ચંદ્રયાન-2 : શું ISROએ ઇઝરાયલ પાસેથી સલાહ લીધી હતી?

ભારત ભલે ઐતિહાસિક ક્ષણ પાસે પહોંચીને ચૂકી ગયું હોય, પરંતુ ચંદ્રયાન-2ના મિશનની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે.
ભારતે ચંદ્રયાન-2ના ઑર્બિટરથી ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પાસે 'વિક્રમ' નામનું લૅન્ડર છોડવાની કોશિશ કરી હતી, પરંતુ શનિવારે સવારે તેમનો સંપર્ક તૂટી ગયો હતો.
આ સમયે લૅન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમિટર દૂર હતું. હજુ સુધી ઈસરોએ 'વિક્રમ' નષ્ટ થયું હોય એવી ઘોષણા કરી નથી.
'વિક્રમ'નું જીવન 14 દિવસનું છે અને ઈસરોને હજુ પણ આશા છે કે ફરીથી તેનો સંપર્ક થઈ શકે છે.
ઈસરોની આ કોશિશનાં વખાણ કરતાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ લખ્યું છે:
''અંતરિક્ષ ઘણું મુશ્કેલ છે. અમે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2ને લૅન્ડ કરાવવાના ઈસરોના પ્રયાસને વખાણીએ છીએ. ઈસરોના પ્રયાસથી અમે બધા પ્રેરિત છીએ. હવે ઈસરોએ ભવિષ્યની તક તરફ નજર રાખવી જોઈએ, જેથી આપણે સાથે મળીને સોલર સિસ્ટમ પર કામ કરી શકીએ.''
ચંદ્રયાન-2ની સફર હજુ પૂરી નથી થઈ, કેમ કે ઑર્બિટર પોતાનું કામ કરી રહ્યું છે. ઑર્બિટરનું એક વર્ષ લાંબું મૂન મિશન હજુ શરૂ જ થયું છે.
તેણે ગત મહિને જ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.
ચંદ્રયાન-2ના ઑર્બિટરમાં આઠ અલગઅલગ વૈજ્ઞાનિક ઉપકરણ લાગેલાં છે. તે ઉપગ્રહોનું અધ્યયન કરી રહ્યાં છે.
ઈસરોના અધિકારીઓનું કહેવું છે કે તેના ડેટાથી શોધકર્તાઓને ચંદ્રની સપાટીના માનચિત્રની ખબર પડશે.
નક્શાથી ચંદ્ર પર પાણીનો અંદાજ લગાવાઈ શકાય છે. એક દાયકા પહેલા ચંદ્રયાન-1ના ઑર્બિટરે જણાવ્યું હતુ કે ચંદ્રની સપાટી પર દક્ષિણી ધ્રુવમાં પાણી દૂર-દૂર સુધી ફેલાયેલું છે.
નાસાએ ચંદ્રયાન-1ના અભ્યાસનાં વખાણ કર્યાં હતાં.
એટલે ચંદ્રયાન-2ને ચંદ્રના દક્ષિણી ધ્રુવના વિસ્તારમાં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જોકે નાસા 2024 સુધી ચંદ્રની સપાટી પર દક્ષિણ ધ્રુવ પર બે અંતરિક્ષયાત્રી મોકલવાની યોજના પર કામ કરી રહ્યું છે.
આંશિક નિષ્ફળતા
ન્યૂયૉર્ક ટાઇમ્સે લખ્યું છે કે આ આંશિક નિષ્ફળતા છે, કારણ કે ઑર્બિટર પોતાનું કામ કરી રહ્યું છે.
અખબારે લખ્યું છે કે સંપર્ક સ્થાપિત ન થવાનું કારણ અંતરિક્ષયાનનું ક્રૅશ થવું પણ હોઈ શકે છે. ડૉ. સિવને કહ્યું કે છેલ્લી 15 મિનિટ દહેશત ભરેલી હતી.
આ વર્ષે ચંદ્ર પર અંતરિક્ષયાન ઉતારવાના ત્રણ પ્રયાસ થયા હતા.
જાન્યુઆરીમાં ચીનને આ પ્રકારના મિશનમાં સફળતા મળી હતી. આ વર્ષે એપ્રિલ મહિનામાં ઇઝરાયલે 'બૅરેશીટ' નામના એક નાના રૉબોટિક અંતરિક્ષયાનને ચંદ્ર પર મોકલ્યું હતું, પણ ચંદ્રયાન-2ની જેમ નિષ્ફળ રહ્યું હતું.
તેનો પણ ચંદ્રની સપાટી નજીક પહોંચીને સંપર્ક તૂટી ગયો હતો. પછી જાણ થઈ કે એન્જિનનો એક કમાન્ડ ખોટો હતો.
ન્યૂયૉર્ક ટાઇમ્સે એક અહેવાલમાં લખ્યું હતું, ''ચંદ્રની સપાટી પર લૅન્ડિંગથી 15 મિનિટ પહેલાં સુધી લૅન્ડર 'વિક્રમ' 3218 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પહોંચી રહ્યું હતું. ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવ પર ઊતરતી વખતી તેનું એન્જિન ધીમું પડવું જાઈતું હતું.''
''પણ ઊતરતી વખતે 'વિક્રમ'ની સ્પીડ બહુ ઓછી હતી અને આ વખતે ગ્રાઉન્ડ-સ્ટેશનથી તેનો સંપર્ક તૂટી ગયો હતો.''
ઇઝરાયલનું 'બૅરેશીટ' અને ભારતનું 'ચંદ્રયાન-2' ઓછી કિંમતે હાથ ધરવામાં આવેલાં અભિયાન હતાં.
'બૅરેશીટ'માં 10 કરોડ ડૉલરનો ખર્ચ આવ્યો હતો અને ચંદ્રયાનમાં 15 કરોડ ડૉલરનો.
બંને મિશન નાસા અને યુરોપની અંતરિક્ષ એજન્સીના મિશનની સરખામણીમાં ઘણાં સસ્તાં હતાં.
નાસા ચંદ્ર પર પહોંચવા માટે 2021માં સસ્તું 'રૉબોટિક મૂન મિશન' આરંભશે.
ઓછા ખર્ચે અભિયાન
ભારત અને ઇઝરાયલનાં સસ્તાં અભિયાનોની નિષ્ફળતાને લઈને કહેવાય છે કે આવાં અભિયાનોમાં નિષ્ફળતાનો ખતરો વધુ હોય છે એટલે નાસા પણ ઓછા ખર્ચાળ અભિયાન પર પુનર્વિચાર કરી શકે છે.
ઇઝરાયલનું 'બૅરેશીટ' અંતરિક્ષયાન 'સ્પેસ આઈએલ' અને 'ઇઝરાયલ ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (આઈએઆઈ)ને મળીને બનાવ્યું હતું.
ચંદ્રની સપાટી પર તેનું સૉફ્ટલૅન્ડિંગ કરાવવાનો પ્રયાસ કરાયો હતો, પણ તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
આ અભિયાનમાં પણ ગ્રાઉન્ડથી સંપર્ક તૂટી ગયો હતો.
આ અભિયાનની નિષ્ફળતા પર ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે 'તમે પહેલી વખત સફળ ન થાવ તો તમારે બીજી વખત પ્રયાસ કરવો જોઈએ.'
ઇઝરાયલના વડા પ્રધાન પણ 11 એપ્રિલની રાત્રે અભિયાનના લૅન્ડિંગ વખતે યહૂદમાં 'સ્પેસઆઈએલ કંટ્રોલ સેન્ટર' પર ગયા હતા.
એ વખતે ઇઝરાયલ પણ અત્યાર સુધીના મૂન-લૅન્ડિંગ કરનારા દેશો જેવા કે રશિયા, અમેરિકા અને ચીનની યાદીમાં પ્રવેશતાં ચૂકી ગયું હતું અને ભારત સાથે પણ એવું જ થયું છે.
ભારતીય વડા પ્રધાને પણ નેતન્યાહૂની જેમ કહ્યું કે 'વિજ્ઞાનમાં નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ નથી હોતી, કારણ કે દરેક પ્રયોગ કંઈ ને કંઈ શીખવે છે.'
આ દરમિયાન ઈસરોએ રવિવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-2ના ઑર્બિટરે ચંદ્રની સપાટી પર 'વિક્રમ' લૅન્ડર જોયું છે, પણ ત્યાંથી કોઈ સિગ્નલ નથી મળી રહ્યાં.
આગળની તૈયારી
ઈસરોના પ્રમુખ ડૉ. કે. સિવને કહ્યું હતું, ''વિક્રમ'નો સંપર્ક કરવાની કોશિશ કરાઈ હી છે. આગામી 14 દિવસમાં 'વિક્રમ' સંપર્ક સાધી શકે એવી આશા રાખીએ છે. વિક્રમ'નું જીવન 14 દિવસનું જ છે.''
નેશનલ જિયૉગ્રાફિકે 'વિક્રમ' લૅન્ડરથી સંપર્ક તૂટવાની ઘટના પર લખ્યું, ''વિક્રમની ઉડાણ ઘણી મુશ્કેલ હતી. ચંદ્રની સપાટી પર ઊતરતી વખતે ઝડપ બિલકુલ ધીમી હોવી જોઈએ. મોટાં ભાગનાં અભિયાનો દરમિયાન ચંદ્ર પર પહોચવામાં નિષ્ફળતા જ મળી છે.''
નાસા અનુસાર વર્ષ 1958થી અત્યાર સુધી ચંદ્ર પહોંચવા માટે 109 અભિયાનો હાથ ધરવામાં આવ્યાં હતાં, જેમાંથી માત્ર 61 જ સફળ થયાં હતાં.
46 અભિયાનો દરમિયાન ચંદ્રની સપાટી પર ઊતરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો, સફળતા માત્ર 21માં જ મળી હતી.
આગામી સમયમાં ચંદ્ર પર માનવ મોકલવા માટે નાસા અને ઈસરો બન્ને યોજના બનાવી રહ્યા છે.
ભારત અને જાપાન વચ્ચે વર્ષ 2023 દરમિયાન લાંબા અંતરનું રૉવર ચંદ્રની સપાટી પરના દક્ષિણ ધ્રુવ પર ઉતારવાની ચર્ચા ચાલી રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ ચંદ્ર પર પાણીની શોધ કરવાનો હશે.
વિજ્ઞાન પર લખતા પત્રકાર પલ્લવ બાગલા કહે છે, ''ઇઝરાયલ બૅરેશીટ અને ભારતના ચંદ્રયાન-2ની સરખામણી એ આધારે કરી શકાય કે બંને અભિયાન ચંદ્રની સપાટી પર ઊતરવામાં નિષ્ફળ રહ્યાં હતાં.''
તેઓ જણાવે છે કે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ પણ દેશના અંતરિક્ષ કેન્દ્રમાં હાજર હતા અને તેઓ સફળ અભિયાનના સાક્ષી બનવા માગતા હતા, પણ એવું ન નહોતું બની શક્યું.
મોદી પણ ચંદ્રયાન-2ની ઐતિહાસિક સફળતાના સાક્ષી બનાવા માગતા હતા, પરંતુ એ શક્ય બની શક્યું નહોતું.
ડૉ. કે. સિવનને ઇઝરાયલની નિષ્ફળતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમની ટીમે આ અંગે અભ્યાસ કર્યો હતો.
બાગલા ઉમેરે છે, ''ભારત અને ઇઝરાયલનાં અભિયાનોમાં ફરક એટલો જ હતો કે ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિલોમિટર દૂર હતું ત્યારે તેમનો સંપર્ક તૂટી ગયો હતો, જ્યારે બૅરેશીટ ચંદ્રની સપાટી 22 કિલોમિટર દૂર હતું ત્યારે ક્રૅશ થઈ ગયું હતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો