ગૂગલે જેમનું ડૂડલ બનાવ્યું એ હંસ ક્રિશ્ચિયન ગ્રામ કોણ છે?

ગુગલ ડૂડલ Image copyright Google
ફોટો લાઈન હંસ ક્રિશ્ચિયન ગ્રામનું ગૂગલ ડૂડલ

ગૂગલ આજે ખાસ ડૂડલ બનાવીને ડેનિશ માઇક્રોબાયૉલૉજિસ્ટ હંસ ક્રિશ્ચિયન ગ્રામનો 166મો જન્મદિવસ ઊજવી રહ્યું છે.

ગૂગલે જે ડૂડલ બનાવી મૂક્યું છે એ ડેનિશ અતિથિ કલાકાર મિકેલ સોમરે ડિઝાઇન કર્યું છે.

આ ડૂડલમાં હંસ ક્રિશ્ચિયન ગ્રામના પ્રયોગથી લઈને માઇક્રોસ્કૉપ અને બૅક્ટેરિયાના નમૂનાઓને બારીકાઈથી દર્શાવવામાં આવ્યા છે.

હંસ ક્રિશ્ચિયન ગ્રામને તેમની શોધ ગ્રામ સ્ટેનિંગના રૂપમાં દુનિયાભરમાં ઓળખવામાં આવે છે.

તેમની આ જ પદ્ધતિથી જીવાણુઓની પ્રજાતિઓને અલગઅલગ કરી શકાય છે.

હંસ ક્રિશ્ચિયને 1884માં બૅક્ટેરિયાના વર્ગીકરણ કરવાની રીતની શોધ કરી હતી.

એમના મૃત્યુના આઠ દશક બાદ પણ એમની એ રીતનો હજી ઉપયોગ થાય છે. અનેક વૈજ્ઞાનિક પરીક્ષણો ઉપરાંત તે બીમારીની ભાળ મેળવવામાં ઉપયોગી છે.


આ ગ્રામ સ્ટેનિંગ પદ્ધતિ શું છે?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના માઇક્રોબાયૉલૉજિસ્ટ નઝીર એહમદે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે ગ્રામ સ્ટેનિંગ પદ્ધતિને કારણે વિજ્ઞાનની દુનિયામાં એક પ્રકારની ક્રાંતિ આવી છે.

"આજે કોઈ પણ જીવાણુઓની ઓળખ માટે ગ્રામ સ્ટેનિંગ પદ્ધતિનો ઉપયોગ કરાય છે. જીવાણુઓ અનેક પ્રકારના હોય છે. જેમાં આપણને ખબર હોતી નથી કે આ પૉઝિટિવ છે કે નૅગેટિવ."

તેમણે કહ્યું કે હંસ ક્રિશ્ચિયન ગ્રામે 'ગ્રામ સ્ટેનિંગ' નામની એક પદ્ધતિ વિકસાવી હતી.

"ગ્રામ પૉઝિટિવ બૅક્ટેરિયા આછા પર્પલ કલરના હોય છે અને ગ્રામ નૅગેટિવ બૅક્ટેરિયા પિંક કલરના હોય છે."

"ગ્રામ પોઝિટિવ બૅક્ટેરિયાના પડ જાડું હોય છે અને ગ્રામ નૅગેટિવ બૅક્ટેરિયાનું પડ પાતળું હોય છે."

જે બૅકટેરિયાનું પરિણામ ગ્રામ નેગેટિવ હોય તેનાથી ફેફસા, મૂત્રાશય, રક્ત ચેપ વગેરેની ખબર પડે છે.

જે બૅક્ટેરિયાની તપાસનું પરિણામ ગ્રામ પોઝિટિવ હોય એનાથી ત્વચાના રોગ, ડિપ્થિરિયા વગેરેની જાણકારી મળે છે.

Image copyright AFP

તેમણે કહ્યું કે મેડિકલમાંથી નહીં પણ માઇક્રોબાયૉલૉજીનાં તમામ ફિલ્ડમાં ગ્રામ સ્ટેનિંગનો ઉપયોગ થાય છે.

"ફાર્માસ્યુટિકલમાં પણ બૅક્ટેરિયાની ઓળખ માટે ગ્રામ સ્ટેનિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેથી પૉઝિટિવ-નૅગેટિવ બૅક્ટેરિયાની ઓળખ કરી શકાય છે."

તેમણે વધુમાં કહ્યું, "જ્યારે પણ કોઈ બ્લડ સૅમ્પલ, યુરિન સૅમ્પલ લેવામાં આવે ત્યારે અને તેમાંથી જીવાણુઓને અલગ તારવવામાં માટે ગ્રામ સ્ટેનિંગ કરવામાં આવે છે.

"રિસર્ચ દરમિયાન જ્યારે પણ કોઈ નવા જીવાણુની ઓળખ થાય ત્યારે પણ સૌપ્રથમ ગ્રામ સ્ટેનિંગ કરવામાં આવે છે. જેથી ઍન્ટિ-બાયૉટિક દવાઓ માટે કામ લાગે છે.

તેઓ કહે છે કે જીવાણુઓ કયા પ્રકારના છે એ નક્કી થયા પછી એ શરીરને કેટલું નુકસાન કરી શકે છે, તેના માટે કઈ દવા કારગત નીવડશે એ બધું આ પદ્ધતિ બાદ જાણી શકાય છે.


કોણ છે હંસ ક્રિશ્ચિયન ગ્રામ?

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

હંસ ક્રિશ્ચિયન ગ્રામનો જન્મ 13 સપ્ટેમ્બર, 1853માં થયો હતો. તેઓ મૂળ ડેનમાર્કના નિવાસી હતા.

વર્ષ 1878માં કોપનહેગન વિશ્વવિદ્યાલયમાંથી એમડી (ડૉક્ટર ઑફ મેડિસિન)ની ડિગ્રી મેળવ્યા બાદ તેઓએ યુરોપમાં જીવાણુ વિજ્ઞાન અને ફાર્માકોલૉજીનું અધ્યયન કર્યું હતું.

તેઓએ એક લોકલ સિવિક હૉસ્પિટલમાં જનરલ ફિઝિશિયન તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

હંસ ક્રિશ્ચિયન ગ્રામે બૅક્ટેરિયાને તેના રાસાયણિક અને ભૌતિક ગુણોના આધારે અલગઅલગ પ્રજાતિઓમાં વર્ગીકૃત કર્યા હતા.

14 નવેમ્બર, 1938માં હંસ ક્રિશ્ચિયન ગ્રામનું નિધન થયું હતું.

તેમની ગ્રામ સ્ટેનિંગ પદ્ધતિ માટે આજે પણ વિજ્ઞાનની દુનિયામાં તેમને યાદ કરાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.