મોદીના મંત્રી બોલ્યા : 'રોજગારની કમી નથી, યોગ્યતાની કમી,' પ્રિયંકા, માયાવતી ગુસ્સે

સંતોષ ગંગવાર Image copyright Getty Images
ફોટો લાઈન કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર

કેન્દ્રીય અને શ્રમ રોજગાર રાજ્યમંત્રી સંતોષ ગંગવારના રોજગારી અંગેના એક નિવેદન પર વિવાદ થયો છે.

15 સપ્ટેમ્બરે આપેલા એક નિવેદનમાં સંતોષ ગંગવારે કહ્યું, "દેશમાં નોકરીઓની કમી નથી, આપણા ઉત્તર ભારતમાં જે ભરતી કરવા આવે છે, તેઓ એ વાતનો સવાલ કરે છે કે જે પદ માટે ભરતી કરવાની હોય છે તે માટેના યોગ્ય ઉમેદવાર મળતા નથી."

ગંગવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "આજ કાલ અખબારોમાં દરરોજ રોજગારની કમીની વાતો આવે છે. અમે એ જ મંત્રાલયને જોવાનું કામ કરીએ છીએ. દરરોજ તેની દેખરેખ કરીએ છીએ. દેશભરમાં રોજગારની કમી નથી, ઘણી નોકરીઓ છે."

ગંગવારના આ નિવેદન પર પ્રિયંકા ગાંધી, માયાવતી સહિત અનેક નેતાઓ ગુસ્સે થયાં છે અને આકરી પ્રતિક્રિયાઓ આપી છે.


'ઉત્તર ભારતીયોનું અપમાન'

કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આ મામલે મંત્રીને આડેહાથ લેતા કહ્યું કે તમે ઉત્તર ભારતીયોનું અપમાન કરીને બચવા માગો છો. એ નહીં ચાલે.

તેમણે કહ્યું, "મંત્રીજી, પાંચ વર્ષ કરતાં વધારે સમયથી તમારી સરકાર છે. નવી નોકરીઓનું સર્જન થયું નથી. જે નોકરીઓ સરકાર લાવી હતી તે આર્થિક મંદીને કારણે છીનવાઈ રહી છે."

"યુવાનો રાહ જોઈ રહ્યા છે કે સરકાર કંઈક સારું કરશે. તમે ઉત્તર ભારતીયોનું અપમાન કરીને બચાવા માગો છો. આ નહીં ચાલે."

માયાવતીએ કહ્યું કે આર્થિક મંદીની ગંભીર સમસ્યાના સંબંધમાં કેન્દ્રીય મંત્રીઓનાં અલગ-અલગ હાસ્યાસ્પદ નિવેદનો બાદ હવે દેશ અને ખાસ કરીને ઉત્તર ભારતીયોની બેરોજગારી દૂર કરવાને બદલે એવું કહેવું કે રોજગારની કમી નથી પરંતુ યોગ્યતાની કમી છે. આ ખૂબ જ શરમજનક છે, જે અંગે દેશની માફી માગવી જોઈએ.


આંકડા કરતાં ઊલટું નિવેદન

Image copyright Getty Images

ગંગવારનું આ નિવેદન નેશનલ સૅમ્પલ સર્વેના ડેટા કરતાં તદ્દન વિરોધી છે. આ સર્વે 2019ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં લીક થયો હતો.

આ સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે દેશભરમાં બેરોજગારીનો દર છેલ્લાં 45 વર્ષોમાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયો છે.

એ સમયે મોદી સરકારે આ લીક થયેલા રિપોર્ટને નકારી દીધો હતો. લીક થયેલો રિપોર્ટ બાદમાં સાચો સાબિત થયો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની બીજી કૅબિનેટે શપથ લીધાના એક દિવસ બાદ જ સરકારે આંકડા જારી કરતા જણાવ્યું હતું કે છેલ્લા ચાર દાયકામાં બેરોજગારી સૌથી ખરાબ સ્તર પર પહોંચી ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ