કાસ્ટ મૅટર્સ : જ્ઞાતિપ્રથા અંગેના આ પુસ્તક પર આટલો વિવાદ શા માટે થઈ રહ્યો છે?

સૂરજ યેંગડે Image copyright SURAJ YENGADE
ફોટો લાઈન સૂરજ યેંગડે

આફ્રિકનો જેવા લાંબાવાળા, શાનદાર સૂટ પહેરલા અને આત્મવિશ્વાસથી છલકતા સૂરજ યેંગડે અલગ પ્રકારનું વ્યક્તિત્વ લાગે છે. તેમનું હાલમાં જ પ્રકાશિત થયેલું પુસ્તક 'કાસ્ટ મૅટર્સ' વિવાદાસ્પદ બન્યું છે.

ટ્વિટર બાયોમાં સૂરજ યેંગડેએ પોતાનો પરિચય આંબેડકરવાદી અને આફ્રિકાવાદી તરીકેનો આપેલો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના છે. હાલમાં અમેરિકાની હાર્વડ યુનિવર્સિટીમાં પોસ્ટ ડૉક્ટોરલ ફેલો તરીકે કામ કરી રહ્યા છે.

ગયા મહિને આવેલું તેમનું પુસ્તક 'કાસ્ટ મૅટર્સ' હાલ ચર્ચામાં ચડ્યું છે. ઘણા બધા લોકો સૂરજ યેંગડેની લેખક તરીકે પ્રસંશા કરી રહ્યા છે અને સાથે જ આ પુસ્તકની ખૂબ ટીકા પણ થઈ રહી છે.

આખરે એવું શું છે આ પુસ્તકમાં? તેના કારણે જાગેલા વિવાદ વિશે સૂરજ યેંગડેનું શું કહેવું છે?

સૂરજ યેંગડે સાથે તેમના પુસ્તક સહિત અન્ય મુદ્દાઓ પર મેં વાતચીત કરી. ગરીબીમાં વિતાવેલા બાળપણથી માંડીને અહીં સુધીની સફર વિશે પણ વાતચીત થઈ.

આ સમયગાળામાં તેમણે અનેકવાર ભેદભાવ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વાતચીતમાં તેમણે એ પણ જણાવ્યું કે કઈ રીતે અભ્યાસ માટે તેમને ચાર ખંડનો પ્રવાસ કરવો પડ્યો.

આ લેખ સૂરજ યેંગડ સાથેની વાતચીતના આધારે તૈયાર થયો છે. 'કાસ્ટ મૅટર્સ' સૂરજ યેંગડેનું બીજું પુસ્તક છે, જે પેન્ગ્વીને પ્રકાશિત કર્યું છે.

નાંદેડની ભીમનગર કૉલોનીમાં ગરીબ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. બાળપણ ત્યાં જ વીત્યું. પ્રાથમિક અભ્યાસની સાથે ખેતરોમાં કામ કરવા પણ જવું પડતું હતું. થોડો સમય ટ્રકમાં ક્લિનર તરીકે પણ કામ કર્યું હતું.

કૉલેજનો અભ્યાસ પણ નાંદેડમાં જ પૂરો થયો. તે પછી થોડો સમય મુંબઈમાં રહ્યા અને પછી ભણવા માટે વિદેશ જતા રહ્યા.

સૂરજ યેંગડેએ આફ્રિકા, યુરોપ અને અમેરિકાની જુદી જુદી ઘણી સંસ્થાઓમાં અભ્યાસ કર્યો. કોઈ આફ્રિકન યુનિવર્સિટીમાંથી પીએચડી કરનારા તેઓ પ્રથમ દલિત વિદ્વાન બન્યા. તેમણે દક્ષિણ આફ્રિકાની જોહનિસબર્ગ યુનિવર્સિટીમાં પીએચડી કર્યું હતું.

તેમણએ દલિત ચિંતક આનંદ તેલતુમ્બડે સાથે મળીને 'ધ રેડિકલ ઇન આંબેડકર' નામના પુસ્તકનું સંપાદન પણ કર્યું છે.


'કાસ્ટ મૅટર્સ' વિશે સૂરજ યેંગડેના વિચારોઃ

Image copyright AFP
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સૂરજ યેંગડેએ પોતાના પુસ્તકમાં ભારતની જ્ઞાતિની વાસ્તવિકતા વિશે વિસ્તારથી ચર્ચા કરી છે.

પોતાની સાથે થયેલા ભેદભાવ ઉપરાંત આજના ભારતમાં દલિતોની શું સ્થિતિ છે તેના વિશે પણ લખ્યું છે. જ્ઞાતિવિરોધી આંદોલનો સામે કેવા પડકારો રહેલા છે તેની પણ ચર્ચા કરી છે.

આ પુસ્તક લખવા પાછળનો હેતુ જણાવતા સૂરજ યેંગડે કહે છે, ''મેં દુનિયાભરના સામાજિક અને રાજકીય આંદોલનોની સમીક્ષા કરી. તેના પર મેં ભારતીય દૃષ્ટિકોણથી વિચાર કર્યો, જેની પાછળનો ઇરાદો હતો તેની સાથે ભારતના સામાજિક અને રાજકીય આંદોલનોની સરખામણી કરવી.''


'દેશ છોડ્યા પછીય જ્ઞાતિએ પીછો છોડ્યો નહિ'

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સૂરજ યેંગડે કહે છે ''ભારતમાં દલિત આંદોલનની હાલની સ્થિતિ શું છે? મીડિયામાં રહેલા આર્થિક રીતે સુખી લોકો, સાહિત્યની દુનિયામાં રહેલા ઊંચા દરજ્જાના લોકો અને ઉદ્યોગ જગતમાં રહેલા ઉચ્ચ વર્ગની સ્થિતિ શું છે? મેં આ બધા વર્ગોની સ્થિતિ તુલનાત્મક રીતે જોઈ ત્યારે મને લાગ્યું કે ભારતીય સંદર્ભમાં જ્ઞાતિ સૌથી અગત્યનો મુદ્દો છે.''

''તમે કોઈ પણ ધર્મના હો, તમે કોઈ પણ પ્રદેશમાં રહેતા હો, તમારી વિચારધારા કોઈ પણ હોય, બધી જ બાબતોને જોડનારી બાબત છે જ્ઞાતિ.''

''તમે કોઈ જ્ઞાતિમાં જન્મ્યા એટલે તમારે એ જ જ્ઞાતિમાં રહીને જીવવું પડે. તમે પોતે જ્ઞાતિના બંધનથી છુટકારો મેળવવા માગતા હો તો પણ તે તમારો પીછો છોડતી નથી.''


દલિતોનું વર્ગીકરણ

Image copyright SURAJ YENGADE
ફોટો લાઈન સૂરજ યેંગડે

સૂરજ યેંગડેએ પોતાના પુસ્તકમાં દલિતોને ઘણા વર્ગમાં વહેંચ્યા છે. પુસ્તકના એક પ્રકરણનું નામ છે - ધ મેની શેડ્સ ઑફ દલિત્સ. પ્રકરણમાં દલિતોને જુદા જુદા વર્ગમાં વહેંચ્યા છે, જેમ કે...

ટોકન દલિત. તેમાં બે પેટા વિભાગો છે, કટ્ટરપંથી અને પ્રતિક્રિયાવાદી.

ઉચ્ચ વર્ગના દલિત. નોકરી કરનારો આ પાખંડી વર્ગ છે, જે ત્રીજી પેઢીના દલિતો છે.

આત્મમુગ્ધ દલિત. નુકસાનકારક દલિત, ક્રાંતિકારી દલિત.

પોતાના પુસ્તકમાં સૂરજે એવી દલીલ કરી છે કે ''વિશેષાધિકારો મેળવી ચૂકેલા દલિત સામાજિક, આર્થિક તથા રાજકીય રીતે નીચલા દરજ્જાના લોકો સાથે જ્ઞાતિગત ભેદભાવ કરે છે. તેનું પરિણામ એ આવ્યું કે બધા જ દલિતો વચ્ચે એકતા શક્ય બનતી નથી. તેના કારણે દલિતવિરોધી શક્તિઓ સામે સંઘર્ષમાં વિભાજન પડી જાય છે.''

દલિતોનું આવું વર્ગીકરણ કરવામાં આવ્યું તેના કારણે ઘણા લોકોએ સૂરજ યેંગડેની ટીકા કરી છે.

ખુદ લેખક એવા આંબેડકરવાદી આઈએએસ અધિકારી રાજા શેખર વુન્દ્રુએ આ પુસ્તકનું ધ ટ્રીબ્યૂનમાં અવલોકન કરતાં લખ્યું છે કે ''સૂરજ યેંગડેનું પુસ્તક ડ્રોઈંગ રૂમમાં બેસીને થતી ચર્ચાના સાર જેવું છે.''

''પુસ્તક અજાણ્યા માર્ગે વળવાનું જોખમ લઈ રહ્યું છે અને દલિત આંદોલન પર આકરો પ્રહાર કરતું હોય તેમ લાગે છે. જ્ઞાતિના વર્ગીકરણના નામે મધ્યમ વર્ગના દલિતો પર પ્રહાર કરવામાં આવ્યા છે.''

વિદ્વાન જાદુમણિ મહાનંદે પણ યેંગડેના પુસ્તકની સમીક્ષા કરીને 'વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં નકલી ક્રાંતિકારી આંદોલન' એવો લેખ લખ્યો છે.

લેખમાં તેમણે યેંગડેના પુસ્તકની કડક ટીકા કરતાં લખ્યું છે કે ''દલિતો એકતામાં રહેનારો વર્ગ છે. સૂરજ દ્વારા તેમનું આ રીતે જુદા જુદા વર્ગોમાં વિભાજન નહિ થઈ શકે.''

આવી ટીકાના જવાબમાં યેંગડે કહે છે કે ''તેમણે આવી રીતે વર્ગીકરણ કરીને એવું દર્શાવવાની કોશિશ કરી છે કે દલિત પોતાની રીતે એક વિશાળ સમુદાય નથી. તેમની અંદર જ કેટલાય વર્ગો છે, જેમની અલગ અલગ અપેક્ષાઓ છે. દલિતોને એક બીબાઢાળ રીતે જોવાની વાત સામે પડકાર ફેંકવાનો યેંગડેનો ઇરાદો છે.''

તેમનું કહેવું છે કે ''દલિતોનું વિભાજન નકારાત્મક પણ નથી કે સકારાત્મક પણ નથી. આ બધા જ વર્ગોની અપેક્ષાઓની અભિવ્યક્તિ છે, જેને આજના જમાનામાં વ્યક્ત કરવી બહુ જરૂરી છે.''

સૂરજ કહે છે, ''હકીકતમાં દલિતો માટે બહુ જ રૂઢિવાદી અભિગમ કેળવી લેવાયો છે. દાખલા તરીકે ઉચ્ચ શિક્ષણનો દાખલો લઈએ તો કુલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં ત્રણ ટકા પણ દલિતો નથી. આમ છતાં તે લોકો આ ત્રણ ટકાને દેખાડીને કહે છે, જુઓ દલિતોની સ્થિતિ સુધરી ગઈ છે.''

''હું આવા વિચારથી આગળ વધવા માગું છું. હું જણાવવા માગું છું કે દલિતોમાં પણ એકથી વધારે વર્ગો છે, તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ અલગ અલગ છે.''

તેઓ ઉમેરે છે, ''આ વર્ગીકરણ દલિત સમુદાયોની આશા અને અપેક્ષાઓ સાથે જોડાયેલું છે. આજે તેને દર્શાવવું જરૂરી છે. મારો તર્ક એ છે કે જ્ઞાતિ વ્યવસ્થાને કારણે દલિતોમાં પણ આટલા વર્ગો ઊભા થઈ ગયા છે.''


બ્રાહ્મણવાદ સામેનો બ્રાહ્મણનો વિરોધ

Image copyright Getty Images
ફોટો લાઈન પુસ્તક સાથે યેંગડે અને અન્ય

યેંગડેના પુસ્તકમાં એક પ્રકરણ છે - બ્રાહ્મણવાદ સામે બ્રાહ્મણ. પુસ્તકના આ એક પ્રકરણ માટે યેંગડેની બહુ ટીકા થઈ છે.

આરોપ એવો છે કે સૂરજ યેંગડેએ બ્રાહ્મણોનો મહિમા જ કર્યો છે. તેના જવાબમાં તેઓ કહે છે કે બ્રાહ્મણોની એ ઐતિહાસિક જવાબદારી છે કે તેઓ જ્ઞાતિવિરોધી આંદોલનમાં સક્રિય રૂપે સામેલ થાય. એવા ઈરાદા સાથે જ તેમણે આ પ્રકરણ લખ્યું છે.

યેંગડે કહે છે, ''જ્ઞાતિ વ્યવસ્થા દલિતોએ નથી બનાવી. તે એમના ઉપર થોપી દેવામાં આવી છે. જેની સ્થાપનામાં આપણી કોઈ ભૂમિકા નથી, તેને ખતમ કરવા માટે આજે આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ.''

''મારું એમ કહેવું છે કે જેમણે આ વ્યવસ્થા શરૂ કરી, તેમણે પણ તેને નાબુદ કરવા માટેના સંઘર્ષમાં સક્રિય ભૂમિકા અદા કરવી જોઈએ.''

''બ્રાહ્મણોને સદીઓથી સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય રીતે વિશેષાધિકારો મળેલા છે. તેથી તેઓ દલિતોનો અવાજ બુંલદ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે.''

''આવી સ્થિતિમાં શા માટે માત્ર દલિતો જ જ્ઞાતિવિરોધ આંદોલન માટે સંઘર્ષ કરે? જ્ઞાતિ વ્યવસ્થાનો અંત સમાજના બધા જ વર્ગોના લોકોની ચિંતા હોવી જોઈએ.''

તેઓ વધુમાં કહે છે, ''હું જ્યારે બ્રાહ્મણો વિશે વાત કરું છું, ત્યારે મારો અર્થ બ્રાહ્મણ જ્ઞાતિ નથી, પણ બ્રાહ્મણવાદી વિચારસરણી છે.''

''એવી વિચારસરણી જે બીજાથી પોતાને ઉપર માને છે. મહાત્મા ફૂલે અને બાબાસાહેબ આંબેડકરે શરૂ કરેલા આંદોલનમાં બ્રાહ્મણ અને બિનદલિત જ્ઞાતિઓ પણ જોડાઈ હતી. પરંતુ આજે એવા કોઈ લોકોને હું જ્ઞાતિવિરોધી આંદોલન સાથે જોડાયેલા જોતો નથી. તે લોકો ક્યાં છે?

''દુનિયાના ઘણા આંદોલનોમાં આવું થતું આપણે જોયું છે. અમેરિકામાં અશ્વેત લોકો ગોરા લોકોની વચ્ચે રંગભેદનો સામનો કરવા માટે લડી રહ્યા છે.''


દલિત મૂડીવાદ

Image copyright Bhargav Parikh
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક વર્ષોથી દલિત મૂડીવાદની પણ ચર્ચા થવા લાગી છે. દલિત ઉદ્યોગપતિઓનું એક સંગઠન ડીઆઈસીસીઆઈ તે ચર્ચાના કેન્દ્રમાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દલિત મૂડીવાદ દલિતોના ઉદ્ધારનું એક માધ્યમ છે. આ પુસ્તકમાં એક આખું પ્રકરણ દલિત મૂડીવાદ પર લખાયું છે.

યેંગડેએ દલિત મૂડીવાદ સામે ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે. તેમનું કહેવું છે કે ''દલિત મૂડીવાદનો વિચાર તો સારો છે, પણ તેનો પાયો બહુ નબળો છે.''

''દલિત મૂડીવાદના પ્રણેતાઓનું કહેવું છે કે અશ્વેત મૂડીવાદીઓની જેમ તેઓ કામ કરશે. પરંતુ તમે અશ્વેત મૂડીવાદની શરૂઆત અને તેની આજ સુધીની સફર જોશો તો ખ્યાલ આવશે કે તે અને દલિત મૂડીવાદ વચ્ચે કેટલો મોટો તફાવત છે.''

યેંગડેનું કહેવું છે કે ''તમારી પાસે મૂડી હોય તો પણ તમારે ભેદભાવનો સામનો કરવો પડી શકે છે. તેમનું કહેવું છે કે એક જમાનામાં દલિતો મૂડીવાદી હતા.''

''એલેનોર જેલિયટે લખ્યું છે કે ભારતમાં 19મી સદીમાં મહાર જ્ઞાતિમાં મૂડીવાદીઓ હતા. બ્રિટિશ રાજના ઘણા દસ્તાવેજો પણ આ વાતને સમર્થન મળે છે.''

''ઉત્તર ભારતમાં ચમાર મૂડીવાદી જ રહ્યા છે. તો શું તેનાથી જ્ઞાતિ વ્યવસ્થા ખતમ થઈ ગઈ? શું તેમાં કોઈ પરિવર્તન આવ્યું? ઉલટાનું એવું થયું કે મૂડીવાદે દલિતોને પોતાનામાં સમાવી લીધા.''

સૂરજનું કહેવું છે કે ''દુનિયાભરમાં મૂડીવાદનો વિરોધ થઈ રહ્યો છે. મૂડીવાદીઓને પણ ખબર છે કે તેમની સામેનું સૌથી મોટું જોખમ એ લોકો તરફથી જેઓ સૌથી વધુ શોષિત છે અને સંસાધનહિન છે.''

''ભારતમાં દલિતો સૌથી વધુ શોષિત છે. આજે મૂડીવાદ તેમને પોતાની અંદર સમાવી લેવાની કોશિશ કરી રહ્યો છે. તેના માટે મૂડીવાદી શક્તિઓ સરકારનો ઉપયોગ કરી રહી છે.''


દલિત આંદોલનનું ભવિષ્ય શું હશે?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

વર્તમાન સમયના દલિત રાજકારણ અને દલિત આંદોલન વિશે વાત કરતાં સૂરજ કહે છે કે ''દલિત આંદોલન અત્યારે બહુ મર્યાદિત વર્તુળમાં કામ કરી રહ્યું છે. દલિતો માટે આધારસ્તંભ પર જ પ્રહારો થયા રહ્યા છે. ભારતનું બંધારણ ઘડવામાં દલિતો પણ હતા, પણ આજે દલિતોની સામે જ તેમાં ફેરફારો થઈ રહ્યા છે. તેનો અર્થ શું થાય? તેનો અર્થ એ કે દલિત આંદોલનમાં દૂરંદેશીપણું ખૂટે છે.''

''આંદોલનમાં આકાંક્ષાઓને સમાવી લેવાની ક્ષમતા નથી. આજે જમણેરી અને ડાબેરી આંદોલન, બાબાસાહેબ આંબેડકરના નામે દલિત આંદોલન પર કબજો કરવાની કોશિશ કરી રહ્યા છે.''

''એક રીતે જુઓ તો બધા જ વર્ગો આંબેડકરને અપનાવવા માટે તત્પર દેખાય છે. પરંતુ તેઓ આંબેડકરના સંપૂર્ણ વિચારને સ્વીકારવા માટે તૈયાર નથી. તેઓ આંબેડકર આંદોલનની ધાર પર કબજો કરવાની કોશિશમાં છે.''

''આજે દલિત રાજકારણ પણ ડાબેરી અને જમણેરી ધ્રુવીકરણનો ભોગ બની ગયું છે. દલિત રાજકારણ જમણેરી વિચારધારાનું વિરોધી હોવું જોઈએ. જમણેરીવિરોધી રાજકીય ગઠબંધન મજબૂત નથી, તેના કારણે દલિત આંદોલનનું ભવિષ્ય પણ સારું લાગતું નથી.''

તેઓ કહે છે, ''મને આજના યુવા વર્ગ વિશે બહુ ચિંતા થાય છે. આજનો યુવા ફેસબૂક અને વ્હોટ્સએપમાં લાઈક અને કમેન્ટમાં વ્યસ્ત છે. તેમની પાસે કોઈ કેન્દ્રીય કે મજબૂત એજન્ડા છે જ નહિ. કેટલાક યુવાનો તેમાં અપવાદ હોઇ શકે, પણ વ્યાપક દૃષ્ટિથી જોઈએ તો બહુ મોટો ખાલીપો દેખાઈ આવે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો