મંદી : સુરતના હીરાઉદ્યોગમાં લોકોની નોકરીઓ જાય એવી હાલત કેમ થઈ?

મૃતક ભાવેશભાઈની તસવીર
ફોટો લાઈન મૃતક ભાવેશભાઈની તસવીર

એક નાનકડી શેરીથી પસાર થયા બાદ, નાની સીડીઓ ચઢીને હું એક નાનકડા રૂમમાં પહોંચ્યો જેમાં 20થી વધુ લોકો બેઠા હતા અને 19 વર્ષના યુવાન ભાવેશ સોલંકીના મૃત્યુનો શોક પાળી રહ્યા હતા.

આર્થિક તંગીથી કંટાળેલા પરિવારના આધાર સમાન ભાવેશ, હજી ગયા અઠવાડીયા સુધી પોતાના પિતા રમેશ સોલંકીને હિંમત રાખવાનું કહી રહ્યા હતા.

જોકે, હકીકત એ હતી કે, એક રત્નકલાકાર તરીકે કામ કરતા ભાવેશ છેલ્લા 3 મહિનાથી બેરોજગાર થઈ ગયા હતા.

એક નાનકડા રૂમમાં ભાવેશ તેમનાં માતાપિતા, બે ભાઈઓ, દાદીમાં અને એક નાની બહેન સાથે રહેતા હતા.

લગભગ 3 વર્ષ પહેલાં જ્યારે તે જૂનાગઢના એક નાનકડા ગામથી સુરત આવ્યા તો થોડા જ મહિના બાદ પોતાના પરિવારને સુરતમાં તેમની સાથે જ રહેવા માટે બોલાવી લીધો.

એક કુશળ રત્નકલાકાર હોવા છતાં છેલ્લા 3 મહિનાથી તેમને કોઈ જ કામ મળતું ન હતું, બીજી બાજુ ઘરનું ભાડું ચઢી રહ્યું હતું.

બાજુની જ એક ટેક્સટાઇલ માર્કેટમાં લૉડીંગ-કારના ડ્રાઇવર તરીકે કામ કરતા તેમના પિતા પણ હાલ બેરોજગાર છે.

થોડા દિવસો પહેલાં ભાવેશે ઘરમાં પડેલી ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતું.

તેમનો પરિવાર માને છે કે તેના આ અંતિમ પગલા માટે હીરાઉદ્યોગમાં આવેલી આર્થિક મંદી જવાબદાર છે.

આ મંદીને કારણે ભાવેશને કામ પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો, અને તેને બીજે કયાંય કામ મળી રહ્યું ન હતું.


હજારો રત્નકલાકારો બેરોજગાર

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
વર્ષ 2018ના ઑક્ટોબરથી જ આ ઉદ્યોગને તીવ્ર અસર થવાની શરૂ થઈ ગઈ હતી.

સુરતના હજારો રત્નકલાકારોના પરિવારોની પરિસ્થિતી લગભગ આવી જ છે.

ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો કહે છે કે, 18 મહિનાથી પ્રવર્તી રહેલી આર્થિક મંદી હવે લોકોના જીવ લઈ રહી છે.

મોટા ભાગની કંપનીઓએ પોતાના કામદારોના પગાર ઘટાડી દીધા છે, તો ઘણાની તો નોકરી જ જતી રહી છે.

સુરતમાં કાર્યરત લેબર યુનિયનની ઑફીસો પર લોકોનાં ટોળા એક સામાન્ય ઘટના થઈ ગઈ છે.

લેબર યુનિયનના નેતાઓ ફેકટરી માલિકો અને રત્નકલાકારો વચ્ચે કોઈ યોગ્ય સમાધાન થાય તેમ ઇચ્છે છે.

ડાયમંડ વર્કર યુનિયનો પાસે 10,000થી વધુ લોકોના બેરોજગાર થવાની ફરિયાદો આવી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા યુનિયનના પ્રમુખ રમેશ જીલારીયાએ કહ્યું, "આ વર્ષમાં હજી સુધી લગભગ 20 રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે અને 13,000થી વધુ લોકો બેરોજગાર થઈ ગયા છે."

રત્નકલાકાર વિકાસ સંઘ આવું જ એક બીજું યુનિયન છે, જે રત્નકલાકારો માટે કામ કરે છે.

આ સંઘના પ્રમુખ જયસુખ ગજેરા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, "બેરોજગારોની સંખ્યા દિવાળી આવતા સુધી લગભગ 60,000 લોકોની થઈ જશે.

તેઓ કહે છે કે ફેક્ટરી માલિકો પાસે લોકોને કાઢવા સીવાય બીજો કોઈ વિકલ્પ નથી, કારણ કે આખા હીરા બજારમાં આર્થિક મંદીને કારણે લોકો પાસે ફેક્ટરીઓ ચલાવવા પૈસા નથી."


હીરાઉદ્યોગમાં મંદી કેમ આવી?

આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ઘટનાઓ કે નીતિઓમાં ફેરફાર થાય તો હીરાઉદ્યોગને સીધી અસર પડે છે.

2008 આવેલી વૈશ્વિક મંદીની અસર સુરતના હીરાઉદ્યોગ પર પડી હતી. હાલ અહીં લોકો કહે છે કે 2019ની મંદી તેના કરતાં પણ વધારે મોટી છે.

એપ્રિલ 2017થી લાગુ થયેલા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ(GST)ને હીરાઉદ્યોગમાં મંદીનું સૌથી મોટું ફેક્ટર માનવામાં આવે છે.

હાલમાં હીરાના વેપારમાં 18%નો GST લાગુ પડે છે, જે 2017 પહેલાં નહોતો, તે ઉપરાંત કાચા હીરા પરની ઇમ્પૉર્ટ ડ્યૂટી પહેલાં નહોતી, પરંતુ તેમાં ધીરેધીરે 3 તબક્કામાં વધારો કરવામાં આવ્યો છે. ઇમ્પૉર્ટ ડ્યૂટી સૌ પ્રથમ 2%, પછી 5% અને ત્યારબાદ 7.5% સુધી લાદવામાં આવી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જેમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સ્પૉર્ટ પ્રોમોઝન કાઉન્સિલના વાઇસ ચૅરમૅન કોલીન શાહએ જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગમાં ટૅક્સ રીફૉર્મની જરૂર છે, તેની સાથે-સાથે લેબર લૉ વગેરેના કાયદામાં પણ ભારે ફેરફારની જરૂર છે.

તેમણે વધુમાં કહ્યું હતું, "હાલમાં આ ક્ષેત્રમાં લોકોને મૂડીની પણ કમી છે કારણ કે નીરવ મોદીના બૅંક કૌભાંડ બાદ, બૅંકોએ હીરાઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે લૉન લેવી મુશ્કેલ કરી દીધી છે."


GST ઉપરાંત નોટબંધી પછી રોકડની કમી

હીરાનું એક કારખાનું ચલાવતા વિઠ્ઠલભાઇ સોરઠીયા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "હીરાઉદ્યોગ મૂળ તો રોકડ પર ચાલતો ધંધો છે, એનો મતલબ એ નથી કે લોકો ટૅક્સની ચોરી કરવા માંગે છે, પરંતુ વધુ રકમનો સમાવેશ હોવાથી લોકો રોકડમાં જ ધંધો કરવાનું પસંદ કરતા હોય છે. નોટબંધી બાદ આ રોકડનો ધંધો ઘટી જતા, તેની અસર હવે માર્કેટમાં દેખાઈ રહી છે."

વિઠ્ઠલભાઇ પોતાના 15 ઘંટીવાળું એક કારખાનું ચલાવતા હતા, પરંતુ મંદીને કારણે તેમણે પોતાની ઘંટીઓ અને કારીગરો ઓછા કરી દેવા પડ્યા છે.

તેઓ હાલમાં માત્ર 2 જ ઘટી ચલાવે છે. આ માટે તેઓ નોટબંધી અને GSTને જવાબદાર માને છે.

જોકે, સરકારની આ નીતિઓ ઉપરાંત હીરાઉદ્યોગમાં આંતરાષ્ટ્રીય ઘટનાઓની પણ મોટી અસર થતી હોય છે.

હાલમાં પ્રવર્તી રહેલા અમેરિકા અને ચીનના ના ટ્રૅડ વોર ને કારણે હીરાની નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

જેમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપૉર્ટ પ્રમોશન કાઉન્સિલ ના જુલાઈ 2018ના રીપોર્ટ પ્રમાણે કાચા હીરાની આયાતમાં લગભગ 25.99 ટકાનો ઘટાડો થયો છે.

જ્યારે પૉલિશ્ડ ડાયમંડની નિકાસમાં 18.15 ટકાનો ઘટાડો થયો છે. આ આંકડા સૂચવે છે કે હીરાઉદ્યોગ આંતરાષ્ટ્રીય ઘટનાઓથી પ્રભાવિત થતો રહે છે.

આ વિશે વાત કરતા સુરતમાં હીરાના એક વેપારી મીતેશ જસાણી કહે છે, "દુનિયામાં દર 15માંથી 14 પૉલિશ્ડ ડાયમંડ ભારતમાંથી હોય છે. આ વેપારનું આંતરાષ્ટ્રીય સ્તરે હૉંગકૉંગ એક મોટું હબ છે."

"હાલમાં હૉંગકૉંગમાં ચાલી રહેલા વિરોધ અને ત્યાં ઊભી થયેલી રાજકીય સ્થિતિને કારણે હીરાની નિકાસ પર નકારાત્મક અસર પડી રહી છે.


હીરાઉદ્યોગ કોણ લોકો જોડાયેલા છે સાથે?

Image copyright Getty Images

હીરાઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતા મોટા ભાગના લોકો ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારથી છે.

મોટા ભાગના લોકો ઓછું ભણેલા કે નહીંવત ભણેલા છે. ગ્રામ્ય વિસ્તારથી યુવાનો પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ સુરતમાં આવીને હીરા ઘસવાની તાલીમ લેતા હોય છે.

આ તાલીમ આશરે 3 મહિના સુધીની હોય છે અને ત્યારબાદ એક સામાન્ય વ્યક્તિ મહિને 5 હજાર રૂપિયા જેટલું કમાઈ લેતી હોય છે.

જે બાદ કારીગર પોતાની આવડત પ્રમાણે કમાણી કરતો હોય છે. સારા કારીગરો મહિને એક લાખ સુધીની કમાણી પણ કરી લેતા હોય છે.

જેમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપૉર્ટ પ્રમોશન કાઉન્સિલના એક અંદાજ પ્રમાણે માત્ર સુરતમાં જ લગભગ સાત લાખ લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. દેશભરમાં આ આંકડો લગભગ 11 લાખ લોકોનો છે. આ તમામ લોકો સુરતનાં લગભગ 7,000 હીરાનાં કારખાનાઓમાં કામ કરે છે.


નીરવ મોદી મામલાની કેવી અસર થઈ?

Image copyright Getty Images

જેમ્સ ઍન્ડ જ્વેલરી ઍક્સપૉર્ટ પ્રમોશન કાઉન્સિલના વાઇસ ચૅરમૅન કોલીન શાહ કહે છે, "ગીતાંજલી જ્વેલર્સના નીરવ મોદીએ ભારતીય બૅંકો સાથે જે કૌંભાડ કર્યું ત્યારબાદ હીરાઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને બૅંક લોન આપતા અચકાય છે. જેના કારણે નાણા મેળવવાં મુશ્કેલ થઈ ગયાં છે."

આ વિશે વાત કરતા રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરા કહે છે કે, "બૅંકોએ એક જ માણસને એટલા રૂપિયા આપી દીધા કે તે જ્યારે ભરપાઈ ન કરી શક્યા તો બીજા અન્ય લોકોને પણ પૈસા આપવાનું બંધ કરી દીધું, જો હીરાના કારખાનાના માલિક પાસે પૈસા જ નહીં હોય તો તે પોતાનો વ્યવસાય કેવી રીતે ચલાવશે."


હાલમાં હીરાઉદ્યોગ ક્યાં છે?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કોલીન શાહ કહે છે કે હીરાઉદ્યોગના ટર્ન ઓવરમા 10%નો ઘટાડો થયો છે. હવે આ ઉદ્યોગનું ટર્ન ઓવર 25 બિલિયન યુએસ ડૉલર પર આવીને ઊભું રહી ગયું છે.

તેઓ કહે કે જો હજી સરકારની નીતિઓમાં કોઈ યોગ્ય ફેરફાર નહીં આવે તો આ ઉદ્યોગ વધારે નુકસાનમાં જશે.

સુરત ડાયમંડ ઍસોસિયેશને હાલમાં જ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને આ ઉદ્યોગની સ્થિતિ વિશે અવગત કર્યા હતા.

ઍસોસિયેશને ગુજરાત સરકાર પાસેથી એક પૅકેજની માંગણી કરી છે, જોકે હજી સુધી આ વિશે સરકાર તરફથી કોઈ સકારાત્મક પગલું લેવાયું નથી.

સુરત ડાયમંડ ઍસોસિયેશનના પ્રમુખ બાબુ કચેરીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે મંદીને કારણે અસર થતા લોકોની સંખ્યા ઓછી છે. જોકે, અમને આશા છે કે આ ઉદ્યોગ જલ્દીથી પાછો પાટા પર આવી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ