ઍરફોર્સને મળેલાં અપાચે હેલિકૉપ્ટર દુશ્મન માટે કેટલાં ખતરનાક?

'ઍૅટેક હેલિકૉપ્ટર' તરીકે જાણીતાં આઠ અપાચે હેલિકૉપ્ટર ભારતીય વાયુસેનામાં સામેલ થયાં છે. આનાથી વાયુસેનાની મારકક્ષમતા વધશે.

આધુનિક યુદ્ધ ક્ષમતાવાળા આ હેલિકૉપ્ટર અમેરિકન કંપની બોઇંગે બનાવ્યાં છે. તેને 27 જુલાઈએ ગાઝિયાબાદના હિંડર ઍરબૅઝ પર લવાયાં હતાં.

ટ્રાયલ બાદ તેને પઠાણકોટ ઍરબૅઝ મોકલવામાં આવ્યાં છે, જ્યાં મંગળવારે ઔપચારિક રીતે તેને ભારતીય વાયુસેનામાં સામેલ કરાયાં છે.

વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. ભારતીય વાયુસેનાએ આ હેલિકૉપ્ટરની પહેલી ઉડાણનો વીડિયો પણ શૅર કર્યો છે.

પઠાણકોટ ઍરબૅઝ પર આ હેલિકૉપ્ટરને પાણીના ફુવારા સાથે સલામી આપવામાં આવી હતી.

ઍર ચીફ માર્શલ બી. એસ. ધનોઆએ કહ્યું, "આ દુનિયાનું સૌથી તાકાતવર ઍટેક હેલિકૉપ્ટરમાંનું એક છે. આ ઘણાં મિશનને પાર પાડી શકે છે."

ભારતે બોઇંગ અને અમેરિકન સરકાર સાથે 22 અપાચે હેલિકૉપ્ટર માટે કરાર કર્યા છે. પહેલાં આઠ હેલિકૉપ્ટર નક્કી કરેલા સમયે આવ્યાં છે અને બાકીનાં માર્ચ 2020 સુધી આવી જશે.

અમેરિકન ડિફેન્સ સિક્યૉરિટી કૉર્પોરેશન એજન્સીનું કહેવું છે, "અપાચે AH-6E હેલિકૉપ્ટર ભારતીય સેનાની રક્ષાત્મક ક્ષમતા વધારશે. તેનાથી ભારતીય સેનાને વર્તમાન ખતરા સામે લડવામાં મદદ મળશે. સાથે જ સેનાનું આધુનિકીકરણ પણ થશે."

ભારત માટે પઠાણકોટ ઍરબૅઝ પર આ હેલિકૉપ્ટરનું હોવું મહત્ત્વનું છે, કેમ કે અહીંની સરહદ મોટા ભાગે તણાવગ્રસ્ત રહી છે.

અપાચેમાં ખાસ શું છે?

Image copyright ANI
  • અંદાજે 16 ફૂટ ઊંચા અને 18 ફૂટ પહોળા અપાચે હેલિકૉપ્ટર ઉડાડવા માટે બે પાઇલટ હોવા જરૂરી છે.
  • અપાચે હેલિકૉપ્ટરના મોટા વિંગને ચલાવવા માટે બે એન્જિન હોય છે. તેનાથી તેની ગતિ તેજ થાય છે.
  • મહત્તમ ગતિ : 280 કિલોમિટર પ્રતિ કલાક
  • અપાચે હેલિકૉપ્ટરની ડિઝાઇન એવી છે કે તેને રડાર પર પકડવું મુશ્કેલ છે.
  • બોઇંગ અનુસાર બોઇંગ અને અમેરિકન ફોજ વચ્ચે સ્પષ્ટ કરાર છે કે કંપની તેની જાળવણી માટે હંમેશાં સેવા તો આપશે, પણ મફતમાં નહીં.
  • સૌથી ખતરનાક હથિયાર : 16 ઍન્ટિ ટૅન્ક મિસાઇલ છોડવાની ક્ષમતા.
  • હેલિકૉપ્ટર નીચે લાગેલી રાઇફલમાં એક વાર 30એમએમની 1,200 ગોળીઓ ભરી શકાય છે.
  • ફ્લાઇંગ રેન્જ : અંદાજે 550 કિલોમિટર
  • આ એક વારમાં પોણા ત્રણ કલાક સુધી ઊડી શકે છે.

(ઇનપુટ : બોઇંગ કંપનીની વેબસાઇટ પરથી)


અપાચેની કહાણી એક પાઇલટની જુબાની

Image copyright BOEING.COM

જાન્યુઆરી, 1984માં બોઇંગ કંપનીએ અમેરિકન ફોજને પહેલું અપાચે હેલિકૉપ્ટર આપ્યું હતું. ત્યારે આ મૉડલનું નામ AH-64A હતું.

ત્યારથી અત્યાર સુધી બોઇંગ 2,200થી વધુ હેલિકૉપ્ટર બનાવી ચૂકી છે.

ભારત અગાઉ આ કંપનીએ અમેરિકન સૈન્યન્ના માધ્યમથી ઇજિપ્ત, ગ્રીસ, ભારત, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, જાપાન, કુવૈત, નેધરલૅન્ડ, કતાર, સાઉદી અરેબીયા અને સિંગાપુરને અપાચે હેલિકૉપ્ટર વેચ્યાં છે.

બ્રિટનની વાયુસેનામાં પાઇલટ રહી ચૂકેલા ઍડ મૅકીએ પાંચ વર્ષ સુધી અફઘાનિસ્તાનના સંવેદનશીલ વિસ્તારમાં અપાચે હેલિકૉપ્ટર ઉડાવ્યાં છે. તે હેલિકૉપ્ટર શાંતિસેનામાં એક બચાવદળનો ભાગ હતાં.

બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "અપાચેને ઉડાવવું એટલે કે જાણે તમને કોઈએ 100 માઈલ પ્રતિ કલાકની ઝડપથી ચાલતી કારની ઉપર બાંધી દીધા હોય. આ બહુ તેજ હેલિકૉપ્ટર છે."

મૅકીના જણાવ્યા અનુસાર અપાચે હેલિકૉપ્ટર દુનિયાનું સૌથી સંશોધિત, પરંતુ ઘાતક મશીન છે. આ દુશ્મનો પર ક્રૂર સાબિત થાય છે.

અઘરું નિયંત્રણ

Image copyright ANI

મૅકીએ જણાવ્યું કે કોઈ નવા પાઇલટને અપાચે હેલિકૉપ્ટર ચલાવવા માટે કઠોર અને લાંબી ટ્રેનિંગ લેવી પડે છે. જેમાં ઘણો ખર્ચ થાય છે. સેનાએ એક પાઇલટની ટ્રેનિંગ માટે 30 લાખ ડૉલર સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

અપાચે હેલિકૉપ્ટર પર પોતાનો હાથ બેસે એ માટે પાઇલટ ઍડ મૅકીએ 10 મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી.

તેઓ કહે છે, "આને કંટ્રોલ કરવું બહુ મુશ્કેલ છે. બે પાઇલટ મળીને તેને ઉડાવી શકે છે. મુખ્ય પાઇલટ પાછળ બેસે છે. તેની સીટ થોડી ઊંચી હોય છે. તે હેલિકૉપ્ટર કંટ્રોલમાં રાખે છે."

"આગળ બેસેલો બીજો પાઇલટ નિશાન તાકે છે અને ફાયર કરે છે. તેનું નિશાન અચૂક હોય છે."

"જેનો સૌથી મોટો ફાયદો યુદ્ધમેદાનમાં થાય છે, જ્યાં દુશ્મનો પર નિશાન તાકતી વખતે સામાન્ય લોકોને નુકસાન નથી પહોંચતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.