નીલકંઠ વિવાદ : કીર્તિદાન, માયાભાઈ સહિત કલાકારોએ સ્વામીનારાયણ સંસ્થાનો ઍવૉર્ડ કેમ પરત કર્યો?

મોરારી બાપુ Image copyright chitrakutdhamtalgajarda.org

ગુજરાતમાં કથાકાર મોરારીબાપુના નીલકંઠ અંગેના નિવેદનનો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી.

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ મોરારીબાપુના નિવેદનનો વિરોધ કર્યા બાદ રાજ્યના ઘણા કલાકારો મોરારીબાપુની સાથે આવ્યા હતા.

જે બાદ બંને તરફથી નિવેદનો શરૂ થયાં હતાં અને તેના અનેક વીડિયો પણ વાઇરલ થયા હતા.

હવે આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો છે જ્યારે કેટલાક કલાકારોએ રત્નાકર ઍવૉર્ડ પરત આપવાની જાહેરાત કરી છે.

લોકગાયક ઓસમાણ મીર, હાસ્ય કલાકાર માયાભાઈ આહીર, ગાયક કીર્તિદાન ગઢવી, લેખક જય વસાવડા સહિત અન્ય કલાકારોએ આ ઍવૉર્ડ પરત આપવાની જાહેરાત કરી છે.

રત્નાકર ઍવૉર્ડ એ વડતાલની લક્ષ્મીનારાયણ દેવપીઠ દ્વારા લોકસાહિત્યકારો, લેખકો તથા સમાજમાં અન્યક્ષેત્રે પ્રદાન આપનારા લોકોને આપવામાં આવે છે.

આ ઍવૉર્ડમાં પ્રશસ્તિપત્રક તથા રોકડ રકમ પણ આપવામાં આવે છે.


શું છે સમગ્ર વિવાદ?

Image copyright Getty Images

સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિમાં કથાકાર મોરારીબાપુનું નિવેદન છે.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત એક કાર્યક્રમમાં મોરારીબાપુએ કહ્યું હતું, "લાડુડી ખાઈને નીલકંઠ ન થવાય."

ત્યારબાદ તેમના નિવેદનને લઈને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તથા સંપ્રદાય સાથે જોડાયેલા લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

જોકે, મોરારીબાપુએ એક અન્ય નિવેદનમાં કહ્યું કે તેમના કોઈ શબ્દોથી કોઈને દુ:ખ થયું હોય તો 'મિચ્છામી દુક્કડમ.'

મોરારીબાપુના આ નિવેદનને લઈને તેમના જ્ઞાન પર પ્રશ્ન ચિહ્ન લગાવવા સુધીના આરોપો કરવામાં આવ્યા હતા.


...પરંતુ કલાકારો શા માટે આટલા નારાજ થયા?

Image copyright facebook/Mayabhai Ahir

બગસરા સ્વામીનારાયણ સંપ્રદાયના સંત વિવેકસ્વરૂપદાસજીએ એક કાર્યક્રમમાં મોરારીબાપુના નિવેદનને વખોડી કાઢ્યું હતું.

તેમણે કહ્યું, "આ નિવેદનથી મને ખૂબ દુ:ખ થયું. મહાદેવને કોટી-કોટી વંદન પણ મહાદેવને આગળ રાખીને ભગવાન સ્વામીનારાયણનું ખંડન કરે છે એ વાત સહન થતી નથી."

તેમણે કલાકારોને ટાંકતા આગળ એમ પણ કહ્યું, "ઘણા નાસ્તિકો છે જે ભગવાનના સ્વરૂપનું ખંડન કરે છે અને તાળીઓ પાડનાર લોકો મળી જાય છે. દારૂ પીને જો કોઈ સારો કલાકાર કાર્યક્રમ કરે તો પણ લોકો તાળીઓ પાડે છે."

તેમના આ નિવેદનથી નારાજ ગુજરાતી કલાકારો અને લેખકોએ રત્નાકર ઍવૉર્ડ પરત આપવાની વાત કરી છે.

જોકે, તેમણે અન્ય એક વીડિયોમાં આ અંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સંત વિવેકસ્વરૂપદાસજીએ દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું, "ઘણા સમયથી નીલકંઠ વિશે વિવાદ ચાલતો હતો તેમાં બીજું બધું સમાધાન થઈ ગયું છે છતાંય અમુક કલાકારોના દિલ દુભાયાં હોય એવું લાગે છે."

" અમે અમારા કાર્યક્રમમાં કલાકારોને બોલાવીએ છીએ અને રત્નાકર મહોત્સવ ઊજવીએ છીએ. જો કલાકારોને દારૂ પીને સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરતા હોય એવા શબ્દોથી દુ:ખ થયું હોય તો અમે અમારા શબ્દો પાછા ખેંચીએ છીએ.


લોકકલાકાર અને લેખક શું કહે છે

Image copyright FB/Kirtidan Gadhvi

કીર્તિદાન ગઢવીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "એક સંસ્થા કલાકારોનું સન્માન કરે અને પછી આ પ્રકારનું નિવેદન આપે એ કલાકારોનું અપમાન છે."

"મોરારીબાપુ જેવા મોટા સંતે આ બાબતે માફી માગી તો પણ આ વિવાદ થોભતો નથી."

"મોરારીબાપુને કોઈ સંપ્રદાય પ્રત્યે વ્યક્તિગત અણગમો નથી પરંતુ એ પણ સત્ય છે કે કોઈ સંપ્રદાય સનાતન ધર્મ કરતાં મોટો નથી."

"સનાતન ધર્મને નીચે બતાવીને કોઈ પણ સંપ્રદાયને મોટો કરવો તે યોગ્ય નથી."

બીબીસી ગુજરાતીએ આ બાબતે લોકકલાકાર ભીખુદાન ગઢવી સાથે વાત કરી.

તેમણે કહ્યું, "કલાકારોને બે વાતનું દુ:ખ લાગ્યું છે એક તો 'દારૂ પીને સ્ટેજ પર આવે છે' એં કહીને અપમાનિત કરવામાં આવ્યા અને બીજું, મોરારીબાપુ વિશે પણ અયોગ્ય શબ્દો વાપરવામાં આવ્યા હતા."

તેમણે ઉમેર્યું, "મોરારીબાપુએ જે કહ્યું એમાં કંઈ ખોટું નથી. સનાતન ધર્મમાંથી જ બીજા સંપ્રદાય આવ્યા છે."

"મારો વ્યક્તિગત મત એવો છે કે આ પ્રકારના વિવાદને આગળ વધારવો ન જોઈએ."

"કલાકારોએ પોતાનો મત મૂકવા માટે ઍવૉર્ડ પરત આપી દીધા છે અને સંત વિવેકસ્વરૂપદાસજીએ પણ માફી માંગી છે તો આ વિવાદનો અંત આવવો જોઈએ."

એ સિવાય માયાભાઈએ એક વીડિયો જારી કરીને બગસરાના સ્વામીનારાયણ સંપ્રદાયના સંત વિવેકસ્વરૂપદાસજીના એક નિવેદનનો ઉલ્લેખ કરી તેને સમગ્ર કલાકાર સમાજનું અપમાન ગણાવ્યું.

જય વસાવડાએ એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, "બાપુ માટે જેમને ભાવ ન હોય, જે સંસ્થાએ બાપુનું નામજોગ અવિવેકથી અપમાન કર્યું હોય, વિરોધ કર્યો હોય એમનો ઍવૉર્ડ પાસે રાખતા અને એની સામે રોજ ઘેર જોતા મારો અંતરાત્મા ડંખે છે. બધાને જેમ પોતાના વ્યક્તિગત નિર્ણયો અને પસંદ હોય એમ મારેય હોય."


આ ધાર્મિક રાજકારણ છે?

Image copyright Getty Images

ગુજરાતમાં ધાર્મિક વર્તુળમાં વિવાદ પર વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ કહે છે, "પરાપૂર્વમાં શૈવ અને વૈષ્ણવો વચ્ચે જંગ થતો શું આપણે એ યુગમાં જઈ રહ્યા છીએ?"

"સંપ્રદાયો સનાતન ધર્મની છત્રછાયામાં છે એ સત્ય છે. પણ ભારતીય વ્યવસ્થામાં બધા સંપ્રદાયો અને ધર્મોનું સન્માન કરવાની વાત કરવામાં આવી છે."

"ભારત ધર્મનિરપેક્ષ દેશ છે એ કોઈ થિયોક્રેટિક દેશ નથી જ્યાં ધર્મનું રાજ હોય. અહીં બધા સંપ્રદાયોનું સન્માન કરવામાં આવ્યું છે."

"ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ તો લાગે છે કે ધાર્મિક રાજકારણ ચાલી રહ્યું હોય."


નીલકંઠ, નીલકંઠવર્ણી અને વિવાદ

Image copyright Getty Images

વિવાદની પૃષ્ઠભૂમિને સમજવા માટે નિલકંઠ અને નિલકંઠવર્ણી શબ્દ પણ સમજવા રહ્યા.

હિંદુધર્મમાં પ્રચલીત માન્યતા પ્રમાણે, સમુદ્રમંથન ચાલી રહ્યું હતું, ત્યારે તેમાંથી એક પછી એક ચીજો નીકળી રહી હતી. જે દેવો અને દાનવો પરસ્પર વહેચી રહ્યા હતા. એ સમયે કાલકૂટ ઝેર નીકળ્યું.

જ્યારે બંને પક્ષો તેને લેવા તૈયાર ન થયા, ત્યારે તેઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા. સંહારના દેવ શિવે ઝેર પીધું તો ખરું, પરંતુ તેને ગળાથી નીચે ન ઉતાર્યું.

પરંતુ ઝેરની અસરને કારણે તેમનું ગળું નીલા રંગનું થઈ ગયું, આથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા.

સ્વામીનારાયણ સંપ્રદાય બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા, વડતાલ ગાદી, કાલુપુર ગાદી, મણિનગર સંસ્થા, સોખડા સંસ્થા સહિત અલગ-અલગ પંથમાં વિભાજીત છે.

આ તમામ સંપ્રદાય સ્વામીનારાયણને તેમના આરાધ્યદેવ માને છે. જેમનું એક નામ નીલકંઠવર્ણી છે.

સ્વામીનારાયણ સંપ્રદાયમાં પ્રસાદ સ્વરૂપે મોટા ભાગે લાડુનું નાનું સ્વરૂપ એટલે કે લાડુડી આપવામાં આવે છે એટલે આ વિવાદ ઊભો થયો છે.

જોકે, કથાકાર મોરારીબાપુએ માફી માગીને વિવાદ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો અને તેમના નિવેદનને આગળ-પાછળના સંદર્ભ વગર જોવાઈ રહ્યું હોવાની વાત કહી.

મોરારીબાપુ તરફથી નીલેશભાઈએ બીબીસીને કહ્યું હતું કે બાપુએ આ બાબતે સ્પષ્ટતા કરી હતી પરંતુ જો કોઈ વિવાદ ઊભો કરવા માંગે તો શું કરી શકાય?

જોકે, તેમણે ઉમેર્યું કે મોરારીબાપુએ નીલકંઠ બાબતે જે કહ્યું તે સત્ય છે.

સામાપક્ષે સ્વામીનારાયણ સંસ્થાઓએ પણ હરિભક્તોને સામસામે આરોપ-પ્રતિઆરોપ તથા વાદવિવાદ નહીં કરવા અપીલ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ