સરદાર સરોવર ડૅમ અંગે ફરી સુપ્રીમમાં પિટિશન, મધ્યપ્રદેશમાં 178 ગામો પર ખતરો

સરદાર સરોવર ડૅમના વધી રહેલા જળસ્તર પર સુપ્રીમ કોર્ટમાં પિટિશન થઈ છે, જેમાં 178 ગામો પર ખતરો હોવાનું કહેવામાં આવ્યું છે.

વરિષ્ઠ વકીલ સંજય પરીખે સુપ્રીમ કોર્ટે અરજન્ટ પિટિશન દાખલ કરી છે.

આ પિટિશન મુજબ મધ્યપ્રદેશ સરકાર તરફથી હજી પુનર્વસનની કામગીરી પૂરી થઈ નથી, પરંતુ નર્મદા કંટ્રોલ ઑથોરિટી સતત ડૅમની જળસપાટી વધારી રહી છે અને તેને લીધે 178 ગામો ડૂબમાં જવાનો ખતરો ઊભો થયો છે.

Image copyright Niitin Patel Twitter

વરિષ્ઠ વકીલ સંજય પરીખે જસ્ટિસ એન. વી. રમણની કોર્ટમાં આ મામલે તત્કાળ સુનાવણી માટે પિટિશન દાખલ કરી છે.

બીબીસી ગુજરાતીએ તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં ડૂબી રહેલાં ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો હતો.

સરદાર સરોવર યોજનાના વિસ્થાપિતો માટે લડી રહેલાં મેધા પાટકરે અસરગ્રસ્ત 32,000 પરિવારો માટે ઉપવાસ પર બેઠાં હતાં.

સેંકડો સમર્થકો સાથે મેધા પાટકર મધ્યપ્રદેશના બડવાણી જિલ્લાના બળદા ગામ ખાતે નર્મદા નદીના કિનારે અનશન ઉપર બેઠાં હતાં.

સરદાર સરોવર ડૅમનું જળસ્તર સર્વોચ્ચ સપાટીએ પહોંચતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્ટીટ કર્યું હતું.

મેધા પાટકરે બીબીસીને આપેલી એક મુલાકાતમાં સંવાદદાતા તેજસ વૈધને કહ્યું હતું કે કે નરેન્દ્ર મોદી નર્મદાને પાણીથી વધુ પર્યટન સમજે છે.

પાટકરે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "34 વર્ષનાં અમારાં આંદોલનો છતાં આજે 'ગામોની હત્યા' થઈ છે. અનેક ગામોની જમીનો ડૂબમાં ગઈ છે."

"આજે અનેક ગામોની જમીનો ટાપુમાં ફેરવાઈ ગઈ છે."

ફોટો લાઈન મધ્યપ્રદેશના એક ગામની સ્થિતિ

પાટકર 'નર્મદા બચાવો આંદોલન'ના નેજા હેઠળ 34 વર્ષથી સરદાર ડૅમના નિર્માણ સામે લડત ચલાવી રહ્યાં છે, જેને કેટલાક લોકો 'વિકાસવિરોધી' માને છે.

એ વખતે પાણીની સપાટી 134 મીટરે પહોંચી હતી ત્યારે મેધા પાટકરે બીબીસીને કહ્યું હતું કે પાણી ન ભરાવું જોઈએ. ગામો ડૂબી રહ્યાં છે, તૂટી રહ્યાં છે અને જમીનો ટાપુ બની રહી છે. આવું બધું થાય છે, જો આથી પાંચ મીટર પણ વધુ પાણી ભરાયું તો હાહાકાર મચી જશે. પછી પુનર્વસન કરવું પણ મુશ્કેલ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ