નિર્મલા સીતારમણ : નવી પેઢી ઓલા-ઉબર પસંદ કરે છે એટલે ઑટો સેક્ટરમાં મંદી

નિર્મલા સીતારમણ Image copyright Getty Images

દેશમાં ઑટો સેક્ટરમાં મંદી ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આના માટે નવી પેઢીની માનસિકતા જવાબદાર છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે ઑટોમોબાઈલ ક્ષેત્ર પર બીએસ6 અને નવી પેઢીની માનસિકતાની અસર છે.

એમણે કહ્યું કે નવી પેઢી કાર ખરીદવાને બદલે ઓલા-ઉબર વધારે પસંદ કરે છે.

નાણા મંત્રીએ કહ્યું કે બીએસ6માં રોલઆઉટની પણ અસર પડી છે.

સરકારની 100 દિવસની સાહસિક કામગીરી અંગે વાત કરતી વખતે પૂછાયેલા સવાલના જવાબમાં એમણે આ વાત કરી હતી.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ઑટો સેક્ટરમાં કેમ આવી ગઈ છે આર્થિક સુસ્તી?

શું છે ઑટો-સેક્ટરની હાલત

Image copyright PTI

ઑગસ્ટ મહિનામાં ભારતીય ઑટો-સૅક્ટર ઇતિહાસની સૌથી ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે.

દેશમાં કાર બનાવતી મોટીમોટી કંપની, જેવી કે મારુતિ સુઝૂકી ઇન્ડિયા, હ્યુન્ડાઇ, એમ ઍન્ડ એમ, તાતા મોટર્સ અને હોન્ડા કંપનીની કારનાં વેચાણમાં મોટો ઘટાડો થયો છે.

ઑગસ્ટ મહિનામાં મારુતિ કારના વેચાણમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા મહિને ઘરેલુ વેચાણ ઘટીને 34.3 ટકા નોંધાયું છે.

જ્યારે તાતા મોટર્સનાં પેસેન્જર વાહનોનું વેચાણ પણ ઑગસ્ટ મહિનામાં 58 ટકા ઘટ્યું છે.

એ જ રીત હોન્ડા કાર્સ ઇન્ડિયા અને ટોયોટો કિર્લોસ્કર મોટર (ટીકેએમ)નું વેચાણ અનુક્રમે 51 ટકા અને 21 ટકા ઘટ્યું છે.

તો સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયરનાં વેચાણમાં પણ ગત વર્ષની તુલનામાં 23.9 ટકાનો ઘટાડો થયો છે.

મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા કારનું વેચાણ ઑગસ્ટમાં ઘટીને 36,085 યુનિટ થઈ ગયું છે, જે ગત વર્ષે 48,324 યુનિટ રહ્યું હતું. ઘરેલુ માર્કેટ પણ ઑગસ્ટ મહિનામા 26 ટકાનો ઘટાડો નોંધાયો છે.

એમ ઍન્ડ એમ કંપનીએ ગયા મહિને 13,507 કાર વેચી હતી, જેની સંખ્યા ઑગસ્ટ 2018માં 19,758ની હતી. એટલે કે વેચાણમાં 32 ટકાનો ઘટાડો થયો છે.

એ જ રીતે હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL)નું સ્થાનિક વેચાણ ઑગસ્ટમાં ઘટીને 8,291 એકમ રહ્યું હતું, જે ગત વર્ષે ઑગસ્ટ મહિનામાં 17,020 હતું.

હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના સ્થાનિક વેચાણમાં પણ 16.58 ટકાનો ઘટાડો થયો છે.

આખા દેશમાં માગમાં ઘટાડો થયો છે જે આર્થિક મંદીનો સંકેત છે.

દેશના કાર ઉદ્યોગ પર આની સૌથી મોટી અસર થઈ છે. કંપનીઓ અસ્થાયી રૂપે ઉત્પાદન રોકવા અને નોકરીઓમાં ઘટાડો કરવા માટે મજબૂર થઈ રહી છે.

જુલાઈમાં મુસાફરીનાં વાહનોનાં વેચાણમાં 30 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો છે.

બૅન્કિંગ સૅક્ટરમાં આવેલા સંકટના કારણે ઑટોડીલર અને સંભવિત કાર ખરીદનાર પણ લૉન લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

મોટા ઉદ્યોગોને સપ્લાય કરતા આ નાના મધ્યમ કદના ઉદ્યોગો સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો