ઑટો સૅક્ટરમાં મંદી માટે OLA, UBERની સેવા કેટલી જવાબદાર? : ફૅક્ટ ચેક

નિર્મલા સીતારમણ Image copyright Getty Images

ભારતનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓલા અને ઉબર જેવી કૅબ સેવાને ઑટો સૅક્ટરમાં આવેલી મંદી માટે મુખ્ય કારણ ગણાવી હતી.

નિર્મલા સીતારમણની પ્રેસ કૉન્ફરન્સનો એક વીડિયો સોશિયલ મડિયા પર શૅર કરવામાં આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યાં છે," મિલેનિયલ નવાં વાહનો ખરીદીને માસિક હપ્તામાં બંધાવા માગતા નથી અને ઓલા-ઉબર જેવી કૅબ સેવા વાપરે છે. આની અસર ઑટો ઇન્ડસ્ટ્રી પર પડી રહી છે."

ગુરુવારે #Millennials ટ્વિટરના ટૉપ ટ્રૅન્ડ્સમાં સામેલ રહ્યું જેની સાથે લોકોએ તેમના નિવેદનની મજાક પણ કરી હતી.

મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતા ચેન્નઈમાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચર્સ (સિયામ) પ્રમાણે ઑગસ્ટ મહિનામાં વાહનોનું વેચાણ સતત નવમાં મહિને પણ ઘટ્યું હતું. ઑટો સૅક્ટરમાં આ સુસ્તી ક્યાં સુધી રહેવાની આશા છે? ઘણા મોટા કાર ડિલરો દાવો કરી રહ્યા છે કે સરકાર ગાડીઓના વેચાણ પર એસજીએસટી અને 17 ટકા સેસ વસૂલ કરે છે. જો તેમાં અમુક પ્રકારે કાપ મૂકવામાં આવે તો ગાડીઓનું વેચાણ વધશે. આના પર સરકારનો શું વિચાર છે?"

તેના જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "હું તમારી વાતથી સહમત છું. આ તર્ક બરાબર લાગે છે."

"પણ કોઈ કારણ છે જેના કારણે અત્યારે વેચાણ ઘટ્યું છે. બીએસ-6નું આવવું અને રજિસ્ટ્રેશન ફી સાથે સંકળાયેલાં કારણો પણ આમાં સામેલ છે."

"એ સિવાય અમુક અધ્યયન થયાં છે જે જણાવે છે કે મિલેનિયલ લોકો (નવી પેઢી) કોઈ નવું વાહન ખરીદવા માટે લૉન લઈને માસિક હપતાઓમાં ફસાવા નથી માગતા અને પરિવહન માટે ઓલા કે ઉબર જેવી સેવાઓ અથવા મેટ્રોમાં જવાનું પસંદ કરે છે. આ કારણોસર ઑટો ઇન્ડસ્ટ્રી પ્રભાવિત થઈ છે."

છેલ્લા બે દાયકામાં પૅસેન્જર વાહનોના વેચાણમાં સૌથી ખરાબ પ્રદર્શન 2019માં જોવા મળ્યું હતું, ત્યારે નાણામંત્રીની આ દલીલમાં કેટલું વજન છે?

અમારી તપાસમાં અમે જાણ્યું કે સિયામના આંકડા, ગત વર્ષમાં ટૅક્સી કે કૅબના રજિસ્ટ્રેશનનો ડેટા અને કૅબ સેવાઓના 'ગ્રોથરેટ'માં ઘટાડો, નાણામંત્રીના નિવેદન પર પ્રશ્નો ઊભા કરે છે.


ઑટો સેક્ટરમાં મંદી પર સિયામનો રિપોર્ટ

Image copyright Getty Images

વાહન કંપનીઓનું સંગઠન સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સ નાણાકીય વર્ષ 1997-98થી વાહનોના થોક વેચાણના આંકડા નોંધી રહ્યું છે.

સિયામ મુજબ ભારતમાં જે ગાડીઓ ઓલા અને ઉબર જેવી સેવાઓ દ્વારા વાપરવામાં આવે છે તેના વેચાણમાં પણ ઘટાડો થયો છે.

સંગઠનનો રિપોર્ટ જણાવે છે કે વર્તમાન મંદી કાર(પૅસેન્જર વાહનો)ના વેચાણ પૂરતી નથી.

થ્રી વ્હિલર, ટ્રૅક્ટર, ટ્રક અને અન્ય ભારે વાહનો સહિત ટૂ વ્હિલર વાહનોનું વેચાણ પણ ગત વર્ષની સરખામણીમાં ઘટ્યું છે.

સિયામ મુજબ આ બધી શ્રેણીનાં વાહનોના વેચાણમાં છેલ્લા નવ મહિનામાં સતત ઘટાડો નોંધાયો છે.

સિયામની 9 સપ્ટેમ્બર 2019ની એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઍપ્રિલ-ઑગસ્ટ 2018ના ગાળામાં જ્યાં 13,699,848 વાહનો બનાવાયાં અને એપ્રિલ-ઑગસ્ટ 2019ના ગાળામાં આ આંકડો ઘટીને 12,020,944 રહી ગયો. એટલે કે વાહનોના ઉત્પાદનમાં પણ 12.25 ટકાનો ઘટાડો થયો.

Image copyright SIAM

ભારતમાં સૌથી વધુ કાર વેચનાર મારુતિ સુઝુકી ઇન્ડિયાના શશાંક શ્રીવાસ્તવે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, "ભારતીય નાણામંત્રીએ જે વાત કહી તેવા કોઈ તારણ સુધી પહોંચવા માટે મોટા અધ્યયનની જરૂર છે."

"હાલ અમને નથી લાગતું કે દેશમાં કારની માલિકીની પૅટર્નમાં કોઈ ફેરફાર થયો છે અને ગાડીઓના વેચાણમાં આવેલા ઘટાડા માટે ઓલા-ઉબર સેવા જવાબદાર છે."

શશાંક કહે છે, "ઓલા અને ઉબર જેવી કૅબ સેવા છેલ્લાં 6-7 વર્ષમાં શરૂ થઈ છે. આ જ તે સમય છે જે ઑટો ઇન્ડસ્ટ્રી માટે સૌથી સારો સમય કહી શકાય."

"છેલ્લા કેટલાક મહિનાઓમાં આ કૅબ સેવાએ એવું તો શું કર્યું કે આખી ઇન્ડસ્ટ્રીમાં મંદી આવી ગઈ. હું નથી માનતો ઓલા-ઉબરને કારણે આવું થયું છે."

અમેરિકન ઑટો સેક્ટરનો ઉલ્લેખ કરતા શશાંક કહે છે, "અમેરિકામાં આજે ઉબરનું નેટવર્ક બહુ મોટું છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગાડીઓનું ધોમ વેચાણ જોવા મળ્યું છે."

વરિષ્ઠ અર્થશાસ્ત્રી વિવેક કોલે બીબીસીને કહ્યું, " મિલેનિયલ પૅસેન્જર કાર ન ખરીદે તેને ઑટો સૅક્ટરની મંદી માટે જવાબદાર ઠેરવવું, આ વાત ઉડાડી દેવા જેવી નથી. ઑટો સૅક્ટરની દરેક શ્રેણીમાં ઘટાડો જોવા મળ્યો છે."

"સત્ય એ છે કે સમાજમાં પૈસા ખર્ચ કરવા અંગે ચિંતા છે અને લોકો પોતાના ઇકૉનૉમિક ફ્યૂચરને લઈને આશ્વસ્ત નથી દેખાતા."


કૅબ રજિસ્ટ્રેશન ઓછું થયું

Image copyright Getty Images

નાણામંત્રી મુજબ અમુક સંભાવિત ગ્રાહકોએ ઓલા અને ઉબરના કારણે પૅસેન્જર વાહન ન ખરીદ્યાં.

તો શું આ પરિસ્શિતિમાં ઓલા-ઉબર અને અન્ય ટૅક્સી સર્વિસ જે વાહન ચલાવે છે એની સંખ્યામાં પણ ઘટાડો થયો છે?

આની તપાસ કરવા માટે અમુક રાજ્યોના કૉમર્સિયલ વાહનોના રજિસ્ટ્રેશનના આંકડા પર નજર કરીએ.

અમે દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના આંકડા જોયા કારણ કે આ રાજ્યોમાં ઓલા-ઉબર જેવી ઍપ આધારિત ટૅક્સી સેવાઓ બીજા રાજ્યોની સરખામણીમાં મોટા પ્રમાણમાં વપરાય છે.

ઓલા અને ઉબર આ રાજ્યોમાં કારની સાથે-સાથે ઑટો રિક્ષા પણ વાપરી રહી છે.

અમે જાણ્યું કે આ બધાં રાજ્યોમાં 1 જાન્યુઆરીથી 11 સપ્ટેમ્બર 2018ની સરખામણીમાં આ વર્ષે 11 સપ્ટેમ્બર સુધી ટૅક્સી અને થ્રી વીલરનું કૉમર્સિયલ રજિસ્ટ્રેશન ઘટ્યું છે.


શું કૅબ યૂઝર ઝડપથી વધ્યા?

Image copyright Getty Images

ઑટો સૅક્ટરમાં વિશ્લેષકો પ્રમાણે ઍપ આધારિત કૅબ સેવા વાપરીને ભારતમાં લોકો દરરોજ 36 લાખથી વધુ રાઇડમાં સફર કરે છે.

નાણામંત્રી પોતાના નિવેદનમાં આ લોકોનો ઉલ્લેખ કરી રહ્યાં છે જેઓ ગાડી ખરીદી શકે છે, પરંતુ આમાંથી મોટા ભાગના લોકોએ કૅબમાં જ મુસાફરી ચાલુ રાખી છે.

તો શું આવા લોકોની સંખ્યા દેશમાં બહુ ઝડપથી વધી છે જેના કારણે ઑટો સૅક્ટરમાં આની અસર દેખાવા લાગી? ના એવું નથી.

હાલમાં જ 'ઇકૉનૉમિક ટાઇમ્સ' અખબારમાં ઑટો સેક્ટરના નિષ્ણાતો અને ઓલા-ઉબર કંપનીઓના આંતરિક સૂત્રોને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત કર્યો જેના પ્રમાણે આ કંપનીઓની ગ્રોથની ગતિ ધીમી પડી હતી.

આ અહેવાલ મુજબ વર્ષ 2019માં ઍપ આધારિત કૅબ સેવાનો ઉપયોગ કરીને માત્ર દોઢ લાખ નવી રાઇડ લેવામાં આવી. જ્યારે વર્ષ 2018માં ઓલા ઉબર યૂઝર્સે ઓછામાં ઓછી 35 લાખ રાઇડ લીધી હતી.

રિપોર્ટ પ્રમાણે વર્ષ 2016માં આ કંપનીઓમાં 90 ટકા ગ્રોથ રેટ હતો જે 2017માં ઘટીને 57 ટકા થઈ ગયો હતો, 2018માં 20 ટકા અને જૂન 2019માં આ ગ્રોથ રેટ 4.5 ટકા સુધી પહોંચી ગયો હતો.


તો નાણામંત્રીની દલીલ બેકાર છે?

Image copyright Getty Images

બીબીસી સાથે વાત કરતા એચડીએફસીના ચીફ ઇકૉનૉમિસ્ટ અભિક બરુઆએ કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણની વાતમાં પૉઇન્ટ છે અને તેને નકારી કાઢવી એ નાદાની હશે.

અભિકે કહ્યું, "એમાં કોઈ શંકા નથી કે ઑટો સૅક્ટર ઘણાં કારણોથી મંદીમાં સપડાયું છે."

"મિલેનિયલ કાર ખરીદવાની જગ્યાએ ઍપ બેઝ્ડ કૅબ સેવાને પસંદ કરે છે અને આની ઑટો સૅક્ટર પર કોઈ અસર નથી, એ વિચારી લેવું એક ભૂલ હોઈ શકે છે. કાર નિર્માતાઓએ આ વિશે વિચારવું જોઈએ."

"નિર્મલા સીતારમણના નિવેદન પર ચર્ચા વચ્ચે અનેક લોકો મહિન્દ્રા કંપનીના ચૅરમૅન આનંદ મહિન્દ્રાના ચાર વર્ષ જૂના ટ્વીટ અને નિવેદન શૅર કરી રહ્યા છે જેમાં તેમણે કહ્યું હતું, "ઓલા અને ઉબર જેવી ટૅક્સી સેવાઓ આવનારા સમયમાં ઑટો વેચાણને ખાઈ શકે છે. ત્યારે લોકો તેવી જ ગાડી ખરીદશે જે તેમને પ્રિય હશે."


'મિલેનિયલ વિચારસરણી'નો અર્થ શું?

Image copyright Getty Images

શું છે 'મિલેનિયલ વિચારસરણી' જેનો ઉલ્લેખ નિર્મલા સીતારમણે કર્યો હતો? આ સમજવા માટે અમે વરિષ્ઠ ઑટો પત્રકાર કિશી સિંહ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું," આ સમજવા માટે દાખલા તરીકે કોઈ 22 વર્ષની મિલેનિયલ વ્યક્તિને લઈએ જેની નવી નવી નોકરી લાગી છે."

"તેને ગાડી ખરીદવી છે જેના માટે 4-6 લાખ રૂપિયાની જરૂર છે. માતાપિતા પાસેથી મદદ ન મળે તો તેને લૉન લેવી પડે જેના હપતા થશે."

"એટલે 22 વર્ષની ઉંમરમાં લૉન લેવી પડે. પછી કારનો વાર્ષિક વીમો, ડીઝલ-પેટ્રોલનો ખર્ચ અને ટાયર બૅટરીનો ખર્ચ અલગ. "

"આની વચ્ચે મિલેનિયલનો સૌથી મોટો દુશ્મન ડેપ્રીસિએશન એટલે કારની કિંમત ઘટી જવી છે."

"4-6 લાખની તે ગાડી ત્રણ વર્ષ બાદ 2 લાખથી વધુમાં નહીં વેચાય. મોટી અને મોંઘી ગાડીમાં ડેપ્રીસિએશન વધારે થાય છે."

"જો આ પૂર્ણ કિંમત ઓલા અથવા ઉબરથી મુસાફરીના ખર્ચામાં વસૂલ થાય તો પણ ઓછી કિંમત પડશે."

"કૅબથી ચાલવામાં બીજી મુશ્કેલી ઓછી થાય છે જેમકે પાર્કિંગ, ચલાન વગેરે."

કિશી સિંહ એ વાત પર ભાર મૂકે છે કે વાહનોનું વેચાણ ઘટવા માટે જવાબદાર કારણો ગણવામાં આવે તો મિલેનિયલ વિચારસરણી પ્રથમ પાંચ કારણોમાં સ્થાન નહીં પામે.

તેમણે કહ્યું, "ટૅક્નૉલૉજીના આધારે જોઈએ તો 'ભારત સ્ટેજ-6' આવવાથી કાર બજાર પર ખાસી અસર થઈ છે."

"ઘણા ગ્રાહકો આ નિયમ લાગુ થવાની રાહ જોઈ રહ્યા છે અને ત્યાર સુધી કૅબ સેવા અને મેટ્રો સેવા વાપરી રહ્યા છે."

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન મુજબ ઑટો સૅક્ટરથી જોડાયેલા નિષ્ણાતો અને સંગઠનોનાં નિવેદનને જોઈને કહી શકાય કે કારનું વેચાણ ઘટ્યું તેની પાછળ ઓલા-ઉબર બહુ મોટું કારણ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ