અર્થતંત્રમાં મંદી : સ્ટીલઉદ્યોગમાં કેટલીય કંપનીઓ બંધ થતાં હજારો બેકાર

મુકેશ રાય તેમના પત્ની સાથે Image copyright Sartaz Alam
ફોટો લાઈન મુકેશ રાય તેમનાં પત્ની સાથે

52 વર્ષના મુકેશ રાય વર્ષ 1989માં બિહારમાં પોતાનું પૈતૃક ઘર છોડીને તાતા (જમશેદપુર) આવી ગયા. અહીં તેમણે લેથ (લોખંડ કાપવાનું મશીન)નું કામ શીખ્યું અને દૈનિક મજૂર કરતાંકરતાં વાય-6 કર્મચારી બની ગયા.

વાય-6 કૅટેગરી એટલે એવા કર્મચારીઓ જે કાયમી નથી, પરંતુ તેમને રોજ કામ મળે છે. તેમને પીએફ અને ઈએસઆઈ જેવી સુવિધા મળે છે.

મુકેશ રાયને પણ આવી બધી સુવિધા મળતી હતી, પરંતુ છેલ્લા બે મહિનાથી તેઓ બેરોજગાર છે.

તેમની કંપની 'માલ મૅટલિક'માં ઉત્પાદન બંધ છે એ કારણે તેમને કામ નથી મળતું. 8 જુલાઈએ તેઓ છેલ્લી વાર કામે ગયા હતા.

જુલાઈનું આઠ દિવસનું મહેનતાણું (અંદાજે 3500 રૂપિયા) પણ તેમને મળ્યું નથી. હવે તેઓ ગંભીર આર્થિક સંકટમાં છે.


'ખબર નહીં હવે કામ મળશે કે કેમ'

Image copyright Sartaz Alam

મુકેશ રાયનાં પત્ની રીંદુ દેવીએ થોડા પૈસા બચાવી રાખ્યા હતા. જ્યારે એ પૈસા પણ પૂરા થઈ ગયા તો તેમણે પોતાનાં ઘરેણાં ગિરવી મૂકીને ઉધારી કરવી પડી. હાલ તેનાથી જ તેમનો ચૂલો સળગી રહ્યો છે.

તેઓ ઇન્ટર (બારમા)માં અભ્યાસ કરનારી પોતાની દીકરીની મરઘી ખાવાની ઇચ્છા છેલ્લા ત્રણ મહિનાથી પૂરી કરી શક્યાં નથી.

તેમણે કહ્યું કે આર્થિક સંકટ અને બેરોજગારીની આવી સ્થિતિ અગાઉ ક્યારેય આવી નથી.

મુકેશ રાયે બીબીસીને કહ્યું, "ઠેકેદારનું કહેવું છે કે તાતા સ્ટીલના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. તેના લીધે તેની સાથે સંકળાયેલી કંપનીઓમાં કામ બંધ થઈ ગયું છે."

"જુલાઈ ગયો, ઑગસ્ટ પણ ગયો. હવે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં પણ કામ મળશે કે કેમ એ કહેનાર કોઈ નથી."


હજારો લોકો બેરોજગાર

Image copyright Sartaz Alam

જોકે સ્ટીલ ઉદ્યોગમાં ઘણા દિવસોથી મંદી ચાલી રહી છે. તાતા સ્ટીલ, જેએસડબલ્યૂ અને આર્સેલર મિત્તલ જેવી મોટી કંપનીઓએ પોતાના ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. એના કારણે સેંકડો નાની કંપનીઓ કાં તો બંધ ગઈ છે કાં તો ઉત્પાદન ઠપ થઈ ગયું છે.

આદિત્યપુર સ્માલ ઇન્ડસ્ટ્રી ઍસોસિયેશનના અધ્યક્ષ ઇન્દર અગ્રવાલે જણાવ્યું, "માત્ર આદિત્યપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઓછામાં ઓછી 30 કંપનીઓને તાળાં લાગી ગયાં છે, જે ઇન્ડક્શન ફર્નેશનું કામ કરતી હતી."

"તેનું બીજું કારણ ઝારખંડ સરકારે વીજદરમાં કરેલો 38 ટકાનો વધારો પણ છે."

રાંચી અને રામગઢની પણ કેટલીય કંપનીઓનું ઉત્પાદન બંધ છે.

લઘુઉદ્યોગ ભારતીના અધ્યક્ષ રૂપેશ કટિયારના જણાવ્યા પ્રમાણે માત્ર ઝારખંડમાં 70 હજારથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બેકાર થયા છે. મુકેશ રાય પણ તેમાંના એક છે.

આ જ સ્થિતિ દેશનાં અન્ય રાજ્યોની પણ છે. સ્ટીલના ઉત્પાદનમાં લાગેલી તમામ કંપનીઓ આ મંદીમાંથી ઉગરવાનો રસ્તો શોધી રહી છે.


ઝારખંડનેવધુ અસર

Image copyright Sartaz Alam
ફોટો લાઈન દીપક ડોકાનિયા

ઝારખંડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમૅન્ટ ઑથોરિટી (જિયાડા)ના ઉદ્યોગપ્રસાર પદાધિકારી અનિલ કુમારે કહ્યું, "તાતા સમૂહની કંપનીઓમાં ઉત્પાદન ઘટવાથી આ સ્થિતિ સર્જાઈ છે. તેમની માગ ઘટી ગઈ છે."

"આદિત્યપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અંદાજે 50 હજાર લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. જેમાં મોટા ભાગે રોજનું કમાઈને રોજનું ખાનારા મજૂરો અને નાના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આવા અંદાજે 90 ટકા લોકો બેરોજગાર થઈ ગયા છે."

આદિત્યપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયા સ્મોલ ઇન્ડસ્ટ્રી ઍસોસિયેશન (એસિયા)ના સચિવ દીપક ડોકાનિયાએ કહ્યું કે વર્તમાન મંદીનું મુખ્ય કારણ એ છે કે બજારમાં નાણાંની હેરફેર નથી થઈ રહી.

તેમણે બીબીસીને કહ્યું, "બજારમાં પૈસા નથી. જો મૂડી જ નહીં રહે તો ઉત્પાદન કેવી રીતે થશે."

"પ્રોડક્શનમાં ઘટાડો થવાને કારણે મારે પણ કંપની બીએમસી મેટલકાસ્ટ લિમિટેડના કુલ 400 કર્મચારીઓમાંથી 50-60ને બેસાડી રાખવા પડ્યા છે. આ ખોટું છે, પણ અમારી પાસે કોઈ રસ્તો નથી."


સ્ટીલ ઉત્પાદન કેમ ઘટ્યું?

Image copyright Sartaz Alam
ફોટો લાઈન તાતા સ્ટીલના સીઈઓ ટી. વી. નરેન્દ્રન

તાતા સ્ટીલના સીઈઓ ટી. વી. નરેન્દ્રને નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની મુલાકાત બાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્ટીલ ઉદ્યોગની મંદી ઑટો સૅક્ટર સાથે જોડાયેલી છે. આથી તાતા સ્ટીલે નાણાકીય વર્ષ 2019-20 માટેના નક્કી લક્ષ્યમાં ઘટાડો કર્યો છે.

23 ઑગસ્ટે મંદ અર્થવ્યવસ્થા અને અલગઅલગ સૅક્ટરમાં લોકોની નોકરી છીનવાઈ હોવાના સમાચારો વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ-ફૉન્ફરન્સ કર હતી.

ઑટો સૅક્ટરની સમસ્યાના નિવારણ માટે તેઓએ એલાન કર્યું કે 31 માર્ચ, 2020 સુધી ખરીદેલાં બીએસ-IV વાહનો રજિસ્ટ્રેશન પિરિયડ સુધી ચાલુ રહેશે અને તેમની વન ટાઇમ રજિસ્ટ્રેશન ફી જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે.

સાથે જ ઑટોમોબાઇલ સૅક્ટરમાં સ્કૅપેજ પૉલિસી (જૂની ગાડીઓ બંધ કરવાની) લાવવાની જાહેરાત કરી. સરકારે કહ્યું કે ગાડીઓની ખરીદી વધારવા માટે સરકાર કેટલીય નવી યોજનાઓ પર કામ કરી રહી છે.

ટી. વી. નરેન્દ્રને મીડિયાને કહ્યું, "ઑટો સૅક્ટરના ઉત્પાદનમાં અંદાજે 12 ટકાનો ઘટાડો થયો છે. તેનાથી ઑટોમોટિવ સ્ટીલ માર્કેટ પ્રભાવિત થયું છે."

"કેમ કે ભારતમાં કુલ સ્ટીલ ઉત્પાદનનો 20 ટકા ભાગ ઑટો ઇન્ડસ્ટ્રીના ઉપયોગમાં લેવાય છે. જોકે સ્ટીલના આંતરરાષ્ટ્રીય બજાર પર કોઈ અસર નથી. મંદીની વધુ અસર ઘરેલુ માર્કેટ પણ પડી રહી છે."


ક્યાં સુધી મંદી રહેશે?

Image copyright Sartaz Alam

સિંહભૂમ ચેમ્બર ઑફ કોમર્સના વાઇસ પ્રૅસિડેન્ટ (ઇન્ડસ્ટ્રી) નીતેશ શૂટ અને ઉદ્યોગપતિ રાહત હુસેન માને છે કે બજારને મંદીમાંથી બહાર આવતા પાંચ-છ મહિના લાગી શકે છે.

તેમણે કહ્યું, "સ્ટીલ સૅક્ટરની મુખ્ય માગ ઑટો ઇન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શન સૅક્ટર (રિયલ એસ્ટેટ)માંથી આવે છે."

"હવે કન્સ્ટ્રક્શનને લઈને ન તો સરકાર કોઈ મોટો પ્રોજેક્ટ લાવી રહી છે, ન તો પ્રાઇવેટ સૅક્ટર. આથી સ્ટીલનું ઉત્પાદન ઘટવું સ્વાભાવિક છે."

રાહત હુસેને બીબીસીને કહ્યું કે અમે ધીમેધીમે ઔદ્યોગિક કટોકટી તરફ આગળ વધી રહ્યા છીએ. સરકારે આ મંદીનું મારણ શોધવું પડશે, નહીં તો પરિસ્થિતિ વધુ પ્રતિકૂળ થઈ શકે છે.

આ બધા વચ્ચે ઝારખંડના મુખ્ય સચિવ ડી. કે. તિવારીએ કહ્યું કે સ્ટીલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઇન્કક્શન ફર્નેસની કંપનીઓને વીજબિલમાં સબસિડી અપાઈ રહી છે. જે આગામી ચાર મહિના સુધી અપાશે. તેનાથી કંપનીઓના ખર્ચમાં ઘટાડો થશે અને તે પોતાનું ઉત્પાદન ફરીથી શરૂ કરી શકશે.


સરકારી કંપનીઓ પર પણ અસર

Image copyright Sartaz Alam

સ્ટીલ ઉદ્યોગની મંદીની અસર સાર્વજનિક ક્ષેત્રની કંપની સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (સેલ) પર પણ પડી છે. તેના ચોખ્ખા નફામાં ભારે ઘટાડો થયો છે.

સેલના ચૅરમૅન અનિલકુમાર ચૌધરીએ પત્રકારોને જણાવ્યું કે કંપનીનું કુલ વેચાણ ગત નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક 15,473 કરોડ રૂપિયાની તુલનામાં આ વર્ષે 30 જૂન સુધી માત્ર 14,645 કરોડ રૂપિયા રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડના બોકારોમાં સેલનો સ્ટીલ પ્લાન્ટ છે. અહીં પણ કેટલાક કર્મચારીઓએ કામ ન મળવાની ફરિયાદ કરી છે.

તાતા સ્ટીલના સીઈઓ ટી. વી. નરેન્દ્રને કહ્યું કે નાણામંત્રીની પહેલ બાદ હવે સ્ટીલ સૅક્ટરને મંદીમાંથી બહાર આવવામાં મદદ મળશે. અમને ફરીથી બજારમાં તેજી આવે તેવી આશા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ