, "આ મહેમાનોને અલ્લાહે મોકલ્યા છે. ભાગલા ભલે પડી ગયા અને સરહદો છે, પરંતુ દિલ તો એક છે."

"અલ્લાહ જેટલી ખિદમત કરાવશે, એટલી ખિદમત કરીશું."

કરાચીવાસીઓએ ગોધરાવાસીઓના ક્ષેમકુશળનો વીડિયો તેમના પરિવારજનોને મોકલીને ચિંતા ન કરવા આશ્વાસન આપ્યું છે.


'...તો મદદ કરશે સરકાર'

Image copyright Getty Images
ફોટો લાઈન કરાચીમાં ભારતવિરોધી દેખાવ કરી રહેલ સ્થાનિક

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના રફીકભાઈ તિજોરીના કહેવા પ્રમાણે :

"પોલીસના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. ત્યાંનાં સગાંવહાલાં તથા પરિવારજનો ઇચ્છે કે ત્યાં ફસાયેલાં ગોધરાવાસીઓને વહેલામાં વહેલી તકે ભારત પરત મોકલી દેવામાં આવે."

તિજોરીનું કહેવું છે કે અહીં તથા ત્યાંની સરકાર ગોધરાવાસીઓને પરત મોકલવાના મુદ્દે સકારાત્મક છે.

જિલ્લાના કલેક્ટર ઉદિત અગ્રવાલે બીબીસી ગુજરાતીના જયદીપ વસંત સાથે વાત કરતા જણાવ્યું :

"ગોધરામાંથી અનેક લોકો લૉંગ ટર્મ વિઝા ઉપર પાકિસ્તાન જાય છે, આ નિયમિત બાબત છે."

"ત્યાં ગયેલા સ્થાનિકોને પરત લાવવા મુદ્દે હજુ સુધી કોઈ રજૂઆત મળી નથી. આ વિશેના અહેવાલ વહેતા થયા બાદ અમે તપાસ હાથ ધરી છે."

"જો આ મુદ્દો કોઈ ઔપચારિક રજૂઆત મળશે તો તંત્ર ચોક્કસથી મદદ કરશે અને ઉચ્ચસ્તરે યોગ્ય રજૂઆત કરવામાં આવશે."


અનેક વિકલ્પ, છતાં નિર્વિકલ્પ

Image copyright Getty Images
ફોટો લાઈન પાકિસ્તાનના નાનકાનાસાહેબની યાત્રાએ જઈ રહેલા શીખ

ભારત અને પાકિસ્તાનના નાગરિકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે સામાન્ય દિવસોમાં બંને દેશો વચ્ચે મુખ્યત્વે બે રેલવે (સમજૌતા તથા થાર એક્સપ્રેસ) તથા ત્રણ બસ સેવાઓ ચાલે છે.

જેમાં લાહોર-દિલ્હી, લાહોર-અમૃતસર તથા નાનકાના સાહિબ-અમૃતસર બસસેવા ચાલે છે.

નાનકાના સાહિબ એ શીખ ધર્મુગુરુ ગુરુનાનકનું જન્મસ્થળ છે.

આ સિવાય ભારતપ્રશાસિત કાશ્મીર તથા પાકિસ્તા પ્રશાસિત કાશ્મીરની વચ્ચે શ્રીનગર મુજ્જફરાબાદ બસ પણ દોડે છે.

જોકે, તણાવને કારણે પણ આ સેવામાં અવરોધ ઊભો થયો છે.

તિજોરી કહે છે, 'તંત્ર દ્વારા જરૂરી મંજૂરી મળતા કરાચીમાં ફસાયેલા ગોધરાવાસીઓને વાઘા સરહદ સુધી પાકિસ્તાનની બસમાં મોકલવા અને ત્યાંથી જોધપુર થઈને ગોધરા પહોંચે તેવું આયોજન વિચારવામાં આવ્યું છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ