બનારસી સાડીઓનો રંગ આર્થિક મંદીના મારથી ઊડી રહ્યો છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

હાથશાળ કારીગર Image copyright Samiratmaj mishra/bbc

"અમારા માટે તો શું મંદી અને શું તેજી? બે સાડીઓ વણીએ ત્યારે દિવસના દોઢ સો રૂપિયા મળે છે. હા, છેલ્લા કેટલાક દિવસોથી સાડી વણવાના ઑર્ડર ઓછા થઈ રહ્યા છે. તેથી ખર્ચ કાઢવા માટે સાડી વણવા સિવાય બીજી મજૂરી પણ કરવી પડે છે."

આવું કહેવું છે મઉ જિલ્લાની એક વણકર વસતી કાસિમપુરમાં રહેતા નૌશાદનું. તેઓ પોતાના ઘરમાં જ પાવરલૂમ ચલાવે છે. ઘરમાં બે પાવરલૂમ છે અને તેમનો પરિવાર એટલે કે માતા, પત્ની અને બે બહેનો સાડી બનાવવાનું કામ કરે છે.

એક પાવરલૂમ છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડ્યું છે. જ્યારે ચાલતું હતું ત્યારે ઘરના બધા લોકો મળીને દિવસની બે-ત્રણ સાડીઓ બનાવી નાંખતા હતા. એટલે કે સમગ્ર પરિવાર મળીને લગભગ 300 રૂપિયાનું કામ કરતો હતો.

કાસિમપુરમાં મોટા ભાગના લોકોનાં ઘરોમાં પાવરલૂમ છે અને લોકો પાસે આ એક માત્ર રોજગારીનું સાધન છે. આ લોકો ઑર્ડર પ્રમાણે સાડીઓ બનાવે છે તેમજ તેમને એક સાડીનું મહેનતાણું 100 રૂપિયા મળે છે.

સાડીમાં ઉપયોગમાં લેવાતું નાયલૉન અને દોરા ઑર્ડર આપનાર પાર્ટી જ પૂરાં પાડે છે.

દેશભરમાં વ્યાપેલી આર્થિક મંદીની અસર આ ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા લોકો પર પણ પડી છે. મહોલ્લાના અન્ય લોકો વાતચીત દરમિયાન કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા લકો રોજગારની શોધમાં ભારતનાં વિવિધ શહેરોમાં જતાં રહ્યાં છે.

Image copyright Samiratmaj mishra/bbc

કાસિમપુરના જ રહેમાન અંસારી કહે છે, "12-14 કલાકની તનતોડ મહેનત પછી પણ જો પેટ ભરવાનાં ફાંફાં પડતાં હોય તો આ ધંધામાં કોણ ટકશે. પરંતુ ઘણા લોકોની મજબૂરી છે કે તેઓ બહાર જઈ શકતા નથી. તેથી તેઓ અહીં જ પડ્યા છે."

ઉત્તર પ્રદેશનું મઉ જિલ્લા હસ્તઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં મુખ્યત્વે બનારસી સાડીઓ વણવામાં આવે છે. તે ઉપરાંત વારાણસી અને આઝમગઢના મુબારકપુરમાં પણ સાડીઓ વણવાનું અને ગૂંથવાનું કામ થાય છે.

રાજ્યના અન્ય વિસ્તારો જેવા કે ગોરખપુર, ટાંડા, મેરઠ અને અન્ય કેટલાંક શહેરોમાં પણ હસ્તકળા ઉદ્યોગ છે અને આ દરેક જગ્યાએ સ્થિતિ લગભગ એક સમાન જ છે.

આ સ્થિતિ માત્ર ઉત્તર પ્રદેશની નથી પણ સમગ્ર દેશની છે. દેશભરમાં હસ્તકળાઓ અને તેમના કારીગરોની સંખ્યા સતત ઘટી રહી છે.

જોકે, સરકારે આ ક્ષેત્રમાં તેજી લાવવા અને માગ વધારવાના તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ સ્થિતિ સતત વણસી રહી છે.


કપાસના ખેડૂતો પર પણ અસર

Image copyright Samiratmaj mishra/bbc

ભારતનો કાપડઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દેશના લગભગ દસ કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. જે કૃષિક્ષેત્ર બાદ રોજગાર આપતું સૌથી મોટું ક્ષેત્ર છે.

ગયા મહિને 20 ઑગસ્ટે નૉર્દન ઇન્ડિયન ટેક્સ્ટાઇલ મિલ્સ ઍસોસિયેશન એટલે કે નિટમાએ અખબારોમાં એક જાહેરાત છપાવી હતી જેમાં ટેક્સ્ટાઇલઉદ્યોગની મંદ સ્થિતિનું વર્ણન કર્યું હતું.

જાહેરાતનું શીર્ષક હતું- 'ભારતનો હસ્તઉદ્યોગ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થઈ રહ્યા છે.'

જાહેરાતમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે આવું જ સંકટ વર્ષ 2010-11 વખતે પણ આવ્યું હતું અને એ સમયે પણ ઉત્પાદન ઘટી ગયું હતું. નિટમાએ આ ઉદ્યોગની વણસતી સ્થિતિથી બચવા કેટલાક ઉપાયો પણ સૂચવ્યા હતા.

Image copyright Samiratmaj mishra/bbc

નિટમાના સિનિયર વાઇસ પ્રૅસિડેન્ટ મુકેશ ત્યાગીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "લગભગ એક તૃતિયાંશ મિલો બંધ થવાને આરે છે. 80 હજાર કરોડની કપાસનો કોઈ લેવાલ નથી."

"અમારી માગ છે કે સરકાર કાચા માલની કિંમતમાં ઘટાડો કરે અને નિકાસ પર લાગનારા કરમાં ઘટાડો કરે."

"સરકાર ડાયરેક્ટ બૅનિફિટ ટ્રાન્સ્ફર દ્વારા ખેડૂતોને તેમના પાકનું વળતર ચૂકવે અને બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયાથી આવતા કાચા માલની આયાત પર નિયંત્રણ મૂકે."

મુકેશ ત્યાગીનું કહેવું છે કે નિટમા આ મામલે સતત સરકારના સંપર્કમાં છે. પરંતુ હજુ સરકાર તરફથી કોઈ સંકેત કે આશ્વાસન મળ્યાં નથી. અખબારોમાં જાહેરાત આપવા પાછળ પણ એ જ કારણ હતું કે લોકોનું અને ખાસ કરીને સરકારનું આ તરફ ધ્યાન દોરાય.


દર વર્ષે વણસી રહેલી સ્થિતી

Image copyright Samiratmaj mishra/bbc

સુરત, તામિલનાડૂ, બિહાર, પંજાબ, ઉત્તર પૂર્વ અને દેશના અન્ય ભાગોમાં પણ આ ક્ષેત્રમાંથી સતત મંદી અને બેરોજગારીના સમાચાર આવી રહ્યા છે.

જો કે સરકારી સ્તર પર આ વાતની કોઈ ખાતરી થઈ શકતી નથી કારણ કે આ ક્ષેત્રનો મોટો ભાગ અસંગઠિત ક્ષેત્રમાં આવે છે. તેથી સરકાર પાસે તેના પૂરતા આંકડા હોતા નથી.

પરંતુ જો કાપડ મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ આંકડાઓ પર નજર નાંખીએ તો આ ક્ષેત્રમાં બેરોજગારી, મંદી અને પલાયનની સ્થિતિ છેલ્લાં કેટલાંક વર્ષોથી યથાવત્ છે.

કૃષિક્ષેત્ર બાદ સૌથી વધુ રોજગારી પૂરી પાડતા હસ્તકળાઉદ્યોગમાં રોજગારીની સંખ્યા સતત ઘટી રહી છે.

મંત્રાલયના આંકડાઓ મુજબ વર્ષ 1995માં જ્યાં દેશભરમાં 65 લાખ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા જે સંખ્યા વર્ષ 2010માં માત્ર 43 લાખ થઈ ગઈ.

Image copyright Samiratmaj mishra/bbc

ત્યારથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આંકડાઓ અનુસાર તેમાંથી 77 ટકા મહિલાઓ છે. મંત્રાલયે વર્ષ 2010માં આ પ્રકારની ત્રીજી વસતીગણતરી કરી હતી, જેનો રેકર્ડ તેમની પાસે છે.

આમ તો તેની પાછળ વણકરોની ખરાબ સ્થિતિ, દાયકાઓ જૂની પરંપરાથી ચાલી આવતી મજૂરી, કાચા માલની અછત જેવી તમામ બાબતોને આ મંદી પાછળનું કારણ ગણાવાય છે પરંતુ ખામીનાં કેટલાંક અન્ય કારણો પણ છે.

ઉત્તર પ્રદેશના વણકર ફોરમના અધ્યક્ષ અરશદ જમાલ કહે છે કે આ ક્ષેત્રમાં મંદીની સ્થિતિ છેલ્લાં ત્રણ વર્ષમાં વધી છે.

અરસદ જમાલ કહે છે, "આ ક્ષેત્રમાં નોટબંધી પછી જ મંદીનો દોર આવ્યો, તેમાં હજુ સુધી સુધારો આવ્યો નથી. નોટબંધીએ હસ્તકળાઉદ્યોગની કમર તોડી નાંખી હતી, તેનાથી આ ક્ષેત્ર હજુ ઊભરી શક્યું નથી. બાકી બચ્યું હતું તો જીએસટીએ તોડી નાંખ્યું."

જ્યારે આર્થિક મામલાના પત્રકાર વીરેન્દ્ર ભટ્ટ સરકારી નીતિઓને જવાબદાર માને છે.

વીરેન્દ્ર કહે છે, "એક સમયે માત્ર ઉત્તર પ્રદેશમાં જ 21 કાંતણની મિલો હતી જેનાથી વણકરોને દોરા ઉપલબ્ધ કરાવવામાં આવતાં હતાં. આજે બધી મિલો બંધ છે."

"મજબૂરીમાં કારીગરોને મોંઘા ભાવનાં નાયલૉન અને દોરા લેવાં પડે છે. કેટલાંક વર્ષો પહેલાં અલાહાબાદમાં એક કાંતણ મિલને ફરી શરૂ કરવાની કોશિશ થઈ હતી. પરંતુ તે નિષ્ફળ રહી."

"આ ક્ષેત્રમાં જે સરકારી નીતિઓ બને છે તે મોટા ભાગે વણકરોને બદલે વેપારીઓના ફાયદામાં હોય છે."


સરકારી યોજનાઓની સ્થિતિ

Image copyright Samiratmaj mishra/bbc

વણકરોના કલ્યાણ માટે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. જેમ કે, સ્વાસ્થ્ય વીમા યોજના, પાવર લૂમ સબસિડી યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, હસ્તકળા સંવર્ધન સહાયતા યોજના. પરંતુ હકીકત એ છે કે વણકરોની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.

વણકર નૌશાદ જણાવે છે કે તેમને વીજપુરવઠા માટે રાહ જોવી પડે છે, "જો રાત્રે વીજળી આવે તો જાગીને કામ કરે છે. જો એવું નહીં કરે તો દિવસે તેમને કામનું વળતર મળી શકશે નહીં."

"વિપરીત પરિસ્થિતિઓમાં ઓછાં વળતરમાં કામ કરે છે અને કામદારો ઘણી બીમારીઓનો પણ ભોગ બને છે."

યૂપી વણકર ફોરમના અધ્યક્ષ અરશદ જલાલ જણાવે છે કે વણકરોનાં બાળકોને શિક્ષણ કે સ્વાસ્થ્ય સંબંધી સેવાઓનો લાભ મળતો નથી.

તેઓ કહે છે, "મઉ જિલ્લામાં જ્યાં મારું ઘર છે, એ મહોલ્લાની વસતી લગભગ 50 હજાર છે. પણ ત્યાં એક પણ સરકારી પ્રાથમિક શાળા કે દવાખાનું નથી."

"છ-સાત હજારમાં ઘર ચલાવતા કામદારો માટે પોતાનાં બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવું અને ખાનગી દવાખાનાઓમાં સારવાર લેવાનું બહુ મુશ્કેલ હોય છે."

Image copyright Samiratmaj mishra/bbc

જાણકારોનું કહેવુ છે કે સરકાર હસ્તકળાઉદ્યોગના વિકાસ અને પ્રોત્સાહનના દાવા ભલે કરે પણ ખરેખર એવું નથી. એનું એક કારણ એવું પણ છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ ક્ષેત્ર માટે બજેટમાં ફાળવવામાં આવતી રકમમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.

નાણાકીય વર્ષ 2016-17માં કેન્દ્રીય બજેટમાં આ ક્ષેત્ર માટે 710 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાહતા. જ્યારે વર્ષ 2017-18માં 604 કરોડ અને વર્ષ 2018-19માં 386 કરોડ રૂપિયા અને 2019-20માં 456 કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા હતા.

અરશદ જમાલ વણકરોની સમસ્યાને વારંવાર વિવિધ મંચ પર ઉઠાવતા રહ્યા છે. તેમનું કહેવું છે, "સરકાર વણકરોની કોઈ સીધી મદદ કરી દે તો સ્થિતિ સુધરી શકે છે."

"આપણને ખબર નથી કે દુનિયાને શું જોઈએ છે. તો સ્થાનિક સ્તરે વેપારી-ગ્રાહક સંમેલન યોજવા જોઈએ, જેથી ખ્યાલ આવે કે લોકોમાં શેની માગ છે. બીજું કે ટૅક્નૉલૉજીમાં સુધારા માટે સરકાર મદદ કરે."

Image copyright Samiratmaj mishra/bbc

મુબારકપુરમાં બનારસી સાડીઓના સ્થાનિક કારીગર ફિરોઝ અહેમદ કહે છે કે ત્યાં બનેલી સાડીઓ વેચવાની કોઈ વ્યવસ્થા નથી. મુબારકપુરમાં એક વિતરણ કેન્દ્ર તો બન્યું છે પણ હજુ શરૂ થયું નથી.

મઉ જિલ્લામાં 50ના દાયકામાં રાજ્ય સરકારે વણકરોને રહેવા અને પોતાની લૂમ બનાવવા માટે એક કૉલોની બનાવી હતી, જે આજે વણકર કૉલોની નામે જ ઓળખાય છે.

અરશદ જણાવે છે કે ત્યાર બાદ આવી કોઈ યોજના લાવવાની કોશિશ થઈ નથી.

સ્થાનિક પત્રકાર વીરેન્દ્ર ચૌહાણ કહે છે, "સરકારી યોજનાઓ તો ઘણી છે પણ તકલીફ એ છે કે સીધો વણકરોને તેનો લાભ મળતો નથી. તેમને આ યોજનાઓની જાણકારી નથી મળતી અથવા તો સરકારી જટિલતા અને અધિકારીઓની કાર્યશૈલી તેમના મનોબળને જ તોડી નાંખે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ