મમતા વિરુદ્ધ ડાબેરીઓના વિરોધપ્રદર્શનમાં હિંસા, ચક્કાજામ, અનેક ઘાયલ

બંગાળમાં ઘર્ષણ Image copyright SANJAY DAS/BBC

પશ્ચિમ બંગાળમાં રોજગારને લઈને પરસ્પર વિરોધી દાવાઓ વચ્ચે શુક્રવારે પોલીસ અને ડાબેરી વિદ્યાર્થીઓ અને યુવા સંગઠનોના સેંકડો કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.

સ્ટુડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એસએફઆઈ) અને ડેમૉક્રેટિક યૂથ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ડીવાઈએફઆઈ) સહિત 12 ડાબેરી સંગઠનોના સભ્યોએ શિક્ષણ અને રોજગારની માગને લઈને હુગલી જિલ્લાના સિંગુર અને હાવડા જિલ્લામાં રાજ્ય સચિવાલય નવાન્ન સુધી એક રેલીનું આયોજન કર્યું હતું.

સિંગુર એ જગ્યાએ છે જ્યાં ટાટાની લખટકિયા કાર યોજના શરૂ થવાની હતી. જોકે, મમતા બેનરજીના આંદોલનને કારણે 2008માં ટાટા સમૂહ રાતોરાત અહીંથી પોતાનો બિઝનેસ સમેટીને ગુજરાત જતો રહ્યો હતો.

ડાબેરી સંગઠનોની આ રેલી 12 સપ્ટેમ્બરના રોજ સિંગુરથી શરૂ થઈ હતી અને આજે રાજ્યના સચિવાલય સુધી પહોંચવાની હતી. કાલે રાત્રે આ રેલી ડાનકુનીમાં રોકાઈ હતી.

ત્યાંથી સવારે રવાના થયા બાદ પોલીસે હાવડાના મલ્લિક ફાટક વિસ્તારમાં પહેલાં બેરિકેટ લગાવીને રેલીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલીમાં સામેલ લોકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

Image copyright SANJAY DAS/BBC

રેલીમાં સામેલ કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે પહેલાં ટિયર ગૅસના ગોળા છોડ્યા અને ત્યારબાદ વૉટર કૅનનનો ઉપયોગ પણ કર્યો હતો.

સચિવાલયથી થોડે દૂર આવેલા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ઊભો થઈ ગયો હતો. પોલીસના લાઠીચાર્જમાં અનેક કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા.

બીજી તરફ પોલીસનો દાવો છે કે રેલીમાં સામેલ લોકો તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ ભીડને ખસેડવા માટે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે પથ્થરમારામાં એક વરિષ્ઠ અધિકારીના માથા પર ઈજા થઈ છે.

પોલીસ અને ડાબેરી કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં આ વિસ્તારમાં આતંક ફેલાઈ ગયો હતો.

આ ઘર્ષણને કારણે અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને કલાકો સુધી લોકો તેમાં ફસાયેલા રહ્યા હતા.

એક સ્થાનિક દુકાનદારે જણાવ્યું, "રેલીમાં સામેલ લોકો સરકાર વિરુદ્ધ નારા લગાવતા હતા. પોલીસે તેને આગળ જતા અટકાવ્યા તો તેમણે પથ્થરમારો કર્યો હતો."

"જે બાદ પોલીસે ટિયરગેસ છોડ્યો અને કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જેમાં ભાગદોડ થઈ હતી."

Image copyright SANJAY DAS/BBC

આ દરમિયાન ડાબેરી સંગઠનોએ પોલીસ પર સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસના ઇશારે શાંતિપૂર્ણ રેલી વિરુદ્ધ હિંસાનો સહારો લેવાનો આરોપ લગાવ્યો છે.

ડાબેરી સંગઠનોનો દાવો છે કે સરકારની તમામ ઘોષણાઓ છતાં રાજ્યમાં રોજગારી વધી રહી નથી. તેનાથી ઊલટું અનેક કંપનીઓ બંધ થઈ ગઈ છે.

તેમનો દાવો છે કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ખૂબ જ કથળી ગયું છે અને સરકાર શિક્ષણ પાછળ પૂરતો ખર્ચ કરતી નથી.

બીજી તરફ મમતા સરકારમાં મંત્રી પાર્થ ચેટરજીનું કહેવું છે કે રાજ્યમાં બેરોજગારી ઘટી છે અને અન્ય રાજ્યો કરતાં બેરોજગારી ઓછી છે.

ભાજપના રાષ્ટ્રીય સચિવ રાહુલ સિંહા કહે છે કે કરોડો રૂપિયા ખર્ચ કરીને દર વર્ષે રોકાણકારોનું સંમેલન કર્યા બાદ પણ રાજ્યમાં એક પણ નવો ઉદ્યોગ આવ્યો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો