Top News : રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી, રવીન્દ્ર જાડેજાને આજે એનાયત થશે અર્જુન ઍવૉર્ડ

રવીન્દ્ર જાડેજા Image copyright Getty Images

આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ તથા અર્જુને ઍવૉર્ડ એનાયત કરશે.

ગુજરાતના જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને અર્જુન ઍવૉર્ડ એનાયત થશે.

આ ઉપરાંત પહેલવાન બજરંગ પુનિયા અને ઍથ્લિટ દીપા મલિકને રાજીવ ગાંધી ખેલ રત્ન ઍવૉર્ડ એનાયત થશે.

આજે રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફિટ ઇન્ડિયા અભિયાન શરૂ કરશે.

આ અભિયાનનો હેતુ લોકોને સ્વાસ્થ્ય બાબતે લોકોને જાગૃત કરવાનો છે.


75 નવી મેડિકલ કૉલેજ ખુલશે, એફડીઆઈનો વ્યાપ વધ્યો

Image copyright ANI

કૅબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે દેશમાં નવી 75 મેડિકલ કૉલેજ ખોલવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.

નવી ખુલનારી મેડિકલ કૉલેજોને 2021-22 સુધીમાં જિલ્લા હોસ્પિટલો સાથે જોડવામાં આવશે. આ નવી મેડિકલ કૉલેજોથી દેશને 15700 વધારાના ડોક્ટર મળશે તેમ સરકારનું કહેવું છે.

પીયૂષ ગોયલ અને પ્રકાશ જાવડેકરે પત્રકારપરિષદમાં કૅબિનેટના વિવિધ નિર્ણયો વિશે માહિતી આપી. સરકારે સિંગલ બ્રાન્ડ રિટેલમાં FDIના નિયમો હળવા કરવાનો નિર્ણય કર્યો છે.

જેમાં, સરકારે કોલ માઇનિંગ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં 100 ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ને મંજૂરી આપી છે.

ખાંડની નિકાસ પર 6268 કરોડની સબસિડીની પણ જાહેરાત કરવામાં આવી છે.

ડિજિટલ મીડિયામાં પ્રિન્ટ મીડિયાની જેમ 26 ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે.


કાશ્મીરમાં પેલેટ ગનથી 36ને ઈજા

Image copyright Getty Images

હિન્દુસ્તાન ટાઇમ્સનો અહેવાલ જણાવે છે કે અનુચ્છેદ 370 રદ કરાયા પછી કાશ્મીરમાં પેલેટ ગનથી 36 લોકોને ઈજાઓ થઈ છે.

અહેવાલ કહે છે કે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારે કરેલી પત્રકારપરિષદમાં પેલેટ ગનનો ઉપયોગ થયો હોવાની વાત સ્વીકારી છે.

ઉચ્ચ અધિકારીને ટાંકીને અહેવાલ કહે છે કે વિરોધ પ્રદર્શનોમાં 36 લોકોને પેલેટ ગનથી ઈજાઓ થઈ છે. આ આંકડો શ્રીનગરની હૉસ્પિટલના ડેટાને આધારે છે. અન્ય જિલ્લા હૉસ્પિટલનો ડેટા હજી મેળવી શકાયો નથી તેમ અખબાર જણાવે છે.


કાશ્મીરની સ્થિતિ માટે નહેરૂ-કૉંગ્રેસ જવાબદાર- માયાવતી

Image copyright Getty Images

બસપા પ્રમુખ માયાવતીએ કાશ્મીરની સ્થિતિ માટે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂને જવાબદાર ઠેરવ્યા છે.

એમણે ફરી એકવાર એવું કહ્યું કે અનુચ્છેદ 370 હઠાવી લેવો એ દેશના હિતમાં છે.

બુધવારે એમણે કહ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર પણ અનુચ્છેદ 370ની જોગવાઈના પક્ષમાં નહોતા.

માયાવતીએ કહ્યું કે આ સમસ્યાના મૂળમાં કૉંગ્રેસ અને પંડિત નહેરૂ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો