PNB કૌભાંડ : નીરવ મોદીના ભાઈ નેહલ મોદી સામે ઇન્ટરપૉલની રૅડ કૉર્નર નોટિસ

નીરવ મોદી - વચ્ચે Image copyright Getty Images

પંજાબ નૅશનલ બૅન્કના અંદાજે 13.600 કરોડ કૌભાંડમાં ઇન્ટરપૉલે નીરવ મોદીના ભાઈ નેહલ મોદી સામે રૅડ કૉર્નર નોટિસ ઇસ્યૂ કરી છે.

પીએનબી કરોડો રૂપિયાના કથિત કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ થયેલી છે અને અદાલતે એમની જામીન અરજી ફગાવી દીધેલી છે.

નીરવ મોદીના ભાઈ 40 વર્ષીય નેહલ મોદી બેલ્જિયમના નાગરિક છે અને તેમની પર પણ હવાલાનો આરોપ છે.

અગાઉ ઍન્ફોર્સમેન્ટ ડિરોક્ટરરેટે(ઈડી)એ ઇન્ટરપૉલને વિનંતી કરી હતી કે પંજાબ નૅશનલ બૅન્ક કૌભાંડમાં એમણે જાણીજોઈને નીરવ મોદીને મદદ કરી છે.

ઇડીએ કહ્યું હતું કે 13,600 કરોડની ઉચાપત પછી નેહલ મોદીએ તમામ ડમી ડિરેક્ટરોના સેલફોનોનો નાશ કર્યો અને તેઓ સુરક્ષિત રીતે કેઇરો પહોંચે તે માટે ટિકિટની પણ વ્યવસ્થા કરી.

પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડનું ભારતીય બૅન્કિંગ ઇતિહાસનું આ સૌથી મોટું કૌભાંડ છે. વર્ષ 2018ની શરૂઆતમાં નીરવ મોદીએ તેમણે ભારત છોડી દીધું હતું અને એ બાદ તેઓ ક્યારેય ભારત પરત નથી ફર્યા. જોકે, નીરવ મોદી કૌભાંડનો ઇન્કાર કરે છે.

પંજાબ નેશનલ બૅન્ક(પીએનબી) ભારતની બીજા નંબરની બૅન્ક છે. નીરવ મોદીએ લંડન, ન્યૂ યોર્ક અને હૉંગકૉગમાં મોટાપાયે હીરાનો વેપાર જમાવ્યો હતો.

ફૉર્બ્સના આંકડા અનુસાર તેમની કુલ મિલકત 1.75 બિલિયન ડૉલર આંકવામાં આવી હતી.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
PNB કૌભાંડ: નીરવ મોદીએ કેવી રીતે કરી છેતરપિંડી

કોણ છે આ ગુજરાતી નીરવ મોદી?

Image copyright Getty Images

અંગ્રેજી વેબસાઇટ લાઇવમિન્ટ.કૉમના અહેવાલ અનુસાર નીરવ મોદીનો જન્મ હીરાના વેપારીઓ, ફૂલોના અત્તર અને ગુજરાતી શાયરી માટે જાણીતા પાલનપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો.

તેમના દાદા ઉત્તર ભારતમાં 1930-40ના સમયગાળા દરમિયાન હીરાનો વેપાર કરતા હતા. ત્યારબાદ તેઓ સિંગાપુર જતા રહ્યા હતા.

બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ આ વ્યવસાયની સ્થાપ્યો હતો. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે.

એમ કહેવાય છે કે યુવા ઉંમરથી જ તેમની રુચિ આર્ટ અને ડિઝાઇનમાં હતી અને તે યૂરોપના અલગ અલગ મ્યૂઝિયમ્સની મુલાકાતો લેતા હતા.

ભારતમાં વસી જવા અને ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસની ટ્રેનિંગ લીધા બાદ 1999માં તેમણે ફાયરસ્ટારનો પાયો નાખ્યો હતો.

આ કંપનીને પ્રખ્યાત બનાવવા માટે તેમણે યોગ્ય હીરાની પસંદગી અને તે પ્રમાણે દાગીના ડિઝાઇન કરવા અનેક મહિનાઓ પસાર કર્યા હતા.

એ સમયે તેમને અનુભવ થયો કે જ્વેલરીને લઈને ઝનૂન અને કલા બંને તેમનામાં રહેલી છે ત્યારે તેમણે બ્રાંડ બનાવવા તરફ એક પગલું આગળ ભર્યુ હતું.

2010માં તેઓ ક્રિસ્ટી અને સદબીના કેટલોગમાં સ્થાન પામનારા પ્રથમ ભારતીય જ્વેલર બન્યા હતા.

2013માં તેમને ફોર્બ્સ લિસ્ટ ઓફ ઇન્ડિયન બિલિયનર્સમાં સ્થાન મળ્યું અને ત્યારથી તેમણે આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા